Bookmark પારેવડુંપારેવડું
પારેવડુ
“મમ્મા.. મમ્મા.. જલદી આવને, હટ, હટ, ચાલજા! મમ્મા....”
જયની બુમાબુમ સાંભાળીને મને ધ્રાસકો પડ્યો. અવાજ ઉપર, ધાબા પરથી આવી રહ્યો હતો. બબ્બે પગથિયાં કુદતી, લગભગ દોડતી જ હું ઉપર ભાગી. જય મારો સાત વરસનો, નાનકડો દીકરો આમ બુમો, એમનેમ ન પાડે! શું થયું હશે?
હું ઉપર પહોંચી એવી મારી નજર દીકરા ઉપર ગઈ, એ હેમખેમ હતો! હવે મને શ્વાસ લેવાનું યાદ આવ્યું. હું ખૂબ ખરાબ રીતે હાંફી રહી હતી. માંડ મારા મોમાંથી આટલા શબ્દો નીકળ્યા, “શું છે લલ્લા? હું થયું?”
“આ જો!” પ્રસન્નતાથી ભરેલા મુખ અને આંખો સાથે એણે એક બાજુ ખુણામાં આંગળી ચિંધી. ત્યાં એક કબુતર ખુણામાં લપાઇને બેઠું હતું, “આ બિચારૂં પતંગની દોરીથી કપાઇને અહિં પડ્યુ છે. પેલી કાળી બિલ્લી છેને એ આ બિચારાને ખાઈ જતે પણ, મેં એને બચાવ્યું!” બહુંજ સારુ કામ કર્યુ હોય એમ ગર્વ ભરી નજરે એ મારી સામે થોડી વાર જોઇ રહ્યો.
“એ બિલાડીને તો આ ડંડાથી એકજ એવી ફટકારીને, પછી મારાથી ડરીને ભાગી ગઈ.” ડંડાથી એક્શન કરીને એ હસતાં હસતાં બોલ્યો. “તેં એમાં આટલી બુમાબુમ? ખબર છે હું કેટલી ઝડપથી સીડીઓ ચઢીને આવી? મને થયું તું પડી ગયો કે શું?”
હવે મારો સ્વાસ જરા હેઠો બેઠો. “ચાલ હવે નીચે, જમી લઈયે” “પણ ફરીથી બિલ્લી આવી જશે તો?”
“તો શું?”
“તું આને પકડીને નીચે લઈ લેને!”
“હું પકડું? જા જા હવે, મેં કદી કબુતર નથી પકડ્યું! ક્યાંક ચાંચ મારી દે તો?”
“નઈ મારે મમ્મા! એ મારુ ફ્રેન્ડ બની ગયું છે, મેં એને બચાવ્યું એણે બધું આમ આંખો થોડી જીણી કરીને જોયેલું!” એ એની આંખો જીણી કરીને બોલ્યો.
મારે મોડું થતું હતું ને સાચુ કહું તો એ કબુતરની થોડી બીક પણ લાગતી હતી ને દયા પણ આવતી હતી. જો એને અહિંયા છોડી દવ તો ચોક્કસ એ મરી જવાનું. મને અહિં કબુતર કરતા મારા દીકરાની લાગણીની વધારે ચિંતા હતી. આખરે એણે બીલ્લી સાથે લડીને એને બચાવેલું. એ મારા દીકરાની શરણે આવેલું શરણાર્થી હતું. છેલ્લે મેં થોડી હિંમત અને બે વખતનાં પ્રયાસ સાથે કબુતરને મારી બે હથેળીઓમાં ઉઠાવી લીધું.
“તુ મારી આગળ ચાલ. બહાર ગલગોટાના ક્યારા પાસે એક ટોપલી પડી છે એ લઈ આવ.” મેં સીડી ઉતરતા જ સુચના આપવા માંડી. “હા, મમ્મા હાલ જ લાવ્યો.” જય વાંસની ટોપલી લઈ આવ્યો.
કબુતર મારા હાથમાં જરીકે સળવળાટ કર્યા વિના પડ્યું હતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. એની પાંખમાં કદાચ ઇજા થઈ હતી, એનું લોહી મારી આંગળીઓમાં હું અનુભવી શકતી હતી. જય ટોપલી લઈ આવ્યો.
“એની અંદર પેલો નેપકીન મુકીદે દીકરા. હ્મ્મ, સરસ!” મેં હળવે રહીને કબુતરને ટોપલીમાં મુક્યું. એ બિચારું પણ જાણે કોઇ શિકારીના પંજામાંથી છૂટ્યું હોય એમ હવે મોકળાશથી બેઠું. “હવે એને કઈંક ખાવાનું આપું? એને ચોકલેટ ભાવે?” નાની નાની બે નિર્દોશ આંખો મને પુછી રહી!
“ના, એને એવું બધું ન અપાય.એ એક બર્ડ છે માણસ નહિ. એને હું કંઈક આપું છું. તું હાથ ધોઇને જમવા આવીજા.
મેં કબુતરની પાસે થોડા જુવારનાં દાણાં વેર્યા ને એક નાની વાટકીમાં થોડું પાણી મૂક્યું. જમતાં જમતાં અને એ પછીયે આખો દિવસ ઘરમાં કબુતરની જ ચર્ચા ચાલી. એણે દાણાં ખાયા કે નહીં, વાટકીમાંથી પાણી ઢોળાયું તો નથીને? એ જાગે છે? સુઈ ગયું? વગેરે વાતોમાં સાંજ ઢળી ગઈ.
સાંજે એના પાપા આવ્યા કે તરત એમની આગળ પેલ્લેથી લઈને છેલ્લે સુંધીની બધી વાત એણે ખુબ ઉત્સાહ થી કરી. એમણે એમના એક દોસ્ત કે જે પશુઓના દાક્તર છે, ને અમારી લાઇનમાં જ રહે છે, એમની પાસે જઈને કબુતરને જરુરી સારવાર અપાવી.
બીજે દિવસે એ જરી સ્વસ્થ દેખાતું હતું. જયને સ્કુલમાં હજી બે દિવસ રજા હતી. એ એના બધા દોસ્તોને બોલાવી એનું કબુતર બતાવતો હતો. એનુ નવું દોસ્ત! આજથી જયની રજાઓ પુરી થતી હતી. એ સવારે સ્કુલે જતા પહેલાં એના કબુતરને કંઈક કહીને ગયો હતો.
હું મારા કામમાંથી પરવારી જયને લેવા નીકળી ત્યારે મેં ખાસ યાદ કરીને કબુતરની આગળ દાણાંપાણી મુકેલા. જયે ઘરે આવતા રસ્તામાં મને પુછેલું, “ મારા દોસ્તને ખાવાનુ આપ્યુ છે ને મમ્મા?”
અમે ઘરે આવ્યાં કે તરત એ સ્કુલબેગ સોફામાં ફેકી એના દોસ્તને જોવા દોડ્યો. એ થોડી જ વારમાં પાછો આવ્યો એ પછી, જયે ફટાફટ કપડાં બદલ્યા, હાથ ધોયાને જમવા બેસી ગયો. પછી ટીવીનો નંબર આવ્યો!
સાંજે હું કબુતરને દાણાં આપવા ગઈ તો એ ત્યાં ન હતુ. મને ફડકો પડ્યો. જય એનું લેશન કરી રહ્યો હતો. મે ઘરનાં દરેક ખુણામાં નજર ફેંકી, એ ત્યાં ન હતું! હું બહાર બગીચામાં, ઓશરીમાં, અગાશીમાં, આસપાસની દરેક જગ્યાએ જોઇ આવી. એ ક્યાંય ન હતું! એ કદાચ ઊડી ગયું હતું. બિચારો જય એને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે? હું કચવાતે મને એની પાસે ગઈ. એ કંઇક દોરી રહ્યો હતો. મને જોઇને એણે સ્મિત વેર્યુ. મારૂં મન કોચવાયું! એને વાત તો કરવીજ પડશે. પછી આ સ્મિત સભર મારા દીકરાનું સુન્દર મુખ કેવુ રોતલ થઈ જશે! મને એ કબુતર પર બરોબરનો ગુસ્સો આવ્યો. થયું કે એને મદદ કરવા જ જેવી ન હતી. મારા જયે એને કેટલું સાચવ્યું ને એ આમ જતું રહ્યું? ભલાઇનો જમાનોજ નથી!
પછી થયું કે એ શું જતાં પહેલા ટાટા-બાઇ બાઇ કરવા રોકાત? એણે શું જાદુની જપ્પી આપીને નીકળવું જોઇતું’તું? એ એક પક્ષી હતું. એ યાદ છે કે દીકરાની ચિંતામા એ પણ ભુલી ગઈ?
“મમ્મા! જો કેવુ બન્યુ છે?”
હું વિચારોમાંથી બહાર આવી. જયે એજ કબુતરનું ચિત્ર બનાવેલું. ચિત્ર સરસ હતું. મારું મન જ ખાટું થઈ ગયેલું મોઢા પર અણગમાંના ભાવ આવી ગયા.
“સરસ નથી?”
“સરસ છે, બેટા!” મે ધીરેથી વાત શરૂ કરી, “એ તારું કબુતર છેને બેટા એ તારૂં સાચું, એટલેકે એકદમ પાકુ દોસ્ત ન હતું. એ છેને ક્યાંક જતું રહ્યું!”
“હા, મને ખબર છે. મેજ એને સવારે કહેલું કે તું હવે સાજુ થઈ ગયું છે તારે તારા ઘરે જવું હોય તો જતું રે’જે..”
હું તો આવાચક બનીને એની સામે જ જોઇ રહી.
“તું ઉદાસ થઈ ગઈ મારી પ્યારી મમ્મા? તને પણ એ ગમતું’તું, હેંને? પણ એની મમ્મા બિચારી એની રાહ જોતી હોય કે નહિં? આટલા દિવસોથી એ અહિં હતું તો એની મમ્મા પરેશાન થઈ ગઈ હશેને? એટલે જ મેં એને જવાનું કહેલું.” મારી પાસે આવીને મારા ગાલ પર એનો હાથ ફેરવતો એ બોલ્યો, “મેં એને કહ્યુ છે, એ એનાં બીજા દોસ્તોને લઈને પાછું આપણી અગાશીમાં આવશે, તું એ બધાંને દાણાં આપીશને? બહુ મજા પડશે.”
બે દિવસ પછીની સવારે પક્ષીઓના કલરવથી અમારી અગાશી ભરાઇ ગઈ હતી. ન જાણે મારા નાના પારેવડાએ એ અજાણ્યા પારેવડાને શું કહ્યું હશે! એ ક્રમ હવે રોજનો બની ગયો છે.