Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 7 - 8

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ – ૭

પનામાથી મુસાફરી લાંબી હતી. રસોઇયો સુરતી હતો. ખાવાનું સારું મળતું હતું. અંગ્રેજીમાં જ વાતો કરવાની પ્રેક્ટીસ પાડી હતી. ગટુ કહેતો, અંગ્રેજીમાં પ્રશ્ન પુછાય તો પહેલાં જવાબ મનથી નક્કી કરીને બોલો. ભાંગ્યુંતુટ્યું પણ અંગ્રેજીમાં જવાબ આપો. અમેરિકનને સમજણ નહીં પડે તો તે સામેથી તેને જે સમજાયું તે ફરી પૂછશે. સાંજે નાનુભાઈના વીડિયો સેશનમાં સૌ તલ્લિનતાથી સાંભળતાં. અને ઊઠતા પ્રશ્નોના જવાબ ગટુ આપતો. દિવસો ઝડપથી વિતતા જતા હતા. ટેલિફોન ઉપર અમેરિકાના પ્રમુખે બોર્ડર ઉપર અમેરિકન સૈન્ય તહેનાત કર્યું વાળા સમાચારે ગટુ ગભરાયો. પણ નાના શેઠ કહેતા, "ચિંતા ના કર... ભસતાં કૂતરાં કરડતાં નથી."

"નાના શેઠ, તમારા અવાજમાં ધ્રુજારી સંભળાય છે. શું હકીકત છે તે કહો."

"આ વખતે ૫૦૦૦ કરતાં વધુ માણસો જુદાજુદા દેશના માણસો સાથે પ્રવેશ કરે છે. જેથી ઇમીગ્રેશન ખાતું ચોક્કસ થઈ ગયું છે. જેલમાં કદાચ એક દિવસ કરતાં વધુ રહેવું પણ પડે. વહાણની ઝડપ બમણી કરાવી દીધી છે અને દરેક પેસેંજરને પોલીસને આપવાના ૫૦ પેસો ( મેક્સિકન ચલણી નાણું) આપી દો કે જેથી એસાયલમમાં પ્રવેશ ઝડપી થાય."

"નાના શેઠ, ચિંતાનું કારણ નથી ને?"

"ચિંતાનું કારણ છે અને તે છે એસાયલમનો પ્રવેશ..રોજના ૧૦૦ માણસના દરે પૉર્ટ પર ખૂબ ભરાવો થઈ શકે છે. અને સત્તાધીશોને દબાવવામાં હજી વિરોધપક્ષ સફળ નથી થયો."

"તો?"

"વિરોધ પક્ષ સફળ થાય તે માટે વાટાઘાટો કરે છે."

"શેઠ અહીં તો ઉહાપોહ મચી જશે."

"મને ખબર છે. તેથી આજની મારી રેડિયો ટૉકમાં હું વિપરિત વાતાવરણમાં કેવી રીતે ટકવું તે વિશે સમજાવીશ. તું હાલમાં શાંત રહેજે."

"ભલે."

સાંજની રેડિયો ટૉકમાં નાનાશેઠ બહુ ગંભીર હતા. કાયમ હકારાત્મક વાતો અને સલાહ સૂચનોનું કલેવર બદલી વાસ્તવિકતામાં કેવી રીતે જીવાયવાળી વાતો મુદ્દો હતી. મૂળ તો રાજા થવાવાળા રામને ૧૪ વરસનો વનવાસ મળ્યો ત્યારે તેમણે તે વિષ કેવી રીતે પીધું, કર્મરાજાના ન્યાયને ક્યારેય કોઈએ ઉવેખ્યો નથી. આપણને તો ફક્ત કામ કરવાનો જ અધિકાર. ફળ તો તેના સમયે જ પાકે અને તે પણ તમારું ધાર્યુ પરિણામ આવે કે ના પણ આવે. મોટા વહાણની સ્પીડ વધારે હતી અને સીધી મેક્સિકો જવાની વાત નાના શેઠે કહી ત્યારે સફર કરતાં સૌએ તે વધાવી."

શ્રોતાઓ આનંદમાં હતા. નાનાશેઠની વાત એકલો ગટુ સમજતો હતો પણ તેને સમજાવવાની મનાઈ હતી. વહાણ મેક્સિકો પાંચ દિવસે પહોંચી જશે. ટીવાનાથી પાંચ માઇલ બધા પેસેંજરો તેમનો સામાન લઈ ઊતરી જવાના હતા. સાતમે દિવસે તેમનો ભેટો અમેરિકન પોલીસ અને મેક્સિકન પોલીસ સાથે થવાનો છે. તેમને સૂચવ્યા પ્રમાણે એક દિવસ એસાયલમમમાં રહી તેમને અમેરિકન ધરતી ઉપર છૂટા મૂકી દેવાના છે પણ તેવું થવાનું નથી. સહદેવ જે દ્રૌપદીની થનાર દુર્દશાથી જેમ વાકેફ હતો અને વ્યથિત હતો તેમ જ આ ૪૦ જોડાંઓની થનાર દુર્દશાથી વ્યથિત હતો. તેને મળનાર મોટેલ અને રાજપાટ કરતાં આ ૧૦૫ની દુર્દશાથી વધારે તકલીફ થતી હતી.

અમેરિકાના પ્રમુખે કડક પગલાં લેવાશેની જાહેરાત કરી ત્યારે તો તે ખાસ્સો હલી ગયો. જેમ જેમ મેક્સિકો નજીક આવતું ગયું તેમ તેમ બધાનો ઉન્માદ અને આનંદ વધતો ગયો. મેક્સિકો કોર્નર ઉપર સાપ અને નૉળિયાની લડાઈ છેડાઈ ગઈ હતી. મેક્સિકન સરકાર હવે આ વસાહતીઓને હવે મેક્સિકોમાં પ્રવેશ આપવામાં વિઘ્નો પેદા કરવા માંડી હતી. જેમને અમેરિકા જવું છે તેવા વસાહતી પાસે ભારે દંડ ઉઘરાવવા માંડી હતી અને મેક્સિકોમાં કામ માટે એસાયલમમાં રહેનારાને પેસોમાં વળતર અપાવાનું હતું. હુંડ્રરસથી ચાલતો આવેલ પહેલો સમૂહ પૈસા ઓછા મળે છે તેમ કહી મેક્સિકોમાં રહેવાને બદલે આગળ ગયો.. મેક્સિકો બૉર્ડર પર ધમાલ કરીને અમેરિકન બૉર્ડરમાં ઘૂસી તો ગયા. પણ પોલીસપહેરાએ તેમના ઉપર લાઠી ચાર્જ કર્યો. મેક્સિકન બૉર્ડર ઉપર ધકેલી મૂકી.

નાના શેઠનાં વહાણ હજુ આવવાને પાંચ દિવસની દૂરી પર છે

***

પ્રકરણ – ૮

પાંચમા દિવસે વહેલી સવારના મેક્સિકોનો કિનારો દેખાયો. સૌ હરખની હેલીમાં ઝૂમતા હતા ત્યારે ગટુ અવઢવમાં હતો. તેને થતું હતું, નાના શેઠની ચાકરી ભૂલી જઈને સૌને વાસ્તવિકતા જણાવી દેવી જોઈએ.

નાના શેઠ સવારે સાડા સાતે હકીકત જે છે તે જણાવવાના હતા. દરેક્ને ગટુના મોં પરની ગંભીરતા કઠતી હતી. માર્કે પૂછ્યું પણ ખરું કે "ગટુભાઈ, શું વાત છે, અમેરિકાપ્રવેશનો હરખ બીલકુલ દેખાતો નથી ને?"

"નાના શેઠ લીલી ઝંડી બતાવે એટલે ગંગા નાહ્યાં."

"કેમ ઢીલું ઢીલું બોલો છો?"

"હવે કસોટીની પળ આવે છે ને?"

"હું કંઈ સમજ્યો નહીં."

"આપણા ઘરમાં વિના આમંત્રણે કોઈ દાખલ થાય તો તે આપણને ગમે?"

માર્ક પ્રત્યુત્તર આપવાને બદલે મૌન રહ્યો. એટલે ગટુ કહે, "આપણે આ ખેપ ઉપર નીકળ્યા ત્યારે અને આજે પરિસ્થિતિ બદલાયેલી છે. અમેરિકા પહેલાં મેક્સિકોમાંથી આપણે અમેરિકાખંડમાં પ્રવેશવાનું છે. સીધા અમેરિકામાં દાખલ થવાનો રસ્તો છે નહીં તેથી તેમને પત્રમ્ પુષ્પમ્ કરીને (પૈસા આપીને) જવાનું છે. ત્યાર પછી અમેરિકન સીમા પાર કરવાની છે. એટલે હવે આ કઠીન સમય શરૂ થશે.

“નાના શેઠની ઓળખાણ છે પણ પૈસા કેટલા વેરવાના છે તે અધિકારી જણાવશે પછી આપણે બધા આગળ વધીશું. સાડા સાતે બધાને ૫૦ પેસો માણસ દીઠ અપાયા અને સૂકો નાસ્તો પાંચ દિવસ ચાલે તેટલો અપાયો. ટીવાના પાંચ માઇલ ચાલવાનું હતું. અને તે મુસાફરી પૂરી થાય ત્યારે મેક્સિકન પોલીસથી બચવાનું હતું. નાનાશેઠના કહ્યા પ્રમાણે અધિકારી એંડ્રુ માર્કોઝ ૫૦ પેસો લઈને મેક્સિકો બૉર્ડર પાર કરાવી આપવાનો હતો. આ લટકતી તલવાર હતી ગટુ એંડ્રુ માર્કોઝ્ને ઓળખતો હતો.

આજે ગ્વાટેમાલાની શીપ આવવાની હતી. તેમાં ગુંડાતત્વો પણ હતાં. તેથી તેમનાથી પણ જાત બચાવવાની અને પોલીસથી પણ જાત બચાવવાની હતી. નાના શેઠના વ્યૂહ પ્રમાણે નવ વાગે ઊતરીને આપણાં ૪૦ કુટુંબોએ અગિયાર પહેલાં બોર્ડર સુધી પહોંચી જવું જરૂરી હતું. ગ્વાટેમાલાનું શીપ બપોર પહેલાં આવવાનું નહોતું.

ગટુ સિવાય કોઈને મેક્સિકન આવડતું નહીં તેથી ગટુએ ૧૫ જણાની એક એવી ૭ ટુકડીઓ બનાવી હતી અને સૌને તાકિદ કરી હતી કે છૂટા પડશો નહીં અને કોઈની સાથે નૉ મેક્સિકાના સિવાય કંઈ બોલશો નહીં. અંગ્રેજી આવડે છે તેવું પણ બતાવશો નહીં.

ગટુ સાથે થોડા થોડા અંતરે સાતેય ટોળકી નીકળી પડી. સાડા દસ સુધીમાં ફફડતાં ફફડતાં સૌ મેક્સિકોની સરહદ સુધી પહોંચી ગયા. નાના શેઠ એંડ્રુ માર્કોઝ સાથે ઊભા હતા. બધાને કહેવાઈ ગયું હતું તેમ ૫૦ પેસોનું ઊઘરાણું થઈ ગયું. એ પછી ગ્વાટેમાલાનાં માણસો શરૂ થાય તે પહેલાં પહેલી વાડ પસાર થઈ ગઈ. નાનાશેઠ એંડ્રુ નારાજ ના થાય તે માટે ૧૧૫ જણા તરફથી સીગારનાં પેકેટો છૂટથી વહેંચાયાં. મેક્સિકોનાં એસાયલમમાં કોઈ સગવડ હતી નહીં. ટેન્ટમાં નહાવા કે શૌચ માટેની કોઈ જ સગવડ હતી નહીં. રાત્રે વરસાદ પડવાનો હતો. આખી રાત જાગતા–ઊંઘતાં સૌ કાઢવાનાં હતાં. નાના શેઠે શક્ય છત્રી અને ધાબળાની જોગવાઈ કરી હતી.

નાના શેઠ સાંજે સૌની સાથે રહેવાના હતા નહીં. છેલ્લે જતાં જતાં ગટુને તેઓ કહેતા ગયા, નાનાં બચ્ચાંઓને સાચવજો. સૌના વતી મારો વકીલ કોર્ટમાં રજૂઆત કરશે. નિર્ણય આવતાં વધુમાં વધુ પાંચ દિવસ લાગશે. આ પાંચ દિવસ બીજા હજારો માણસો આવશે. પહેલી સુનાવણી થઈ ગયા પછી જ અમેરિકન બોર્ડર તરફ જવા મળશે. આ બધું આપણે નીકળ્યા ત્યારે કશું જ નહોતું.

ધીમે ધીમે દરેકે દરેક્ને લાગવા માંડ્યું કે આ ફસામણી થઈ છે. હવે સાપે છછુંદર ગળ્યા જેવી હાલત છે. અને એ ફ્રસ્ટ્રેશન નાના શેઠ ઉપર તો નીકળવાની શક્યતા હતી નહીં એટલે ગટુ જ "બલીનો બકરો" બની રહ્યો.

***