Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 31 - 32

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૩૧

ડલાસથી અલપાસો પાછાં જતી વખતે સુધા અને ગટુ વિચારી રહ્યાં હતાં પતિ અને પત્ની તો એક જગ્યાએ રાખવાં જોઈએ. આખો ડેટાબેઝ સુધારવો પડશે. ઓછા ખરચે તે કેમ કરાય તે વિચારી રહ્યાં હતાં.

કૉમ્પ્યૂટરમાં જયાં રેફરન્સ હતા કે ઇમેઇલ હતા તે જોડાંઓને તો શોધી શકાયાં પણ તે ડલાસ અને આખા ટેક્સાસમાં વહેંચાયેલાં હતાં. ગટુ કૉમ્યુનિકેશન ઇમેઇલથી તેમને શોધી સાંત્વના આપતો હતો. અને કહેતો હતો, ભણવાનું પતી જાય ત્યાં સુધીમાં ઘટિત કરાશે. પરણિત જોડાંઓ, તેમનાં કુટુંબીજનો સૌને નાના શેઠ કહેતા, થોડો સમય આપો અને કામના ભોગે ભણતર ના બગાડો. અમેરિકામાં પહેલાં ભણતર...જોબ અને પછી ઘરસંસાર છે.

૨૦૦૦ માણસોને કામ કરતાં કરતાં ઠેકાણે પાડવાની વાત ઘણી મોટી છે. નાના શેઠ મન મોટું કરીને અહીંના કાયદાકાનૂનને આધિન રહી તે કામ કરતા હતા. મોટેલો બંધાવા માંડી હતી. ખાવાપીવાની તકલીફો અને ભણવાની શરતો સાથે બધા ત્રણ મહિને ભણી ઊતર્યા. નાના શેઠે સૌને એલપાસો એકત્ર કર્યા. ત્યારે સુધા સૌને યોગ્ય જગ્યા અને નોકરી આપી શકી. દરેક્નાં સર્ટિફિકેટ અને રસોડું ચલાવવા મહિનો ચાલે તેટલું સીધુંસામાન અને વાસણો આપ્યાં. ત્યારે નાના શેઠે બહુ મનનીય વાત કરી.

અમેરિકામાં કાયદાને માન છે તેથી તમારું ઘર શરૂ કરો ત્યારે કરકસરથી કરજો. બહારથી ખાવા માટે બ્રાઉન પડીકાં લાવીને તબિયત ના બગાડશો. કારણ કે અમેરિકામાં બે ખાડાઓમાં અમેરિકનો બરબાદ થાય છે. પહેલો ખાડો છે તબિયત અને બીજો ખાડો છે કોર્ટ કેસ. એટલે આ બે ખાડાથી બચી શકાય તેટલી સાવધાની રાખજો. આ બે ખાડાથી બચી શકાય છે ત્યારે જ કે જ્યારે તમારી ત્રેવડ હોય ને એ ત્રેવડનું પહેલું કદમ તમે લોકોએ ભણીને લીધું પણ આ લપસણી ભૂમિ છે. સાચવજો અને કોઈ પણ કુટેવ ના પાડશો. અને પડી હોય તો તે ટાળજો. ખાસ તો ફ્રીમાં મળતી વસ્તુઓનો મોહ ટાળજો. તે ડ્રગ હોઈ શકે છે જેની ટેવ જાન પણ લઈ શકે છે.

જુવાનિયાઓને ખાસ કહેવાનું કે મોટેલ જ્યારે તમે ચલાવશો ત્યારે રૂપાળી વેશ્યાઓ માટે તમે અગત્યના શિકાર છો. તમે સહેજ પણ ચરિત્ર શિથિલતા બતાવશો તો બ્લૅક મેઇલ અને ગુપ્ત રોગો મફતમાં મળશે. અહીંના યુવાધનમાં મોટેલ બીઝનેસમાં આપણે એક હથ્થુ સત્તા આ જ કારણે ભોગવીએ છીએ. જેને આપણી ભાષામાં સંસ્કાર કહે છે. અહીં તેને બીકણ કે બાયલો કહે છે. હું ચાલીસ વરસનો અનુભવ કહું છું. આ લાઇનમાં સફળ થયેલા બધા બીકણ અને સંસ્કારી હોય છે.

લપસણી ભૂમિનો બીજો દોષ જે આપણા સૌનાં લોહીમાં ગુણ તરીકે વણાયેલો હોય છે. એ છે બચપણથી આપને શિખવાડાય છે, હરામનો લીધેલ જુવારનો એક દાણો આપણા ઘરમાંથી બીજા બે દાણા સાથે લઈને જાય છે. તેથી કોઈ ગલ્લે હાથ સાફ નથી કરતું. આપણી કોમ આ નીતિમત્તાને લીધે સફળ કોમ છે અને તેથી જ પાંચ વરસે બે મોટેલ અને દસ વરસે ચાર મોટેલના માલિક હોય છે. માર્કેટ ગમે તેવું હોય પણ ગુજરાતના પટેલ અને ભક્તા ક્યારેય ભીખ માંગતા નહીં હોય.

છેલ્લો અને અગત્યનો મુદ્દો ખૂબ કરકસરથી રહેતા આ પટેલનું ધ્યાન દેવું ફેદીને ‘મારી મોટેલ ક્યારે કરું’ પર હોય છે તેથી તેમને પૈસા જાય તેવી રમતો રમતા હોતા નથી. કોઈ કેસિનોમાં જતા નથી કે તેવી કોઈ સોબતોમાં પડતા નથી.

ગટુ નાના શેઠનું વક્તવ્ય સાંભળ્યા બાદ માઇક ઉપર આવ્યો.

“નાના શેઠે તમને સૌને અભિનંદન એકલાં જ નથી આપ્યા પણ જેઓ ઉત્તીર્ણ થયા છે તે સૌને પગાર વધારો પણ આપ્યો છે. હવે આપનો પગાર ૧૫ ડૉલરને બદલે ૧૬ ડૉલર પ્રમાણે અપાશે. આપને ગાડી લેવી હશે તો તેની લાયકાત પણ આપને મળશે.”

સુધાએ એક સૂચન વધારે આપ્યું. “બે પગાર મેળવનાર યુગલને એક આખો પગાર લોન પેટે જમા કરાવનાર ઉપર વ્યાજનો ભાર નહીં પડે.”

***

પ્રકરણ ૩૨

ત્રણ મહિનામાં સ્ટ્રકચર તો બધે તૈયાર થઈ ગયાં હતાં. ભીંતોના રંગ બધે એક સરખા હતા અને રૂમો પણ ૪૮ જેટલા હતા. હવે ફરનિચર, એ.સી., રેફ્રિજરેટર અને બાથરૂમ તૈયાર થતાં હતાં. પ્લાન પ્રમાણે મોટેલ આ મહિનાના અંતમાં તૈયાર થઈ જવાના હતા. છેલ્લા તબક્કામાં બધા રૂમને કૉમ્પ્યૂટર સાથે જોડવાનું અને વીડિયો કંટ્રોલથી જોડવાનું કામ થઈ જાય એટલે યુનિટ બધાં ઇન્ટરનેટ લીંકથી વેબસાઇટ ઉપર રિવ્યૂ કરવાની કેપેસિટી આવે એટલે જોન અને નાના શેઠ અલપાસો રિસોર્ટના માલિક બની જશે.

ગટુ અને સુધાએ વિકસાવેલ સોફ્ટ્વેરમાં કેપેસિટી વિકસાવવા જોને બે ત્રણ વાર સૂચનો કર્યાં. સુધા સાથે સાથે નવી સુવિધાને ઉમેરવા મથતી. તે માનતી, માસ્ટર અને સ્લેવની કૉમ્યુનિકેશન બે તરફી કદી ન થઈ શકે. અને એવું થાય તો ટૅકનોલૉજી અર્થહીન થઈ જાય. ગટુ એ માન્યતાને તોડવા મથતો. તે માનતો કે ટૅકનોલૉજી નોકર છે તેમાં સુધારાવધારા કરી ધાર્યું કામ લઈ શકાય. પણ તેની તાકાત વધારવામાં અકલ્પનીય સુધારા ન કરવા કે જેથી તે વધેલી તાકાત તમને કાબૂમાં કરી લે અને તે બેકાબૂ થઈ જાય.

સુધા કહે, “કોઈ પણ પ્રોગ્રામની તાકાત વધારતાં તેને કાબૂમાં રાખવાની તાકાત પણ વિકસવી રહી. માલિક તરીકે તે તાકાત પરનું નિયંત્રણ એક જ વ્યક્તિનું રહેવું જોઈએ.”

નાના શેઠ આ જોડાની ટૅકનિકલ વાતો સાંભળતા અને તે બંને વચ્ચે થતા તણાવોથી કદીક ડરતા પણ.

એક દિવસ વાતોમાં ને વાતોમાં નાના શેઠે ગટુને કહ્યું, “હવે ઘણા પૈસા કમાઈ લીધા. જિંદગીમાં કરવાનું કામ જલદી પૂરું કરો.”

“સુધા પણ એમ જ કહે છે.”

“મને મારો પૌત્ર જોઈએ છે.”

“હા. અમે ચાલીસીમાં દાખલ તો થયા. હવે કંઈ રાહ જોવાની નથી.”

“‘તો માનું કે આ વરસે તમે શુભ સમાચાર આપો છો ને?”

“દાદીને તો આ શુભ સમાચાર આપી દીધા છે. તમને એ સમાચાર આપતાં સુધા શરમાય છે.”

“એમાં શરમાવાનું શું?”

“મેં પણ એમ જ કહ્યું ત્યારે સુધા કહે, દાદીમાને અહીં બોલાવી લઈશું. તે વાત કરે તો મને સંકોચ ના થાય.”

“ભલે. સાંજે હું તમારે ત્યાં આવું છું એ સંકોચ ભાંગવા. અને સાકરગોળ અને પતાસાં લૈને આવું છું. તારી દાદીને ફોન કરી તેમને પણ રાજી કરીશું ને? અને સાથે પ્રભુને પ્રાર્થના કરીશું, મા અને બચ્ચાની સુખાકારીની.

ગટુના માથા પર હાથ ફેરવતાં નાના શેઠે હાશ અનુભવી.

“ગટુ, તારા પપ્પા–મમ્મીને પણ તેડી લેજે. મારી માવલડી તો ૮૦ની થઈ, તેને એકલીને અહીં ના બોલાવાય.”

“ભલે નાના શેઠ. હજી તો મહિનો જ થયો છે. મારા પપ્પામમ્મી થોડા મોડાં આવશે પણ દાદીમાને તો તરત તેડી લઈએ.”

“તો હું પાછો ભારત જઈશ અને મારી માવલડીને તેડીને હું આવીશ.”

“ભલે તમે કહો તેમ નાના શેઠ.”

“હવે મને નાના શેઠ ના કહીશ પણ કાકાદાદા કહેજે.”

હું ઘરમાં તમને કાકાદાદા કહીશ, ઓફિસમાં તો નાના શેઠ કહેવામાં જ તમારું માન સચવાય છે.”

નાના શેઠનો આનંદ સાચે જ ઊભરાતો હતો. પંદર દિવસ બાદ અલપાસો રિસોર્ટનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગને વધુ પંદર દિવસ ઠેલીને તે કામ દાદીમાને હાથે કરાવવા તેઓ ઉત્સુક બન્યા.

સાંજે નાના શિશુના આગમનના હરખને વધાવવા નાનાશેઠ અને જોન સાકર–ગોળ અને પતાસાં લઈને સુધાને મળવા આવ્યા. સુધા પગે લાગી અને દાદીમાનો ફોન આવ્યો. ફોન ઉપર તેમણે પણ સુધાને આશીર્વાદ આપ્યા.

“જોને સુધાને કહ્યું, તારા ડેમોન્સ્ટ્રેશનને કારણે મિલીટરીમાંથી ૧૦૦૦ માણસોના કંટ્રોલ પ્રોગ્રામને દસ ગણો વધારવાની ટૅકનોલૉજીનો કોંટ્રાક્ટ મળે છે.”

દાદીમા ફોન ઉપર તે વખતે હાજર હતાં. તે તરત બોલ્યાં, “નાનો જીવ પોતાનું નસીબ સાથે લઈને આવે છે.”

***