Avtaar books and stories free download online pdf in Gujarati

અવતાર

         હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈ વિવેકના દેહાંતની ખબર આવી ત્યાં સુધી વિનાયકના મોઢેથી ગાળો વહેતી રહી હતી. પરંતુ વિવેકની વિદાય સાથે એની જીભને તાળું લાગી ગયુ હતુ. એ હવે ખૂલ્યુ હતુ એક ભવિષ્યવાણી સાથે, વિનાયક ઠાકોરના ખૌફનાક અંદાજમાં.. ‘વિવેક ફરીથી આવશે!’
         વિવેકની અંતિમક્રિયા, બેસણું બધી વિધિઓને વિનાયકે શૂન્યમનસ્ક હાલતમાં જ ન્યાય આપ્યો. પ્રથમ તારીખમાં કોર્ટ રૂમમાં હાજર રહેલા નટવરને એક જોરદાર તમાચો ઝીંકી દીધા પછી એ પોતે પણ અનરાધાર રડ્યો. વિવેકના મોત પછી આ એનું પ્રથમ રૂદન હતું. એ પછી આશ્ચર્યજનક રીતે વિનાયકમાં બદલાવ આવવા લાગ્યો. નટવરના જામીન પણ એણે પોતે આપ્યા. કોઈની પૃચ્છાનો એણે હસીને જવાબ આપ્યો, “એને હું પોતે મારીશ.” લોકોને એ બદલાની ભાવનાથી ત્રસ્ત થયેલ વ્યક્તિ લાગ્યો, તો કોઈકને એ ગાંડો થઈ ગયો લાગ્યો. પરંતુ આગળ પૂછવાની કોઈની હિંમત ન થઈ. 
                                                                                 ~~~~~~
આશરે પાંચ વર્ષ પછી.. 
        સૂર્ય ઉગ્યા પહેલાં પૂજાપાઠનો નિત્યક્રમ પતાવી વિનાયક નવરાશની પળોમાં છ વર્ષના વિવેકના માથામાં વહાલથી હાથ પસવારી રહ્યો હતો. વિવેકની બાજુમાં સૂતેલી શ્વેતાના મોઢા પર એક સંતોષકારક સ્મિત ઝળકી રહ્યું હતું. વિનાયકથી ન રહેવાયું. થોડો લાંબો થઈ એણે શ્વેતાના સ્મિતમયી સોહામણા ગાલને ચૂમી ભરી. તદ્દન અપેક્ષિત હોય, રોજિંદી ઘટના હોય તેમ શ્વેતાએ આંખો ઉઘાડી વિનાયકને નજીક ખેંચી બમણો પ્રતિસાદ આપ્યો. પ્રેમ સભર ઘડીઓને માણી શ્વેતાએ દૈનિક ક્રમ માટે પલંગ છોડ્યો. એ સાથે વિનાયક ફરી એકવાર નજીકની  ભૂતકાળની સફરે નીકળી ગયો. 
                                                                         ~~~~~~~
         રોજ રાત્રે દારૂ ઢીંચી ધમાલ કરતો વિનાયક શાંત થવા લાગ્યો હતો. મદિરાપાન છોડ્યું ન હતું એણે.. પરંતુ પીધા પછી શાંતિથી બહાર બેસી રહેતો અથવા ઘરે આવી સૂઈ જતો. પરિવારજનોને એનું આ પરિવર્તન સુખદ આશ્ચર્ય પમાડતું હતું. જ્યારે કેટલાક લોકો માટે એની આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ હતી. એમના મતે વિનાયકનું લોહી ઠંડુ પડી ચૂક્યું હતું. ઠંડા કલેજાના ખલનાયકનું રૂપ ધારણ કરી એ વધુ ભયાનક બની બહાર આવશે, એવી ધારણા સેવનાર ઘણાં હતાં. એ ઘણાંમાં એક શ્વેતા પણ હતી. પતિનું બદલાયેલું રૂપ મનમાં શંકા ઉપજાવતું હતું. બીજી તરફ એકના એક પુત્ર વિવેકની કમી એને અંદરોઅંદર કોરી ખાતી હતી. 
        એક બપોરે વિનાયક ઘરમાં આવ્યો. શ્વેતાનો હાથ પકડી એને બહાર ખેંચી ગયો. એક મહિના પછી બંને વચ્ચેનો આ પ્રથમ સ્પર્શ હતો. કારમાં બેસાડી દરવાજો બંધ કરી કાર હંકારી મૂકી. શ્વેતાએ પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથના ઇશારે એને અટકાવી વિનાયક કાર ચલાવતો રહ્યો. અડધો કલાકની ડ્રાઈવ પછી કાર એક અનાથાશ્રમને આંગણે અટકી. વિનાયક આશ્રમના સંચાલક સાથે અંદરના ઓરડામાં ગયો. શ્વેતા નિર્લેપ થઈ ઓફિસની એક ખુરશી પર બેસી રહી. થોડી વારે બંને બહાર આવ્યા ત્યારે વિનાયકના હાથમાં એક વર્ષનું એક રૂપાળું બાળક હતું. શ્વેતાના પગ પાસે બેસી વિનાયકે એ બાળકને ઋજુતાથી એની તરફ લંબાવ્યું. શ્વેતા એ બાળકને જોઈ રહી. વિવેકના બાળપણનો આભાસ કરાવતું એ બાળક એને ખૂબ પોતીકું લાગ્યું. 
         “હેપ્પી બર્થ ડે.. શ્વેતા.. પ્લીઝ મને માફ કર.. આપણા વિવેકના મોત માટે હું જવાબદાર છું. મેં એને ફોન કરી ન બોલાવ્યો હોત તો આજે વિવેક આપણી સાથે હોત. હું વિવેકનો ખૂની છું. નટવરનો કોઈ વાંક નથી. મને મારા પાપની સજા મળી છે. તને ખબર છે, મેં બધી ગુંડાગીરી બંધ કરી દીધી છે.” શ્વેતાએ પૂરી તાકાત લગાવી એક ઝન્નાટેદાર તમાચો વિનાયકના ગાલ પર માર્યો. અનાથાશ્રમનો સંચાલક હતપ્રભ થઈ ગયો પરંતુ વિનાયક બોલતો રહ્યો, “જો આપણા વિવેક જેવો જ લાગે છે ને? એના મા-બાપ નથી, આ અનાથ છે અને આપણો વિવેક રહ્યો નથી. તો  આ છોકરાને આપણે વિવેક બનાવી લઈએ? હું તને અને આ બાળકને એક સાફ સુથરી જિંદગી આપવાનો વાયદો કરૂં છું. શ્વેતા પ્લીઝ.. ” વિનાયકની આંખોથી પ્રશ્ચાતાપનું ઝરણું વહી રહ્યું હતું. શ્વેતાનાં નયનો પણ ભરાઈ આવ્યા. એણે બાળકને હાથોમાં ઉઠાવી ઉત્કટતાથી છાતીએ લગાવ્યું. સંચાલકની આંખો પણ આ ભાવવાહી દ્રશ્ય જોઈ ભીની થઈ ગઈ. 
         નાનકડા વિવેકના બાખોડીયા ભરતા પગલાએ શ્વેતાનાં નિશ્ચેતન મનમાં અને વિનાયકની જીંદગીના કાળા અતીતમાં રંગો ભરી દીધા. એની કાલી ઘેલી બોલી અને કિલકારીઓથી ઘર ગૂંજી ઉઠયું.
                                                                       ~~~~~~~~~~
         વીતેલા વર્ષોમાં વિનાયક “ડોન” ની છાયામાંથી બહાર નીકળી એક સારા માણસ તરીકે નામના પ્રસ્થાપિત કરી ચૂક્યો હતો. રોજ સાંજે વિવેકને લઈ બજારમાં લટાર મારવાનો એનો નિત્યક્રમ હતો. એક સાંજે એણે નટવરને બજારમાં કરિયાણાની દુકાને જોયો. આંખો સામે ભૂતકાળ તરવરી ઉઠ્યો, મૃતક વિવેકની યાદે લોહી ઊકળી ઉઠ્યું. 

         “એય ટકલા, અહીં આવ.” અવાજ પર સંયમ જાળવી એણે બૂમ મારી. નટવર ચોંક્યો. એ અહીંથી સ્થળાંતર કરી ગયો હતો. એક કામથી અહીં આવવાનું થયું તો કરિયાણાની દુકાને જૂનો હિસાબ ચૂક્તે કરવા આવી ગયો. વિનાયક અહીં ભટકાશે, એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. ગભરાતો ગભરાતો એ નજીક આવ્યો. આસપાસના બધા લોકો કંઈક અનિષ્ટની આશંકાથી ટોળે વળવા લાગ્યાં હતાં. 

          “મેં તને ના કહ્યું હતું ને કે અહીં પગ ન મૂકીશ? કેમ આવ્યો છો?” 

           “ભાઈ, એક અગત્યનું કામ હતું, હવે નહીં…” વાક્ય પુરું કરતા પહેલાં જ એ વિનાયકના પગમાં પડી ગયો. એક કુમળા હાથનો એના વાળ વિનાના માથા પર સ્પર્શ થયો. એણે ચોંકીને માથું ઉઠાવ્યુ. નાનકડો વિવેક એની ચમકતી ટાલ પર હાથ ફેરવતો હસી રહ્યો હતો. 

          “પપ્પા, આમને કેમ વાળ નથી? જુઓ ને, એમનું માથું કેટલું ચમકે છે?” વિવેકના મનમાં ઘણા પ્રશ્નો હતાં, પરંતુ આ બે પ્રશ્નો સાંભળીને જ વિનાયક ખડખડાટ હસી પડ્યો. 

         “જા, તારું કામ કર. અને હા, તારે અહીં રહેવું હોય તો રહેજે પણ મારી સામે ન આવતો. પરંતુ મારો આ વિવેક સામે મળે તો એને તારા ટકલા પર હાથ ફેરવવા આપજે!” ફરીથી ખડખડાટ હાસ્ય સાથે બે ટીપા આંસુ પણ વિનાયકની આંખથી ટપક્યા, એ નટવરના ધ્યાન બહાર ન રહ્યું. ભારે હ્રદયે એણે વિવેકના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પોતાની ટાલ પર મૂક્યો. વિવેક પણ ખિલખિલાટ હસી પડ્યો. નટવરને પોતાના કર્મ પર અફસોસ થતો હતો, પરંતુ વિવેકનો આ અવતાર એને ખૂબ ગમ્યો. 

~સમાપ્ત..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED