Featured Books
શ્રેણી
શેયર કરો

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 33 - 34

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૩૩

“બા, હવે તો આવશો ને?”

“હવે તો આવવું જ પડશે ને? દીકરીને ત્યાં નવાજૂની છે.”

“બા, ટિકિટ કઢાવી છે. આવતા અઠવાડિયાની અને તમને લેવા હું આવું છું.”

“ભલે, પણ પાછા જવાની ટિકિટ કઢાવી?”

“ના. પાછા તો જવાનું જ નથી.”

“એમ તે કંઈ ચાલે? અહીં મારી ભૂરી નિસાસા નાખે ને?”

“બા, તમને એ બધી ઉપાધીમાંથી છોડાવવા તો અહીં બોલાવીએ છીએ ને?” નાના શેઠ બોલ્યા.

“મને તો સુધાના છેડા છૂટા થાય ત્યાં સુધીની જ મુદત. પછી ગટુનાં મા–બાપનો વારો. તેમને પણ તેમનો નાનો જીવ રમાડવા જોઈએ ને?”

“તે તો આવશે, પણ બા, હવે તમારો છાંયડો જેટલો સમય હોય તેટલો મારો.” સુધા વચ્ચે ટહુકી.

“હા. ભૂરી ગાય, મોતી ડાઘિયો અને ધોળી બકરી એ બધાંને પણ તું કહે તો અહીં લઈ આવું. પણ અહીંથી જવાની વાત તો કરીશ જ ના બા.” નાના શેઠ કરગર્યા.

દાદીમાની આંખમાં પણ ઝળઝળિયાં હતાં.

“જો બેટા, મને ત્યાંનું કશું ફાવે નહીં અને તમને લોકોને કામમાં મારે લીધે વિઘ્ન પડે.”

“બા, સુધા અને ગટુ એટલાં હોશિયાર છે કે કામ મારું સંભાળી લેવાનાં છે એટલે હું થવાનો રિટાયર. આપણે બે અને સુધાનો નાનો જીવ. એટલો આપણો પરિવાર. અને બાકી જો સમય બચે તો પ્રભુસ્મરણ.”

“શું બોલ્યા કાકાદાદા? ગટુ બોલ્યો. “રિટાયર્મેન્ટ? કામ કરતા માણસો તો રિટાયર્ડ થવાની વાત પણ ના કરે. અલપાસો રિસોર્ટ તો હજી તમારી નેતાગીરીની રાહ જુએ છે. અને આ સોફ્ટવેરની કંપની તો હજી પાપા પગલી ભરે છે.”

દાદીમા ફોન ઉપર મલકતાં હતાં.

ગટુ સામે જોતાં નાના શેઠ બોલ્યા, “હવે તું અને સુધા તૈયાર થઈ ગયાં છો. હવે બધું તમારે સંભાળવાનું છે.”

“કાકાદાદા, મને તો સોફ્ટવેર ઇંડસ્ટ્રીમાં કામ કરવું છે. આ બધું તો તમારી આજ્ઞાથી કરતો હતો. મને તો આ ઢગલો મોટેલ અને ૨૦૦૦ કરતાં વધુ માણસોની કારકિર્દી બનાવવામાં કે અહીં તેમને વસાવવાના કોઈ જ પ્લાનમાં દિલચશ્પી નથી.”

“તે ભલે ને ના હોય. પૈસા કમાવામાં તો દિલચશ્પી છે ને?”

“હા. તે તો છે પણ જે હું ભણ્યો તે ઉપયોગમાં આવે તેવાં કામ કરવામાં મને રસ છે.”

“સાચી વાત છે, પણ તારી વાત પેલા કોલંબસ જેવા ભારત શોધવા નીકળેલા તરંગી મુસાફર જેવી છે. જે હાથમાં છે તેની કદર નથી અને જે હવામાં છે તેની પાછળ પડ્યો છે. જોને વક્રોક્તિ કરી.”

સુધાને તો જાણે અંદરથી અપમાન લાગી ગયું. પણ કાકાદાદા આવું વિચારતા નથી તેમ માનીને વળી ગઈ.

ગટુ બોલ્યો, “જોન અંકલ, તમારો અભિપ્રાય મારા કરતાં જુદો છે. હું માનું છું, મોટેલ બિઝનેસ વ્હાઈટ કૉલર જૉબ નથી. મોટેલ જ કરવી હોત તો હું પાંચ વરસ ભણ્યો ના હોત. અને નાના શેઠ આ સામ્રાજ્ય મારે માટે કે સુધા માટે ઊભું કરે છે તો અમે આટલાં આગળ ના વધ્યાં હોત.”

જોન કહે, “જો ગટુ, તું સાચો છે તેમાં મને શંકા નથી પણ મોટેલનું કામ એટલે મુખ્ય જરૂરિયાતનું કામ. રોટી, કપડાં અને મકાન એ સ્વીકારાયેલ કાયમની જરૂરિયાતવાળાં કામ. જેમાં તેજીમંદી નહીં.. રાત પડે એટલે ઊંઘ આવે જ અને તેને માટે ખાટલો જોઈએ જ.”

ગટુ કહે, “તમારી વાત સાચી છે જોન અંકલ, પણ નાના શેઠની શરમ હોય નહીં તો હું આ બાબતે વિચારત પણ નહીં.” ગરમગરમ તળાતાં સમોસાને પ્લેટમાં પિરસતાં ગટુએ માનપૂર્વક જવાબ આપ્યો.

દાદીમા ફોન ઉપરથી બોલ્યાં, “બંને દીકરાઓએ આ જ રીતે ગામ અને જમીન છોડી હતી. તેના બાપાની સમજાવટે હું વળી ગઈ. તો આજે એ લોહી ગામની જમીન કરતાં પચાસ ગણું પેદા કરી શક્યા છે. દરેક પેઢી પોતિકું કરવા મથે તો અમે તો આશીર્વાદ જ આપવામાં માનીએ.”

***

પ્રકરણ ૩૪

જોન સાથે નાના શેઠે પણ વિદાય લીધી. પછી દાદી સાથે વાત કરતાં ગટુ બોલ્યો, “મને આજે કેમ કરતાં કાકાદાદાની વાત ઉથાપ્યા પછી જીવ બળે છે. હું સભ્ય ભાષામાં પણ મને હું જે ભણ્યો છું તેમાં આગળ વધવું છે એમ કહી શક્યો હોત.”

“નાનાએ તેના મનની વાત અત્યાર સુધી નહીં કહી, પણ હવે તે વાત ઉપર તારો બહુ સમય ના આપતો..”

“ખૈર, હવે વાત આગળ વધે ના તેનું ધ્યાન રાખજે. કારણ કે આ તારો સોફ્ટ્વેર મિલીટ્રીમાં દાખલ તો જોન અંકલ કરાવવાના છે. તેથી એક જ પ્રોજેક્ટમાં બહુ સમય ના ફાળવીશ.”

“ભલે દાદીમા. હજી સુધા સાથે વાત નથી કરી પણ આ આખા સાધનને હવે નામ આપવાનો સમય થયો છે. મારે પ્રોજેક્ટનું નામ સેન્ડી આપવું છે. અહીં સુધાને લોકો સેન્ડી કહે છે ને તેથી. સેન્ડી ઇન્વેન્ટર નામે કંપની રજિસ્ટર કરાવવાનો વિચાર કર્યો છે.”

સુધા કહે, “ના. દાદીમા મારે તો મારા સાસુના નામ ઉપરથી વિમલા ઇન્વેન્ટર કે સસરાના નામે ક્રિષ્ન ઇન્વેન્ટર કરવું છે. તેમના પ્રતિ આદર અને માન બતાવવાનો આ રસ્તો છે.”

“તો એક કામ કરીએ, ચિઠ્ઠી નાખીએ.?”

“મારાં પપ્પા–મમ્મી, સેન્ડીનાં પપ્પા–મમ્મી, નાના શેઠ અને દાદા અને દાદીમા. જેમનું નામ આવે તેમને નામે કંપની કરશું.” ગટુ બોલ્યો.

દાદીમા કહે, “આમાં તમારાં બંનેનાં નામ પણ ઉમેરો.”

સૌનાં નામે ચિઠ્ઠી તૈયાર થઈ અને દાદીમાએ ફોન ઉપર જે કહી તે ઉપાડી.

નામ સુધાનું જ આવ્યું તેથી સેન્ડી ઇન્વેન્ટર નામ નક્કી થઈ ગયું.

“સુધા, તબિયત સાચવજે. હુ ફોન મૂકું?”

“ભલે દાદીમા, તમે પણ સાચવજો.”

“હા. હવે તમે બંને જમી લો અને મારી વાત ધ્યાનમાં રાખજો. વડીલોને સાથે રાખજો અને તેમનો પ્લાન ના ગમે તો ના કહેતાં. પહેલાં તમારો પ્લાન તેમને વિગતે સમજાવશો.”

“બા, તમારી વાતને ધ્યાનમાં જરૂરથી રાખશું.” ફોન ડિસ્કનેક્ટ થયો.

બંને સાથે બેસીને જમી લીધા પછી કોન્ટ્રાક્ટ સાથે વાંચવા લાગ્યાં. ત્યારે કાકાદાદાનો ફોન આવ્યો.

“વાંચી લીધો કોન્ટ્રાક્ટ?”

ફોનને કોન્ફરન્સ પર મૂકતાં ગટુ બોલ્યો, “હા. સુધા સાથે હમણાં જ વાંચ્યો. તે મારી સાથે જ ફોન ઉપર છે.”

“તો હવે માંડીને વાત કરો.”

સુધાએ કહ્યું, “અમે આ બાબતે હજી વિચાર્યું નથી પણ મારે માટે અને ગટુ માટે આ પ્રોજેક્ટ બહુ સરળ છે. કદાચ બહુ બહુ તો બે અઠવાડિયાં. અને આમ ફાઇનલ ટેસ્ટીંગ માટે એક મહિનો. પ્રેક્ટિકલ ડિફિકલ્ટી એ છે કે ૧૦૦૦૦ ફોન સાથે ૧૦૦૦૦ માણસોની જરૂર પડશે. પહેલો પ્રકાર છે સેન્ડી બોલે અને બધા સાંભળે. જુદીજુદી જગ્યાએ. આ સરળ વાત છે જેને ટૅકનિકલ ભાષામાં માસ્ટર અને સ્લેવની જોડી કહે છે. જેનો બીજો એ કે એક વ્યક્તિ એક જગ્યાથી દસ હજાર જગ્યાએ સંદેશો આપે. બીજી સવલત કે જેમાં દરેક સ્લેવ જુદા જુદા સંદેશ એક સાથે આપે, જેને માસ્ટર જુદા જુદા સમયે સાંભળે અને ત્રીજી સવલત, બધા બોલે અને બધા સાંભળી શકે. આ શક્યતા કઠિન છે જેમાં સંશોધન જરૂરી છે.”

નાના શેઠ બોલ્યા, “જૈન ધર્મમાં શતાવધાની શબ્દ છે. તેમાં આ શક્યતા વિશિષ્ટ પ્રકારના જ્ઞાનથી શક્ય બનતું હોય છે.”

ગટુ કહે, “આ આખો પ્રોજેક્ટ સુધા અઠવાડિયામાં કરી શકશે.”

હું તેના હાર્ડવેર ઉપર કામ કરીશ. મને સરખી સવલત મળશે તો હું માસ્ટર ડેવલપ એવી રીતે કરીશ કે કૉમ્પ્યૂટર ઉપર આ બધુ રેકૉર્ડ પણ થાય અને જ્યારે તેમાંથી લેખિત જોઈએ તો તે પણ નીકળે.”

સુધા કહે, “કાકાદાદા, મેં અને દાદીમાએ કંપની મારા નામે ખોલી છે અને તેમાં દાદાકાકા ચૅરમેન થવાના છે. જોન અંકલને ક્યાં અને કેવી રીતે સમાવવા તે તમે કહો તો તે રીતે કંપની રજિસ્ટર કરી દઈએ..”

“ભલે, હું જોન અંકલને વાત કરી દઉં.”

***