Limelight - 13 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૧૩   

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૩

પ્રકાશચંદ્ર પ્રચારનું કામ સંભાળતા સાગર સાથે બેસીને "લાઇમ લાઇટ" ના પ્રચારનો રીવ્યુ લઇ રહ્યા હતા. ફિલ્મની હાઇપ દિવસે દિવસે વધતી જતી હતી. સાગર "લાઇમ લાઇટ" ને કોઇને કોઇ કારણથી ચર્ચામાં રાખવામાં સફળ રહ્યો હતો. તે કેટલીક વેબસાઇટો સાથે ડિલ કરી ચૂક્યો હતો. એના પર આવતા સમાચારને આધાર બનાવી અખબારો અને મેગેઝીનો છાપી રહ્યા હતા. તેમાં વિભા બાલનના સમાચાર વધુ છવાયેલા રહ્યા હતા. કેટલીક વેબસાઇટો વિભાના આક્ષેપ સાથે રસીલીના ભરાવદાર બદનના ફોટાની સામે કેટલીક હીરોઇનોના બ્રા, સ્વીમસૂટ અને લોકટના કપડામાં પડાવેલા ફોટા છાપીને જાણે વાચકોને પૂછી રહી હતી કે વિભાની વાતમાં ખરેખર દમ છે કે નહીં? હીરોઇનોના ઉભારવાળા ફોટા સાથે વિભાનો પ્રશ્ન દોહરાવી રહ્યા હતા કે ખરેખર હીરોઇનો બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવે છે? એના અનુસંધાનમાં "બોલીવુડ ધમાલ" નામની એક વેબસાઇટે કેટલાકના ઇન્ટરવ્યુ લઇને લોકોને ગલગલિયાં થાય એવો અહેવાલ પણ પ્રગટ કર્યો હતો. તેમાં એક ડોક્ટરે નામ ન આપવાની શરતે હોલીવુડની હીરોઇનોના નામ આપી કહ્યું હતું કે ફિલ્મોમાં મોટા ઉભારનું આકર્ષણ વધુ રહેતું હોવાથી બે નવી હીરોઇનોએ તેમને ત્યાં બ્રેસ્ટની સાઇઝ વધારવાની સર્જરી કરાવી હતી. એક સમીક્ષકે એવો અભિપ્રાય આપ્યો હતો કે દક્ષિણની અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા માગતી યુવતીઓ માટે આ સર્જરી સામાન્ય ગણાય છે. સાગરે બીજી વેબસાઇટો પર વિભા બાલનની દસ દિવસ પછી પ્રકાશચંદ્રની સામે કોર્ટમાં જવાની ધમકીને હાઇલાઇટ કરવામાં આવી હતી એ પણ બતાવ્યું.

બધા અહેવાલ વાંચી પ્રકાશચંદ્ર મનોમન હસ્યા. અને બોલ્યા:"સાગર, દસમો દિવસ થાય એટલે કોઇ નવો મુદ્દો ચગાવી દેજે. નહીંતર પત્રકારો વિભાને કોર્ટમાં કેમ ના ગઇ? એવું પૂછીને પરેશાન કરી નાખશે!"

"જી, એ તો કરીશું જ. પણ વિભાએ દસ દિવસ પછીનું દુબઇનું બુકિંગ કરાવી લીધું છે. એ હોલિડે મનાવવા જતી રહેશે એટલે કોઇ એને સવાલ કરી શકશે નહીં. પણ તમને આ આઇડિયા સારો સૂઝ્યો! અને એ હોટ કેકની જેમ ઊપડી પણ ગયો!"

"સાગર, રસીલીની જે ખાસિયતો છે એને લોકો સામે લાવવા આવું કરવું જ પડે! મને અચાનક વિભાનો વિચાર આવી ગયો. સાત વર્ષ પહેલાં તેની એક ફિલ્મ રજૂ થવાની હતી. તેની પાસે બીજી એકપણ ફિલ્મ ન હતી. તેણે તારા જેવા કોઇની મારફત મને કહ્યું કે તમે આર્ટ ફિલ્મોના જાણીતા નિર્દેશક છો, તો મારી સાથે એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દો. લોકોને લાગશે કે મારી માંગ છે અને મારો અભિનય સારો છે એટલે આર્ટ ફિલ્મોના ડાયરેક્ટર પણ કામ કરવા માગે છે. મારા માટે તો સારું જ હતું. આર્ટ ફિલ્મોના નિર્દેશક સાથે મેઇનસ્ટ્રીમની હીરોઇનો પણ કામ કરવા આતુર હોય છે એવો સંદેશ જવાનો હતો. એટલે ખાલીખાલી વિભા સાથે એક ક્લેપ આપતો ફોટો પડાવીને એક મેગેઝીનમાં એક્સક્લુઝીવ સ્ટોરી આપી દીધી. પછી તો તેને સાઇન કરવા ત્રણ-ચાર નિર્માતા આવ્યા અને તેની કારકિર્દી આગળ વધી ગઇ. થોડા મહિના પછી કોઇએ મને પૂછ્યું ત્યારે મેં એમ કહી વાતને બંધ કરી દીધી કે વિભા બીઝી હોવાથી ફિલ્મ ફ્લોર પર જઇ શકી નથી. તેની તારીખો મળશે તો ફિલ્મ કરીશું. રોજ નવા મુદ્દા આવતા હોય એટલે વારંવાર કોઇ પૂછતું નથી. વિભાએ એ અહેસાનને યાદ રાખ્યું હતું. મેં એને "લાઇમ લાઇટ" ના પ્રચાર માટે એક ગરમાગરમ સમાચાર માટે વિનંતી કરી ત્યારે તે તરત જ તૈયાર થઇ ગઇ. તેનું કારણ તેને પણ લાભ જ હતો! આપણી ફિલ્મના "એક નઇ હીરોઇન, જિસને નહીં કરવાઇ હૈ લિપ્સ ઔર બ્રેસ્ટ કી સર્જરી...." ની ટેગલાઇન સામે વિરોધ કરવામાં તેની પણ સેક્સી તસવીરો છપાવાની હતી. અને તેના નામનો પણ મફતમાં પ્રચાર થવાનો હતો. અને એવું જ થયું. રસીલી સાથે તે પણ ચર્ચામાં આવી ગઇ...."

સાગરને થયું કે પ્રકાશચંદ્ર સાથે તેણે ફિલ્મને ચર્ચામાં રાખવા કોઇ કસર રાખી નથી. પણ ફિલ્મ ચાલી જાય તો સારું છે. તેણે સૂચન કર્યું:" પ્રકાશચંદ્રજી, તમે સાકીર ખાન સાથેની ફિલ્મનું શુટિંગ શરૂ કરી દો, "લાઇમ લાઇટ" ને હજુ વધુ પ્રચાર મળશે. રસીલી સાથે સુપરસ્ટાર કામ કરી રહ્યો છે એ સમાચાર ફિલ્મ માટે વધુ ઉત્સુક્તા જગાવશે..."

"તારી વાત સાચી છે. સાકીર ખાન તો તૈયાર છે. ચાર દિવસનું એક નાનું શિડ્યુલ ગોઠવી દઇએ. પણ એટલા ખર્ચ માટે મારે ફાઇનાન્સર શોધવો પડશે. ચાલને હું કંઇક વ્યવસ્થા કરું છું...." કહી પ્રકાશચંદ્રએ મોબાઇલમાંથી કેટલાક ફોન કર્યા અને ચક્કર ચલાવ્યું.

પ્રકાશચંદ્રએ ઉધાર-ઊછીના કરીને સાકીર સાથેની ફિલ્મનું નાનું શિડ્યુલ ગોઠવી દીધું. એ પહેલાં સાકીરે રસીલી સાથે શુટિંગ માટે ચર્ચા કરવા મીટીંગ ગોઠવવાની વાત કરી. પ્રકાશચંદ્રએ રસીલી સાથે વાત કરીને એક હોટલમાં વ્યવસ્થા કરી દીધી. પ્રકાશચંદ્ર એમ માનતા હતા કે તેની ફિલ્મ ઠુકરાવનાર સાકીર ખાનને પોતાના નિર્દેશનમાં કામ કરવા મજબૂર કરી બદલો લઇ રહ્યા હતા. એક વખત આ સાકીરે તેમની આર્ટ ફિલ્મના ડાયરેક્ટર તરીકેની ઇમેજને કારણે કામ કરવાની ના પાડી દીધી હતી. હવે સાકીર સામે ચાલીને આવ્યો હતો. પણ તેમને ખબર ન હતી કે સાકીરના મનમાં કેવી યોજના ચાલી રહી છે. સાકીર ખાન રસીલીને મળવા તડપી રહ્યો હતો. તેણે ફોટાઓમાં અને ફિલ્મના ટ્રેલરમાં જ અત્યાર સુધી રસીલીને જોઇ હતી. તેને રૂબરૂમાં જોઇ મનોમન બોલી ઊઠ્યો:"માર ડાલા...રસભર્યા હોઠ અને મખમલી બદન!" તેણે હસીને રસીલી સાથે હસ્તધૂનન કર્યું ત્યારે તેના હાથનો સ્પર્શ તેના દિલોદિમાગમાં એક અલગ અસર કરી ગયો.

પ્રકાશચંદ્રએ તેમની ફિલ્મની રોમેન્ટિક સ્ટોરીનો કેટલોક ભાગ કહ્યો એ સાંભળી સાકીરે ખુશી વ્યક્ત કરી. તેણે "લાઇમ લાઇટ"ની સફળતા માટે બંનેને શુભેચ્છા આપી. ત્યાં પ્રકાશચંદ્રના મોબાઇલની રીંગ વાગી અને તે કોઇ ખાનગી વાત કરવા રૂમની બહાર નીકળ્યા. રસીલી સાથે ખાનગીમાં વાત કરવા સાકીર માટે આ અવસર સારો હતો. તેણે રસીલીને કહ્યું:"આપ જરૂર એક દિન ટોપ કી હીરોઇન બનોગી...આપ જૈસા કોઇ નહીં!"

"ટોપ કી ચીઝ હું તો બનુંગી ના..." રસીલીએ ખુશ થઇને કહ્યું.

"માશાલ્લાહ! આપ કા તો સબકુછ ટોપ હૈ! મેં ચાહતા હું કી ઇસ ફિલ્મ કા એક રોમેન્ટિક સીન હમ કરકર દેખ લે! હમારી કેમેસ્ટ્રી કૈસી હૈ ઉસકા ભી પતા લગ જાય!" સાકીરે બિંદાસ બનીને કહ્યું. તેને કંઇક બીજો જ પતો લગાવવો હતો.

રસીલી પણ સાકીર સાથે રોમાન્સ કરવા માગતી હતી. સાકીર સાથેની ફિલ્મ કરવાની જાણ થઇ ત્યારથી તેને મળવા તે ઉત્સુક હતી. તેના માટે તો આ સપના જેવું હતું. કોઇપણ પ્રકારના સંઘર્ષ વગર તે રોમાન્સના મહારાજા સાકીર ખાનની હીરોઇન બની ગઇ હતી. સાકીર સાથે કામ કરવા તે કંઇ પણ દાવ પર લગાવવા તૈયાર હતી. ઘણી હીરોઇનોને વર્ષો પછી આવી તક મળે છે. તે બોલી:"જરૂર..."

અને સાકીરે પોતાની ફિલ્મ "પિયા કી દુલ્હનિયા" નું રોમાન્સથી ભરપૂર એક ગીત મોબાઇલમાં ચાલુ કર્યું અને રસીલીનો હાથ પકડ્યો. ધીમે ધીમે તેણે તેની કમર પકડી અને નજીક આવતો ગયો. સાકીરને થયું કે તેની કમરનો સ્પર્શ આખા શરીરને રણઝણાવી જાય છે. તેને "લાઇટ લાઇટ" ફિલ્મનો રસીલીની કમરનો એક સંવાદ સાચો લાગ્યો. એક ક્ષણ એવી આવી ગઇ કે બંનેના શ્વાસ એકબીજા સાથે અથડાવા લાગ્યા. ગીતના શબ્દો અને સંગીતમાં ઝૂમતા બંનેના હોઠ એકબીજા સાથે સંગત કરે એ પહેલાં જ રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને બંને થોડા દૂર સરકી ગયા. સાકીરને થયું કે હોઠ પાસે આવેલો જામ જતો રહ્યો.

એક ગીત પર બંનેને ડાન્સ કરતા જોઇ પ્રકાશચંદ્ર ખુશ થઇ બોલી ઊઠ્યા:"તમારી કેમેસ્ટ્રી જામશે!"

"અમે એ જોવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા..." કહી રસીલી સાકીરથી અલગ થઇ. પણ સાકીરને સમજતા વાર ના લાગી કે રસીલીને તેની કંપની ગમી છે. તે બહુ જલદી પોતાના વશમાં આવી જશે. તેણે મનમાં પોતાની યોજનાને ઘૂંટી કાઢી.

***

સાગર અને પ્રકાશચંદ્ર "લાઇમ લાઇટ" ને મળી રહેલા પ્રચારથી ખુશ હતા ત્યારે તેમને ખબર ન હતી કે તેમની ફિલ્મનો હીરો તેમનાથી ખુશ નથી. મોન્ટુ છેલ્લા ઘણા દિવસથી જોઇ રહ્યો હતો કે પ્રચારમાં તેનું નામ જ ક્યાંય આવતું ન હતું. રસીલી જ છવાયેલી રહી હતી. રસીલી સાથે તેની ભૂમિકા મહત્વની હતી. તે ભલે નવોદિત હતો પણ તેણે ઘણી મહેનત કરી હતી. તેણે લાંબા સંઘર્ષ પછી આ ફિલ્મ મેળવી હતી. તેની કારર્કિર્દી માટે "લાઇમ લાઇટ" મહત્વની ફિલ્મ સાબિત થઇ શકે એમ હતી. તે જાણતો હતો કે માત્ર તેના નામ પર ફિલ્મ ચાલવાની ન હતી. સેક્સી રસીલીનો જલવો જ ફિલ્મને બોક્સ ઓફિસ પર ચલાવી શકે એમ હતો. પણ પોતાની એકદમ અવગણના થઇ રહી હોવાથી તે હવે ગુસ્સામાં હતો. ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેને મહત્વ અપાયું ન હતું. રસીલી અને પ્રકાશચંદ્રએ જ મિડિયા સાથે વાતચીત કરી હતી. અને હવે રસીલીને ચર્ચામાં રાખતા નિવેદનો અને સમાચારો આવી રહ્યા હતા. તેણે સાગરને ફોન લગાવ્યો.

"નમસ્કાર સાગરભાઇ!" તેણે સાગરનું માનથી સંબોધન કર્યું.

"બોલો મોન્ટુજી! આજે કંઇ યાદ કર્યોને!" સાગરે નવાઇથી પૂછ્યું.

"તમે યાદ ના કરો એટલે અમારે તમને યાદ કરવા પડે ને!"

"અરે બોલો સાહેબ!"

"અત્યારે તો રસીલીનું બોલવાનું જ સંભળાય છે..."

"હું સમજ્યો નહીં..."

"પ્રચારમાં મારો અવાજ ક્યાંય નથી. ઘણાને તો ખબર જ નથી કે હું હીરો છું. એક જ પોસ્ટરમાં મારો ચહેરો આવ્યો છે. મને પણ પ્રચારમાં સામેલ કરો. આપણી ફિલ્મ મહિલાપ્રધાન તો નથી ને?"

"ના ના, એવું નથી. મને તો પ્રકાશચંદ્ર તરફથી જેવી સૂચનાઓ મળે એ પ્રમાણે જ કામ કરું છું. એ કહેશે તો તમારા પણ કોઇ કિસ્સા રજૂ કરીશું..."

"મતલબ કે પ્રકાશચંદ્રજી કહેશે તો જ તમે મારા વિશે છપાવશો?"

"હું તો ચિઠ્ઠીનો ચાકર છું. એમણે કામગીરી સોંપી છે એટલે એમના કહ્યા પ્રમાણે જ કામ કરવું પડે ને...એ કહેશે તો તમને પણ ચમકાવીશ."

મોન્ટુને ખ્યાલ આવી ગયો કે તેને "લાઇમ લાઇટ" ના પ્રચારમાં મહત્વ અપાશે એમ પ્રકાશચંદ્રએ કહ્યું જરૂર હતું. પણ તેમણે લીબું જ પકડાવ્યું હતું. મોન્ટુએ ફોન મૂકી દીધો અને મનોમન નક્કી કર્યું કે મને પ્રચારમાં સામેલ નથી કર્યો એટલે પ્રકાશચંદ્રને પરચો બતાવવો પડશે. અને તેણે કોઇને વાત કરવા મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો.

વધુ આવતા સપ્તાહે....

***

રસીલી સાથે કેમેસ્ટ્રી જોવાના બહાને ડાન્સ કરીને સાકીરે મનમાં કઇ યોજનાને ઘૂંટી ? પ્રચારમાં મહત્વ ન મળતાં નારાજ થયેલા મોન્ટુએ કોને ફોન જોડ્યો ? તે શું પરચો બતાવશે? શેઠ સાથે લગ્ન કરનાર રસીલીને સુખી કર્યાનું માનતા પિતા જશવંતભાઇને કયા આઘાતજનક સમાચાર મળવાના હતા? ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? અજ્ઞયકુમાર રસીલીને સાકીર ખાનને કારણે કેમ સાઇન કરવા માગતો હતો? "લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો ફાઇનાન્સર રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો વધી રહ્યા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તમે ઘણી નવલકથાઓ વાંચી હશે પણ આ નવલકથાની વાત જ કંઇક અલગ છે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૧૪ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૪૦૦ થી વધુ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ પણ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED