બ્લાઇન્ડ ગેમ-૧૮ વિનાશકારી પિચકારી DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ-૧૮ વિનાશકારી પિચકારી

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

પ્રકરણ- ૧૮ (વિનાશકારી પિચકારી)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૧૭માં આપણે જોયું કે...

ઇન્સ્પેક્ટર સિંઘના કતલના પુરાવાના અભાવે અદાલત કુરેશીને માનભેર મુક્ત કરી દે છે. ત્રણ મહિના બાદ લેખક અરમાન સી.એમ.ના ‘સાહિત્ય-સન્માન સમારોહ’માં પોતે હાજર રહેવા બાબતે નવ્યાને માહિતગાર કરે છે. નરગીસના કતલ બદલ સી.એમ. સામે બદલો વાળવા માટે કુરેશી એક આત્મઘાતી યોજના વિચારે છે. રાજનૈતિક ‘રોડ-શો’ દરમ્યાન ચીફ મિનિસ્ટરની કાર સાથે આર.ડી.એક્સ. ભરેલી મોટરસાઇકલ અથડાવવાનું આયોજન કરે છે. પરંતુ, એક નિર્દોષને બચાવવા જતા એમનું કાવતરું નિષ્ફળ જાય છે. આખરે સુરક્ષાકર્મીઓ દ્વારા કુરેશીને ફરી એક વખત ગિરફ્તાર કરી લેવામાં આવે છે...

હવે આગળ...)
‘ચલ બે, કપડે ઉતાર રે!’

‘નઈ, ભાઈ, પ્લીઝ! અપુનકી ઈજ્જત કે સાથ મત...’

‘એ, સાલે... ફાલતૂ કી બકવાસ નઈ! તેરે કુ મૈ વૈસા લગ રેયલા ક્યા?’

‘તો ફિર અપુનક કી કાયકુ બજા રેયલા, બાપ?’

‘અબે સાઉન્ડ-સિસ્ટમ કી ફટી હુઈ ઓલાદ , જો બોલા વો કર... કપડે નિકાલ, ઔર ઈધરીચ કોના પકડ કે સિકુડ કે બૈઠને કા... ચિલ્લમચિલ્લી કરને કા નઈ, ક્યા સમઝેલા?’

થોડી જ મિનિટોમાં એણે નાઇલોનની દોરીથી પેલાના હાથ-પગ બાંધી દીધા. મોં ઉપર પહોળી પેકિંગ-ટેપ ચીપકાવી દીધી. છેવટે પેલાની ગરદન ઉપર ધરી રાખેલું ધારદાર, પાતળું અને ટચૂકડું – લગભગ ત્રણ ઇંચ લાંબુ અને પોણો ઇંચ પહોળું – ખંજર, કેપ વડે એણે બંધ કર્યું. એ સાથે જ એ ખંજર એક ફાઉન્ટન પેનમાં તબદીલ થઈ ગયું. પછી એણે પોતાનો કૂરતો અને પેન્ટ કાઢીને એક હેન્ડબેગમાં મૂક્યા. પેલો ફાટેલી આંખે અને હાંફતા શ્વાસે એને તાકી રહ્યો, પણ ચહેરા ઉપર ‘માસ્ક’ પહેરેલા એ વ્યક્તિને ઓળખવો શક્ય ન બન્યું. પછી એણે, પેલાએ ઉતારેલા જીન્સ અને ટી-શર્ટ ચઢાવ્યા. માથે પેલાની જ પીળી ટોપી પહેરી લીધી.

આરામથી એણે સૂમસામ ટેરેસ ઉપરનો ખૂણો વટાવીને પગથિયાં ભણી પોતાના ઝડપી કદમ માંડ્યા. નીચે ઉતરીને પરિસર વટાવતો એ મુખ્ય હોલ તરફ આગળ વધ્યો. ઈમારતની બહારની તરફ મંડપ બંધાવાની શરૂઆત થઈ ચૂકી હતી. નીચે પથ્થરની લાદી ઉપર ‘રેડ કાર્પેટ’ પથરાઈ રહી હતી. એણે માથા ઉપરની પીળી ટોપી સહેજ વાંકી કરીને એ હોલમાં પ્રવેશ કર્યો જ્યાં ચીફ મિનિસ્ટર સાહેબ આયોજિત ‘સાહિત્ય-સન્માન સમારોહ’ની રંગેચંગે તૈયારીઓ થઈ રહી હતી.

‘એ રમીઝ... કિધર ઘૂમને કો નિકલ ગેયલા થા?’ એને દૂરથી જોતાં જ ‘ઝનકાર સાઉન્ડ’વાળા સોલી ફીટરે રાડ નાખી.

‘ભાઈ, બાથરૂમ... ઇમર્જન્સી આયલી થી!’

‘ઠીક હૈ, ઠીક હૈ... ચલ યે સ્પીકર કા વાયર ઉસ ખંભે કે ઉપર સે ઉધરકી સાઇડ કો ડાલ રે!’ સોલીએ એને કામ સોંપ્યું.

બિલ્લીપગે સ્ટેજ તરફ જતા એના કદમ ત્યાં જ થંભી ગયા. એણે કમને વાયર હાથમાં લઈને ખેંચ્યો, પણ નજરમાં તો સ્ટેજ ઉપર ગોઠવાયેલું માઇક જ રમી રહ્યું હતું. વાયરને થાંભલાની પેલે પાર લટકાવીને એણે સોલીની નજરથી બચવા માટે, અને ત્યાંથી પલાયન થઈને સીધો સ્ટેજ ઉપર પહોંચવા માટે ઉતાવળે એક ડગલું માંડ્યું.

ત્યાં જ, ‘દેખ, રમીઝ... પ્રોગ્રામ કે બીચ-બીચ મેં જ્બ્બી સી.એમ. સાયેબ એવોર્ડ દે રેયલે હોતે ના, તબ અપન કો કિસી રોમેન્ટિક-બિમીન્ટિક ગાને કા હલકા સા મ્યુઝિક બજાતે રેયને કા... ઔર જૈસેઇચ સા’બ લોગ ભાષન-બિશીન ચાલુ કરે ના, અટકા દેને કા... અબે ભાષન નહિ રે, મ્યુઝિક અટકા દેને કા!’ કહીને ખી-ખી-ખી કરતા સોલીએ ઉમેર્યું, ‘તું જા કે દેખ તો એ સબ સેટિંગ...’

એણે એક જીવંત આશાએ સ્ટેજ ઉપર દોટ મૂકી. ખૂણામાં એક ‘રેક’ ઉપર ગોઠવાયેલા એમ્પ્લીફાયર, વુફર, લેપટોપ, ટાઇમર વગેરેનું સેટિંગ્સ ચકાસતો હોય એમ એ ચહેરો નમાવીને એમાં ખૂંપી ગયો. અને ત્રાંસી નજરે સ્ટેજ ઉપર જમણી બાજુએ ગોઠવાયેલા મુખ્ય માઇક ભણી તાકી રહ્યો.

‘દેખ તો, રમીઝ...’ એટલામાં જ સોલી ફીટરનો અવાજ એને કાને અથડાયો. ‘વો સ્ટેજવાલા મેઇન માઇક ઠીક સે ચલ રેયલા કી ની?’

અને એણે જાણે કે પોતાના શરીરમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થઈ જતો મહેસૂસ કર્યો. એ ધડકતા હૃદયે માઇક ભણી આગળ વધ્યો. ‘હેલો, માઇક ટેસ્ટીંગ... વન, ટુ, થ્રી... વન, ટુ, થ્રી...’ એણે માઇક આગળ મોં રાખીને ગળામાંથી યુક્તિપૂર્વકનો ઘોઘરો અવાજ કાઢ્યો.

‘સ્પીકર ફટ રેયલા રે...’ સોલીએ બૂમ પાડી.

‘હેલો, હેલો, હેલો, માઇક ટેસ્ટીંગ...’ ફરી એક વાર એનો કર્કશ અવાજ હોલમાં ફેલાઈ ગયો.

‘કનેક્શન ઠીક સે ચેક કર રે...’ સોલીએ ચીડભર્યા અવાજે કહ્યું.

‘જી, ભાઈ, દેખતા હૂં!’ એણે ઊંચા અવાજે કહ્યું. પછી આસપાસ નજર ફેરવીને ખાતરી કરી લીધી કે એ કોઈના ચકોર કેમેરાની નજર હેઠળ તો નથી ને! એણે ખિસ્સામાંથી એક નાનકડું ‘ડીવાઇસ’ બહાર કાઢ્યું. એની અંદર લાગેલી એક ઇંચ જેટલા કદની કાચની શીશી અને એ શીશીમાં ભરેલા પ્રવાહી તરફ એણે એક ઝેરીલી નજર ફેંકી. ડીવાઇસના આગળના ભાગે શૂક્ષ્મ છિદ્રોવાળી પ્લાસ્ટિકની નાનકડી પિચકારી જોડવામાં આવી હતી. છેક છેડા ઉપર એક ‘સેલ’ ફીટ કરવામાં આવ્યો હતો જેની સાથે એક ‘સેન્સર’ જોડાયેલું હતું. પાતળા ફાયબરથી ઢંકાયેલું એ ‘ડીવાઈસ’ એણે હળવે રહીને માઇકના રબરની અંદર સરકાવી દીધું, અને એની ગોઠવણી એ રીતે કરી કે જેથી પેલી પિચકારીનું મુખ માઇકમાં બોલનાર સામે તોપની જેમ તકાયેલું રહે.

‘હેલો, માઇક ટેસ્ટીંગ... વન, ટુ, થ્રી... વન, ટુ, થ્રી...’ એણે ફરી એકવાર માઇકની ચકાસણી કરતો હોય એમ બોલવાનું શરુ કર્યું, પણ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં, ચોખ્ખાં ઉચ્ચારણમાં...

‘અબ સહી હૈ... મસ્ત આવાઝ આ રેયલી!’ સોલીએ ઊંચા સાદે બૂમ પાડીને દૂરથી જ અંગૂઠો ઉંચો કર્યો.

એણે માથા સાથે ચહેરો પણ ઘણો ખરો ઢાંકી દેતી પીળી ટોપીને સહેજ ઉંચી કરી. ફરી પોતાની નજરને છૂટ્ટોદોર આપી દીધો ને આમતેમ ફરવા દીધી. જયારે એ વાતની એને ખાતરી થઈ કે એના તરફ કોઈનું ધ્યાન નથી, એ સ્ટેજ ઉપરથી સરકી ગયો. એના કદમ દોડવાની ગતિએ ઊઠતાં હતાં. ફરી એક વાર એ પહોચ્યો ટેરેસ ઉપર...

***

‘સી.એમ. સર, આપ ચોંકી જશો, જો હું આપને માહિતગાર કરીશ કે...’ જયકાંતના રહસ્યમય અંદાજથી ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતાએ એક થડકારો અનુભવ્યો.

‘કે..?’

‘...કે ગઈકાલે નવસારીમાં ‘રોડ-શો’ દરમ્યાન આપની ઉપર જેણે બાઇકમાં આર.ડી.એક્સ. ભરીને આત્મઘાતી હુમલાની એક નિષ્ફળ કોશિશ કરી હતી એ કોણ હતું!’

હૃષિકેશ મહેતાની ઝૂલતી રોકિંગ-ચેર એકાએક અટકી ગઈ. પીઠના બળે એ ટટ્ટાર થયા. કાન સરવા કરીને એ જયકાંતના ભાવહીન ચહેરાને તાકી રહ્યા. ‘કોણ?’

‘નરગીસ યાદ છે, સર?’

‘ઓહ્હ નરગીસ! જન્નતની હૂર જેવું તેજ... મેનકા જેવી કામણગારી કાયા... અને રંભા જેવું રતિરસથી લથપથ રૂપ!’

‘હા, અને તમારા ‘વિશેષ’ શોખ સામે બંડ પોકારનાર એક જર્નાલીસ્ટ! તમારા દરેક કરતૂતોના રેકેટનો, આંતરરાષ્ટ્રીય કુખ્યાત નેટવર્કનો ભાંડો ફોડવા માટે ક્યારેક જંગે ચઢેલી એક ખૂંખાર સ્ત્રી!’

‘હા, પણ, એનું શું?’ સી.એમ. હૃષિકેશ મહેતા કંઈક અકળાયેલા સ્વરે બોલ્યા.

‘ગયા વર્ષે એ નરગીસને તો તમે કાર-ટ્રકનો અકસ્માત કરાવીને પૂર્ણા નદીને બલિ ચઢાવી ચૂક્યા હતા. પરંતુ, એનો પતિ હઝરત કુરેશી... લાગે છે એણે તમારું કાસળ કાઢી નાખવાની પ્રતિજ્ઞા લીધી હશે!’

હૃષિકેશ મહેતા ઓચિંતા જ ઊભા થઈ ગયા. બંને હાથની હથેળીમાં વળેલો પરસેવો પોતાની ફાંદ ઉપરના ખાદી સાથે લૂછતાં આમતેમ આંટા મારવા માંડ્યા. ‘તો શું આજનો આપણો ‘સાહિત્ય-સન્માન’ સમારોહ મુલતવી રાખીએ?’

‘સર, આ સમારોહ આપણે રદ કરવાનું વિચારવું પણ નહિ જોઈએ!’ પી.એ. જયકાંત ગણતરીપૂર્વક બોલ્યો.

સી.એમ.ના મુખ ઉપર ગભરાટ સાથે હેરતના ચિહ્નો અંકિત થયેલાં જોઈ જયકાંતે કહ્યું, ‘ચૂંટણી નજીક આવી રહી છે. આ ઘટના અને આ સમારોહ – બંને, સામાન્ય જનતા માટે આપણો એક ‘પોઝિટીવ’ ચૂંટણી પ્રચાર બની રહેશે. લોકો વાહવાહી કરશે કે - કહેવું પડે, સી.એમ. સાહેબ ઉપર જીવલેણ હુમલો થયો, છતાં એમણે સાહિત્યકારોને સન્માનવાનો કાર્યક્રમ પડતો નહિ મૂક્યો! વિશાળ છાતીવાળો નેતા!’

‘હમ્મ્મ...’ સી.એમ.ને જયકાંતની ચાણક્યનીતિ ગળે ઉતરી હોય એમ આખરે બોલ્યા, ‘લેટ્સ સી!’

***

‘ઇમર્જન્સી તો હવે આવી છે!’ ઝડપી ચાલે વોશ-રુમની અંદર પ્રવેશતા અરમાન મનોમન બબડ્યો. પેન્ટની ઝીપ ખોલીને યુરીનલ સામે ઊભા રહીને હળવાશ અનુભવી રહેલો અરમાન પ્રવાહીની એક તેજ ધાર જોઈને પિચકારીમાંથી છૂટવા માટે બેબાકળા બની ઊઠેલા કાતિલ ઝેર ‘સાઇનાઇડ’ને પોતાની નજર સમક્ષ કલ્પી રહ્યો. ખિસ્સા ઉપર એક આછકલો હાથ ફેરવતા આત્મસંતોષ સાથે બોલ્યો, ‘મિ. સી.એમ., બસ હવે આપનો આખરી વક્ત આવી ગયો! ઉલટી ગણતરી શરુ કરી દો. જેવું આ રિમોટકંટ્રોલનું લાલ બટન સતત ત્રણ સેકંડ માટે દબાયેલું રહેશે કે માઇકમાંથી એક વિનાશકારી પિચકારી ઉડશે – વિષની પિચકારી – સાઇનાઇડ! અને ખલ્લાસ્સ્સ..! ‘હ્યુમન ટ્રાફિકિંગ’નો કિંગ ખતમ..! બસ, હવે તો તમે સ્ટેજ ઉપર ક્યારે માઇક સંભાળો છો એની આતુરતાથી રાહ જોઈએ! ગુડ બાય, મિ. સી.એમ.!’

અરમાને એક હાશકારા સાથે જેવી પેન્ટની ઝીપ બંધ કરી કે વોશ-રુમના વેન્ટિલેશનની આરપાર એની નજર ફરવા નીકળી પડી. બહાર પાર્કિંગ-લોટના ખૂણે ‘કર્લી હેર-સ્ટાઈલ’ ધરાવતી અને માથામાં મોગરાનો ગજરો ગૂંથેલી કોઈક ‘સાઉથ ઇન્ડિયન’ જેવી લાગતી એક યુવતી કારની પાછલી સીટ પરથી નીકળી. એની સાથે બીજી બે નાની બાર-પંદર વર્ષની માસૂમ જણાતી છોકરીઓ પણ બહાર આવી.

અરમાન વિચારી રહ્યો. આ નાની-નાની છોકરીઓની અહીં એવી કોઈ જરૂરત જણાતી નથી. અને પેલી ‘કર્લી-હેર’ સ્ત્રી કોણ હશે? બંને છોકરીઓ કોણ હશે? એ યુવતીની પીઠ અરમાનના ચહેરા તરફ હતી. અરમાન એ યુવતીની મરોડદાર ગોરી કમરને તાકી રહ્યો. એની ‘બેકલેસ’ બ્લાઉસમાંથી ઝળકતી લીસી-સુંવાળી પીઠથી પોતે વાકેફ હોવાનું એણે મહેસૂસ કર્યું. એ વધુ વિચારે એ પહેલા એ યુવતીએ પોતાનો ચહેરો ઘૂમાવ્યો. ને એ સાથે જ અરમાન ચોંકી ઊઠ્યો. યુરીનલની સામે જ મૂર્તિની જેમ સ્થિર રહી ગયો. એ યુવતી અન્ય કોઈ નહિ, પરંતુ નવ્યા હતી!

અરમાન ફરી વિચારે ચઢ્યો... શું નવ્યા સી.એમ. સાથે મળીને કોઈક ‘સ્કેન્ડલ’ કરી રહી છે? માસૂમ છોકરીઓના સોદામાં શું એ પણ ‘ઇન્વોલ્વ’ છે? સી.એમ.ના ‘હ્યુમન ટ્રાફિકિંગ’ અભિયાનમાં નવ્યા પણ સંડોવાયેલી છે..?

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૧૯ વાંચવાનું ચૂકશો નહિ.)