A Story - (chap - 21) books and stories free download online pdf in Gujarati

A Story... ( chap - 21 )


★ ડાયરીમાં પ્રથમ શબ્દો ★
સાંજનો સમય હતો એટલે આજે પણ ઘરમાં જ હતો. સામાન્ય રીતે જીનલ સાથેના એ દિવસ પછી ખાસ અંદર બહાર જવાનું મેં ખુબ જ ઓછું કરી દીધુ હતું. અને હા, આ ડાયરી લખવાની શરૂઆત પણ એના જીવનમાં આવ્યા પછી જ તો કરી છે. કેમ કરી છે...? એનો મારી પાસે હવે કોઈ જવાબ નથી. પ્રશ્નો પૂછવાની આદત પણ હવે સાવ છોડી દીધી છે, એટલે જવાબની ઝંખના આપોઆપ જ શમી જાય છે. કદાચ જ્યારે જવાબો માંગવાની ઈચ્છાઓ જ ન રહે, ત્યારે નક્કર તમે કશુંક પામ્યાંથી સંતુષ્ટ હોવ છો. પણ મન તો જાણે હજુ ક્યાંય નોહતું લાગતું. કદાચ બધુ સ્પષ્ટ હતું, છતાં પણ હું એને અસ્પષ્ટ જ રાખીને ટીવી જોવા બેઠો હતો. કોણ જાણે કેમ ટીવીમાં જીવ તો નહતો જ જતો. કારણ કે અનિચ્છાએ પણ મનમાં તો વારંવાર એના જ વિચારો દોડતા હતા. આખા દિવસની રખડપટ્ટી પછી મારે તો સુઈ જવું પડે એમ હતું, તેમ છતાં કોણ જાણે કેમ હજુ સુધી હું જાગતો હતો.

જીનલ અને મારી વાતચીત પાછળના દસ દિવસથી સામાન્ય હતી. રોજ મળવું, વાતચીત કરવી, ખાસ્સો સમય એકબીજા સાથે કોઈ જ પ્રકારના સંવાદ વગર બેસી રહેવું... આ બધું જ હવે ખરેખર મને એક સપના જેવું લાગતું હતું. કદાચ ભૂતકાળમાં સ્વરાની નજીક હું ભલે ન જઈ શક્યો હોઉં. પણ, જીનલના સહવાસમાં એ કમી મને સહેજે અનુભવાતી ન હતી. જો કે જિનલ સાથે પણ હજુ સુધી મારે લાગણીઓના પ્રવાહ સિવાય કોઈ સંબંધ જ ક્યાં હતો.

માત્ર એટલું જ કે એ મારી કજીન સિસ્ટરની એક ફ્રેન્ડ હતી. કોણ જાણે કેમ સ્વરાના વિચારો પછી આ ફરી કોઈક હતું, જે મનમાં વંટોળો સર્જી રહ્યું હતું. આ કોઈ પ્રેમ તો ન જ હતો. કારણ કે પ્રેમની પરિભાષા હજુ શીખવાની પણ બાકી છે, અત્યારે માત્ર એક આકર્ષણ જેવું કાંઈક લાગે છે. જે સતત એની આસપાસ મને ખેંચી રહ્યું છે.

એની વે દિવસ, રાત અને વાત... 
તો પછી શા માટે એવા ખોટા વિચારોના વિમર્ષમાં અટવાયેલું રહેવું...?

~ ~ ~ ~ ~ ~

★ પ્રેમ વિશે એને શુ ખબર હોય...? ★

ઘરમાં બેઠો બેઠો હું ટીવી જોઈ રહ્યો હતો. મને નથી ખબર કે ક્યારે ઘરમાં કોઈ પ્રવેશી ગયું હશે. જ્યારથી એકલો રહું છું ત્યારથી સહેજ પણ સાવચેતી જેવું લક્ષણ હજુ હું વિકસાવી શક્યો નથી. આમ પણ જ્યારે ભરચક સોસાયટીમાં તમેં રહેતા હોવ ત્યારે ખાસ એટલું બધું વિચારવાની જરૂરિયાત રહેતી જ નથી, છતાં પણ કોણ જાણે કેમ... કેટલાક સમયથી લોકોના મતે તો હું સાવ બેફામ બની ગયો હતો. ઘરમાં પડ્યો પડ્યો બસ ટીવી જોતો હતો. દરવાજો ખુલ્લો હતો, અને હું પણ... વિચારોમાં અટવાયેલો આનંદિત વિમલ તો ક્યાંક ખોવાઈ ચુક્યો હતો, ક્યારે ખોવાયો એની જાણ નથી. પણ હા એ હવે એ તો નથી જ રહ્યો જે પહેલા હતો.

રૂમના અંદર અવાજ જેવું કંઈક થયું, પણ મેં ધ્યાન ન આપ્યું. સહેજ વખત પછી એ અહેસાસ છવાઈ ગયો જેનો વારંવાર અનુભવ કરવાનું મન બની જતું હતું. કદાચ આ જ તો એ અહેસાસ હતો જે સતત નવા વિમલને મારા અંદર જીવાડતો હતો. પણ એ અહીં...? 'હા, હું અહી...?' કદાચ મારા અંદર ચાલતા મનોમંથનને પકડી શકતી હોય એમ એણે કહ્યું. તું અહીં શુ કરે છે...? જો કે આ પ્રશ્ન તો મારે પૂછવાનો હોય, પણ હું એમ ન કરી શક્યો

આમ પણ અજાણતા કોઈ વ્યક્તિને જોઇને તમે પ્રેમ જેવા કોઈ વિચારો કેવી રીતે મનમાં લાવી શકો...? વાસ્તવમાં એ સમયે પ્રેમ કોને કહેવાય, એ પણ મને ખાસ ખબર ન પડતી હોય. પણ લાગણીઓ કોને કહેવાય એની પણ ક્યાં ખબર હતી, એને પણ આ બધું તો નહી જ વિચાર્યું હોય ને...? પણ કોણ જાણે કેમ, મને એની આંખો એના વિચારો અને મારા વિચારો બેય કરતા વિરોધી જ લાગતી હતી. આ લાગણીઓને સબંધનું જો નામ આપવા જાઉં તો પણ એને હું કોઈ નામ નહિ આપી શકું. કારણ કે અહી હજુ સ્પષ્ટતાનો અભાવ હતો. એ મારા વિષે અથવા હું એના વિષે અત્યારે કે ભવિષ્યમાં શું વિચારીશું એની સહેજ અમથી પણ અમને જાણ નોહતી. બસ એક ઓચિંતું જ કઈક બહારથી આવીને આંખોમાં વસી ગયું હતું. સ્વરા અને જીનલ વચ્ચે અમથી સમાનતા કદાચ કુદરતની કોઈ કળા અથવા સંયોગ પણ હોઈ શકે ને...? તો પછી શા માટે એને કોઈ અન્ય વિચારે વિચારવાની કોશિશ કરવી. 

બસ સાવ અર્થહીન અને આધારહીન વિચારોને હું આજકાલ વાગોળ્યા કરું છું. કેમ કરું છું, કેમ હું બદલાઈ રહ્યો છું, અથવા આ બધા ખાલી અંદર ઉદ્ભવતી લાગણીઓના કારણે બદલાતા દ્રષ્ટિકોણ માત્ર છે. સંયોગ છે, નિયતિ છે કે નિર્ધારણ આ બધુય કદાચ ભવિષ્યમાં પોતાના અસ્તિત્વ માટે સતત પ્રયત્નશીલ હશે. બસ આ વિચારો સાથે હવે સુઈ જવા સીવાય કોઈ ઠોસ કારણ રહી નથી જતું. 

~ ~ ~ ~ ~ ~
 
★ આ સંબંધ છે...? ★

કેટલાક દિવસથી હું મને બદલવા માંગું છું. કેમ...? એ નથી સમજાતું. પણ ક્યાંક ને ક્યાંક એમાં જીનલનું કઈક છૂપું અસ્તિત્વ જરૂર હોઈ શકે છે. ક્યારેક સાવ નિશબ્દ છું, તો ક્યારેય પ્રશ્નોના વંટોળોમાં ઘેરાયેલો વ્યક્તિ. જાણે કે હું ઘણું બધું પૂછવા માંગુ છું, પણ શું સાચે જ એ પ્રશ્નો પછીના જવાબો સ્વીકારવાની મારી તૈયારીઓ છે ખરી...? કદાચ જે મનોસ્થિતિ છે એ જોતા હું આ પ્રશ્નનો જવાબ મને જ આપી શકવાની મક્કમતા હવે ખોઈ ચુક્યો છું. અમારી વચ્ચે જાદુ કી જપ્પી અને પપ્પી જેવા પ્રેમ દર્શાવતા શાસ્ત્રો વારંવાર ઉપયોગમાં લેવાવા લાગ્યા છે. મને આમાં કચાસ લાગે છે. એવું તો હું નહીં કહી શકું કે હું એના સહવાસથી ખુશ નથી. પણ આજ કાલ હું કાંઈક વધારે પડતો જ ખુશ રહેવા લાગ્યો છું, આ ખુશી પછી આવનાર વેદનાના અંતરાલની મને અનીચ્છતાએ ચિંતા થાય છે. જો કે મળેલા સમયને જીવવું એ જ પ્રકૃતિ છે. પણ જ્યારે તમે વાસ્તવિક પણે એક એવા સમયકાળમાં જીવવા લાગો છો, જ્યાંથી બહાર આવવાનું તમારું કોઈ આયોજન જ ન હોય તો...? તમે બસ એ સમયના પ્રવાહને આજીવન એ જ સ્થિતિ સંજોગોમાં રોકી લેવા તડપી ઉઠો છો, પણ રોકી કે રોકાઈ શકવું તમારા માટે ત્યારે શક્ય નથી થઈ શકતું. એટલે આ વહી જવાનો ડર સહજ જ મનમાં ઘુમળાતો અનુભવી શકાય છે.

કોણ જાણે કેમ, આજે મને ડર લાગતો હતો. આ ડર...? પણ આ ડરનો તો કોઈ અર્થ જ નથી સમજાતો. કારણ કે મેં તો એના તરફી ઝુકાવ એને દેખાડ્યો જ નથી. પણ અંદરથી તો એ ઝુકાવ હતો જ ને, એ પણ સત્ય છે. આ સ્વીકાર ભલે હું કોઈની સામે ન કરી શકું, પણ આ ડાયરીને...? શુ હું આ ડાયરીને પણ જુઠ્ઠાણું ભીડાવી શકું છું...? કોણ જાણે આ પ્રકારનું વિચિત્ર વિચિત્ર હું કેમ લખી રહ્યો છું...?

હમણાં થોડી ક જ વાર પહેલાની વાત છે. કદાચ આ પ્રસંગ જ તો મારા ડરનું કારણ છે...? હે ને...? હું મારા મનને જવાબ આપું કે આ ડાયરીને...? મને નથી સમજાતું... આ બધું લખવા કરતા હું આ ડાયરી મૂકી દેવા જઈ રહ્યો છું. અસ્તુ...

~ ~ ~ ~ ~ ~

★ ડર કે આગે જીત હે... ★

કાલની વાત તો વ્યર્થ હતી. કદાચ એટલે જ તરત બીજા દિવસે હું ડાયરી પકડીને એની સ્પષ્ટતા આપવા બેસી ગયો છું. પણ હવે શું કહું...? શું મારે એમ કહેવું જોઈએ કે, એ અને હું વિખુટા પડીએ એ શક્ય જ નથી. આવું જૂનુન મારા મનમાં હવે વધુ મજબૂતાઈ પકડી રહ્યું છે. કદાચ એટલે કે એનાથી મારામાં પોઝીટીવ વાઈબ્સ આવી જાય છે. પણ, એ ડાયરીમાં તને નહીં સમજાય. કદાચ મારે આખી પરિસ્થિતિ તને કહેવી જ પડશે... 

સોરી હા... કાલે કાંઈ પણ કહ્યા વગર જ અસ્તુ શબ્દ સાથે હું વિદા થઈ ગયેલો. વાત જરા કાલે એમ હતી કે મારા મનમાં એક ડર કોણ જાણે ક્યાંથી અચાનક જ આવી ગયેલો. સવારથી ઉઠીને આજે મને એકલું એકલું લાગતું હતું. જાણે આજે એને હું મારા ઘરે જ બોલાવી લઉ, અને બસ એની આસપાસ જ રહું... પ્રથમ વખત એના હોઠોને ચુમવાનું મન હતું... પણ કોણ જાણે મન જે તર્ક આપતું હતું, એ મને ડરાવી દેતા હતા... વિચારો વિકૃત બનતા જઈ રહ્યા હતા, અને તર્ક એના રિસાઈ જવા અંગેના બંધાઈ રહ્યા હતા. મારી પાસે આ વિચારોને વાસ્તવિકતા કરવા સિવાય જાણે કોઈ માર્ગ જ ન હતો. કોઈને ચૂમવું કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય એ અંગે મને કઈ જ નહતું સુજતુ. કદાચ મારી જે ઉમર છે મારે એટલું બધું વિચારવું જ ન જોઈએ. ઈચ્છા અને સ્વીકૃતિ ક્યારેય અયોગ્ય ન હોઈ શકે. હા, અનિચ્છા એ અસ્વીકાર ક્યારેય યોગ્ય ગણાવી ન શકાય એ સત્ય છે. કદાચ સત્ય અને અસત્ય બંને ઈચ્છા-અનિચ્છા તેમજ સ્વીકાર-અસ્વીકાર પર સંપૂર્ણ પણે આશ્રિત ભાવ છે.

ખેર છોડો એ બધા બેરીયર અને વિચારોના વમળ. સાવ સદી વાત કરું તો હું ઘરેથી નીકળીને એના ઘરે જઈ શકું તેમ ન હતું. કારણ કે એના ઘરે અત્યારે ઘરના બધા જ લોકો હતા, એ ન આવી શકવાની સ્થિતિમાં હતી અને એટલે જ મિત્રાના ઘરેથી જતી વખતે જ્યારે મેં એને મળવાનું કહ્યું તો એણે મને ના પાડી દીધી. પણ મારા વિકૃત વિચારો મને વારંવાર છંછેડતા હતા, કે એને તારી પરવા જ નથી. આ વિચારો સામે લડવા મારી પાસે એક જ માર્ગ હતો, અને એ હતો એનો સહવાસ. કદાચ આ પ્રથમ વખત જ હતી, જ્યારે હું એને મળવા ખુલીને ઉતાવળો બની રહ્યો હતો. બાકી હું મારી ઈચ્છાઓને દબાવીને એવો જ બીહેવ કરતો જાણે આ સંબંધની મને કોઈ પરવા જ નથી. પણ, એ આવી શકવા માટે અસમર્થ હતી. અને હું એના સહવાસ વગર પોતાની જાતને સાવ અધૂરી સમજી રહ્યો હતો. એ તો નહીં આવે પણ હું એની રાહ જોયા કરીશ...

~ ~ ~ ~ ~ ~

★ મેં સહી સોચ હી નહિ શકતા... ★

આજે ડાયરી લખવાનો સમય નથી પણ છતાંય લાગણીઓ ઠાલવવાનો સમય કાઢી લીધો છે. કાલે અમારું ન મળાયું પણ આજે એ અશક્ય રહી પણ ન શક્યું. સવારની પહેલી કિરણ સાથે એના ચહેરાને ઝંખવાનો અવસર મળ્યો. હજુ માંડ સવારના નવ જ વાગ્યા હશે ત્યાં જિનલ અને મિત્રા મારા ઘરે ધામાં નાખી ચુક્યા હતા. મારા રૂમમાં લાઈબ્રેરી જેવો અલગ રૂમ હતો જ્યાં આ બંને વાંચવાને બહાને આવતા. આ બહાનું થોડોક સમય તો ખૂંચ્યું મને, પણ હવે એ બહાનું ભજવાય એની હું પોતે જ રાહ જોયા કરતો. મિત્રા લાઇબ્રેરીમાં હતી એવું જિનલે કહ્યું. મારી આંખો હજુ બરાબર નોહતી ઉઘડી, છતાંય મેં અનુભવતો અહેસાસ અનુભવ્યો. મારા લગોલગ બેઠેલી જિનલને મેં જોઈ અને બસ જોઈ જ રહ્યો.

'શુ હતું કાલે તારે...?' એણે આંખો ખુલતા જ કહ્યું.
'કાઈ નહિ.. બસ તને મળવું તું...'
'પેલો તલ જોવા...?'
'ના... પણ મારે તને મળવું હતું.'
'તો લે મળી લે... તારે જે રીતે મળવું હોય એ રીતે...' એણે રેડ કલરનો શર્ટ ઉતારીને સાઈડમાં મૂકી દીધો. હું અત્યારે એને કોઈ પણ રીતે સ્પર્શી શકવા માટે પણ મુક્ત હતો. જો કે મારા મનમાં એવું તો કઈ જ નોહતું આવ્યું.

'તું પાગલ છે...? જિનલ મિત્રા પણ ઘરમાં જ છે.' મેં કહ્યું. પણ કોણ જાણે મારુ શા માટે એ સમયે કોઈ નોહતું સાંભળતું...? હું વધુ જોરથી કાઈ બોલું એ પહેલા એણે હવામાં જાણે ઓગળી જવાનું જ પસંદ કર્યું હશે. મિત્રા સહેજ નજીક આવતી દેખાઈ. પણ, એના મૌનમાં એના ચહેરા પરના પ્રશ્નો સ્પષ્ટ કાળી શકાતા હતા. હું શું કહી શકવાનો હતો...? મેં બસ મારા ખયાલી વિચારોમાં જે અનુભવ્યું એના ઓગળેલા અસ્તિત્વને શૂન્યાવકાશમાં તાકતો રહ્યો.


( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED