Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 35 - 36

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૩૫

આ બાજુ સરહદ ઉપર જેટલા લોકો દાખલ થવાની રાહ જોતા હતા તેમની ધીરજ ખૂટતી જતી હતી. એસાયલમમાં પણ તેમને રોજબરોજની માહિતી જોઈતી હતી. અને ખાસ તો સરકાર એસાયલમમાંથી મુક્ત કરે અને તેમની તપશ્ચર્યાનો અંત આવે. પણ એસાયલમ મેક્સિકોમાં છે. ત્યાં તો ડૉલર નહીં પેસો મળે છે. પૈસાદાર થવાનો ખ્વાબ પેસો ક્યાં પૂરો કરી શકે?

પાંચ મેક્સિકન પેસો બરાબર એક ડૉલર અને જોયેલાં સપનાં એક કલાકના ૧૫ ડૉલર. જેટલા દૂરથી આવેલા વસાહતીઓ તેટલો છેતેરામણીનો ભાવ વધુ. એસાયલમમાં અપાતી સગવડોને અગવડમાં ફેરવતા કાયદાઓ.. દિવસના ફક્ત સો માણસો જ રજિસ્ટર થાય. એ સો માણસને તેમનો વારો આવેથી અપાયેલ નંબર સાથે અપાતી પ્રતિક્ષા યાદીની તારીખો પણ ૧૫ વર્ષ પછીની. ત્યાં સુધી શું કરવાનું?

સત્તાપક્ષ બૉર્ડર ઉપર લશ્કર ગોઠવતો જતો હતો. અને કહેતો હતો કે આ ટોળામાં પાંચસો કરતાં વધુ આતંકવાદીઓ છે. દરેક્ની તપાસ પૂરી થવી જ જોઈએ. વિપક્ષો કહે, પ્રમુખને અમે ઇમ્પીચ કરશું. બિનવસાહતીઓ આ બધાં ઠાલાં વચનો સાંભળી સાંભળીને થાક્યા હતા. સમગ્ર પ્રજાનો સાથ સુરક્ષા ઉપર ભારે હતો. છ મહિનાથી આ નાટક ચાલતું હતું. બે હાથી લઢતા હતા અને વચ્ચે ઝાડનો ખુડદો થતો હતો.

નિર્ધારિત તારીખે નાના શેઠ ભારત જવા રવાના થયા. દાદીએ જલાલપોર છોડ્યું ત્યારે તેમના રુદન સાથે ત્રણ પાલતુ પ્રાણીઓ પણ ખૂબ રડ્યાં. સંસારના કેટલાક સંબંધો કદી સમજાતા નથી. તેમના વહેવારને સામાન્ય બુદ્ધિથી મૂલવી નથી શકાતો. માનાં આ આંસુ જોઈને નાના શેઠ પણ દ્રવિત હતા. પ્લેનમાં બિઝનેસ ક્લાસમાં બધી જ સુવિધા હતી. પણ મા હજી સુધાના સંતાન સાથે થનારા આનંદની કલ્પના કરતાં પાલતુ પ્રાણીઓના વિષાદથી ઘેરાયેલાં હતાં.

મુંબઈથી દુબાઈ પહેલો મુકામ હતો. ઍરપૉર્ટ ભવ્ય હતું. તેમનું એલપાસોનું કનેક્ટીંગ ફ્લાઇટ ત્રણ કલાક પછી જતું હતું. સુધાનાં મામી અને મામા આવવાનાં હતાં. ઍરપૉર્ટ પર આવ્યા બાદ પાંચ મિનિટે તે લોકો હાથ હલાવતાં મળ્યાં. આવીને દાદીમાને પગે લાગ્યાં અને નાના શેઠને હાથ મિલાવ્યા. સરસ ગુલાબનો ગુલદસ્તો આપ્યો. સવારનો સમય હતો એટલે દાદીમાનું કઢીયેલ દૂધ અને જીરામીઠાની પૂરી હતી અને નાના શેઠની ગરમ કડક મીઠી કૉફી હતી.

ઘણા સમયે મળતા હોઈ નાના શેઠ સાથે મામાએ ઘણી વાતો કરી. નાના શેઠે આખા ટેક્સાસમાં ફેલાતી તેમની અલપાસો રિસોર્ટની ચેઇન વિશે વાતો કરી, ત્યારે મામા કહે, ગટુ જેવો ખમતિધર જમાઈનો સાથ હોય તો નવું સાહસ કરવું જ જોઈએ ને…સુધા માટે દુબઈના પ્રખ્યાત ખજૂરપાક્નું પેકેટ આપ્યું અને બૉર્ડીંગના સમયે મામા–મામી છૂટાં પડ્યાં. આ ટ્રીપ દસ કલાક્ની હતી અને આખી ટ્રીપ દરમ્યાન સૂર્ય ક્યાંય આથમવાનો નહોતો.

દાદીમા સાથે વાતો કરવાનું નાના શેઠને ગમતું હતું પણ દરેક ચર્ચાનો અંત સુધા પર આવીને અટકી જતો.

આ બાજુ જોને કોર્પોરેશનનું પેપરવર્ક તૈયાર કરાવ્યું. સરખે ભાગે ચાર જણા ભાગીદાર હતાં. અને તેણે મિલીટરીમાંથી એડવાન્સ તરીકે એક કરોડ ડૉલર કંપનીના નામે લીધા અને ૧૫ દિવસમાં ટ્રાયલ આપવાની વાત મૂકી. ગટુ નાના શેઠ ભારતથી પાછા આવે ત્યારે આ વાત કરવા માંગતો હતો. પણ એટલો સમય ક્યાં હતો? તે જાણતો હતો, સત્તાપક્ષ ગમે ત્યારે તકલીફમાં આવી શકે તે પહેલાં સેન્ડીનો સોફ્ટવેર સ્વીકારાઈ જવો જોઈએ, તેથી દસ કરોડના પ્લાનના દસ ટકા કંપનીમાં જમા થઈ ગયા હતા.

નાના શેઠને આ ઉતાવળ ગમશે કે નહીં તેની ચિંતા કર્યા વિના જોને કંપનીના ભાગીદાર તરીકે આ કાર્ય કરી નાખ્યું હતું.

***

પ્રકરણ ૩૬

નાના શેઠ અને દાદીમાને લેવા ઍરપૉર્ટ ઉપર ગટુ અને સુધા ગયાં હતાં. મોટો ગુલાબનો ગજરો અને હાર દાદીમાને આપતાં સુધા તો દાદીને વહાલથી વળગી જ પડી.

“દાદીમા, તમારે અને કાકા શેઠે મારા જ ઘરે રહેવાનું છે.”

“હા બેટા, તારા માટે તો આવી છું તો તારે ત્યાં જ રહીશ ને?”

“ના, પણ પાછું છોકરીના ઘરનું પાણી પણ ના પિવાય કહી કાકા શેઠને ત્યાં જતાં ના રહો એટલે કાકા શેઠને પણ બાંધી દઉં છું.” દાદીમાને જોરથી અને હક્કથી ખેંચતાં સુધા બોલી.

“અરે, તું કહીશ તે કરીશ, પણ મને છોડ તો ખરી!”

“મારા સમ ?”

“તારા સમ, બસ? પણ તારું ઘર ગટુનું ઘર કહેવાય. મારું ઘર તો નાનિયાનું ઘર.”

“બસ ને, બા, હું તમારો દીકરો નહીં? ગટુએ વાંધો પાડતાં કહ્યું.” તેના રોતલ અવાજને સૌ લોકોએ હાસ્યથી વધાવી લીધો. બાને લેવા નાના શેઠના કેટલાય કુટુંબીઓ ફૂલહાર લઈને આવ્યા હતા.

બેગો ગાડીમાં મુકાઈ. સુધા દાદીમા સાથે ગાડીમાં પાછળ બેઠી અને તેમના ખોળામાં માથું નાખીને સૂઈ ગઈ. અને દાદીમા “મારી દીકરી! મારી દીકરી” કહી હેત વરસાવતાં રહ્યાં. આગળ નાના શેઠ ગટુ સાથે બેઠા અને ઘર તરફ સૌ રવાના થયા.

સુધા અને નાના શેઠનું ઘર બાજુમાં જ હતું, વચ્ચે દીવાલ નહીં. રસોઇઓ, કામવાળી બાઇઓ અને ડ્રાઇવરો, માળી બધાં જ એક ઘરની રીતે ટેવાયેલાં.

બપોરના બે વાગ્યા હતા. દાદીમા થોડુંક જમીને જેટલેગની અસરમાં ઝોકે ચઢ્યાં ત્યારે તેમને સુવાડી દઈ નાના શેઠને અઠવાડિયું ભારત હતા તે દરમ્યાન થયેલ કામોનો રિપૉર્ટ આપવા સુધા અને ગટુ તેમને કોમ્પ્યૂટર પાસે લઈ આવ્યાં.

સેન્ડી ઇન્વેન્ટરની વેબ સાઇટ ઉપર પ્રેઝન્ટેશન હતું.

શરૂઆતમાં બે એપ બનાવી હતી. એકનું નામ ઓર્ડર આપનાર (માસ્ટર) અને બીજી એપનું નામ ઓર્ડર લેનાર (સર્વન્ટ). મિલિટ્રી માટેની એપ હોય એટલે પહેલું કામ આવે માહિતીની ગુપ્તતા જાળવવાનું. તેથી માસ્ટર એપ મર્યાદિત નંબરમાં બનાવવાની અને તેનો ઉપયોગ જુદા જુદા ડિપાર્ટમેન્ટ હેડને જ અપાય. બીજી એપ ૧૦૦૦૦ નંબરમાં બનાવવાની. તેના ઉપયોગ માટે પણ ગુપ્તતા જાળવવાની.

હેડ ઓફિસમાં જ્યાં સર્વર હોય તેમાં દરેકેદરેક વાતોનો ડેટા સચવાતો હોય અને તેને જ્યારે સાંભળવું હોય કે પ્રિન્ટ કરવું હોય તે કરી શકાય.

ટૂંકમાં, માસ્ટર એપ જ્યાં જ્યાં હોય ત્યાં તેનો ઉપયોગ વધુ હોય અને સર્વન્ટ એપનો ઉપયોગ મર્યાદિત હોય. જેમ કે તેમાં સાંભળી શકાય; પ્રતિ ઉત્તર ન આપી શકાય. સિવાય કે તે ફોન એક લાઇન હોય અને સાથે પ્રતિ ઉત્તર માટેની પરવાનગી હોય. ગટુ હવે ખૂબ જ સિરિયસ અવાજમાં બોલ્યો, “આ પ્રેઝન્ટેશન જોઈને, જોન અંકલે પ્રોગ્રામના પહેલા તબક્કા માટે દસ કરોડ માંગી લીધા. અને તેના દસ ટકા એડવાન્સ પેટે માંગ્યા. આજે સવારે તે દસ ટકા ખાતામાં જમા પણ થઈ ગયા.

“હેં?!” નાના શેઠને આશ્ચર્ય થયું.

સુધા બોલી, “આ પ્રોગ્રામ અમારા મતે આટલો મોંઘો ન હોવો જોઈએ અને તેથી તેમની ઓફરનો અમે જવાબ નહોતો આપ્યો. તેમણે કંપનીના અધિકારી તરીકે આંકડા ભરી દીધા અને બૅન્કમાં પૈસા પણ જમા લઈ લીધા.”

ગટુ બોલ્યો, “મને ધાસ્તી એ છે કે જોનના મતે સત્તાધારી પાર્ટી સત્તામાં રહે કે ના રહે પણ બિઝનેસ કરવા માટે તેમણે ઉતાવળ કરી. મને તે જ વાત ખૂંચે છે. આ ટૅકનોલૉજી છે. નીચા ભાવે કોઈ પણ બનાવી શકે.”

“મને ઊંચા ભાવની ચિંતા નથી. તમે જે બનાવો તેને આજની તારીખે સુપિરિયર બનાવો, સંપૂર્ણ બનાવો.”

“એક નવી સુવિધા ઉમેરવા જવામાં નિયંત્રણ નબળું પડી જાય તેની ચિંતા છે.”

“આમાં તમે વીડિયો ઉમેરો તો?”

“એકલું વીડિયોપ્લેયર ના ઉમેરાય. સાથે કૅમેરા પણ ઉમેરવો પડે.”

“સોફ્ટ્વેર અને હાર્ડવેર સાથે આપો તો?”

ગટુ વિચારમાં પડી ગયો. અત્યાર સુધી સોફ્ટવેરનું જ વિચારતો હતો. ફાઇનલ પ્રોડક્ટ હાર્ડવેર પણ થાય તો પ્રોજેક્ટની કિંમત વહેવારિક બને અને સ્પર્ધા તે કિંમતને લીધે ઘટે તેમાં કોઈ સંશય નથી.

***