garibima piza books and stories free download online pdf in Gujarati

ગરીબીમાં પિઝા

 એ એક ગરીબ છોકરો છે અને ગરીબોને હોય એવી જ એની પણ ઓળખ છે! ફાટેલી બંડી અને ચડ્ડો પહેરેલો, વિખરાયેલા વાળવાળો અને જોઈને જ ભિખારી લાગે એવી શકલવાળો! આજે એના ગજવામાં રામ જાણે કોના નસીબથી કેટલાક રૂપિયા કૂદી રહ્યા હશે તે પીઝા ખરીદવા એ એક હોટેલમાં ઘૂસી ગયો.

હોટેલમાં જાણે કોઈ એલિયન ઘૂસી આવ્યો હોય એમ ત્યાં બેઠેલા બધા લોકો એ છોકરાને જોઈ રહ્યાં અને પછી બધાએ એમના રૂપાળા મોઢા બગાડીને બીજી બાજુએ ફેરવી લીધા. જાણે એમના ટેસ્ટી પિઝામાંથી આ ભિખારી જેવો છોકરો એક બટકું માંગવાનો હોય કે પછી એમની ડિશમાં બાકી બચી ગયેલો એકાદ પિઝાનો  એંઠો ટુકડો એ ખાવા માટે એ લાલચ ભરી આંખે જોઈ રહ્યો હોય અને એને ‘હા’ કે ‘ના' કહેવું ના પડે એટલે એમણે મોંઢા ફેરવી લીધા હતા.  છોકરા માટે ખરી મુસીબત હવે જ ચાલું થઈ બેસવું ક્યાં?

 એક ખાલી ટેબલ પર જઈને બને એટલું એનું શરીર સંકોડીને એ બેસી ગયો. એને ઉતાવળ હતી. ફટોફટ કોઈ એને પીઝા આપી દે અને એ અહીંથી ચાલ્યો જાય આ સફાઈદાર કપડા પહેરેલા માણસોની દુનિયા એના માટે પણ અજાણી હતી. પોતાની ગરીબાઈમાં, ફાટેલી બંડી અને મેલા ચડ્ડામાં એ ખુશ હતો, લોકોની એને કંઈ પડી નહતી!
એક નાનકડો અને સુખી પરિવાર એ હોટલમાં પ્રવેશ્યો. બધા ટેબલ ખચાખચ ભરેલા હતા. એ પરિવારમાંથી કોઈની નજર આ ભિખારી જેવા છોકરા તરફ ગઈ અને એણે મોઢું બગાડી બીજાનું ધ્યાન દોર્યું. એ જ વખતે હોટેલનો મેનેજર ત્યાં દોડી આવ્યો અને આ સુખી પરિવાર ભાગી જાય એ પહેલા પેલા દુઃખી ભિખારીને ભગાડી દેવા સાબદો થયો, આખરે એને ધંધો સુખી પરિવાર જ આપવાનો હતો! એણે જઈને પેલા ભિખારી જેવા છોકરાને ખખડાવ્યો અને એની જગ્યાએથી ઊભો કર્યો. પેલા છોકરાની આંખોમાં આંસુ ધસી આવ્યા પણ એણે એ આંસુને રોકી રાખ્યા, એને બહાર ન આવવા દીધા. એને આદત હતી, આંસુઓને આંખોમાં જ રોકી રાખવાની!

એક ઘડી એને થયું કે ભાડમાં જાય પિઝા, ભાગી જાઉં આ સભ્ય લોકોની વસતીમાંથી પણ પછી એને એના નાના ભાઈનો ચહેરો યાદ આવ્યો. એના માટે થઈને જ એણે છેલ્લા પાંચ દિવસથી ચાની લારી પર ઓવર ટાઈમ કરેલો અને થોડા એક્સ્ટ્રા રૂપિયા બચાવેલા, એના માબાપથી છુપાવીને આજ એ એના નાના ભાઈ સાથે એ આજે પાર્ટી મનાવવાનો હતો... પિઝા ખરીદવા જરૂરી હતા. એ ફરીથી ગયો મેનેજર પાસે અને એને જણાવ્યું કે પોતાને પિઝા અપાવી દે એ લઈને એ ચાલ્યો જશે. મેનેજર કંઈ આનાકાની કરે એ પહેલાં જ એણે એના ગજવામાંથી સો સોની ત્રણ ચોળાયેલી નોટો કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી.
મેનેજર હસ્યો, રૂપિયાની કોઈ જાતી નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો, ગરીબનો હોય કે અમીરનો, રૂપિયો સૌને વહાલો! મેનેજરે એ ચોળાયેલી નોટો ઉઠાવી લીધી અને વેઇટરને કહીને છોકરાને પિઝા અપાવ્યો. છોકરો ખુશ થઈને ઘરે ગયો અને એના નાના ભાઈને બોલાવી ધાબા ઉપર પાર્ટી કરવા લઈ ગયો. નાનો ભાઈ એની જોડે બીજા બે ભાઈ બંધોને પણ લેતો આવેલો. 

“હું મારા હિસ્સામાં થી આ લોકોને એક એક ટુકડો આપી દઈશ!" કદાચ મોટા ભાઈને ખોટું લાગશે તો એમ વિચારી નાનાએ ધીરેથી કહ્યું.

“અરે કંઈ વાંધો નહિ. આ લોકોએ પિઝાના ટુકડા કરીને જ આપ્યા છે આપણે બધા એક એક ટુકડો આરામથી ખાઈ શકીશું..!"

ચારે જણાં એ પિઝાનો એક એક ટુકડો ઉઠાવ્યો, એમના જીવનનો પહેલો પિઝાનો ટુકડો, અને જાણે બત્રીસ જાતના પકવાન આરોગતા હોય એમ મજા લઈ લઈને એને પૂરો કર્યો. પછી બધા ખૂબ નાચ્યા. આડું અવળું જેવું આવડે એવું નાચ્યા પણ દિલથી નાચ્યા...! 
© નિયતી કાપડિયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED