બ્લાઇન્ડ ગેમ - ૧૭ આર. ડી. એક્સ. DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ - ૧૭ આર. ડી. એક્સ.

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(પ્રકરણ-૧૭ : આર. ડી. એક્સ.)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૬માં આપણે જોયું કે...

કુરેશીને ગિરફ્તાર કરીને લઈ જવામાં આવ્યા. કુરેશીનો ભૂતકાળ તાજો થાય છે કે કઈ રીતે એની પત્ની નરગીસને સી.એમ.નો ઇન્ટરવ્યુ લેવાની તક સાંપડી હતી, અને કઈ રીતે એની સાથે અણછાજતું વર્તન થતાં એ ત્યાંથી ધૂંધવાતા ચહેરે ચાલી આવી હતી. સર્કિટહાઉસ નજીક એક બાળકીની અર્ધનગ્ન લાશ વિકૃત અવસ્થામાં મળી આવતાં નરગીસે સી.એમ.ના કાળા કરતૂત બહાર પાડવાની કોશિશો કરી હતી, જેની એને અત્યંત આકરી સજા ભોગવવી પડી હતી. બીજી બાજુ, અલખ જણાવે છે કે માથુર એમની કેદમાંથી ફરાર થઈ ગયો છે. કુરેશીનો વકીલ દલીલ કરે છે કે- શું એક વ્યક્તિ એક જ સમયે જુદા-જુદા બે સ્થળે હાજર રહી શકે! અને ફેંસલાની ઘડી આવી પહોંચી હતી...

હવે આગળ...)
બચાવપક્ષના વકીલ બક્ષીબાબુએ ઠોસ દલીલ કરી, ‘નામદાર, શું મારા અસીલ મિ. કુરેશી એકઝેટ એ જ સમયે આબુરોડ નજીકની દરગાહ પાસેની ઝાડીઓમાં જઈને ઇન્સ્પેક્ટર સિંઘનું મર્ડર કરી શકે જે સમયે તેઓ ‘બઝુકા-બાર’માં નશામાં ધૂત હતા?’ જજસાહેબે કંઈક ગહન વિચારીને ફાઉન્ટન પેન ઊઠાવી. પછી કશુંક નોંધ્યું. કોર્ટમાં હાજર રહેલી દરેક વ્યક્તિની નજર ઉત્સુકતાથી જજસાહેબ તરફ મંડાયેલી હતી. ફેંસલાની ઘડી આવી પહોંચી હતી!

‘અપૂરતા પુરાવાઓના અભાવમાં મિ. કુરેશી ઉપર ઇન્સ્પેક્ટર સિંઘના કતલનો ગુનો કોઈ પણ રીતે સાબિત થતો નથી.’ જજસાહેબ આખરી ફેંસલો સંભળાવી રહ્યા હતા- ‘...આવા સંજોગોમાં મિ. હઝરત કુરેશીને આ અદાલત માનભેર મુક્ત કરે છે!’

દિવસો વીતતા રહ્યા... કેલેન્ડરના પાનાં ફરતાં રહ્યાં. તારીખો અને મહિનાઓ બદલાતા રહ્યા. ઠીક ત્રણ મહિના બાદ...

‘અરમાન દીક્ષિત... યાદ છે ને, ભાઈ? આપણા રાઇટર મહાશય...’ નવ્યાએ કુરેશીને ખભે પોતાનો હાથ હળવેથી દબાવતા કહ્યું, ‘મેસેજ હતો એમનો, કે...’

કુરેશીની ભ્રમરો સંકોચાઈ. તેઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા.

‘આવતીકાલે સી.એમ. દ્વારા ‘સાહિત્ય-સન્માન સમારોહ’નું આયોજન થઈ રહ્યું છે, દર વર્ષની જેમ. પોતાને મળેલા પુરસ્કાર થકી એ ત્યાં હાજરી આપશે. કદાચ સી.એમ.ના પી.એ.એ વ્યસ્ત સમયપત્રકને લીધે તારીખમાં ફેરફાર કર્યો હોય એમ લાગે છે!’

‘બિચારો લેખક! આપણા બદલાની આગમાં ખોટેખોટો, વગર લેવાદેવાએ હોમાયો. પણ શું થાય!’ કુરેશીએ એક નિસાસો નાખ્યો, ‘જોકે એ પણ સારું જ થયું કે મારી ધરપકડ થયા બાદ તેં એને આઝાદ કરી દીધો. મારો ‘માસ્ટર પ્લાન’ હવે મારે જાતે જ નિપટાવવો પડશે.’

‘તો હવે..? આગળ શું પ્લાન? શું સી.એમ. જેવો દરિંદો આમ જ ખૂલેઆમ ફરતો રહેશે? લાચાર યુવતીઓને, બાળાઓને ચૂંથતો રહેશે? નરગીસનું બલિદાન એળે જશે?’ નવ્યાનું મોં કડવાશથી ભરાઈ ગયું.

‘સી.એમ.નો ‘સાહિત્ય-સન્માન સમારોહ’ આવતીકાલે છે, ગાંધીનગરમાં!’ કુરેશીએ ઊભા થઈને પોતાની વોકિંગસ્ટિક રમાડતા કહ્યું, ‘અને આજે સાંજે સી.એમ. પોતાના રાજનૈતિક ‘રોડ-શો’ના હિસ્સારૂપે આ શહેરમાંથી જ પસાર થશે.’

‘તો..?’ નવ્યા કુતૂહલવશ તાકી રહી. એની બદામ જેવી આંખોમાં પારાવાર પ્રશ્નો ઉમટી રહ્યા હતા.

‘સગવડ થઈ ચૂકી છે!’

‘સગવડ? શાની સગવડ?’

‘આર. ડી. એક્સ.’

‘વ્હોટ? પણ... શહેરની વચ્ચે થઈને ધીમી ગતિએ પસાર થતી એમની રેલી ઉપર – ચીફ મિનિસ્ટર ઉપર આર.ડી.એક્સ.થી હુમલો..? અન્ય કેટલાંય નિર્દોષો એમાં તો હોમાય જાય!’ નવ્યાના ચહેરાનો રંગ ઉડી ગયો.

‘આ ભોળી જનતાની ફિકર મને પણ એટલી જ છે જેટલી તને, નવ્યા. શું તને લાગે છે કે તારો આ ભાઈ વ્યક્તિગત બદલા માટે, પોતાના સ્વાર્થ માટે એક પણ નિર્દોષનો ભોગ લે?’ કુરેશીએ કમરામાં આંટા મારતા કહ્યું.

‘ક્યારેય નહિ! આઇ તો ટુ મચ ટ્રસ્ટ યુ, બ્રધર!’ નવ્યાએ આંખોમાં એક સંતોષની લાગણી સમાવતા કહ્યું.

‘જૂનાથાણાથી ઝવેરી સડક પર રહીને પસાર થતી રેલી વિરાવળ સ્મશાનભૂમિ થઈને પૂર્ણા નદીનો બ્રિજ ક્રોસ કરીને આગળ વધી જશે. ‘રોડ-શો’ વખતે ચીફ મિનિસ્ટર ખૂલ્લી છતવાળી કારમાં પોતાનો અને પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હશે. પોતાના હાથ હલાવી-હલાવીને, બંને હાથ જોડી-જોડીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હશે. શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ કરીને ‘ડાયવર્ઝન’ અપાયા છે. કડક સુરક્ષા અને ચાંપતા બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રીનો ‘રોડ શો’ સંપન્ન થાય એની ખાસ સાવચેતી રાખવામાં આવી હશે.’

‘તો પછી... આર.ડી.એક્સ...? આઇ મીન, મને તમારી ચિંતા થાય છે, ભાઈ!’ નવ્યાએ પોતાનો ચહેરો પોતાના જ બંને ઘૂંટણ વચ્ચે છુપાવીને ડૂસકું ભર્યું. કુરેશીએ નવ્યાના માથે હેતથી હાથ ફેરવ્યો જાણે કે પોતાના હિસ્સાની દરેક ક્ષણો એને અર્પણ કરી રહ્યા હોય!

‘ચિંતા થવી સ્વાભાવિક છે, બટ... ઓકે ડિયર, કમ વિથ મી., આઇ એક્ષ્પ્લેઇન યુ!’ કુરેશીએ ઉત્સાહથી કહ્યું અને કબાટમાંથી એક બ્રિફકેસ કાઢીને એમાંથી એક મોટું ચાર્ટપેપર ટીપાઈ ઉપર પાથર્યું. નવ્યાએ કૂતુહલતાથી એમની દરેક હરકત નિહાળ્યા કરી. એ ઊભી થઈને જેવી એ તરફ સરકી કે એને માલૂમ પડ્યું, એ એક નકશો હતો – નવસારી શહેરનો નકશો!

‘વિરાવળ થઈને સુરત તરફ જતો એ રસ્તો શહેરની એ દિશાનો એકમાત્ર ‘એક્ઝીટ પોઇન્ટ’ છે.’ કુરેશીએ ટીપાઈ ઉપર પથરાયેલ ‘બ્લ્યૂપ્રિન્ટ’ ઉપર એક ખાસ જગ્યાએ આંગળી મૂકતા કહ્યું.

નવ્યા એ સ્થળને જોઈ રહી.

‘...માટે સત્તાવાળાઓ એ રસ્તો સદંતર બંધ નહિ કરે. અગાઉ પણ ઘણી વખત આવા માહોલમાં આવી વ્યવસ્થા કરવામાં આવી જ છે, તને પણ ખ્યાલ હશે જ! બીજું કે, પૂર્ણા નદીના બ્રિજ ઉપર બંને તરફનો વાહનવ્યવહાર ચાલુ જ હશે અને પુલ હોવાને કારણે ત્યાં પોલીસકર્મીઓ ટ્રાફિક પણ જમા નહિ થવા દેશે.’ કુરેશીએ સમજણપૂર્વકનું એમનું આયોજન આલેખવા માંડ્યું.

નવ્યાની આંખો સામે નકશામાં ખેંચાયેલી રેખાઓ અને વર્તુળો જીવંત દ્રશ્ય ખડું કરવા માંડ્યાં.

‘મારા અનુમાન મુજબ ચીફ મિનિસ્ટર પોતાની ગાડીઓના કાફલા સાથે એ ખૂલ્લી છતવાળી કારમાં બેસીને જ પૂર્ણા નદીના પુલ ઉપરથી પસાર થશે... કારણકે આ શહેરમાં એમના પ્રચારનું છેલ્લું ’સ્ટોપ’ પેલું આમરી-કસ્બા ગામ હશે, રાબેતા મુજબ!’ કુરેશીએ પાંચ ઇંચ લાંબુ નાના રમકડા જેવું કારનું મોડેલ નકશા ઉપર એવી રીતે ગોઠવ્યું જાણે કે એ સી.એમ.ની જ કાર ન હોય!

આખરે કુરેશી દ્વારા નકશા ઉપરના પૂર્ણા નદીના પુલની સામે પારના એક સ્થળે મોટરસાઇકલનું એક મોડેલ પણ કુશળતાપૂર્વક મૂકવામાં આવ્યું. એમણે આપેલા સંપૂર્ણ ચિતારને નવ્યા ખામોશીથી તાકતી રહી, સમજતી રહી.

‘ઓલ ધ બેસ્ટ, બ્રધર!’ ભીની આંખોમાંથી નવ્યાનો દબાયેલો સ્વર ફૂટ્યો.

‘મને ‘ઓલ ધ બેસ્ટ’ નહિ, પરંતુ સી.એમ.ને ‘ગુડ બાય’ કહેવાનો સમય આવી ગયો છે, ડિયર સીસ!’ કુરેશીએ દાંત કચકચાવીને મક્કમતાથી જવાબ આપ્યો. એ સાથે જ એમની આંખોમાં ફૂટી આવેલી લોહીની ટસર સમક્ષ એક હસીન ચહેરો તરવરી ઊઠ્યો – નરગીસનો ચહેરો! પ્રેમાળ પત્ની નરગીસ! હંમેશા દરેક જીવ માટે એના હૃદયમાં એક લાગણીશીલ ખૂણો રહેતો. કુરેશી મનોમન એનો સંગાથ માણી રહ્યા– વિધિની વક્રતા તો જુઓ, કોઈના ઉપર અત્યાચાર થતો ન જોઈ શકનારી, ન સહી શકનારી મારી નરગીસ પોતે જ સૌથી મોટા અત્યાચારનો ભોગ બની હતી! કુરેશીની આંખોના ખૂણા ખારી ભીનાશથી તરબતર થઈ ઊઠ્યા.

***

સૂરજ ડૂબવાને હવે માત્ર ગણતરીની પળો જ બાકી હતી. પૂર્ણા નદીના પુલની પેલે પાર આવેલા પેટ્રોલપંપ ઉપર એક મોટરસાઇકલનું એન્જિન કંઈક વિચિત્ર રીતે જ ધણધણાટી બોલાવી રહ્યું હતું. મોટરસાઇકલસવાર સી.એમ.ની કારના રસાલાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. એના મસ્તિષ્કમાં નવ્યાના ચિંતાસભર શબ્દો ગૂંજી ઊઠ્યા- ‘ધીમી ગતિએ પસાર થતી સી.એમ.ની રેલી ઉપર આર.ડી.એક્સ.નો હુમલો થાય તો અન્ય કેટલાંય નિર્દોષો એમાં હોમાય જાય!’ અને મનોમન એ જાણે કે નવ્યાને અને પોતાની જાતને પણ હિંમતસભર સાંત્વન આપી રહ્યા હોય એમ મોટરસાઇકલની હેડલાઇટ ઉપર હાથ ફેરવતા બોલ્યા, ‘અહીં આર.ડી.એક્સ.નો ફક્ત એટલો જ જથ્થો રાખવામાં આવ્યો છે જેનાથી બાઇક અથડાવનાર આત્મઘાતી બની જાય, અને અન્ય એ વ્યક્તિનો સફાયો થાય જેની સાથે અથડામણ થાય!’

મોટરસાઇકલસવારની આંખોમાં નરગીસી તોફાન ઉમટ્યું હતું. આખા શરીરમાં પ્રતિકારની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી. એનો કષ્ટકાળ એને ખળભળાવી રહ્યો હતો... આ એ જ પૂર્ણા નદીનો કાળમુખો બ્રિજ હતો જે એની નરગીસને ભરખી ગયો હતો. ભરખી ગયો હતો..? હા, અખબારી સૂત્રો તો એવું જ કંઈક બયાન કરી ચૂક્યા હતા. પરંતુ, અસલિયત... પડદા પાછળની હકીકત તો એ હતી કે ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતોનો અહેવાલ જાહેર જનતા સમક્ષ પ્રકાશિત થાય એ ‘મોટાં માથાં’ઓ નહોતા ચાહતા. અને એક દિવસ...

નરગીસની કાર આ જ પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. ને સામેથી ધસમસતી આવી રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ચીફ મિનિસ્ટરની કાળી કુંડળીના અહેવાલ સાથે નરગીસને પણ નદીના ઊંડાણમાં ગરકાવ કરાવી દેવાના ષડયંત્રને જે અંજામ અપાયો હતો એને માત્ર એક ‘ગોઝારો અકસ્માત’નું લેબલ ચોંટાડી દેવામાં આવ્યું હતું!

એટલામાં જ, વિરાવળ સ્મશાનભૂમિ તરફથી આવી રહેલા ચીફ મિનિસ્ટરના કાર-રસાલાની સાઇરનના અવાજે વાતાવરણમાં કરુણતા ફેલાવી દીધી. લાલ-પીળી બત્તીઓ સાંજના ઝાંખા થતા જતાં અજવાળાને ગૂંગળાવી ઊઠી. ને એ સાથે જ પૂલની પેલે પાર, પોતાના મિશનમાં મરણીયા બનેલા કુરેશીની અતીતસફર અટકી પડી. તેમણે બાઇકને ગતિમાં લીધી. રફતાર પકડી. પૂર્ણા નદીના બ્રિજની બિલકુલ મધ્યમાં એમની બાઇક અને સામેથી આવતા રસાલામાં ચીફ મિનિસ્ટરની ખૂલ્લી છતવાળી કાર, બંનેનો આમનો-સામનો થયો... આર.ડી.એક્સ.યુક્ત બાઇકને કાર સાથે ધડાકાભેર અથડાવવા માટે કુરેશીએ કારની એકદમ લગોલગ પહોંચવાનું પસંદ કર્યું.

પરંતુ, આ શું? અરે, થોભો, થોભો! કુરેશીનો ચહેરો એકાએક તંગ બની ગયો. જમણો હાથ અને જમણો પગ, બંને એકસાથે દબાણપૂર્વક બાઇકની બ્રેક ઉપર દબાયા. પૂલ ઉપર પંદરેક વર્ષની એક છોકરી સાઇકલ ચલાવતી આવી ચઢી હતી. કુરેશીની બાજ જેવી તીક્ષ્ણ નજર એ છોકરી ઉપર પડી. અથડામણ ટાળવી અનિવાર્ય હતી. આખરે કોઈ પણ નિર્દોષનો ભોગ લેવાય એ એમને જરાયે મંજૂર નહોતું.

ઓચિંતી જ જોરદાર બ્રેક લાગી અને બાઇકે કાબૂ ગુમાવ્યો. બાઇક એક ચિચિયારી પાડતું ‘સ્લિપ’ થઈ ગયું. કુરેશી ગડથોલિયું ખાઈને દૂર ફેંકાઈ ગયા. બાઇક સરકીને બ્રિજના કઠેરા સાથે અફળાયું અને આર.ડી.એક્સ.નો એક જોરદાર ધમાકો વાતાવરણમાં ગૂંજી ઊઠયો. સંધ્યાકાળે પોતાના માળામાં પરત ફરતા પક્ષીઓએ ભયભીત થઈને પોતાની દિશા બદલી નાખી. ચારે તરફ અંધાધૂંધી મચી જવા પામી. આસપાસના પોલીસકર્મીઓને સાધારણ ઈજા પહોંચવા પામી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. સુરક્ષાકર્મીઓ દ્વારા તાત્કાલિક ચીફ મિનિસ્ટર સાહેબને સુરક્ષાનો સખત ઘેરાવો આપી દેવામાં આવ્યો. એમની બુલેટ-પ્રૂફ કારમાં બેસાડીને એમને ગાંધીનગરના ‘નોન-સ્ટોપ’ રસ્તે રસાલો હંકારી મૂકવામાં આવ્યો. અને ફરી એક વખત કુરેશીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા!

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૧૮ વાંચવાનું ચૂકશો નહિ.)