Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 10

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 10

એક અજાણ્યો પણ જાણીતો અવાજ સાંભળતાં ની સાથે જ કબીર નાં પગ એ અવાજ ની તરફ ઉપડી ગયાં.આજે તો એ સ્ત્રી કોણ હતી જે રાતે વુડહાઉસની પાછળ આવતી હતી એનો જવાબ પોતે મેળવીને જ રહેશે એવો મક્કમ નિર્ધાર કરીને કબીર એ સ્ત્રી જ્યાં ઉભી રહીને ગીત ગાઈ રહી હતી એની દિશામાં વધી રહ્યો હતો.

વુડહાઉસ ની પાછળ એક આંબાનું વૃક્ષ હતું અને એની જોડે જ એ સ્ત્રી કબીરને નજરે ચડી..આજે પણ એ મહિલા લાલ રંગની સાડીમાં સજ્જ હતી.કબીર એને જોતાં જ લગભગ દોડતો હોય એ રીતે ચાલીને એની તરફ આગળ વધ્યો.કબીર નાં ઉતાવળાં ચાલવાથી જમીન પર પડેલાં સૂકાં પર્ણમાં સળવળાટ થયો અને એ અવાજ થતાં એ સ્ત્રીનું ધ્યાન કબીર ની તરફ ગયું.એમ કરવા જતાં આજે પ્રથમ વખત કબીરે એ સ્ત્રીનો ચહેરો થોડો ઘણો જોયો.

કબીર ની તરફ નજર પડતાં જ એ સ્ત્રી ત્યાંથી ચાલવા લાગી ટેકરીની ઉપર જતાં રસ્તા પર.એને ત્યાંથી જતી જોઈ કબીરે પોતાનાં દાંત ભીંચ્યાં અને એ સ્ત્રી તરફ ઉદ્દેશીને બોલ્યો.

"અરે તમે કોણ છો..?..બે મિનિટ ઉભાં રહો મારે તમારી સાથે થોડી વાત કરવી છે..?"

કબીર નો અવાજ વધુ ઊંચો તો નહોતો પણ આ વેરાન વિસ્તારનાં શાંત વાતાવરણમાં કબીરનો ધીમો અવાજ પણ પડઘાય રહ્યો હતો.કબીરનાં આમ બોલતાં જ એ સ્ત્રીએ ફરીવાર કબીરની તરફ જોયું અને વધુ ઉતાવળાં પગલે ટેકરીની ઉપર ચાલવા લાગી.

જ્યારે એ સ્ત્રીએ કબીરની તરફ જોયું ત્યારે આ વખતે તો કબીરે એનો ચહેરો સ્પષ્ટ જોયો..ચંદ્ર નાં પ્રકાશમાં એ સ્ત્રીનો ચહેરો પણ પુનમનાં ચાંદની માફક ચમકી રહ્યો હતો.કબીરે નોંધ્યું કે એ સ્ત્રી કોઈ વધુ ઉંમરની નહોતી પણ એની ઉંમર 24-25 વર્ષ જેટલી જ હતી.એનાં પહેરવેશ ની સાથે એ જે પ્રકારનાં આભૂષણોમાં સજ્જ હતી એ પરથી એવું લાગતું હતું કે એ કોઈ નવવધુની માફક સજી હતી.

"અરે તમે કેમ મારી વાત સાંભળતાં નથી..?તમે અહીં રોજ રોજ કેમ આવો છો..?"કબીર બેબાકળો બનીને ઉંચા સાદે બોલ્યો.

આ વખતે પણ કબીરની વાત ની કોઈ અસર ના થઈ અને એ યુવતી પોતાની રીતે આગળ વધતી જ રહી.એનાં વધતાં ડગલાં ની સાથે એનાં પગની પાયલનો મીઠો રણકાર કબીરનાં કાને પડી રહ્યો હતો.એ યુવતીનો મનમોહક ચહેરો જોતાં જ કબીરને કોઈ જુની પુરાણી વાત યાદ આવી ગઈ હોય એમ એ યુવતી તરફ એ ખેંચાણ અનુભવી રહ્યો હતો.એની સુમધુર અવાજ અને હવે એનો દેદીપ્યમાન ચહેરો જોયાં પછી તો કબીર પોતાનું સાન-ભાન ભૂલીને એ યુવતી જોડે વાત કરવા અધીરો બન્યો હતો.

કબીર ની આ અધીરાઈ એ જોઈ વધી રહી હતી કે એ યુવતી પર પોતાનાં બોલાવવાની કોઈ અસર નહોતી થઈ રહી અને એ એની જ ધુનમાં આગળ વધી રહી હતી..હવે તો છેક ટેકરીની ટોચ આવી ગઈ પણ કબીરનાં દસેક વાર રોકાઈ જવાનું કહેવા છતાં એ યુવતીનાં પગ અટકયાં નહીં. આખરે કબીર અકળાઈ ગયો અને એને છેલ્લાં ઉપાય રૂપે પોતાની રિવોલ્વર હાથમાં લીધી અને ધમકીભર્યા સ્વરમાં કહ્યું.

"તમે જે કોઈ હોય એ હવે રોકાઈ જાઓ..નહીં તો મારે ના છૂટકે ગોળી ચલાવવી પડશે.."

આ વખતે કબીરની એ ધમકીની અસર થઈ અને એ યુવતીનાં કદમ અનાયાસે જ સ્થિર થઈ ગયાં.. આ સાથે જ એની પાયલનો રણકાર પણ અટકી ગયો અને વાતાવરણમાં નીરવ શાંતિનું મોજું પ્રસરી ગયું.ફક્ત તમરાં અને નિશાચર પક્ષીઓનો અવાજ રહીરહીને કાને પડી રહ્યો હતો.

કબીરે એ યુવતી પર પોતાની ધમકીની અસર થઈ અને એ આગળ વધતી અટકી ગઈ એ જોઈને રાહતનો શ્વાસ લીધો.હવે એ યુવતી કબીરની તરફ પોતાનો ચહેરો ઘુમાવીને ઉભી હતી..એની નજર અત્યારે ફક્ત કબીરને જોઈ રહી હતી.કબીર ની નજર પણ એની નજરો સાથે ટકરાઈ અને એ નજરોનો ટકરાવ જાણે વર્ષો જુની કોઈ કસક ને પુનઃ જીવિત કરી ગયો હોય એવું હાલ તો કબીર મહેસુસ કરી રહ્યો હતો.

કબીર ધીરે-ધીરે એ યુવતી તરફ આગળ વધી રહ્યો હતો..એમ કહું કે એ યુવતી અત્યારે કોઈ અદ્રશ્ય દોરી વડે કબીરને પોતાની તરફ ખેંચી રહી હતી તો એ ખોટું નહીં કહેવાય. કોઈ કારણ વગર પોતે આટલો બધો વ્યગ્ર બની એ યુવતીની પાછળ પાછળ અહીં આવી પહોંચ્યો હતો એ વાત વિશેનો જરા અમથો પણ વિચાર કર્યા વગર અત્યારે કબીર એ અંજાન યુવતીથી દસ કદમની દુરી પર આવી પહોંચ્યો હતો.

ચંદ્ર અત્યારે પોતાની રોશની નો પ્રકાશ એ યુવતીનાં ચહેરા ઉપર ફેંકી પોતાને જ ઝાંખો પાડી રહ્યો હતો.કોઈ કવિની કલ્પના થી પણ વધુ સુંદર હતી એ યુવતી.એનો મનમોહક ચહેરો અને પાણીદાર આંખો કોઈપણ મોટાં તરવૈયાને એની અંદર ડૂબવા મજબુર કરી મૂકે એવી હતી.કબીર એની સમીપ આગળ વધી રહ્યો હતો ત્યાં એ યુવતીની નજર કબીરની પાછળ ખૂબ ઝડપથી વધી રહેલી બે ચમકતી આંખો ઉપર પડી..એ જોતાં જ એ યુવતીએ મોટેથી કબીરને ઉદ્દેશીને કહ્યું.

"મોહન સાચવીને..તારી પાછળ કોઈક જનાવર છે.."

એ યુવતીનાં આમ બોલતાં જ કબીરે પ્રતિભાવ આપ્યો અને પાછળ ફરીને જોયું..કબીરે જોયું તો એક વરુ એનાંથી દસેક ફૂટ દૂર ઉભું હતું.આ વરુ પ્રમાણમાં સામાન્ય વરુ કરતાં કદમાં સહેજ મોટું હતું.એની અંગારા જેવી આંખો અત્યારે કબીરની તરફ તકાયેલી હતી.કબીરનાં એની તરફ ફરતાં એ વરુ નાં પગ આગળ વધતાં તો અટકી ગયાં હતાં છતાં અત્યારે એની આંખો એ વાતની સાબિતી આપી રહી હતી કે એને કબીર પર હુમલો કરવાનું મન બનાવી લીધું છે.

એ વરુ અત્યારે જોરજોરથી શ્વાસ લઈ રહ્યું હતું અને એનાં શ્વાસોશ્વાસ નાં લીધે જમીન ની માટી પર થોડી ઉડી રહી હતી..કબીરની ધડકનો પણ વધતાં સમયની સાથે વધી રહી હતી.ક્યાં પોતે એક અંજાન યુવતીનો પીછો કરતાં કરતાં ત્યાં આવ્યો હતો અને ક્યાં આ વરુ રૂપી નવી પળોજણમાં એ ભરાઈ ચુક્યો એ વિચારવાનો પણ હાલપુરતો તો કબીરની જોડે સમય નહોતો.

વરુ ધીરે ધીરે પોતાનાં પગ ની એક ચોક્કસ દિશામાં લઈ જઈને કબીરની ફરતે ચક્કર લગાવી રહ્યું હતું.કબીર પણ એનાં પગ અને એનાં હાવભાવ ને નોંધી રહ્યો હતો..કબીર સમજી ગયો કે નક્કી કોઈપણ સમયે આ વરુ એની ઉપર છલાંગ અવશ્ય લગાવશે..અચાનક કબીરને યાદ આવ્યું કે એની જોડે તો રિવોલ્વર મોજુદ છે જે એને હમણાં જ પોતાનાં પેન્ટમાં સેરવી હતી..પોતે પણ કેટલો ડફોર હતો કે જોડે ગન હોવાં છતાં કબીર અત્યારે વરુ થી ડરી રહ્યો હતો..મુશ્કેલીમાં તમારું મગજ વિચારવાનું બંધ કરી દે છે એનું આ ઉદાહરણ હતું.

હવે કબીર એ વરુ ને બીજો મોકો આપવા ઈચ્છતો નહોતો એટલે વરુ પોતાની પર હુમલો કરે એ પહેલાં તો પોતે જ એ હિંસક જનાવરનું ઢીમ ઢાળી દેશે એમ વિચારી કબીરે પોતાનાં પેન્ટમાં ઘોંસેલી રિવોલ્વર તરફ પોતાનો હાથ આગળ વધાર્યો.કબીર થી પણ એ વરુ વધુ તેજ હતું..એની નજર પણ કબીરની દરેક હરકત પર મંડાયેલી જ હતી..જેવો કબીરનો હાથ પોતાની રિવોલ્વર તરફ આગળ વધ્યો એ સાથે જ એ વરુ એ કબીર પર કુદકો લગાવી દીધો.

મૌત પોતાનાં પર છલાંગ લગાવી રહ્યું હતું એ કબીરની નજરોએ આબાદ ઝીલી લીધું અને એનાં પ્રતિભાવ સ્વરૂપે એને પોતાની રિવોલ્વર હાથમાં લીધી અને એમાંથી ઉપરાઉપરી બે ગોળી એ વરુનાં કુદવાની દિશામાં છોડી દીધી..એકદમ શાંત વાતાવરણમાં ઉપરાઉપરી છુટેલી ગોળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો..વૃક્ષો પર સુતેલા પક્ષીઓનો પણ કલરવ એ સાથે સાંભળવા લાગ્યું.શાંત સમુદ્રમાં પથરો નાંખવાથી જેમ વમળો પેદા થાય એ રીતે કબીરે રિવોલ્વરમાંથી છોડેલી ગોળીઓનાં અવાજે એ શાંત વિસ્તારને ધમરોળી મુક્યો.

કબીરે જોયું કે એ વરુ પોતાની ઉપર આવવાનાં બદલે બીજી દિશામાં એનાં પગથી બે ડગલાં દૂર પડ્યું હતું..એનો મતલબ કે પોતાની રિવોલ્વરમાંથી છોડેલી ગોળી એ વરુ ને વાગી જરૂર હતી.કબીરે નજીક જઈને એ વરુ ને હાથ વડે હલાવી જોયું..એ વરુ જીવતું તો હતું પણ લગભગ એ દીવો બુઝવા પહેલાં જેમ જ્યોત સળવળે એવો છેલ્લો સળવળાટ હતો.એક ગોળી એ વરુ નાં પેટનાં ભાગે વાગી હતી જ્યારે બીજી મિસ ફાયર થઈ ગઈ હતી.

"Oh my god..બાલ બાલ બચી ગયાં.."કબીરે ઊંડો શ્વાસ ભરતાં કહ્યું.

"આપનો ખુબ ખુબ આભાર.."કબીરે એ અંજાન યુવતી ઉભી હતી એ તરફ ડોકું ઘુમાવી આભારવશ સ્વરે કહ્યું..પણ કબીરે નોંધ્યું કે ત્યાં અત્યારે કોઈ હાજર નહોતું.

વરુ ને તો પોતે મારવામાં સફળ થયો હતો પણ એ જે કામ માટે આવ્યો હતો એ કામ અધૂરું રહી ગયું..એ યુવતી આજે પણ એની નજરો સામેથી એ રીતે ગાયબ થઈ ગઈ હતી જે રીતે કપૂર ને સળગાવતા એ હવામાં ઓગળી જાય.એ યુવતીને ત્યાં ના જોતાં કબીરે નિઃસાસો નાંખતા કહ્યું.

"અરે યાર..આજે પણ એ છોકરી ક્યાં ગાયબ થઈ ગઈ..હજુ પણ મારાં સવાલો અધૂરાં રહી ગયાં.."

એક હિંસક પશુને મોત ને ઘાટ ઉતારી પોતાની મોત ને હાથતાળી આપવાની ખુશી નાં બદલે કબીર કોઈ હારેલાં યોદ્ધાની માફક ટેકરીનો ઢાળ ઉતરીને વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો..આ બધી દોડાદોડ માં કબીર જ્યારે પોતાની રૂમ પર પહોંચ્યો ત્યારે સાડા ત્રણ વાગી ગયાં હતાં.કબીરે પોતાનો ચહેરો ઠંડા પાણીથી ધોયો અને પછી સુવા માટે પલંગ પર જઈને લંબાવ્યું.

પહેલાં તો કબીર માટે એ યુવતી કોણ હતી એ કોયડો હતો..પણ પછી એનાં અવાજમાં ગીત સાંભળ્યાં બાદ એ અવાજને પોતે કઈ રીતે ઓળખતો હોય એવું મહેસુસ કરી રહ્યો હતો એ બીજો કોયડો બની ગયો હતો..પણ આજે જ્યારે એ યુવતીનો સ્વરૂપવાન ચહેરો કબીરે જોયો હતો ત્યારથી તો એ ચહેરો પણ એક વણઉકેલ્યો કોયડો બની ગયો હતો.

"આટલી સુંદર યુવતી આટલી મોડી રાતે આવાં ભયાનક વિસ્તારમાં એકલી શું કરતી હશે.."આંખો આગળ એનો સુંદર ચહેરો હજુ પણ દેખાઈ રહ્યો હોય એમ કબીર પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો.

આ બધાં વિશે તો કબીર વિચારતો હતો ત્યાં સુધી બધું ઠીક હતું પણ જ્યારે એને વરુ સાથે પોતાની થયેલી મુઠભેડ પહેલાં નું દ્રશ્ય યાદ આવ્યું જેમાં એ યુવતીએ પોતાને કંઈક કહ્યું હતું.

"મોહન સાચવીને..પાછળ કોઈક જાનવર છે.."મનમાં જાણે શબ્દોને મમરાવતો હોય એમ કબીરે એ યુવતીએ પોતાની તરફ જોઈને બોલેલા શબ્દો યાદ કર્યાં.

"એને મને મોહન કેમ કહ્યું..?મારાં સપનામાં આવતી યુવતી પણ મને વારંવાર મોહન કહીને જ બોલાવતી હોય છે..અને આજે પણ એ યુવતી મને મોહન કહીને સંબોધે એનો અર્થ મારે શું સમજવો.."કબીરનાં મગજમાં વારંવાર આ વાત હવે રિપીટ થઈ રહી હતી.

"હવે તો એ યુવતી જ મારાં દરેક સવાલોનો જવાબ આપશે..હું કાલે કોઈપણ રીતે એને મળીને મારાં દરેક પ્રશ્નોનો જવાબ મેળવીને જ રહીશ.."મનોમન આટલો નીર્ધાર કરીને કબીર સુઈ ગયો.

આજની રાત કબીરનાં સવાલો નો જવાબ શોધી આપવાનાં બદલે એનાં માટે અનેક નવાં સવાલો મુકી ગઈ હતી.જીંદગી નું પણ આવું જ છે જ્યાં તમે એક પ્રોબ્લેમ નું સોલ્યુશન શોધો જ્યાં નવી આવીને ઉભી રહી જતી હોય છે..હવે કાલની રાત કબીર માટે એનાં સવાલો નાં જવાબ શોધી આપવાની હતી કે પછી એ પણ કોઈ નવાં સવાલો મુકીને ચુપકેથી પસાર થઈ જવાની હતી એતો સમયનાં ગર્ભમાં છુપાયેલું હતું..!!

★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ