સાચો પ્રેમ કદી પૂરો થતો નથી Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

"જશોદા આમ અડધી રાત્રે એકલી અહીં કેમ બેઠી છો? " કૂણબીના પાદર ના અંધકાર માંથી એક અવાજ આવ્યો. જશોદા એ પાછળ ફરીને આમ તેમ જોયું પણ અંધારા માં કોઈ ચહેરો નજરે ન પડ્યો. થોડીવાર આમ તેમ ફાંફાં માર્યા પણ કોઈ દેખાયું નહિ. જશોદા થોડી ગભરાઈ કે રાતનાં ૩:૦૦ વાગે કોણ સાદ કરતુ હશે?

"જશોદા તે મને ન ઓળખ્યો? હું અવિનાશ..." આટલું સાંભળતા જ જશોદા ના રૂવાંટા ઉભા થઇ ગયા. જશોદા ડર ના માર્યે પાણી થી રેબઝેબ થવા માંડી. અવિનાશ શબ્દ એ જાણે એના હોશ ઉડાડી દીધા. કૂણબી ના પાદર માં રાત્રે ૩:૦૦ વાગે કોઈ ચકલું એ ન ફરકે અને એ વડલા નીચે બેઠેલી જશોદા ને હવે ક્યાં જવું એ સમજાતું ન હતું. ઘરે થી પતિ સાથે ઝગડો થયો ને રાત્રે જ કહી દૂર જતાં રેહવું જ્યાં કોઈ એને શોધી ન શકે એવા વિચાર સાથે જશોદા ગામ ના પાદરે બેઠેલી. પણ હવે એ ના ઘરે જઈ શકે કે ના અહીં પાદર માં રહી શકે. અવિનાશ એ જશોદા નો બાળપણ નો મિત્ર હતો પણ આજે એ આ દુનિયા માં નથી. એટલે જશોદા ખુબ જ ડરી રહી હતી.

"જશોદા તું ડર નઈ, હું તને નુકસાન પહોંચાડવા નથી આવ્યો. તું ઘરે પાછી ચાલી જા... તારી પરિસ્થિતિ વિષે મને જાણ છે. પતિ પત્ની માં ઝગડા થતા રહે બસ તું એને આટલું મન પર ન લે..." થોડીવાર પછી ફરીવાર વડલા ની વળવાયું માંથી અવિનાશ નો અવાજ ગુંજી રહ્યો. જશોદા ને અવિનાશ ના મૃત્યુ પછી આવો પહેલીવાર અનુભવ થયો એટલે જશોદા અવાચક બની ને જ સાંભળતી રહી. થોડો વિચાર કરી અને ફરીવાર ઘરે પાછી ફરી.

મિત્રો તમને એમ થતું હશે ને કે જશોદા અને અવિનાશ વચ્ચે શું હશે? અને અવિનાશ નું મૃત્યુ કેમ થયું? સાચું ને? તો ચાલો આપણે થોડા વર્ષો પાછળ જઇયે.....

જશોદા સાત વર્ષ ની હતી. ધોરણ-૨ માં અભ્યાસ કરી રહેલી જશોદા ખુબ જ દેખાવડી અને નખરાળી હતી. કૂણબી વાસ (પટેલ વાસ) માં રહેતી જશોદા ના ખાસ મિત્રો ન હતા એટલે એ ઘરમાં ને ઘરમાં જ રમતી. થોડા સમય બાદ ત્યાં પાડોશ માં એક નવું પરિવાર રહેવા આવ્યું. જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા પણ ગામ માં સારો વિસ્તાર કૂણબી વાસ કહેવાતો એટલે આ બ્રાહ્મણ પરિવાર એ ત્યાં જ રહેવાનો વિચાર કર્યો. જશોદા ના ઘરમાં એના મમ્મી અને પપ્પા સિવાય બીજું કોઈ ન હતું. પણ આ નવા પાડોશી આવવાથી એની ઉંમર ના સાથી મળી ગયા. બ્રાહ્મણ પરિવાર માં એક દંપતી અને એમના બે સંતાનો સંધ્યા અને અવિનાશ હતા. ધીરેધીરે દિવસો પસાર થતા ગયા ને જશોદા સંધ્યા અને અવિનાશ સાથે ભળવા લાગી. ક્યારેક જશોદા ની ઘરે તો ક્યારેક અવિનાશ ને ત્યાં આ ત્રિપુટી નજરે પડતી. બાળપણ ના આ સમય માં આ નિખાલસ બાળકો એકબીજા સાથે ગાઢ મૈત્રી માં જોડાઈ ગયા. ક્યારેક નાની સાયકલ માં એક બીજા સાથે સ્કૂલે જતા તો ક્યારેક એક બીજા ના ઘરની સ્વાદિષ્ટ વાનગીઓ નો આનંદ ઉઠાવતા. ક્યારેક "અડવાદોક, લગડી, ચોપાટ, અંધાપોપટ, નવો વેપાર, ચેસ" જેવી રમતો ની મજા માણતા.

દિવસો પસાર થતા ગયા ને જશોદા અને અવિનાશ પણ મોટા થતા ગયા. ધોરણ-૨ થી માંડી ને ધોરણ-૧૦ સુધી એક જ વર્ગ માં સાથે અભ્યાસ અને નિસ્વાર્થ મૈત્રી. નિખાલસ દિલ વાળા આ મિત્રો ને ક્યાં ખબર હતી કે પ્રેમ શું છે??? એમણે તો બસ એક બીજા સાથે રમવું, શાળા એ જવું, વર્ગ માં સાથે બેસવું, એકબીજા ના નાસ્તા મળી ને ખાવા. રજાઓમાં બંને ના પરિવાર સાથે પીકનીક પર જવું, શાળા ના પ્રવાસો માં એક બીજા સાથે અવનવા સ્થળો પર જવું બસ આજ એમની દુનિયા હતી.

અવિનાશ વધુ અભ્યાસ માટે અમદાવાદ ગયો અને જશોદા પણ ભણવામાં હોશિયાર હતી એટલે પિતા એ એને મહેસાણા શહેર ની સરદાર પટેલ સ્કુલ માં સાયન્સ માં એડ્મીસન અપાવ્યું. અવિનાશ પણ અમદાવાદ ની એ સમય ની નામચીન સ્કુલ દીવાન બલ્લુભાઈ માં સાયન્સ માં અભ્યાસ કરી રહ્યો હતો. બંને જણ ઘર થી અને એકબીજા દૂર હોસ્ટેલ માં રહી ને અભ્યાસ કરતા. કેહવાય છે કે "માણસ ઘર ની બહાર નીકળે તો જ કંઈક શીખે... " હોસ્ટેલ ના મિત્રો અને બહેનપણીઓ સાથે રહી ધીરે ધીરે જશોદા અને અવિનાશ ઘણું શીખ્યા. તમે હિન્દી ફિલ્મ નો એક ડાયલોગ સાંભળ્યો હશે નઈ...

"એક લડકા ઔર એક લડકી સિર્ફ દોસ્ત નહિ હોતે...."

કાચી વયે આ બંને ને પણ હોસ્ટેલ માં આવું જ કઈંક જાણવા મળ્યું. મોટા હોત તો કદાચ આ ડાયલોગ ને સમજી સક્યાં હોત કે મૈત્રી કોઈ પણ વચ્ચે થઇ સકે અને મૈત્રી થી આગળ કોઈ સંબંધ ન બને તો પણ એક છોકરો છોકરી સાથે જીવનભર શુદ્ધ અને નિસ્વાર્થ સંબંધ નિભાવી શકે. ધીરેધીરે સમય વીતતો ગયો અને બંને ના હૃદય માં પ્રેમ એ જન્મ લીધો. બંને રજાઓ માં આવતા ત્યારે એકબીજા ને મળતા પણ પ્રેમ વિષે કે નવા જન્મેલા એ એહસાસ વિષે કશું કેહતા નહિ. બંને ની આંખો માં કંઈક અલગ જ ચમક દેખાતી. આજ રીતે સાયન્સ નો અભ્યાસ પૂર્ણ કરી ને હવે કોલેજ માં એડ્મીસન લેવાનો સમય હતો. હજી સુધી એ એહસાસ વિશે કોઈ પહેલ ન થઇ હતી. અવિનાશ એ મેથ્સ ગ્રુપ રાખ્યું હતું તેથી એને અમદાવાદ ની નામચીન કોલેજ એલ.ડી. એન્જીન્યરીંગ કોલેજ માં મિકેનિકલ બ્રાન્ચ માં એડ્મીસન લીધું. જશોદા એ બાયોલોજી ગ્રુપ લીધું હતું એટલે એને બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ માં એમ.બી.બી.એસ ના કોર્સ માં એડ્મીસન લીધું. હોસ્ટેલો બદલાઈ, ઉંમર બદલાઈ, અભ્યાસ બદલાયો અને શહેર પણ. બંને હવે અમદાવાદ માં જ જુદી જુદી કોલેજ અને હોસ્ટેલ માં હતા. લાંબી રજાઓ માં ઘરે જતા પણ શનિ-રવિ એટલે કે વિકેન્ડ માં તો બંને અમદાવાદ માં જ મજા માણતા. ક્યારેક રિવરફ્રન્ટ તો ક્યારેક કાંકરિયા. ક્યારેક માણેકચોક તો પછી ક્યારેક આલ્ફાવન મોલ. નાનપણ ની આ મૈત્રી એના પૂરો જોશ માં પાંખો ફેલાવી ને અમદાવાદ માં ઉડી રહી હતી.

એક દિવસ આમ જ રવિવાર એ સાંજે અવિનાશ એ જશોદા ને ફોન કરી ને ડીનર કરવા માટે કહ્યું. જશોદા તો રાહ જ જોઈને બેઠી હતી કે અવિનાશ ક્યારે એની ક્રિકેટ મેચ રમી ને આવે અને એ એને મળવા જાય. સાંજે કહ્યા મુજબ અવિનાશ જશોદા ને લેવા એની હોસ્ટેલ એ પહોંચ્યો. આજે જશોદા કઈંક અલગ જ લાગતી હતી. ખુલ્લા સટ્રેટ વાળ, બ્લેક ની લેન્થ વન પીસ, કાન માં લોન્ગ સિલ્વર સ્ટ્રીપ વાળા ઍરિંગ્સ, ગાળામાં ડેલીકેટેડ પેન્ડલ વાળી ચેન અને ત્રણ ઇંચ ની હાઇટ વાલી હાઈ હિલ બ્લેક સેન્ડલ સાથે એ આજે એક અપ્સરા લાગી રહી હતી. અવિનાશ તો એને જોતા જ ફ્લેટ થઇ ગયો. અવિનાશ ની બ્લુ હોન્ડા સી.બી.આર. પાસે આવીને જશોદા ઉભી રહી. થોડી સમય હાય-હેલ્લો કરી બંને જમવા નીકળ્યા.

આખા રસ્તે અવિનાશ એ પોતાના ના બાળપણ ની અનેક યાદો ની વાત કરી પણ જશોદા ના આજ ના લુક વિષે કઈ ન કહ્યું. જશોદા પણ મન માં ને મનમાં વિચાર માં પડી કે અવિનાશ એ એને સરખી રીતે જોઈ નથી કે પછી મારા આ લુક થી એને કઈ ફેર ન પડ્યો... બંને રેસ્ટોરન્ટ એ પહોંચ્યા. એન્ટર થતા પહેલા અવિનાશ એ પોતાના પોકેટ માંથી એક બ્લેક રીબીન કાઢી અને જશોદા ને કહ્યું કે તારા માટે એક સરપ્રાઈઝ છે. એટલું કહી ને અવિનાશ એ જશોદા ની આંખે પટ્ટી બાંધી. જશોદા નો હાથ પકડી ને અવિનાશ એને અંદર લઇ ગયો. જશોદા મન માં ને મનમાં ખુશ હતી કે જીવન માં પહેલી સરપ્રાઈઝ મળી એ પણ અવિનાશ તરફ થી. અંદર જઈ ને હળવે થી અવિનાશ એ પટ્ટી ખોલી. ધીમા પ્રકાશ માં ચારે બાજુ પાણી અને વચ્ચે વુડન પાર્ટ માં રંગબે રંગી કેન્ડલ , ખુસબુદાર ફૂલો,લાઈટ પરફ્યુમ અને હાર્ટ શેપ વાળા રેડ બ્લુન્સ થી એ પ્લેસ જશોદા નું સ્વાગત કરી રહી હતી. જશોદા બે ઘણી આ સજાવટ ને જ જોઈ રહી. થોડી જ ક્ષણ માં બે ફોકસ લાઈટ જશોદા અને અવિનાશ પર પડી. અવિનાશ પોતાના એક ઘૂંટણ પર બેસી હાથ માં ગુલાબ સાથે જશોદા ની સામે હતો.

"I Love You..... Jashoda..…"

આટલું સાંભળતા જ જશોદા ની આંખો ભીની થઇ ગઈ. એનો બાળપણ નો મિત્ર અવિનાશ પણ એને એટલો જ ચાહે છે જેટલું એ અવિનાશ ને મનોમન ચાહતી હતી. એને પણ અવિનાશ ને...

"I Love You... Too... Avi...."

કહી ને પોતાના મન ની ઈચ્છા જાહેર કરી. બંને એ સાયન્સ ના અભ્યાસ થી લઈને આજ દિવસ સુધી મનમાં દબાવી ને રાખેલા પ્રેમ ને પ્રગટ કર્યો. બંને એકબીજા ને ગળે મળીને, કપાળ પર ચુંબન કરી ને, હોઠો નો રસપાન કરી ને આ વર્ષો થી મનમાં રહેલી પ્રેમ ની સરિતા ને વહાવી દીધી. થોડીવાર પછી ત્યાં વેઈટર આવ્યો....

"સાહબ ખાના લગાદુ...."

અવિનાશ એ પાંચ મિનિટ પછી જમવાનું લાવવા કહ્યું. બંને રાઉન્ડ ટેબલ પર સામસામે ગોઠવાયા ને એકબીજા ની આંખો માં પ્રેમ ને જાણે રસપાન કરી રહ્યા હોય એમ એકી ટસે જોઈ રહ્યા.

દિવસો વીતતા ગયા અને બન્ને ની કોલેજ પણ પુરી થવા આવી. અવિનાશ અને જશોદા ખુબ જ ગાઢ પ્રેમ માં હતા. પણ બંને ના માતા પિતા આ વાત થી અજાણ હતા. જશોદા ને છેલ્લું વર્ષ હતું એટલે એ પ્રેકટીસ માટે સોલા સિવિલ માં જતી અને અવિનાશ પણ L & T માં સિલેક્ટ થઇ ગયો હતો એટલે એ પણ ટ્રેનિંગ માટે કંપની એ જતો. બંને છેલ્લું વર્ષ હોવાને કારણે ખુબ ઓછું મળી સકતા.

અવિનાશ એક દિવસ ટ્રેનિંગ પુરી કરી ને ટ્રેન માં અમદાવાદ આવી રહ્યો હતો. એના ચહેરા પર ખુશી દોડી રહી હતી. ઘણા સમય પછી જશોદા ને મળવાનો મોકો હતો. વિકેન્ડ પણ હતું એટલે શનિ-રવિ સાથે જ અમદાવાદ માં વિતાવાના વિચારો એના મગજ માં ચાલી રહ્યા હતા. ત્યાં અચાનક એક ઝટકો વાગ્યો ને ટ્રેન અચાનક જ પોતાના પાટા પરથી પલ્ટી ખાઈ ગઈ. ડબ્બા માં બેસેલા ઘણા લોકો ને ઇજા થઇ. ઘણા લોકો ના મૃત્યુ ના સમાચાર ટીવી પર આવ્યા. જશોદા પોતાના પેસન્ટ ની તપાસ કરી પોતાના કેબીન તરફ જઈ રહી હતી. ત્યાં વેઇટિંગ હોલ માં લાગેલ ટીવી પર નજર પડી. થોડી વાર તો એને આસપાસ વાળા ને પૂછ્યું કે ક્યાં થયું છે આ એક્સિડન્ટ?? ને અચાનક ટીવી પર અવિનાશ નો ચહેરો આવ્યો. એના પગ નીચે થી જાણે જમીન ધસી ગઈ. એ આ આઘાત જીરવી ન સ્કી ને જમીન પણ લોથપોથ થઇ ને પડી ગઈ. પોતાનો બાળપણ નો મિત્ર, પોતાનો પહેલો પ્રેમ, આવનારી જિંદગી નો સાથી, સપનાઓ બધું પળ માં ચૂર થઇ ગયું. અવિનાશ સાથે વિતાવેલ પળો ની રીલ આંખો સામે ચાલવા લાગી અને જેમ ઘસાયેલી સી.ડી. કેસેટ ચોંટી જાય એમ વચ્ચે વચ્ચે એ રીલ રોકાઈ ને સમાચાર માં આવેલ અવિનાશ નો લોહિયાળ ચહેરો સામે આવી જતો....

અવિનાશ ના માતા-પિતા અને બેન સંધ્યા ખુબ જ શોક માં હતા. જશોદા પણ અભ્યાસ પૂરો કરી ને પોતાના જ ગામ માં એક દવાખાનું ખોલી ને નીરસ જીવન વિતાવી રહી હતી. જશોદા ના માતા પિતા એમ વિચારતા હતા કે દીકરી નો નાનપણ નો મિત્ર ગુમાવ્યો એટલે એ આઘાત માં છે. પણ જશોદા જ જાણતી હતી કે અવિનાશ એની જિંદગી હતો. વર્ષો વીતતા ગયા ને જશોદા માટે સારા ઘરના માંગા આવવા લાગ્યા. જશોદા ને હવે જીવન માં કોઈ મોહ ન હતો જીવવા ખાતર જીવતી. માતા પિતાની ખુબ આજીજી કરવાથી એને લગ્ન માટે એક છોકરા ને હા ભરી. સંકલ્પ પટેલ નામનો એ યુવક નાયબ મામલતદાર અને પોતાના જ ગામનો હતો. લગ્ન પછી જશોદા સંકલ્પ ને કઈ ખાસ ધ્યાન કે પ્રેમ ભર્યો વહેવાર ન આપતી. એના મગજ અને મનમાં અવિનાશ જ જીવિત હતો. એ કારણે સંકલ્પ અને જશોદા વચ્ચે નાના મોટા ઝગડા થતા. એક દિવસ સંકલ્પ એ જશોદા ને ખુબ સંભળાવ્યું. જશોદા સમજદાર, લાગણીશીલ અને સ્વંભિમાની સ્ત્રી હતી એટલે એ રાત્રે જ ઘરે થી બહાર નીકળી ગઈ અને એ વડલા નીચે જઇ ને બેઠી....

તો મિત્રો આ હતો અવિનાશ અને જશોદા વચ્ચે નો સંબંધ. બંને મળ્યા પણ એક ન થયા. જશોદા જીવી ત્યાં સુધી એના અવિનાશ ને ચાહતી રહી. અને અવિનાશ ની એ અંસંતુષ્ઠ આત્મા જયારે પણ જશોદા એકલી પડતી કે હારી ને જીવન માં કઈ ઉલટું પગલું ભરવા જતી તો એને સમજાવી ને ફરીવાર જીવન ને સારી રીતે જીવવા સલાહ આપતી....

એટલે જ કોઈક એ કહ્યું હશે...

"સાચો પ્રેમ કદી પૂરો થતો નથી......"

અસ્તુ...

***

આભાર:

મિત્રો આ વાત કાલ્પનિક છે. ના કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે મારો સંબંધ છે. નામ અને સ્થળો જાણીતા રાખ્યા છે જેથી વાર્તા ને એક સારું સ્વરૂપ આપી સકુ. મારી એક મિત્ર છે એ છેલ્લા ઘણા સમય થી મને કહેતી કે "સાચો પ્રેમ કદી પૂરો થતો નથી" આ વિષય પર કંઈક લખને... તો મારી આ તદ્દન કાલ્પનિક વાત હું મારી એ પ્રિય મિત્ર ને ડેડીકેટ કરું છું. તમે મિત્રો તમારા અભિપ્રાયો અને કોઈ વિષય પર હું કઈ લખી સકુ એમ લાગુ તો મને તમારો ગમતો વિષય અને અભિપ્રાય મારા નીચે લખેલ ઈમેલ પર મોકલી આપશો...

iajuneja@gmail.com

આપનો પ્રિય

ઈરફાન જુણેજા