હેપ્પીવાલા બર્થડે Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેપ્પીવાલા બર્થડે

હેપ્પીવાલા બર્થડે!
રૂહી અને જુહી બે બહેનો છે. રૂહી મોટી બહેન અને જુહી નાની બહેન. બંને મધ્યમવર્ગિય, કહોકે કોમન મેનની દીકરીઓ છે, પણ બંનેના સપના અને ઇચ્છાઓ ખૂબ ઊંચી, આકાશને આંબે એવી છે. કદાચ ટીવી, મોબાઈલ અને ઇન્ટરનેટના હાથવગા ઉપયોગને લીધે આમ થયું હશે...! જુહીની એક ઈચ્છા છે એનો આવનારો જનમદિવસ ફિલ્મોમાં બતાવે છે એમ ધામધુમથી ઉજવવાની...,
જુહી: દીદી આવતા શુક્રવારે મારો બર્થડે છે, તને યાદ છે? આ વખતે હું પપ્પાને કહીને મોટી કેક મંગાવીશ અને મારી બધી બહેનપણીઓને ઘરે બોલાવી બૌ જ બધી ધમાલ મસ્તી કરવાની છું. 
આનંદિત સ્વરે, હસું હસું થતાં હોઠમાથી જુહી કહી રહી હતી, પણ રૂહીએ સામે હસવાને બદલે નિશાશો નાંખતા કહ્યું,
રૂહી: જુહી...કેવી વાત કરે છે. મમ્મી પપ્પા હમણાં બહુ ડિસ્ટર્બ છે, એમાં આ પાર્ટીની વાત! જન્મદિવસ તો હાર સાલ આવે છે તું આવતા વરસે સરસ પાર્ટી આપજે, આ વખતે ખાલી ચોકલેટ વહેંચીને કામ ચલાવી લઈએ તો?
જુહીનું હસું હસું થઈ રહેલું મુખ એની ડીડીની વાત સાંભળતા જ રડું રડું થઈ ગયું. એની આંખો ભરાઈ આવી અને રુદન મિશ્રિત અવાજે એણે હળવી ચીસ પાડી કહ્યું,
જુહી: ના... હું મારી બર્થડે માનવીશ જ. કેમ ના મનાવું, હેં? બોલતો? ગઈ સાલ દાદી બીમાર હતા એટલે પાર્ટી ના રાખી, એની આગળની સાલ તારે પરીક્ષા હતી એટલે મારી પાર્ટી કેન્સલ! દરેક વખતે તમારા લોકોનું આ જ બહાનું હોય છે, જુહી બકા તું આવતા વરસે પાર્ટી આપજે, જુહી બકા તું આવતા વરસે પાર્ટી આપજે! એ આવતા વરસની રાહમાં મારા કેટલા બર્થડે હેપ્પીવાલા બર્થડે થયા જ નથી એ કોઈ વિચારે છે, ક્યારેય? બધી વખતે હું જ કેમ સહન કરું? બધા લોકો એમના બર્થડેમાં કેવી સરસ પાર્ટી રાખે છે, કેક લાવે, નવા કપડાં પહેરે, બધા ફ્રેંડસને ઘરે બોલાવી. કેવી ધમાલ કરે છે અને મારે શું કરવાનું, બસ બીજાની પાર્ટીમાં જ હાજરી પુરાવવાની? એ લોકોને મારા ઘરે, મારા બર્થડેમાં નહીં બોલાવવાના?
રૂહીએ જુહીના ગાલ ઉપર ધસી આવેલા એક આંસુને લૂછતાં કહ્યું: અરે મારી વહાલી બહેન હું તને પ્રોમિશ આપું છું આ વખતે તારો બર્થડે હેપ્પીવાલો બર્થડે હશે બસ, પણ એ માટે તારે મારા ઉપર ભરોશો મૂકવો પડશે, બોલ મંજૂર?
જુહી: મંજૂર! મંજૂર! આઈ લવ યુ દીદી, તું મને આખી દુનિયામાં સૌથી વધારે વહાલી છે!
આટલું કહેતા કહેતા જુહી રૂહીને ભેંટી પડી અને રૂહીને પણ પોતાની બહેનને આલિંગન આપ્યું.
રૂહી: હવે તો ખુશ ને? તો ચાલ જઈને સૂઈ જા રાત પડી ગઈ. હું થોડીવારમાં આવી.
જુહી ફરીથી હસું હસું થતાં ચહેરા સાથે, હેપી બર્થ ડે ટુ મી, હેપી બર્થડે ટુ મી.. ગાતી એના રૂમમાં ગઈ અને રૂહી એની મમ્મી પાસે આવી.
રૂહી: મમ્મી જુહીનો બર્થડે આવી રહ્યો છે આ વખતે એ પાર્ટી આપવાનું કહે છે. 
રૂહીએ સહેજ અચકાઈને, એની મમ્મીના ચહેરા પરના બદલાતા રંગ જોઈને કહેવું કે નહીં એની ખાતરી કરતી હોય એમ કહ્યું હતું.
મમ્મી: પાર્ટી? તને લાગે છે તારા પપ્પા આવી હાલતમાં પાર્ટી આપવા રાજી થશે? આ બધા પીઝા અને ફાસ્ટફૂડવાળાએ આપણી કાઠિયાવાડી હોટલનો ધંધો જ તોડી પાડ્યો છે! એમના ત્યાં લાઇન લગાવીને લોકો ઊભા હોય અને આપણે ત્યાં ગણ્યા ગાંઠયા લોકો જ આવે એ પણ ખાલી રિંગણાનો ઓળો કે સેવ-ટમેટાનું શાક ખાવા જ ત્યારે તારા પપ્પા કેટલા ઉદાસ થઈ જાય છે એ તમને નથી દેખાતું. 
મા દીકરી વચ્ચે વાતો ચાલુ હતી ત્યારેજ એના પપ્પાએ આવીને બહારથી દરવાજો ઠોકવાની સાથે બોલવાનું ચાલુ કર્યું,
"વિજયા... ઓ  વિજયા...! ક્યાં ગયા બધા? બેટા જુહી, રૂહી..? બધા ચાલ્યા ગયા, પીઝા ખાવા ચાલ્યા ગયા..મારો બાજરીનો રોટલો અને લસણની ચટણી હારી ગઈ! પીઝા સામે રોટલો તૂટી ગયો!"
વિજયા દોડતી જઈને બારણું ખોલીને કહે: તમે અંદર આવો. અને ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો. પાડોશીઓ સાંભળે છે. 
પપ્પા: હું શું કામ બોલવાનું બંધ કરું? પાડોશીઓ સાંભળે તો સાંભળે, મારા ઘરમાં મારે જે બોલવું હોય એ હું બોલીશ. તારે ના સાંભળવું હોય તો તું ચાલી જા... હું મારી દીકરી સાથે વાત કરીશ. રૂહી દીકરા તું ક્યારેય પીઝા ના ખાતી હોં, એ પિઝાવાળાઓએ તારા પપ્પાની હોટલના ગ્રાહકો લૂંટી લીધા, મને ખોટ ખાતો કરી દીધો, મારા જેવાને દારૂ પીતો કરી દીધો...
રૂહીના પપ્પા રડી પડ્યા.
વિજયાબેન: ટમે તે શું છોકરી આગળ આવી વાતો થાય ચાલો અંદર. 
વિજયાબેન એમના પતિને અંદર લઈ ગયા અને રૂહી વિચારતી રહી, હેપ્પી વાલા બર્થડેનું શું થશે? પપ્પાને હાલ કશું કહેવાય એવું નથી અને પોતે જુહીને પ્રોમિસ આપ્યું છે, એને આપેલું પ્રોમિસ પાળવું તો પડશે જ...પણ કેવી રીતે? હે ભગવાન હવે હું શું કરું. એ થોડીવાર વિચારે છે… પણ રસ્તો નથી મળતો, આખરે કંટાળીને એ એની વાર્તાની એક ચોપડી ઉઠાવે છે અને વાંચતાં વાંચતાં જ સૂઈ જાય છે! 
“અરે આ હું ક્યાં આવી ગઈ.” પોતાની ચારે તરફ ઘીચ જંગલ જોઈને રૂહી વિચારમાં પડી  ગઈ. એ ગોળ ફરીને બધી બાજુએ જુએ છે, સુદર વૃક્ષ અને ફૂલો જોઈને એને જંગલ આકર્ષક લાગે છે. એના હાથમાં પોતાનો ફોન પકડેલો છે એ જોઈ એ મોબાઇલમાં સર્ચ કરવા ફોન ચાલું કરે છે, પણ અહી તો નેટવર્ક જ નથી! હવે શું કરું? કોને પૂછું? હું ક્યાં છુ? કોઈ છે અહીં? એ જોરથી પોતાની સાથે વાત કરતાં કહે છે ત્યાં જ એક અવાજ આવે છે,
એક સુકાયેલી ડાળીઓ વાળું ઝાડ બોલતું હોય છે: હું છું અહિયાં મારી ડાળીઓ પર અસંખ્ય પંખીઓ આવીને બેસતા હતા અને એમના કલબલાટથી આ સૂમસામ જગ્યા ચહેકી ઉઠતી, એ મારા ફળો ખાતા અને એના બીજ દૂર ફેંકી દેતા એમાથી બીજા વૃક્ષ ઊગતા, મારા બાળકો... એમને જોઈ જોઈને હું રાજી રાજી થઈ જતો પણ હવે એવું નથી. વરસાદ વગર હું સુકાઈ રહ્યો છું, મારા નાના બાળકો જેવા નવા જન્મેલા ઝાડવા તો ક્યારનાય સુકાઈ ગયા, એકલો હું બચી ગયો...દુખી અને ઉદાસ! એક પણ પાંદડા વગરનો બુઢો...
રૂહી: ઓહ તમારા વિષે જાણીને ખૂબ દુખ થયું. હું તમારી કોઈ મદદ કરી શકું?
વૃક્ષ: તું મારી મદદ કરીશ? ખરેખર? આજના બાળકો તો સાંભળ્યું છે કે ફક્ત મોબાઈલ અને કોમ્પ્યુટરમાં જ અમારા પ્રત્યે પ્રેમ દેખાડે છે!
રૂહી: હા...એવું છે તો ખરું પણ બધા બાળકો એક સરખા નથી હોતા. હું તમારી મદદ કરીશ બોલો હું શું કરું?
વૃક્ષ: તું મારી સુકાયેલી ડાળીઓ તોડી નાખ અને આસપાસથી ક્યાંકથી પાણી લાવીને મને આપ તો હું ફરીથી હર્યો ભર્યો થઈ જઈશ!
રૂહી: આ કામ હું ખુશીથી કરીશ.
 રૂહીએ એ ઝાડની બધી સૂકી ડાળીઓ તોડી નાખી અને પાણીની શોધમાં આગળ વધી.
એક કૂવો: એય છોકરી! તું અહીં શું કરે છે?
રૂહી: હું પાણી શોધી રહી છું! તમે મને પાણી લેવા દેશો?
કૂવો: મારુ પાણી? એ તો ગંદુ થઈ ગયું છે અને તમે લોકો તો આજના બાળકો મશીનમાથી આવતું ચોખ્ખું પાણી પીવાવાળા, તમે મારું પાણી વાપરવાના?
રૂહી: હા હા કેમ નહીં? હું તમારું પાણી જરૂર વાપરીસ આગળ જ એક વૃક્ષ મને મળેલું એને પાણીની ખૂબ જરૂર છે હું તમારું પાણી એને આપીશ.
કૂવો: મારા પાણીથી ફરીથી વૃક્ષો સજીવન થશે? ખૂબ સુંદર વાત કહી બેટા. ચલ જલદી મારૂ પાણી નિકાળવા લાગ અને મને ખાલી કરી દે, પછી જોજે મારું નવું, તાજું પાણી કેટલું મીઠું લાગે છે?
રૂહી કૂવામાથી પાણી નિકાળવા પ્રયત્ન કરે છે ત્યાં દોરી બાંધેલી હોય છેપણ કોઈ બાલદી કે માટલી નથી, પાણી નિકાળવું શેમાં?
રૂહી: મારે પાણી ભરવા કોઈ વાસણ જોઈશે! હું એ શોધીને આવું છું...
રૂહી આગળ વધી ત્યાં એને એક તૂટેલો ચૂલો દેખાયો.
ચૂલો: હેય.. છોકરી અને જંગલમાં? તું અહિયાં કેમ આવી. આ સાચુકલું જંગલ છે તમારા મોબાઇલની ગેમ નથી. મારી ઓળખાણ પડી? જોયો છે મને પહેલા ક્યારેય? તમે આજના આવન અને ગેસ વાપરનાર છોકરાઓ મને ક્યાંથી જાણો!
રૂહી: ના ના એવું નથી મેં તમને અમારે ગામ જોયેલા. મારા દાદી તમારા જેવા ચૂલા ઉપર જ રોટલા ઘડતા.
ચૂલો: વાહ જાણીને આનંદ થયો પણ હવે હું મરવા પડ્યો છું. મારી માટીની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. કોઈ મારી મરમ્મત નહીં કરે તો થોડાક જ સમયમાં હું માટી બની જઈશ.
રૂહી: તમે ચિંતા ના કરો હું તમારી મરમ્મત કરીશ. પણ, એ માટે મારે લાવવું પડશે અને પાણી ભરવા મારી પાસે કોઈ સાધન નથી.
ચૂલો:હો હો હો... એમાં ઉદાસ થવાની જરૂર નથી છોકરી. મેં મારી તપતી આગથી કેટલીય માટલીઓને પાકકી થવા માટે ગરમી આપી છે, મારી આગ આપી છે, તું એ માટલી લઈ જ. જો સામે ઝાડ દેખાય છે એની નીચેનું ઘાસ હટાવાતા જ તને માટલી પડેલી દેખાશે.
ચૂલાનો આભાર માનીને રૂહી એ ઝાડ પાસે ગઈ. એની નીચે ઘાસ હટાવાતા જ સરસ માટલીઓ પડેલી દેખાઈ. રૂહીએ એમાથી એક નાની માટલી પસંદ કરી અને ભાગતી કૂવા પાસે ગઈ. કૂવામાથી પાણી લઈને ચૂલા પાસે ગઈ અને ત્યાની ચીકણી માટીમાં પાણી મેળવી, માટીને ગૂંદીને મુલાયમ કરી એનાથી ચૂલાની તિરાડો ભરી આપી. ચૂલો ખૂબ ખુશ થઈ ગયો અને રૂહીને આશીર્વાદ આપ્યા. માટી ખૂંદીને રૂહીના કપડાં અને હાથ ગંદા થઈ ગયેલા એણે ફરીથી કૂવા પાસે જય નવું પાણી નિકાળ્યું અને પોતાના હાથ તથા કપડાં સાફ કર્યા. ત્યાં જ એક નાનું કૂતરું દોડતું દોડતું આવ્યું અને રૂહી પાસે આવીને બોલ્યું, હું બૌ ગંદુ થઈ ગયું છું. તું મને સાફ કરીશ?
રૂહીએ હસીને હા કહી અને થોડું બીજું પાણી નિકાળી એણે એ કુતરાને પણ નવડાવ્યું. હવે રૂહી પાણી ભરી ભરીને સૌથી પહેલા મળેલા ઝાડ પાસે જઈ એની જડોમાં રેડવા લાગી. એને જોઈને પેલું કૂતરું પણ મદદ કરવાના આશયથી એ વૃક્ષની આસપાસ ખાડો ખોદવા લાગ્યું. રૂહીએ એ ખાડામાં પાણી ભરી દીધું અને બીજી એક માટલી પાણી નાખતા જ જાણે જાદુ થયું હોય એમ ઝાડની ડાળીઓમાથી નવા નવા પાંદડા અને ડાળીઓ ફૂટી નીકળી. એના ઉપર સુંદર ફૂલો અને ફળ પણ બેસી ગયા. પક્ષીઓ આવીને એની ડાળે બેસવા લાગ્યા. 
વૃક્ષા: રૂહી બેટા તે મને સજીવન કર્યું. ભગવાન તને તારા દરેક કાર્યમાં સફળતા આપશે! 
રૂહી હવે કૂવા પાસે ગઈ તો એનું ગંદુ પાણી પણ ખલાશ થઈ ગયુ અને એમાથી તાજા, નવા પાણીનો ફૂવારો છૂટ્યો.
કૂવો: વાહ બેટી. આજે તારી મહેનતના પ્રતાપે, મારુ વરસો જૂનું ગંદુ પાણી સાફ થઈ ગયું. તું જે પણ કામ કરીશ એમાં સફળ થઈશ. 
સવાર પડી ગઈ અને રૂહીનું સપનું તૂટ્યું. એને ખૂબ જ નવાઈ લાગી, રાતના જે વાર્તા વાંચતી એ સૂઈ ગઈ હતી એ જ એના સપનામાં એણે જીવંત બનેલી જોયેલી. 
જુહી: દીદી તે મારી પાર્ટી વિષે શું વિચાર્યું? પપ્પા જોડે વાત કરી?
રૂહી: ના યાર પપ્પા રાત્રે વાત કરાય એવી હાલતમાં જ ન હતા. ચાલ જલદી તૈયાર થઈ જા સ્કૂલ જવાનું મોડુ થશે.
રૂહીએ જુહીની વાતને તો વાળી લીધી પણ એના મનમાં વિચારો ચાલું થઈ ગયા...
શું કરું? ક્યાથી શરૂઆત કરું? મમ્મીને કહીને કેક તો ઘરે જ બનાવડાવી લઇશ. મારી પાસે ચારસો રૂપિયા પડ્યા છે એમાથી બલૂન અને રંગીન પટ્ટીઓ આવી જશે. આસરે વીસેક જણા માટે નાસ્તાની સગવડ કરવી પડશે. એ કામ મુશ્કેલ છે. રૂહી વિચારતી હતી ત્યારે જ એના પપ્પાએ કહ્યું,
પપ્પા: રૂહી..બેટા જુહી.. આજે તમારી સ્કૂલ છૂટે એટલે તમે બંને ચાલતા ચાલતા આપણી હોટેલ પર આવી જજો. મારે થોડું કામ છે એટલે તમને લેવા નહીં આવી શકાય. પછી આપણે સૌ સાથે જ ઘરે આવી જઈશું.
એ બપોરે રૂહી અને જુહી એમની હોટલે પહોંચ્યા ત્યારે એમના પપ્પા કોઈ માણસને એમની જ્ગ્યા બતાવી રહ્યા હતા. એ કદાચ નવો રસોઇયો હતો, પપ્પાએ હવે દેશી ખાણું બંધ કરીને ચાઈનીજ ફૂડનો ધંધો શરૂ કરવાનો વિચાર કરેલો. રૂહી અને જુહી બંને ફરતા હતા. એમની આ હોટેલ શહેરની વચોવચ આવેલી કોઈ વાડી જેવી હતી. ચારે બાજુ સરસ ઝાડની વચ્ચે નાની નાની ઝૂંપડીઓ જેવી રચના કરીને ત્યાં કાઠિયાવાડી ખાણું પીરસાતું હતું. પણ, હવે ગરાકી ઘટતા આટલી મોટી જગ્યાને સંભાળવાનુ મુશ્કેલ બની રહ્યું હતું.
વાડીમાં ફરતા અચાનક રૂહીની નજર એક ઝાડ ઉપર ગઈ,
“અરે! આતો એજ સુકાઈ રહેલું ઝાડ છે જે મેં સપનામાં જોયું હતું!” રૂહીને ખૂબ નવાઈ લાગી, થોડે આગળ જતાં જ એણે વાડીમાં આવેલો કૂવો જોયો અને એની બાજુમાં તૂટેલો ચૂલો પડ્યો હતો જ્યાં એક કૂતરું ખાડો ખોદીને માટી ઉડાડી રહ્યું હતું.
રૂહી: આ કેવી રીતે શક્ય છે? આ બધુ જ મેં કાલે મારા સપનામાં જોયેલું અને એમાં આ લોકો મારી સાથે વાતો કરતાં હતા. મારી મદદ માંગતા હતા. હે ભગવાન આ તમારો જ કોઈ સંકેત છે? મારે આ બધાની મદદ કરવાની છે?
જુહી: રૂહી દીદી તું શું બોલી રહી છે?
રૂહી: કાલે રાત્રે મેં એક સપનું જોયેલું.
રૂહીએ એના સપનાની વાત જુહીને કરી. બંને બહેનો હવે સાથે વિચારમાં પડી ગઈ. છેવટે બંનેએ નક્કી કર્યું કે આ બધાની મદદ કરવી જ જોઈએ. એ સમયે તો બંને બહેનો ઘરે જતી રહી પણ સાંજે એમના પપ્પા સાથે પાછી ત્યાં આવી અને કૂવા કાંઠે જઈને એનું ગંદુ પાણી બાલદીમાં ભરીને એને સુકાયેલા ઝાડવામાં રેડવા લાગી. એમને જોઈને હોટલમાં કામ કરતાં માણસો ત્યાં આવી ગયા.
એક માણસ: અરે તમે લોકો આ શું કરો છો?
જુહી: અમે લોકો આ સુકાયેલા ઝાડ અને આ ગંદા કૂવાની મદદ કરીએ છીએ. 
માણસ: હું અહીંનો માળી છું અને એ મારું કામ છે. હમણાં ગ્રાહક ઓછા હોવાથી થોડો બેદરકાર થઈ ગયેલો, પણ ફરી એવું નહીં થાય.
માળીએ કૂવામાથી પાણી કાઢીને ઝાડને પાવાનું કામ શરૂ કર્યું. જુહી અને રૂહી ચૂલા પાસે ગયા અને એને ઊંચકીને હોટેલના રસોડામાં લઈ ગયા. ત્યાં બધે ગેસના ચૂલા જોઈને એમણે રસોયાને કહ્યું, કે આટલા મસ્ત ચૂલાને કેમ ફેંકી દીધો છે?
રસોયો: એ હવે કામનો નથી. બાજરીના રોટલા ઘડવા એને બનાવેલો હવે કોઈ બાજરીનો રોટલો માંગતુ નથી પણ, તમને એ ગમતો હોય તો હું એને ઠીક કરી આપીશ.
બીજે દિવસે બંને બહેનો હોટલમાં ગઈ ત્યારે વાદીની અને કૂવાની ગંદકી ગાયબ હતી એના બદલે ત્યાં ભીની માટીની મસ્ત સુવાસ આવી રહી હતી.ચૂલો પણ તૈયાર હતો અને પેલું ગંધાતુ કૂતરું પણ સાફ નજર આવી રહ્યું હતું. એ દિવસે એના પપ્પાને સારા મૂડમાં જોઈને રૂહીએ કહ્યું,
“પપ્પા ચાર દિવસ પછી જુહીનો બર્થડે છે. તમે જો હા પાડો તો અમારા થોડા મિત્રોને અહીં બોલાવી એક નાનકડી પાર્ટી રાખીએ?”
પપ્પા: હા રાખી લો. આમેય ઘણા દિવસો થયા અહિયાં ગ્રાહકોની ભીડ જોએ, કાઠિયાવાડી બંધ કરી ચાઈનીજ અને પિઝા વેચવાનું ચાલું કરવાનું છે છેલ્લે છેલ્લે તમારી ઇચ્છા હોય તો દેશી ખાણું બનાવડાવું.
રૂહીએ જોયુકે એના પપ્પા ખૂબ જ દુખી થઈને બોલી રહ્યાં હતા. એના પપ્પાની આવી હાલત જોઈને એને થયું સૌથી વધારે મદદની જરૂર તો મારા પપ્પાને છે...રૂહી વિચારમાં પડી. એને પાછા પેલું ઝાડ, કૂવો, ચૂલો અને કૂતરો દેખાયા અને એ હસી પડી!
આખરે એ દિવસ પણ આવી ગયો, જુહીના બર્થડેનો દિવસ! એમની ગામઠી હોટલને ચારે બાજુથી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. બધા ઝાડ પર હાલ પૂરતા નકલી વેલા અને ફૂલો લગાવ્યા છે, જે ટૂંક સમયમાં જ અસલથી છવાઈ જવાના. એક કૂતરો દોડી દોડીને નવા આવનાર મહેમાનને દોરીને અંદર લાવી રહ્યો છે. કૂવા કાંઠે એક ગેમ ચાલી રહી છે, ઝડપથી માટલી ભરીને પાણી બહાર નિકાળવાની અને એને જઈને ફૂલોના ક્યારમાં રેડી આવવાની...બધા બાળકો હોંશે હોંશે એમાં ભાગ લઈ રહ્યા છે. સુંદર ચણિયાચોળીમાં સજ્જ રૂહી અને જુહી બંને રાજકુમારી જેવી લાગી રહી છે. પાર્ટીની થીમ જ એવી રાખી છે. આવનારા સૌ મહેમાનો રાજા રાણી જેવા તૈયાર થઈને આવ્યા છે. મોટી કેક તૈયાર છે અને એની સાથે ખાવા માટે દેશી પિઝા! બાજરીના રોટલા પર વિવિધ જાતની ચટણી પાથરી એની ઉપર ચીજ ભભરાવ્યું છે જે બધાને ખૂબ ભાવ્યું. કોઈને લસણની ચટણી તો તો કોઈને કોથમીરની ચટણી પસંદ આવી રહી છે. જુહી ખૂબ જ ખુશ છે આટલી મસ્ત પાર્ટી વિષે એણે ક્યારેય વિચાર્યું ન હતું. ચારે બાજુ ફાનસના અજવાળું છે અને એમાં રૂહી ખુશ થઈ રહી છે એના પપ્પાને હસતાં જોઈને, એમને આજે જ ત્રણ ઓર્ડર મળ્યા એમના બાળકોની બર્થડે પણ અહીં, આવી જ રીતે ઉજવવા માટેના. સોસિયલ મીડિયા પર અહીના ફોટા અને દેશી પીઝા વાઇરલ થઈ રહ્યાં છે જે ધીમે ધીમે લોકોને અહી ખેંચી લાવશે...
“થેન્ક યુ મારી પરીકથાની વાર્તાઓ! તમને વાંચીને જ મેં એક સપનું જોયેલું અને એને સાકાર કરવાનો પ્રયત્ન કરતાં જ ચારે બાજુથી મદદ આવી મળી, બિલકુલ એવી જ રીતે જેવી રીતે એક ભલી છોકરીની મદદે આસપાસની દુનિયા આવી જતી હોય છે, પરિકથાઓમાં!” રૂહી વિચારી રહી હતી.
“થેન્ક યુ દીદી તે તો આજે સાચે જ મારા બર્થડે ને ખુ ખૂબ હેપીવાલો બર્થડે બનાવી દીધો! આઈ લવ યુ સો મચ!” જુહી આવીને રૂહીને ભેંટી પડી.
“તમે બંને દીકરીઓ મારું અભિમાન છો. આજે તમારા બાપના ડૂબતાં ધંધાને તમારા પ્રેમ અને પ્રયત્નોએ બચાવી લીધો.” 
“આપણાં બધાના પ્રયત્નો પપ્પા!” રૂહીએ એના પપ્પાને કહ્યું અને એની નજર સામે ઉભેલા કુતરા ઉપર ગઈ એણે રૂહી સામે આંખ મારી હોય એવું રૂહીને લાગ્યું....!
નિયતી કાપડિયા.