Saalmubarak books and stories free download online pdf in Gujarati

સાલમુબારક

કંચનબા આજે સવારથી જ ખૂબ ઉત્સાહમાં હતા અને કેમ ના હોય આજે દિવાળીનો દિવસ હતો, ઘર આજે ખરેખર ઘર બની જવાનું હતું! રોજ સૂમસામ ભાસતું હવેલી જેવડું મકાન હમણાં દીકરા અને દીકરીના એમના પરિવાર સાથેના આગમન બાદ એમની કિલકારીઓથી એક સમૃધ્ધ ઘર બની જવાનું...
“બા આજે સાંજે હું થોડો વહેલો જતો રહું તો?" રઘલાએ સહેજ ખચકાતા કહ્યું.
“કેમ લા આજે શું છે? જે દિવસે ઘરમાં મહેમાન આવવાના હોય અને બે વાસણ વધારે ધોવા પડશે એમ લાગે કે તરત રજાનું બહાનું શોધવાનું હમમ..?" કંચનબાએ એક તીખી નજર રઘલા સામે નાખીને કહેલું.
“ના બા એવું નથી પણ, આજે દિવાળી છે એટલે થોડા વહેલા ઘરે જવું હતું." રઘલાના મોંઢા પર દુનિયાભરની લાચારી આવી ગઈ બસ એક પળ માટે અને પછી તરત હસી નાખતા કહ્યું, “મહેમાન આવી જાય, એમના નાસ્તા પાણી અને જમવાનું પતે કે તરત હું ચાલ્યો જઈશ અને પછી મોડેથી ફરી વાસણ માંજવા આવું તો ચાલેને...?”
“ઠીક છે દિવાળીના દિવસે તને કોણ ના કહે! પણ બહુ મોડું ના કરતો." નજરની તીખાશ થોડી હળવી કરીને કંચનબા બોલ્યા.
કંચનબાએ એમના પતિદેવને ફોન કર્યો. એમને આજના દિવસે એક ફોરેનની પાર્ટીને સાથે લઈને ડીનર પર જવાનું હતું એટલે એ સાંજે અડધો કલાક ઘરે આવીને બધાને મળી જશે પછી રાત્રે મોડે સુધી બધા બેસીને વાતો કરીશું એવું નક્કી કર્યું. કંચનબાને એ ફોરેનવાળી પાર્ટી પર ગુસ્સો તો બહુ આવ્યો પણ શું થાય? એમણે સાંજે શું શું બનાવવું એની તૈયારીઓ કરવાનું ચાલું કરી નાખ્યું જેથી સાંજે આરામથી દીકરી, દીકરા અને એમના ટાબરિયાઓ સાથે વાતો કરી શકાય.
સાંજે પાંચ વાગે દીકરી આવી ગઈ, સાથે જમાઈ અને ભાણાને લઈને. થોડીક વાતો ચાલી પછી દીકરી, જમાઈ રસોડામાં ગયા અને આજ સાંજ માટે બનાવેલી વસ્તુઓના ફોટા ખેંચવા લાગ્યા, એક બે ફોટા કંચનબા સાથે પણ ખેંચાયા, બધી વસ્તુઓના ચાખ્યા વગર જ ભરપૂર વખાણ થયા. કંચનબા ખુશ થઈ ગયા અને એની થોડીક જ વાર પછી ફેસબુક પર, વોટ્સ એપ પર ફોટા મુકાયા અને એ બંને ઓનલાઈન ચાલુ થઈ કંચનબાની લાઈન કાપીને બેસી ગયા. એમનો દીકરો પણ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
સાંજે છ વાગે દીકરો એની વહુ અને દીકરાને લઈને આવ્યો. થોડીવાર માટે પરિવાર ભેગો થયો, ના થયો કે કંઇક વાત નીકળી અને વહુએ કહ્યું,
“આજની બધી વાનગીના ફોટા તો પહેલાં જ દીદીએ મૂકી દીધા હવે આપણે શું મુકીશું?"
“ઓહ્ કમ ઓન હની, મમ્મી પાસે ખાલી રસોઈની જ કળા નથી, આ દિવાળીની સજાવટ જો, દેશી દીવડા, ફૂલો અને રંગોથી પુરાયેલી રંગોળી, આ દરવાજે લટકતું તોરણ જો એનો ફોટો ક્લિક કર. મારી મમ્મી જેવી કલાકાર તને ક્યાંય નહિ મળે." દીકરાએ કંચનબા સામે જોઇને હસીને કહ્યું.
કંચન બાને સારું તો લાગ્યું પણ કશુંક ખુંચ્યું, શું? એ ના સમજાયું, છતાં મન મનાવ્યું. દીકરો અને વહુ પણ ઘરમાં ફરી ફરીને ફોટા લેવા લાગ્યા, એમણે પણ કંચનબા સાથે એક એક ફોટો લીધો અને સોસયલ મીડિયા પર ‘હેસટેગ હેપી ફેમિલી' લખીને શેર કર્યો. પછી એમણે પણ કંચનબાની લાઈન કાપી અને મમ્મીનાં વખાણ કરવા ઓનલાઈન ચાલું થઈ ગયા. બંને નાના છોકરાઓ પબજી રમવામાં ખોવાઈ ગયા. કંચન બાની આસપાસ જ આખો પરિવાર હતો છતાં કોઈ પાસે નહતું, સાથે નહતું.
સાડા સાતે રઘલો ઊંચો નીચો થવા લાગ્યો, “બા જમવાનું ટેબલ ઉપર મૂકી દઉં?"
આખરે એને પણ દિવાળી છે એમ કહી બા ઊભા થયાં, બાકીના બધા આવું છું, આવું છું કરતા એમના ફોન મચેડતા રહ્યાં. કંચન બાને થયું જો આજથી દસ વરસ પહેલાંની સાંજ હોત તો એમના એક જ ઘાંટે બંને ભાઈ બહેન તરત ઊભા થઈ ગયા હોત! હવે એ લોકો મોટા અને સમજદાર થઈ ગયા એટલે કંઇ કહી શકાતું નથી, કે પછી ડર છે...એ લોકો હંમેશ માટે અહીં આવવાનું બંધ કરી દે તો?
જમવાનું પૂરું થયું. બાળકોને દાદીએ પિઝા કેમ ના મંગાવ્યા એની ફરિયાદ રહી બાકીના એ ચૂપચાપ અને ફટાફટ જમી લીધું...ફરી ઓનલાઇન થવું હતું!
જમ્યા બાદ બધા સોફામાં કુંડાળું કરીને બેસી ગયા અને કોની પોસ્ટ પર કેટલી લાઈક આવી, કોની કેવી કૉમેન્ટ આવી એની ચર્ચા ચાલી... કંચનબા પતિદેવની રાહ જોતા હતા એ પણ આવી ગયા અને બીજા બધા સાથે ઓનલાઇન થઈ ગયા. બધા સામે મોઢું વકાસીને જોઈ રહેલા કંચનબાને વાતો કરવી હતી. કેટ કેટલું કહેવું હતું, દીકરીને, વહુને, એમણે વાત ચાલું કરી પણ હમમ.. સિવાય કોઈ પ્રત્યુત્તર ના મળ્યો છેવટે એ કંટાળીને બહાર અગાસીમાં આવ્યા. એમની અગાસીમાંથી થોડે દૂર રઘલાને રહેવા માટે આપેલી ઓરડી દેખાતી હતી.
રઘલાની ઓરડી બહાર એક ખાટલો ઢાળેલો હતો એના પર એક ડોશી બેઠી હતી એ કદાચ રઘલાની મા હતી, દિવાળી કરવા ગામડેથી આવેલી અને એને રઘલો અને એની પત્ની આગ્રહ કરી કરીને જમાડતા હતા. ડોશીની બાજુમાં એના બે પૌત્ર અને એક પૌત્રી બેઠેલા અને ડોશી પોતાનામાંથી એક એક કોળિયો એ ભૂલકાંઓના મોઢામાં પણ મૂકતી જતી હતી. એ લોકો બધા ખુશ હતા, એક બીજા સાથે વાતો કરતાં હતા. ડોશી દીકરા અને વહુને પણ જમી લેવા આગ્રહ કરતી હતી. આખરે એ લોકો પણ ખાટલાની બાજુમાં નીચે બેસીને એમનું ખાણું ખાવા લાગ્યા, જમવાનું પતાવીને થોડા ફટાકડા ફોડ્યા...ફટાકડાના અવાજ કરતાં એ લોકોનો અવાજ વધારે હતો! એમની આનંદથી ભરેલી કિલકારીઓ આગળ ફટાકડાની શી વિસાત?
બીજે દિવસે સવારે સાત વાગે રઘલો કંચનબાને પગે લાગ્યો અને સાલમુબારક કહ્યું ત્યારે કંચનબા એક પળ એને નીરખી રહ્યાં, સવારે વહેલો ઊઠીને એ નાહીને, નવા કપડાં પહેરી, માથે તિલક કરીને આવ્યો હતો. કંચનબાને થયું, તહેવાર તો બસ આના ઘરમાં જ છે! કાશ એમનું પણ એકાદ સંતાન આ રઘલા જેવું હોત, એક ઘડી વિચાર આવીને અટકી ગયો. એને આજે અડધા દિવસની રજા જોઈતી હતી. પરિવાર સાથે મંદિરે દર્શન કરવા જવાનું હતું. બપોરે આવીને એ બધું કામ કરી લેશે..!
બીજો કોઈ પ્રસંગ હોત તો એને રજા ના જ મળત પણ આજે કંચનબાએ કંઈ પૂછયા વગર એને રજા આપી દીધી અને દીકરાને આપવા લાવેલા એ મીઠાઈના ઢગલામાંથી એક બોક્સ પણ એને આપ્યું...! એમના ઘરે બધા હજી સૂતા હતા, એ લોકો જાગી તો ગયેલા પણ હજી ઓનલાઇન બધાને વિશ કરાઈ રહ્યું હતું... આ દુનિયામાં સાચુકલા આવીને કંચન બાને વિશ કરવાનું, સાલમુબારક કહેવાનું હજી બાકી હતું, કંચનબા રાહ જોઈ રહ્યા હતા એ લોકોના જાગવાની...!
નિયતી કાપડિયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED