નો રીટર્ન-૨ ભાગ-૭૯ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૭૯

નો રીટર્ન-૨

ભાગ-૭૯

“ કાર્લોસનાં ધ્યાનમાં આવ્યું હતું કે સૌથી છેલ્લે એ ખજાના પાછળ સાજનસીંહ પાલીવાલ અને વીરસીંહ જોગી નામની બે વ્યક્તિઓ ગઇ હતી અને તેમની પાસે જ એ વિશે સૌથી વધું માહિતી હતી. બસ... ત્યાં જ ગરબડ ઉભી થઇ હતી. કાર્લોસે સાજનસીંહ પાલીવાલ, એટલે કે મારા દાદાનું અપહરણ કરાવ્યું અને તેમને ટોર્ચર કર્યા કે તે એમને ખજાના વિશે જણાવે. “

“ માય ગોડ...! એનો મતલબ કે આ કાર્લોસ મારા દાદા વિશે પણ જાણતો હતો. એક મિનિટ... એક મિનીટ... “ અચાનક હું ચોંકયો હતો. મને એક ભયંકર વિચાર આવી ગયો અને ભારે આશ્વર્યથી મારું મોં ખૂલ્યું. “ અને તું પણ જાણતી હતી... ? “

“ સ્વાભાવિક છે કે જાણતી જ હોઉં... પણ તું મારા દાદાનાં મિત્ર વીર સિંહનો પૌત્ર છે એ મને પછી ખબર પડી હતી. “

આ આખી સફર મારા માટે અસીમ આશ્વર્ય સમી નિવડી હતી. ખબર નહી હજું કેટલા નવાં- નવાં રહસ્યો મારી સમક્ષ ઉજાગર થશે...!

“ પછી શું થયું...? “ મારી જીજ્ઞાસાવૃત્તિ તેની ચરમસીમાએ હતી.

“ પછી, કાર્લોસ દાદા પાસેથી વધુ માહિતી કઢાવી શકયો નહોતો કારણકે તેમની યાદદાસ્ત વારેઘડીએ ચાલી જતી હતી. ( જોકે કાર્લોસ પાસે દાદા એ બાબતે ખોટુ જ બોલ્યા હતાં ) પછી કાર્લોસે મને બ્લેકમેઇલ કરી અને દાદાનાં બદલામાં ઇન્દ્રગઢ જઇને એક કેમેરો શોધી લાવવાનું કામ સોપ્યું. મને તો ભાવતું હતું અને વૈધ્યે કહ્યું એવો ઘાટ થયો...! એ પછી હું ભારત આવી ત્યારે મેં મારા કોલેજકાળનાં દોસ્ત વિનીતનો સંપર્ક કર્યો હતો અને તેને સાથે લીધો હતો. મેં તેને સંપૂર્ણ હકીકતથી વાકેફ કર્યો હતો કારણકે મારે કોઇક એવી વ્યક્તિની જરૂર હતી જે છેક છેલ્લે સુધી મારો સાથ નિભાવે. હું અને વિનીત એક ચોક્કસ ફૂલપ્રૂફ પ્લાન પ્રમાણે આગળ વધતાં હતાં... “ અનેરી ખામોશ થઇ. મને લગભગ બધું જ સમજાઇ ગયું હતું. થોડા પ્રશ્નો ઉદભવતાં હતાં છતાં અત્યારે એ અગત્યનાં નહોતાં એટલે તેને અધ્યાહાર જ રહેવા દીધા. અત્યારે અગત્યનું કામ અહીથી નિકળીને આગળ વધવાનું હતું.

@@@@@@@@@@@

ભારે ગમગીન હદયે વિનીતને અમે ત્યાં જ દફન કર્યો. અનેરીનાં ડૂસ્કા કેમેય કરીને શમતાં નહોતાં. એ છોકરીનાં હદયમાં કેવા સ્પંદનો ઉઠતાં હશે એ હું સમજી શકતો હતો. મને પણ વિનીતનાં મોતનું દુઃખ હતું. તેણે એક વીર બહાદુર યોધ્ધાને છાજે એવી રીતે અમને બચાવ્યાં હતાં. જો તે વચ્ચે કુદયો ન હોત તો અત્યારે તેની જગ્યાએ અમારી કબર અહી ખોદાઇ હોત એમાં કોઇ બેમત નહોતો. પોતાનાં મોતનાં બદલામાં તે અમારી જીંદગી આપીને ગયો હતો એનો એક અપરાધબોધ સતત મનને કોરી ખાતો હતો પરંતુ હવે તેમાં કશું થઇ શકે તેમ નહોતું. તે અમારી ઉપર જીંદગીભર યાદ રહે એવો ઉપકાર કરીને ગયો હતો.

તેની બરાબર બાજુમાં જોશ ને દફનાવવામાં આવ્યો. અમે વાતો કરતાં હતાં એ દરમ્યાન ક્રેસ્ટોએ નાનકડો ખાડો ખોદ્યો હતો અને તેમાં જોશ ને સુવરાવ્યો હતો. કાર્લોસ અને એના માટે એ ભારે ભાવુક ક્ષણ હતી. તેઓ અનેરીની જેમ રડતાં તો નહોતાં છતાં હું જાણતો હતો કે તેમનાં હદયમાં એક ખાલીપો ઉદભવ્યો છે. દરરોજ બીજાને મોત વહેંચનારી વ્યક્તિ આજે પોતાનાં એક સાથીદારનાં મોતથી ખળભળી ઉઠી હતી.

હવે આગળની સફર માટે અમે માત્ર પાંચ જ વ્યક્તિ બચ્યા હતાં. હું, અનેરી, એના, કાર્લોસ અને ક્રેસ્ટો. બાકીનાં તમામ સાથીઓ એમેઝોનનાં વિકરાળ જંગલમાં દફન થઇ પરધામે સીધાવી ગયાં હતાં. આ જંગલ વિશે જે કિવદંતીઓ મેં સાંભળી હતી એ ભયાનક સ્વરૂપે અમે અનુભવી હતી. સાક્ષાત મોતનું તાંડવ કેવું હોય એ નજરો- નજર નિહાળ્યું હતું. એમ સમજોને કે ટૂંકાગાળામાં અમે ભયંકર દોઝખની સફર ખેડી લીધી હતી જેનો કાળો ઓછાયો અમારા બધાનાં દીલો- દિમાગ ઉપર કોઇ દુઃસ્વપ્નની જેમ છવાયો હતો.

@@@@@@@@@@@@@

અમારાં તંબુ અને બીજા સામાનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ફક્ત ઘોડા જ સાબૂત બચ્યાં હતાં. બને એટલો બચેલો સામાન એકઠો કરીને અમે બે ઘોડાની પીઠ ઉપર બાંધ્યો. બાકી વધતાં ઘોડાઓ ઉપર યુવતિઓને બેસાડી આગળ મુસાફરી આરંભી હતી. અત્યાર સુધીની સફર એક દોઝખ સમાન વીતી હતી. અમે જાણે કોઇ માનવ ભૂખ્યા ગ્રહ ઉપર આવી ચડયા હોઇએ એવું લાગતું હતું. સતત એકધારો પ્રવાસ અને વારંવાર ત્રાટકતી મુશ્કેલીઓએ અમારા હોસલાં પસ્ત કરી નાંખ્યાં હતાં છતાં... કોઇ અકળ મક્કમતાથી દરેક મુશ્કેલીઓનો સામનો કરતાં અમે આગળ વધતાં જતાં હતાં. જોશ અને વિનીતનાં મોતનો આધાત ભૂલાવવો શક્ય નહોતું, બીજા માણસોનાં પણ મૃત્યું થયાં જ હતાં છતાં તેમનાં મોતથી વધું આઘાત લાગ્યો નહોતો જેટલો આ બન્નેનાં મોતથી લાગ્યો હતો. અનેરી એકદમ ખામોશ બની ગઇ હતી. તેનાં વર્તનમાં એકાએક ગજબનો બદલાવ આવ્યો હતો. ઘોડા ઉપર જાણે કોઇ બેજાન પુતળું બેસાડી દીધું હોય એમ આખી સરફ દરમ્યાન તે કશું જ બોલી નહોતી. તેની આંખો સતત શૂન્યમાં જોતી હોય એમ જંગલમાં પસાર થતાં દ્રશ્યોને જોઇ રહી હતી. મને તેની ફીકર વધી ગઇ હતી. મેં ઘણી વખત કોશિશ કરી કે તે કંઇક બોલે, થોડુક હસે.. અથવા તો કમસેકમ કોઇ ઉપર ગુસ્સો કરે. પરંતુ નહિ... તે સાવ સૂમમૂન બની ગઇ હતી. કંટાળીને પછી મેં પણ પ્રયત્નો મુકી દીધા હતાં.

આ જંગલની ફિતરત પણ અજીબ હતી. ક્યારેક ધોધમાર વરસાદ વરસી પડતો હતો તો ક્યારેક સખત ચામડી દઝાડે એવો તડકો પડતો હતો. કોઇક જગ્યાએ સાવ સુકો અને ખૂલ્લા મેદાન જેવો વિસ્તાર અવતો હતો તો ક્યારેક ઘટાટોપ જંગલમાં અમે અટવાઇ પડતાં હતાં. ક્યાંક એકધારી વહેતી નદીઓ હતી તો ક્યાંક પાણીનાં ટીપા માટે પણ વલખા મારવા પડતાં હતાં. જંગલી જનાવરો અને પાણીમાં તેમજ જંગલમાં વસતાં સરીસૃપોનો પણ એકધારો ખૌફ અમારા બધા ઉપર છવાયેલો હતો. એ ગનીમત હતું કે હજું સુધી એવા કોઇ પ્રાણીનો સામનો કરવાનો થયો નહોતો પરંતુ ભવિષ્યમાં એવું થશે જ નહી એ બાબતે અમે કંઇ કહી શકીએ તેમ નહોતાં. નાના- નાના જીવજંતુંઓનો ત્રાસ તો અમે જંગલમાં ઘૂસ્યા ત્યારનો અનુભવતાં હતાં. સૌથી મોટી મુસીબત અહીનાં મચ્છરોની હતી. એક- એક ઇંચ જેટલાં લાંબા મચ્છરો રાત્રે તો ઠીક દિવસે પણ સતત કરડતાં હતાં. એ ઉપરાંત ચીત્ર- વીચીત્ર પ્રકારનાં પશું પક્ષીઓ, જે આ પહેલાં ક્યારેય અમે જોયા નહોતાં એમનો સતત ભેટો અમને થતો હતો. કોઇ પ્રાણી અમને જોઇને સંતાઇને ભાગી જતું હતું તો કોઇક હઠીલા જીવને અમારે બળજબરીથી ભગાડવું પડતું હતું. અજબ- ગજબ અમારી સરફ એ પછી એકધારી બે દિવસ ચાલી હતી. રાત્રે પણ બને એટલું ઓછું રોકાણ થાય એવું અમે ગોઠવતાં હતાં અને સતત એકધારું ચાલતાં રહયાં હતાં.

ત્રીજા દિવસની સવાર એકદમ ખૂશનૂમા ઉગી હતી. છેલ્લા બે દિવસનો ભાર એ સવારે થોડો હળવો થયો હોય એવું લાગ્યું કારણકે આજે અનેરીનાં ચહેરા ઉપર હળવી મુસ્કાન દેખાઇ. વિનીતનાં મોતનાં ગમ માંથી ધીરે-ધીરે એ ઉભરી રહી હતી. પેલી કહેવત છેને કે સમય દરેક સમસ્યાનું સમાધાન છે, હું અત્યારે એવું જ કંઇક જોઇ રહ્યો હતો. રાત્રે અમે એક નદીનાં કાંઠે પડાવ નાંખ્યો હતો. સવારે જાગીને અમે બધા નદીનાં એકદમ ક્રીસ્ટલ ક્લિયર ચોખ્ખાં પાણીમાં નહાવા પડયા હતાં. એ પાણીનો પ્રભાવ હોય કે વહેતા સમયે એનું કામ કર્યું હોય... અનેરી અત્યારે ખુશ જણાતી હતી. મારા માટે તો એ જ મહત્વનું હતું. નદી બહું ઉંડી નહોતી. ખાસ તો કીનારાનું પાણી છીછરું અને ચોખ્ખુ હતું. હું એ પાણીમાં કમર સુધી અંદર જઇને ઉભો હતો. કાર્લોસ અને ક્રેસ્ટો મારાથી આગળ થોડા વધું ઉંડા પાણીમાં તરતા હતાં. એના અને અનેરી સાથે હતાં પરંતુ થોડીવારમાં જ એના તરતી તરતી કાર્લોસની નજીક ચાલી ગઇ હતી. એનાનાં જવાથી અનેરી એકલી પડી. તે મારી જમણી બાજું નહાતી હતી. ઘડીક વાર રહીને તે મારી તરફ આવી. હું ક્યારનો આ ક્ષણનો જ ઇંતેજાર કરતો હતો. મારે હજું તેને ઘણાં પ્રશ્નો પુંછવાનાં હતાં. તે દિવસે અમારી વાત અધૂરી રહી ગઇ હતી જે પુરી કરવાનો આજે મોકો મળ્યો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. એક ઓપિનિયન જોઇએ છે.

નો રીટર્ન-૨ પછી ક્યા વિષય ઉપર નવલકથા લખું...? હોરર કે સસ્પેન્સ થ્રિલર...?

અહી કોમેન્ટમાં ભૂલ્યા વગર જણાવજો જેથી હું એ બાબતે શ્યોર થઇ શકું.

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.