Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 1 - 2

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૧

અમેરિકાથી ગટુ આવ્યો અને સાથે વાત એવી લાવ્યો કે "ચલો અમેરિકા; વીઝા વિના" ત્યારે ભક્તા પટેલ અને માછીમારોની કોમમાં ચહલપહલ મચી ગઈ. ગટુનો સંદેશો જ ભલભલાને ગલગલિયાં કરાવે તેવો હતો.

  • “પાસપૉર્ટ કઢાવવાનો નથી,
  • વહેલો તે પહેલોના ધોરણે,
  • મર્યાદિત જોડાંઓને અને તેમનાં સંતાનોને લઈ જવાનાં છે.
  • પ્રવાસ દરમ્યાન ખાધાખોરાકી અપાશે.
  • અમેરિકામાં નોકરી અપાશે.
  • અમેરિકા પહોંચ્યાં પછી છ મહીને ડૉલરમાં કમાઈને પૈસા આપવાના છે.”
  • ગટુએ આ સંદેશો થોડા મિત્રોમાં રમતો કર્યો હતો. અને આશા હતી કે તમાશાને તેડું ના હોય તેમ લોકો તમાશો જોવા તો જરૂર આવશે. વાત સમજશે અને જરુરિયાતમંદ લોકો જરૂર આવશે. જગ્યા હતી તેના સાળાની દારુની દુકાન અને સમય પણ અતાડો સવારે સાડા નવનો.

    બીજા દિવસની સવારે તેની દુકાને લાઇન પડી ગઈ હતી. દરેકને જાણવું હતું કે આ દરખાસ્ત શું હતી? સામાન્ય રીતે આ દુકાન રાતના ખૂલતી હોય પણ આજે ગટુ વહેલો આવ્યો અને દુકાન ખોલી માનપૂર્વક સૌને બેસાડ્યા. સાડા નવના ટકોરે જેટલા આવ્યા હતા તેમને બેસાડી બારણું બંધ કરી દીધું. અને જાહેર કર્યું કે હવે આ ૨૨ જણ સિવાય કોઈ નવું નામ નહીં લેવાય. પહેલાં આવ્યા તે લેવાયા.

    સવારે આદુ નાખેલી ચા અને સુરતી સેવખમણી સૌને પીરસાઈ. સાથે ગટુએ સૌને વિનંતી કરી કે આજે જે વાતો તે કરશે તે વાતો ખૂબ જ ખાનગી રાખજો. તમારે અત્યારે કશું નથી ભરવાનું પણ અમેરિકા પહોંચ્યા બાદ ત્યાંના કમાયેલા ડૉલર ૫૦૦૦ મને આપવાના છે. સૌ કોઈ સાંભળતા હતા. હજી ચા અને નાસ્તો ખવાતો હતો.

    ગટુએ ખોંખારો ખાઈને વાત શરૂ કરી.

    અમેરિકામાં મહેનતકશ મજૂરોની ખૂબ જ જરૂર છે અને એવું જોયું છે કે એકલા મજૂર કરતાં તેના આખા કુટુંબને લઈ જવાય તો તે મજૂરના કુટુંબને અમેરિકામાં સારું વળતર અને સંતાનોને સારું ભણતર મળે છે. અહીં આપણને જે મળે છે તેના કરતાં ત્યાં આવકો ઘણી ઊંચી છે. એક ડૉલર એટલે ૭૦ રૂપિયા. હવે કલાકની તમારી મજૂરીની કિંમત થશે ૧૫ ડૉલર એટલે ૮ કલાકની મજૂરી થશે ૧૨૦ ડૉલર એટલે ૧૨૦ ડૉલર ગુણ્યા ૭૦ રુપિયા બરાબર, ૮૪૦૦ રૂપિયા અને અઠવાડિયાના ૪૦ કલાકના રૂપિયાની ગણતરી હું તમારી ઉપર છોડું છું.

    થોડોક શ્વાસ લઈને ફરીથી ગટુ બોલ્યો. શું તમારો ખર્ચો ૫ ડૉલર ગણો તો પણ તમે પૈસા બચાવો જ...તમારી પત્ની તમારી સાથે કામ કરે તો આ કમાણી બમણી અને તમે ધારો તો ઓવર ટાઇમ મળે તે નફામાં.

    ગટુ જોઈ રહ્યો હતો. લાલચનો ગાળિયો મજબૂત કસાઈ ગયો હતો.

    વાતોને અંતિમ તબક્કામાં લાવતાં ગટુ બોલ્યો, હવે તમારા સૌના મનનો આખરી સવાલ. તમને ત્યાં બોલાવતા માલિકની ઓળખાણ. આપણા સુરતના નાનુભાઈ નાયક કે જેમની ૪૦ મોટેલો છે, બૅન્ક છે અને સૌથી મોટી વાત આપણા દેશીઓનું ભલું ઇચ્છે છે. તેઓ તમે અમેરિકા સુધી પહોંચો ત્યાં સુધીનો તમારો ખર્ચો ભોગવશે. ત્યાં પહોંચ્યાં પછી તમારા પગારમાંથી તે પૈસા કાપીને અમને પણ તમારા વતી અપાનારા ૫૦૦૦ આપશે અને એ લોન વસુલ થયે તમે જો ઇચ્છતા હશો તો મોટેલ માલિક પણ બનાવશે.

    “ગટુભાઈ, એક પ્રશ્ન પૂછું?”

    “હા, ચોક્કસ પૂછો.”

    “આ ‘ખુલ જા સીમ સીમ’વાળા રસ્તામાં પાસપૉર્ટની જરૂરત કેમ ક્યાંય નથી?”

    "કારણ કે આપને દરિયા માર્ગે લઈ જવાનાં છે અને પાસપૉર્ટ અમેરિકાની ધરતી ઉપર બનશે તેથી પાસપૉર્ટની ક્યાંય જરૂરત પડવાની નથી.”

    "માય ગોડ ! તમે હ્યુમન ટ્રાફિકીંગ કરશો?"

    ***

    પ્રકરણ – ૨

    ગટુભાઈ કહે, આનું જ નામ નેકી કરો ને કુવામાં નાખો.

    નાનુભાઈ શેઠની ગામને ઊંચું લાવવાની લાગણીની ભેંસ ગઈ પાણીમાં…સુરતમાં કે મુંબઈમાં પૂછી જુઓ, અમેરિકા લઈ જુઓ; લોકો સામેથી ૩૦ લાખ રૂ. આપવા પડે છે.

    “પૈસા તો અહીં પણ આપવા પડે છે ને?”

    “પણ કમાયા પછી ને? ત્યાં સુધીનું બધું જોખમ તો તેમનું ને?”

    “શું જોખમ?”

    દસ હજાર માઈલ દૂર બિન કાયદેસર લઈ જવાનું ? ત્યાં તમારા સૌની રહેવા અને નોકરી આપવાની ફિકર કરવાની અને ત્યાં જઈને પાસપૉર્ટ અપાવવાની.”

    “આ બધાં જોખમો થોડાં છે?”

    ગટુ એ ભાઈને જોઈ રહ્યો. પછી બોલ્યો, “ભાઈ, તમને માહિતી જોઈતી હતી તે મેં આપી.”

    પેલા ભાઈ વધુ પ્રશ્નો પૂછે તે પહેલાં બીજા શ્રોતાઓએ “ચાલ, ચૂપ ! કહીને તેને બેસાડી દીધો.

    મુંબઈથી ઊપડતી બોટમાં દુબઈ સુધીનો પ્રવાસ ૧૫ દિવસ થશે. પછી દુબઇથી પનામા કેનાલ ૧૫ દિવસ અને પનામા કેનાલથી ગ્વાટામાલા બીજા ૨૧ દિવસને અંતે પહોંચશું ત્યારે સમુદ્ર સફર પૂરી થશે.

    આ સમુદ્રસફર દરમ્યાન નાનુભાઈ નાયક તરફથી અન્ન અને ખાધાખોરાકી મળશે અને ત્યાં જઈને જે મોટેલમાં કરવાનું કામ છે તે શીખવશે. અંગ્રેજી ભાષામાં જરૂરી તાલીમ અપાશે કે જેથી જતાંની સાથે તમે કામને લાયક બની જાવ. ગ્વાટેમાલાથી મેક્સિકો થઈને સાન ડિયેગોના કાંઠા ઉપર દાખલ થતાં આપને અને આપના કુટુંબીજનોને એક દિવસની જેલ થશે. કાયદાકીય કાગળો ન હોવાને કારણે.

    બીજે દિવસે કાયદાકીય કાગળો નાનુભાઈ કરશે અને આપને છોડાવશે.

    હવે આપ સમજી શકશો કે નાનુભાઈ આપને કાયદાકીય રક્ષણ આપી આપને નાણાકીય ઉન્નતિના માર્ગે લઈ જઈ રહ્યા છે.

    ગટુભાઈ વાત કરતાં બધાને જોઈ રહ્યા હતા. દરેકનાં મોં પર ભય અને અવિશ્વાસ વરતાતો હતો. પણ આ જ તો કસોટી હતી. તેમણે તેમની વાત આગળ ચલાવતાં કહ્યું..

    તમને લાગશે કે આ ગૂંચવણભરી વ્યવસ્થા છે. એટલું સત્ય માનજો કે હું આ રસ્તે જ ત્યાં પહોંચ્યો અને આ તપશ્ચર્યા બાદ ૬ મહીને ૧૫૦૦૦ ડૉલર લઈને પાછે આવ્યો છું. અને આ વખત પણ હું તમારા લોકોની સાથે ડોક્યુમેંટ હોવા છતાં આવું છું અને મને નાનુ ભાઈ તમને લોકોને સંભાળીને લઈ જવાનું ભથ્થુ પર પર્સન આપવાના છે.. અને તમે સમજી શકો છો કે આ મિશન તકલીફદેય હોય તો બીજી વખત મારે આ ખેપ કરવાની શું જરૂર? મારી માને આ પૈસા આપીને તેને સમજાવવું છે કે આ પછીની ખેપમાં આનાથી પણ વધુ પૈસા લાવવાનો છું. આ જોખમી મિશન લાગતું હોય તો તે લોકો ઘરે જઈ શકે છે.

    સાંજે ૪ વાગ્યે જે લોકોને આ મિશન ઉપર આવવું હોય તે આવી શકે છે. હું માનું છું, આવી તક દરેક્ને મળતી નથી. જે આવી તક મળતી હોય ત્યારે મોં ધોવા જાય તે રહી જતા હોય છે .

    સાંજે ૨૧ સભ્યમાંથી ૧૫ જણા આવ્યા.

    દરેક્ને બે ગરમ વસ્ત્ર અને ધાબળો આપતાં સાંજનાં મેલમાં સાયણની ટિકિટ અપાઈ. અને તેમનો સામાન એકઠો કરી દરેક્ને રવાના કરાયા. ગટુ સાંજે પ્લેનમાં મુંબઈ વહેલો જઈને સાયણ મળવાનો હતો. મોડી રાત્રે સ્ટીમરમાં સૌ રવાના થવાના હતા. પંદર જણમાં પાંચ કુટુંબો હતાં. સૌ તેઓની બેરોજગારીથી કંટાળેલા હતા અને જરૂરિયાતમંદ હતા.

    ટ્રેનમાં બેસતાં એકમેક્ની ઓળખાણ કરતાં ખબર પડી, પાંચેય માછી હતા. તેમની પત્નીઓ અને ત્રણ છોકરીઓ અને બે છોકરા સ્કૂલમાં ભણતા હતા અને વાતો કરતાં એક વાતે તેઓ દુઃખી હતા; આટલી તકલીફ વેઠતાં એક વખત તેમને જેલ જવું પડવાનું હતું. પણ સૌને ખુશી હતી કે કોઈએ હાથ પકડ્યો હતો અને માછીમારી સિવાયનું કામ અંતે મળવાનું હતું. અને ગટુ ઉપર બધાને ભરોસો હતો.

    ***