Ruh sathe ishq return - 13 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 13

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 13

રાધા નામની એક અંજાન અને સાથે-સાથે થોડી ખરાબ માનસિક સ્થિતિ ધરાવતી યુવતી સાથે થયેલી મુલાકાત બાદ તો કબીર ની માનસિક સ્થિતિ બગડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.સવારે એ જ્યારે જાગ્યો ત્યારે પોતાની જાતને ઘણી ફ્રેશ અનુભવી રહ્યો હતો.ચા-નાસ્તો પૂર્ણ કરી નાહી-ધોઈને કબીર દોલતપુર જવા નીકળી પડ્યો.

પોતાને આવતાં સાંજ પડી જશે એટલે પોતાનું બપોરનું જમવાનું ના બનાવે એવું જીવાકાકા ને કહી કબીર શિવગઢથી નીકળી દોલતપુર જતી સડક પર ગાડી લઈને ચાલી નીકળ્યો.કબીરે સૌથી પહેલાં તો ATM માં જઈને થોડી કેશ ઉપાડી લીધી..ત્યારબાદ એને થોડાં ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ આઉટ કઢાવવાની હોવાથી એ સાયબર કાફે જઈ પહોંચ્યો.કબીરને સાયબર કાફેમાં જે પણ થોડું ઘણું કામ હતું એ પૂર્ણ કરીને કબીર ગઈ વખતે ગયો હતો એ ગિરનાર હોટલમાં કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ માણવા જઈ પહોંચ્યો.

ગઈ વખતે જે રીતે કબીર જમવા આવ્યો ત્યારે જે જમેલો ત્યાં ઉભો થયો હતો એ યાદ હોવાથી કબીરને જોતાં જ ગિરનાર હોટલનો માલિક ઓળખી ગયો.એને કબીરને ઉભાં થઈને સત્કાર્યો અને એક જગ્યાએ બેસવાનું જણાવી વેઈટર ને બોલાવી કબીરનો ફટાફટ ઓર્ડર લેવાનું કહ્યું..આજેપણ કાઠિયાવાડી વાનગીઓની લિજ્જત માણ્યા બાદ કબીરને જામો પડી ગયો હતો.જમવાનું બિલ ચૂકવી કબીર દોલપતુરથી નીકળી રહ્યો હતો ત્યાં એને મનમાં કોઈને મળવાની લાગણી થઈ.

કબીરે એ સાથે જ પોતાની ગાડીને એ મંદિર તરફ ભગાવી મૂકી જ્યાં એને ગઈ વખતે જશોદાબેન ને ડ્રોપ કર્યાં હતાં..કબીર જ્યારે મંદિર જોડે પહોંચ્યો ત્યાં મંદિરની નજીક આવેલ વૃક્ષની નીચે બેસેલાં જશોદાબેન ને જોયાં.જશોદાબેન અત્યારે પોતે લઈ આપેલી સાડીમાં પહેલાં કરતાં ઘણાં વ્યવસ્થિત લાગી રહ્યાં હતાં.

"માજી કેમ છો..કોઈ તકલીફ તો નથી ને.."આંખો બંધ કરી હાથમાં રહેલી મણકાની માળામાં મણકા ગણતાં જશોદાબેન ની નજીક જઈને કબીર ધીરેથી બોલ્યો.

"કાના..બેટા..તું આવી ગયો.?"કબીરનો અવાજ સાંભળી જશોદાબેન આંખો ખોલતાં બોલ્યાં.

જેવી જશોદાબેન ની નજર કબીર પર પડી એ સાથે જ એમનો ચહેરો થોડો હતાશ થઈ ગયો..પણ તરત જ એ પ્રસન્ન ભાવે કબીર ને ઉદ્દેશીને બોલ્યાં.

"અરે દીકરા તું..આવ..મને એમ કે મારો કાનો આવ્યો હશે..પણ આતો મારો બીજો દીકરો છે."

પોતાને દીકરો કહેતાં આ વૃદ્ધાનાં ચહેરા પર એ સમયે પેદા થઈ રહેલાં પ્રસન્ન ભાવ જોઈને કબીરને દુનિયાભરનું સુકુન પ્રાપ્ત થઈ રહ્યું હતું.કબીર એમની નજીક ઘૂંટણનાં બળે બેઠો અને બોલ્યો.

"હા માજી હું પણ તમારો દીકરો જ છું..અહીં આવ્યો હતો તો થયું તમને મળતો જાઉં..હવે તમારે જમવાની કે બીજી કોઈ તકલીફ તો નથી પડતી ને..જો બીજી કોઈ મદદની જરૂર હોય તો જણાવી દેજો.મારો નંબર તો છે ને તમારી જોડે.."

"હા બેટા.. હવે ઉપરવાળા ની દયાથી મારે કોઈ તકલીફ નથી..એને મારી મદદ માટે એક દેવદૂત બનાવીને તને અહીં મોકલી દીધો."આટલું કહી જશોદાબેને કબીર નાં માથે આશીર્વાદ આપતાં હાથ મુક્યો.

કબીરને એમની સાથે બેસવું અને વાતો કરવાની મજા આવી રહી હતી એટલે એ કલાક સુધી જશોદાબેન જોડે ત્યાંજ બેસી રહ્યો.ત્યારબાદ જશોદાબેન ની રજા લઈને એ નીકળતો હતો ત્યાં જશોદાબેને એને જતાં અટકાવ્યો અને પૂછ્યું.

"શિવગઢમાં બધું ઠીક તો છે ને..?"

"હા,બસ મારે તો ઠાકુર સાહેબની દયાથી કોઈ તકલીફ નથી..મારે તો મારું કામ ભલું..અમે રહ્યાં પરદેશી પંખી કામ પત્યું એટલે થોડાં દિવસમાં મૂળ જગ્યાએ પાછાં.."જશોદાબેન નાં સવાલનો જવાબ આપતાં કબીર બોલ્યો.

"સારું પણ એક વાત જણાવી દઉં કે તું બહુ સાચવીને રહેજે..આ ગામ જેવું દેખાય છે એવું હકીકતમાં છે નહીં.."સૂચન કરતાં જશોદાબેને કહ્યું.

"તમે મારી ચિંતા ના કરશો..બસ તમારી તબિયત સાચવો.ફરીવાર અહીં આવીશ તો ચોક્કસ તમને મળવા આવી જઈશ.."બે હાથ જોડીને જશોદાબેનને પ્રણામ કરી કબીર ત્યાંથી કાર લઈને શિવગઢ જવા નીકળી પડ્યો.

મોબાઈલમાં નેટવર્ક હોવાં છતાં કબીરે પોતાની પત્ની શીલાને કોલ કર્યો નહીં.. હકીકતમાં કબીરને શીલા વિશેનો એક જરાસરખો વિચાર જરૂર થયો હતો પણ એને શીલાને કોલ કરવાની વાતનો આપમેળે જ છેદ ઉડાડી દીધો.

દોલતપુર થી શિવગઢ તરફ જતાં કબીરનાં મગજમાં જશોદાબેન દ્વારા પોતાને સાચવીને રહેવાની વાત નાં વિચાર ચાલી રહ્યાં હતાં.કેમકે આવું જ કંઈક મહાદેવ મંદિરનાં પૂજારી હરગોવનભાઈ પોતાને કહી રહ્યાં હતાં..તો શું પોતાની પર સાચેમાં કોઈ મુસીબત છે એ વિચારતાં કબીરની ગાડી શિવગઢ તરફ ચાલી નીકળી.

કબીર જ્યારે જશોદાબેન ને મળીને પોતાની કારમાં બેઠો એ સાથે જ કબીરનો બાઈક લઈને શિવગઢથી પીછો કરેલ એક વ્યક્તિએ પોતાનાં મોબાઈલ પરથી કોઈકને કોલ લગાવ્યો.

"હું ચમન વાત કરું..દોલતપુર થી.."સામે છેડેથી ફોન રિસીવ થતાં જ એ વ્યક્તિ બોલ્યો.

"હા બોલ ચમન..?"સામેથી કોઈએ પૂછ્યું.

"ડોકટર,હું તમારાં કહ્યાં મુજબ પેલાં ડોકટરની પાછળ પાછળ અહીં દોલતપુર આવ્યો.."ચમને જેને કોલ કર્યો એ બીજું કોઈ નહીં પણ ડોકટર ગિરીશભાઈ હતાં.

"હમમ.. તો કંઇક અટપટું લાગ્યું હોય એનાં વ્યવહાર પરથી તો બોલી દે.."ડોક્ટરે કહ્યું.

"આમતો દોલપતુર માં આવીને કબીર એક સાયબર કાફેમાં કંઈક લખવાની સામગ્રી લેવા ગયો અને પછી એક હોટલમાં બપોરે જમવા..પણ એ બધું પતાવી શિવગઢ આવતાં પહેલાં એ એક વ્યક્તિને મળ્યો જે જોઈને મને થોડી નવાઈ લાગી.."ચમન બોલ્યો.

"કોની વાત કરે છે તું..?કોને મળ્યો હતો એ કબીર..?"અધીરાઈ સાથે ડોક્ટરે સવાલ કર્યો.

"એ વ્યક્તિ હતી જશોદા..પેલી પાગલ જશોદા."ચમન જાણે જશોદાબેન ને ઓળખતો હોય એમ બોલ્યો.

"પણ જશોદા ને કબીર કઈ રીતે ઓળખે..?"ડોકટર આશ્ચર્ય સાથે બોલ્યાં.

"એ બંને જ્યારે એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં તો મેં બાજુનાં વૃક્ષ પાછળ છુપાઈને એમની વાતો સાંભળી..વાતો પરથી તો એવું લાગ્યું કે કબીર ને જશોદાબેન અચાનક મળી ગયાં અને એ જશોદાની હાલત જોઈ એને દયા આવી ગઈ ને માનવતા ખાતર એ પાગલ ડોશીની મદદ કરી દીધી..",ચમને કહ્યું.

"સારું..તો હવે કબીર ક્યાં છે..?"ડોકટરે પૂછ્યું.

"કબીર તો શિવગઢ તરફ જતાં રસ્તે નીકળી પડ્યો અને હવે હું પણ શિવગઢ જ આવવા નીકળું છું.."આટલું કહી ચમને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.ફોન કટ કર્યાં બાદ કબીર ની પાછળ-પાછળ ચમન પણ શીવગઢની તરફ પોતાની બાઈક પર બેસી ચાલી નીકળ્યો.

************

ચમન સવારથી કબીરનો પીછો કરી રહ્યો હતો એ વિશે સાવ એવું પણ નહોતું કે કબીરને એ બધું ધ્યાનમાં નહોતું આવ્યું પણ હકીકત એ હતી કે શિવગઢમાં પગ મુકયાં બાદ પોતાની સાથે ઘટિત થઈ રહેલી ઘટનાઓ અને હવે તો રાધા નામની યુવતી સાથેની મુલાકાત બાદ કબીર જોડે ચમન વિશે વિચારવાનો સમય જ નહોતો.

કબીર જ્યારે શિવગઢ પહોંચ્યો એ સમયે સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો..કબીરે પોતાની સાથે લાવેલ જરૂરી વસ્તુઓ જીવાકાકા ને સુપ્રત કરી અને પછી પોતાનાં રૂમમાં ગયો.ત્યાં જઈને કબીરે પોતાની સાથે લાવેલી રસ્કિન બોન્ડ ની શોર્ટ હોરર સ્ટોરીઓની ઈન્ટરનેટ પરથી મેળવેલી નકલોની પ્રિન્ટ આઉટ ટેબલ પર મૂકી.રસ્કિન બોન્ડ ની આ બધી શોર્ટ હોરર સ્ટોરી માં પોતાની નોવેલ માટે કંઈક મટીરીયલ કે પછી પ્રેરણા મળી રહેશે એ વિચારથી કબીરે આ પ્રિન્ટઆઉટ કઢાવી હતી.

કબીર ફ્રેશ થઈને નીચે ઉતર્યો અને થોડો સમય બહાર ખુલ્લી હવામાં ફરવા ચાલતો ચાલતો નીકળી પડ્યો.ઈયરફોન કાનમાં અને પ્લે લિસ્ટમાંથી ગઝલો સાંભળવી એ કબીરનો રિફ્રેશીંગ શિપ હતો.રાતે જમવાનો સમય થઈ ગયો એટલે કબીર પાછો વુડહાઉસ આવી પહોંચ્યો.

કબીરનું જમવાનું પૂર્ણ થઈ ગયું એટલે જીવાકાકા બાકીનું કામ પૂર્ણ કરીને પોતાનાં ઘર તરફ જવા રવાના થઈ ગયાં. જીવાકાકાનાં જતાં જ કબીરે વુડહાઉસનાં બારી-બારણાં બંધ છે કે નહીં એ બરોબર ચેક કરી જોયું અને પોતાનાં રૂમમાં આવીને લેપટોપ ચાલુ કરીને રસ્કિન બોન્ડ ની હોરર સ્ટોરીની પ્રિન્ટ આઉટ હાથમાં લઈને બેઠો.

Omnigus,a face in the dark and hauntings,penguin book of indian ghost stories જેવી જગપ્રસિદ્ધ નોવેલો કબીર પોતાની સાથે લઈને આવ્યો હતો.કબીરે penguin book of indian ghost stories વાંચવાનું શરૂ કર્યું.આ નોવેલ ભારતીય મૂળમાં બનેલી ભૂતિયા ઘટનાઓની ઝાંખી કરાવતી હતી.કબીર ઈચ્છતો હતો કે પોતાની નોવેલોનું લેવલ પણ રસ્કિન બોન્ડ ની સમકક્ષ પહોંચે.

કબીર નોવેલ વાંચતાં વાંચતાં એમાંથી કોઈ સારો પોઇન્ટ લાગે તો એને નોટ કરી લેતો.આ બધાં પોઇન્ટ ને પોતે લખી રહ્યો છે એ નોવેલ કે પછી આવનારી બીજી કોઈ નોવેલ માટે પ્રેરણા બનાવશે એવું કબીરનું વિચારવું હતું.રાતનાં એક વાગ્યાં સુધી તો કબીરનું વાંચન અને લેખન ચાલુ રહ્યું.કબીર માટે આ નોવેલ વાંચવી મજાનો અનુભવ સાબિત થયો હતો.

કબીરે હવે લેપટોપ શટ ડાઉન કર્યું અને આવીને પલંગમાં બેઠો.કબીરને ઊંઘ આવી રહી હતી પણ એ જેવો આંખો બંધ કરતો એ સાથે જ એની આંખો સામે રાધાનો સુંદર ચહેરો આવી જતો અને એની આંખ ખુલી જતી.કબીર અઢી વાગ્યાનું એલાર્મ પણ મોબાઈલમાં મુક્યું હતું કે રાધા જ્યારે આવે ત્યારે પોતે એલાર્મથી જાગી જાય..પણ જ્યારે કોઈને મળવાની બેતાબી હોય ત્યારે ઊંઘ તો જોજનો દૂર રહેવાની એમાં કોઈ સંશય નથી.

કબીર વારંવાર ઘડિયાળની તરફ નજર કરતો કે ક્યારે આ દોઢ કલાક પસાર થાય અને ક્યારે રાધા આવે અને પોતે જઈને એને મળી શકે.દિલમાં લાગણીઓનું ઘોડાપુર ઉભરાઈ રહ્યું હતું પણ આ ઘડિયાળ ને આજે પગમાં બંધન લાગી ગયાં હોય એમ સમય ખૂબ મંદ ગતિમાં લાગતો હોય એવું કબીરને લાગી રહ્યું હતું.

કબીર ક્યારેક મોબાઈલમાં ગેમ ચાલુ કરતો તો ક્યારેક ઉભો થઈને રૂમમાં ચક્કર લગાવતો..બે-ત્રણ વખત તો કબીર બાથરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોઈને આવ્યો હતો.આ વસ્તુ ખાલી કબીર જોડે જ બની હોય એવું નહોતું કબીરની જેમ દરેક વ્યક્તિ જોડે આવું જ બને જ્યારે એ પોતાનાં પ્રિય વ્યક્તિની રાહ જોઈને બેઠું હોય.હૃદયની ધડકનો બમણી થઈ જાય..ઘડિયાળ સામે દર મિનિટે નજર જાય અને તમે એ સમયે કઈ રીતે સમય પસાર કરવાનાં અખતરા કર્યાં હતાં એ પાછળથી વિચારો તો હસવું પણ આવે.

આખરે અઢી વાગી ગયાં..બહારથી કોઈ અવાજ આવે એ પહેલાં તો કબીર અઢી વાગતાં જ ઉભો થઈને બારીની નજીક જઈ પહોંચ્યો.પાંચ મિનિટ સુધી તો કબીરને રાધાનાં આગમનની કોઈ એંધાણી ના મળી એટલે એ અધીરો બની ગયો અને અકળાઈ ગયો.આ અધિરાઈમાં જ કબીર એકલો એકલો બબડવા લાગ્યો કે..

"મને લાગે છે હવે રાધા નહીં આવે.."

દુનિયાભરની હતાશાનાં સાગરમાં ડૂબેલો હોય એવાં ભાવ સાથે કબીર આવીને પલંગમાં બેઠો..રાધા જોડે પોતાનો ભવોભવનો સંબંધ હોય એવું કબીરનાં હાલનાં વ્યવહાર પરથી તો લાગી રહ્યું હતું.એક અંજાન યુવતી જેને એ ગઈકાલ સુધી તો ઓળખતો પણ નહોતો એનાં ના આવવાં પર પોતાને કેમ નિરાશા થઈ રહી હતી એ કબીરને સમજાઈ નહોતું રહ્યું..!

રાધા નહીં જ આવે એમ વિચારી કબીરે સુવા માટેનું મન બનાવી લીધું અને પલંગ પર લંબાવ્યું.. કોઈ વસ્તુ વિશે મનમાં વિચાર્યું હોય કે એ થવી જ જોઈએ પણ એ ના થાય ત્યારે જે લાગણી થાય એ તન અને મન બંને ને થકવી નાંખનારી હોય છે..આજ લાગણી સાથે કબીરે નિંદ્રા દેવીનાં સાનિધ્યમાં જવા માટે આંખો બંધ કરી લીધી.

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED