*પ્રશ્ન*
તું હજીયે એની વાટ જોવે છે,
જેને તારા અસ્તિત્વને હોમી નાખ્યું..
તું હજીયે એની વાટ જોવે છે,
જેને તારી જિંદગી વેરાન કરી નાખી,
તું હજીયે એની વાટ જોવે છે,
જેને તારી લાગણીઓ ને ચકના ચૂર કરી નાખી,
તું હજીયે એની વાટ જોવે છે,
જેને તારા દિલ ને હચમચાવી નાખ્યું..
તું હજીયે એની વાટ જોવે છે,
જેને તારા યૌવન ની સુંદરતા હોમી નાખી...
*ઉત્તર*
હું એની વાટ જોવું છું,
જે ક્યારેક મારા સપનાઓનો રાજકુમાર હતો,
હું એની વાટ જોવું છું,
જેની સાથે મેં સાત વચન લીધા હતા,
હું એની વાટ જોવું છું,
જે મને ક્યારેક વ્હાલથી પંપાળતો હતો,
હું એની વાટ જોવું છું,
જે મારી સાથે પ્રેમભરી વાતો કરતો,
હું એની વાટ જોવું છું,
જેના કારણે આજે હું અખંડ સૌભાગ્યવતી છું...
હે પ્રભુ તું કેવો ચિત્રકાર
પ્રેમથી ભરેલી બનાવી આંખો,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
સ્નેહ પરોવ્યો તે હૃદયમાં,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
બુદ્ધિથી ભરેલું બનાવ્યું મગજ,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
રેખાઓ પુરી તે હથેળીમાં,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
ગોરા-કાળા બનાવ્યા વર્ણ,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
ના કોઈ બનાવી શકે તારા જેવી રચના,
હે પ્રભુ તું કેવો ચિત્રકાર..
શૌર્ય
ગુજરાત મારી જન્મભૂમિ ને ભારત મારો જીવ છે
આ દેશના દુશ્મનો સામે આજ જાગ્યું મારું શૌર્ય છે..
હિંસા વિરોધી મન મારું ને અન્યાય સામે મારી લડત છે
આ દેશના દુશ્મનો સામે આજ જાગ્યું મારું શૌર્ય છે..
પ્રણય ફેલાવવો આદત મારી ને પોતીકાં બનાવવા મારી કળા છે
આ દેશના દુશ્મનો સામે આજ જાગ્યું મારું શૌર્ય છે..
બહાદુર સિપાહીઓ માટે પ્રેમ મારો ને દેશદ્રોહીઓ માટે મારી ઘૃણા છે
આ દેશના દુશ્મનો સામે આજ જાગ્યું મારું શૌર્ય છે..
આખીયે જિંદગી પ્રેમ કરે માતા
છઠ્ઠીના દિવસે ભાગ્ય લખે વિધાતા
ને આખીયે જિંદગી પ્રાર્થના કરે માતા..
સુખ-દુઃખમાં હમેશા સાથે રહે પિતા
ને આખીયે જિંદગી વ્હાલ કરે માતા..
કોલેજના દિવસોમાં પ્રેમ કરે પ્રેમિકા
ને આખીયે જિંદગી પ્રેમ કરે માતા..
ખમ્મા મારા વીરને કહે એક બહેના
ને આખીયે જિંદગી ચિંતા કરે માતા..
સાધના
સમાજના કુરિવાજો દૂર કરવા,
સૃષ્ટિમાં પ્રેમ ફેલાવવા કરીએ એક સાધના..
ગરીબોને મદદગાર થવા,
જગતમાં ભાઈચારો વધારવા કરીએ એક સાધના..
અન્યાય સામે લડવા,
દુનિયામાં ખુશીઓને ફેલાવવા કરીએ એક સાધના..
સ્ત્રીઓને સમકક્ષ બનાવવા,
વિશ્વમાં શાંતિ પ્રસરાવવા કરીએ એક સાધના..
હું આજે ભીંજાઉં છું
સપનાઓના શણગાર કરી,
વિચારોના વાદળમાં હું આજે ભીંજાઉં છું..
મનમાં ઉર્જા ભરી,
પ્રીતના પ્રવાહમાં હું આજે ભીંજાઉં છું..
આંખોમાં આશા ભરી,
અશ્રુઓના વહેણમાં હું આજે ભીંજાઉં છું..
ચહેરાને પ્રફુલ્લિત કરી,
સ્મિતના સાગરમાં હું આજે ભીંજાઉં છું..
બાળક
સચ્ચાઈની મૂર્તિ, નિખાલશતાનું માધ્યમ,
પ્રેમનો પ્રવાહ એટલે એક બાળક..
મસ્તીનું જીવન, ખેલકૂદના દિવસો,
ચિંતા મુક્ત માનવ એટલે એક બાળક..
ચોકલેટમાં સંતોષ, લોભ વિનાનું જીવન,
ચહેરા પર સ્મિત એટલે એક બાળક..
કાગળની હોળી, રેતીના મહેલો,
સૌથી સુખી વ્યક્તિ એટલે એક બાળક..
તું આવ
જિંદગી મારી એક કોરું કાગળ,
તું આવ એમાં અક્ષર બની,
દિલ મારુ છે ખાલી,
તું આવ એમાં પ્રેમ બની,
ચાહત છે તારી સાથે ભીંજાવવાની,
તું આવ અહીં વરસાદ બની,
સાથે વિતાવવી છે જિંદગી,
તું આવ અહીં એહસાસ બની..
શું તને એ યાદ છે?
બે પળની યાદ હતી,
ભવ ભવની મુલાકાત હતી,
શું તને એ યાદ છે?
લાગણીનું ઝરણું હતું,
પ્રેમનો વરસાદ હતો,
શું તને એ યાદ છે?
તું સાથે હતી,
એકાંત પાસે હતું,
શું તને એ યાદ છે?
આંખોમાં નિખાલશતા હતી,
દિલમાં ચાહત હતી,
શું તને એ યાદ છે?
ચહેરા પર સ્મિત હતું,
હોઠો પર તારું નામ હતું,
શું તને એ યાદ છે?
મારી ઉર્મિલા
ઉર્મિઓથી ભરેલી,
પ્રેમથી છલકાયેલી,
મારી ઉર્મિલા..
સ્નેહની સરિતા,
વ્હાલનો દરિયો,
મારી ઉર્મિલા..
સુખનું સાગર,
વિશ્વાસનું વહેણ,
મારી ઉર્મિલા..
દોસ્તીની મિસાલ,
ખુશીની મંઝિલ,
મારી ઉર્મિલા..
આંખોની ટાઢક,
દિલનો એહસાસ,
મારી ઉર્મિલા..
ચાહતનું ચિત્ર,
મારી અનમોલ મિત્ર,
મારી ઉર્મિલા..