VISHAD YOG- CHAPTER-16 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-16

દાદાએ વાત કહેવાની શરૂઆત કરી “આજથી લગભગ દસ વર્ષ પહેલાની વાત છે. ભાવનગર અને અલંગ બંદર તરીકે વિકસી રહ્યા હતા અને ધીમે ધીમે સિહોરમાંથી પસાર થતા આ રોડ પર ટ્રાફિક વધી રહ્યો હતો. આ રોડનું મહત્વ હવે વધવાનું હતુ તેને ધ્યાનમાં લઇ સરકારે હાઇવે બનાવવાનું નક્કી કર્યુ. હાઇવે ગામની બહારથી કાઢવાનું નક્કી થયું. સરકારે જે રસ્તો હાઇવે માટે પસંદ કર્યો હતો તે મારા ખેતરમાંથી નીકળતો હતો. મારી પાસે આમતો 70 વિઘા જમીન પણ અહી અમારા પંથકમાં વરસાદ ખૂબ ઓછો થાય એટલે પાણીની અછત છે. તેને લીધે તે 70 વિઘા જમીનમાં કાંઇ ઉત્પાદન થતું નહીં. મારા બંને દીકરા પણ તેને લીધેજ સુરત જતા રહ્યા અને ત્યાં જઇ ટેક્ષટાઇલમાં નોકરીએ લાગી ગયા. નસીબ જોર કરી ગયા અને આજે બંને ખુબ સુખી છે. પણ તેનો બાપ સુખી છે કે નહી તે જોવાની ફુરસદ નથી.” આ બોલતી વખતે દાદાના ચહેરા પર પીડા આવી ગઇ. તેણે તરતજ વાતને ફરીથી મૂળ મુદ્દા પર લાવતા કહ્યું “હા તો મારા ખેતરમાંથી હાઇવે પસાર થતા મારી જમીનનાં ભાવ ઉંચકાઇ ગયા અને મારી ધારણા કરતા ઘણા વધારે રૂપીયા આવ્યા. આ રૂપીયા આવતા મે વિચાર્યુ કે કોઇ પાણીવાળી જગ્યાએ થોડી જમીન લઉં જેથી ઉપજ મળે. આ વિચારી મે ખોડીયાર ડેમ પાસે જમીન લીધી. આ મારૂ ખેતર ખોડીયાર ડેમ પર આવેલ અનાથાશ્રમની પાછળ આવેલું છે. એ પછી હું રોજ ખેતર જઉં ત્યારે અનાથાશ્રમમાં એક આંટો મારતો જઉં. ધીમે ધીમે ત્યાના વ્યવસ્થાપક એવા રઘુવિરભાઇ વાઘેલા સાથે મારી ઓળખાણ થઇ અને આ ઓળખાણ પછી તો મિત્રતામાં ફેરવાઇ ગઇ. ત્યારબાદ તો હું પણ અનાથાશ્રમનો એક ભાગ બની ગયો. મારી જે પણ આવક થતી તેમાંથી હું પણ અનાથાશ્રમમાં આર્થિક ટેકો કરતો. ધીમે ધીમે અનાથાશ્રમની પ્રવૃતિ વધતી ગઇ એટલે હિસાબ અને વહીવટ કરવા માટે એક માણસ રાખ્યો, જેનું નામ વિકાસ ગુપ્તા. શરૂઆતમાંતો બધુ વ્યવસ્થિત ચાલતું હતું પણ ધીમે ધીમે બાળકો દત્તક લેવા વાળાની સંખ્યા અચાનક વધી ગઇ અને બધાજ ગુજરાત બહારના હતા. આનાથી રઘુવિરભાઇને થોડી શંકા ગઇ. તેણે છુપી રીતે તપાસ કરી તો ખબર પડી કે બાળકોને અહીથી લઇ જઇ વેંચી નાખવાનું કાવતરૂ ચાલતું હતું અને તેમાં વિકાસ ગુપ્તા સામેલ હતો. આ ખબર પડતાજ રધુવિરભાઇનો મગજ ઉકળી ઉઠ્યો અને તેણે વિકાસને બોલાવી બધાની વચ્ચેજ એક તમાચો મારી દીધો અને પોલીસને જાણ કરવાની ઘમકી આપી કાઢી મુક્યો પણ ત્યારે રઘુવિરભાઇને નહોતી ખબર કે આનું શું પરીણામ આવશે?

--------------********-------------******-------------******----------------------------

સુરસિંહનો આખો દિવસ અનાથાશ્રમમાં બધુ સેટ કરવામાં નીકળી ગયો. રાત થતાજ તેણે વિરમને ફોન કરી જાણ કરી દીધી કે અહીં બધુજ બરાબર છે અને હજુ સુધી કંઇ ચિંતાજનક નથી. ત્યારબાદ અડધા કલાક પછી વિરમ પોતાના બાઇક પર સુરસિંહ માટે ટીફીન અને બિજો થોડો સામાન લઇને આવ્યો. સુરસિંહે કહ્યું “આપણે જમીશું પછી પેલા આજ ઘણા સમય પછી પીવાની ઇચ્છા થઇ છે ચાલ બહાર બેસીએ.” એમ કહી તેણે બહાર એક ખાટલો અને ખુરશી નાખી. અનાથાશ્રમના મોટા મેદાનમાં એકદમ શાંત વાતાવરણ હતું. અહી ભુલથી પણ કોઇ આવે એવી સંભાવના નહોતી. આ વાતાવરણ સુરસિંહ અને વિરમ માટે ખૂબ અનુકુળ હતું. સુરસિંહે સાથે લાવેલા સામાનમાંથી એક દારૂની બોટલ કાઢી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દરેક ગામમાં જોઇએ ત્યારે દારૂ મળી શકે છે ફક્ત ભાવ બીજા રાજ્યો કરતા વધુ હોય છે. આ ભાવ વધારો આપવા પડતા હપ્તાને લીધે હોય છે. સુરસિંહે પણ ગંભીરસિંહે આપેલા પૈસામાંથી વધારે ભાવ આપી એક રોયલ સ્ટેગની બોટલ ખરીદી હતી. આ બોટલ સાથે બે ગ્લાસ અને થોડા સિંગદાણા લઇ બંને અનાથાશ્રમના મેદાનમાં ગોઠવાયા. ધીમે ધીમે અંધારૂ ઘેરાવા લાગ્યું હતું. વિરમે બંનેના ગ્લાસ ભર્યા અને પછી બંને શરાબ પીતા પીતા વાતોએ વળગ્યા. વિરમ શરાબ પીતો ગયો તેમ ખુલતો ગયો. વિરમ પણ શરાબના નસામાં ભુતકાળમાં સરી પડ્યો હતો અને બોલતો હતો “મિત્ર, તને બચાવવા માટેજ મારે તારી વિરૂધ જુબાની આપવી પડેલી ત્યારે પણ મે તને કહેલુ અને આજ પણ કહું છું. તે જો સ્વિકાર્યુ ન હોત અને સાહેબ વિરૂઘ બોલ્યો હોત તો તને જીવતોજ ન છોડ્યો હોત.” વિરમની વાત સાંભળી સુરસિંહ સમજી ગયો કે હવે વિરમ દારૂના નસામાં છે એટલે ખોટું નહી બોલે. સુરસિંહ આજ તકની રાહ જોતો હતો તેણે ધીમે રહી પુછ્યું “મિત્ર પણ આપણા શક્તિસિંહનું ખુન કોણે કર્યુ હતું? અને આરોપ મારા પર શું કામ નાખ્યો હતો? આપણી સાથેતો માત્ર એટલીજ વાત થયેલી કે આચાર્યને મારી નાખો જેથી શક્તિસિંહની અડધી તાકાત ઓછી થઇ જાય અને આચાર્ય પાસે રહેલ વસ્તુ પણ આપણી પાસે આવી જાય. મને તો હજુ સુધી એ પણ નથી સમજાયું કે આ કૃપાલ જે કાગળ શોધતો હતો તેમાં હકીકતે શું હતું?”

આ પ્રશ્ન સાંભળી વિરમના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું અને બોલ્યો “મિત્ર, તને જે પ્રશ્નો થયા છે તેના જેવાજ પ્રશ્નો મને થયા હતા અને તેના જવાબ શોધવાજ હું આટલા વર્ષોથી મહેનત કરી રહ્યો છું. તેમાંથી મને તો માત્ર એટલીજ ખબર પડી છે કે આચાર્ય પાસે કોઇ જગ્યાનો નકશો હતો. આ કૃપાલ એ નકશા માટે જ આચાર્યને મારી નાખવા માગતો હતો. બાકી આ કૃપાલે શક્તિસિંહને કેમ મારી નાખ્યો એ તો મને પણ હજુ સુધી જાણવા નથી મળ્યુ પણ મને બે દિવસ સુધી ટોર્ચર કરીને તે લોકોએ તારી વિરુધ ગવાહી માટે મજબુર કર્યો હતો. પોલીસ ઓફીસર પણ ફુટેલા હતા. જો તે કબુલ ના કર્યુ હોત તો આપણા બેમાંથી કોઇ અત્યારે અહીં બેઠુ ન હોત.” આ સાંભળી સુરસિંહે આગળ પુછ્યું “પણ હવે તું શું કરવા માગે છે? આપણે તેનો સામનો કેવી રીતે કરીશું?”

આ સાંભળી વિરમ થોડીવાર રોકાયો અને પછી બોલ્યો “મારા મનમાં એક પ્લાન છે. તે લોકોના મનમાં એવો શક હતો કે તે કાગળ આપણી પાસે આવી ગયો છે અને આપણે તે છુપાવીએ છીએ. તે લોકોએ મને ટોર્ચર કરી આ કાગળ વિશે પુછ્યું હતું. અને જેલમાંથી નીકળીને મે તપાસ કરેલી એમા પણ મને જાણવા મળેલુ કે કૃપાલસિંહે ત્યારબાદ પણ પાલીતાણાના શત્રુંજય ડુંગર પર આવેલ જૈન મંદિરોની આસપાસ માણસોને મોકલી તપાસ કરાવેલી પણ તેના હાથમાં કંઇ આવેલ નહી. જો આપણે એવો ભ્રમ પેદા કરી શકીએ કે આપણી પાસે આ કાગળ છે તો આપણે તેને બ્લેકમેલ કરી શકીએ.”

“પણ પછી જ્યારે તેને ખબર પડશે કે આપણે તેને ઉલ્લુ બનાવીએ છીએ અને આ કાગળ આપણી પાસેથી નહી નીકળે ત્યારે તે આપણને બંનેને મારી નાખશે. આપણા હાથમાં કોઇ સબળ પુરાવો નથી અને એ કાગળ શાના વિશે હતો એ પણ આપણને ક્યાં ખબર છે?”

આ સાંભળી વિરમ થોડો વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “મિત્ર, મે આ બધોજ વિચાર કરેલોજ છે. જે લોકો શત્રુંજય ડુંગર પર ગયેલા તેમાંથી એક માણસે મને જણાવેલુ કે કૃપાલસિંહ કોઇ ખજાનાની તલાસમાં હતો.”

સુરસિંહ આ સાંભળી ચોકી ગયો અને બોલ્યો “ શેનો ખજાનો? કૃપાલસિંહના પરદાદા પાસે તો કોઇ ખજાનો નહોતો.”

“હા, એજ વાત છે કે કોઇને પણ ખબર નથી કે કૃપાલસિંહ શેનો ખજાનો શોધે છે?” વિરમે શરાબનો ઘુટ ભરતા કહ્યું.

“વિરમ, મને લાગે છે હજુ આપણે થોડી તપાસ કરવી પડશે પછીજ તું જે કહે છે તે પ્લાન અમલમાં મુકી શકાશે. તું કૃપાલસિંહને ઓળખેજ છે ને? તેને જરા સરખો પણ શક પડશેકે આપણે તેને ઉલ્લુ બનાવીએ છીએ તો બીજા દિવસે આજ ખોડીયાર ડેમમાં આપણી લાસ પડી હશે.” આ બોલતાજ સુરસિંહ વિસ વર્ષ પહેલાના ભુતકાળમાં સરી પડ્યો “ અઠવાડિયા બાદ તેને હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યો અને એક કાચા કામના કેદી તરીકે તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. થોડા દિવસબાદ વિરમ તેને મળવા આવ્યો અને તેણે જે કીધુ એ યાદ આવતાજ અત્યારે પણ સુરસિંહના હાથની મૂઠીઓ વળી ગઇ હતી.”

------------------------***********------------*****************-------------------

વિલીની કાર ગાંધીનગરના રસ્તા તરફ દોડી રહી હતી. વિલીને નવાઇ લાગી હતી કે આજે સાહેબે આમ સવારમાં શું કામ બોલાવ્યો હશે? ઇલેક્શનને તો હજુ એક અઠવાડિયાની વાર છે. આ વિચારતા તે મિનિસ્ટરના બંગલા પાસે પહોંચ્યો અને મહેસુલ મંત્રિ શ્રી કૃપાલસિંહ લખેલા બંગલાના ગેટ પાસે કાર ઊભી રાખી. સિક્યોરિટી ગાર્ડે જેવી કાર જોઇ એ સાથેજ મેઇન ગેટ ખોલી આપ્યો. આ કારને ક્યારેય રોકવી નહીં તેવી તેને સ્પષ્ટ સુચના આપવામાં આવેલી. જો કે આ કારને સવારમાં આવેલી જોઇ તેને પણ નવાઇ લાગેલી કેમકે આ કાર હંમેશા રાતના બાર વાગ્યા પછીજ અહીં આવતી. જેવો સિક્યોરીટીગાર્ડે ગેટ ખોલ્યો કે તરતજ કાર અંદર ડ્રાઇવે પર થઇને બંગલાની સામે ઊભી રહી. કાર ઊભી રાખી વિલી પોતાની સુટકેશ લઇ બંગલામાં દાખલ થયો અને સીધોજ સાહેબના બેડરૂમમાં જતો રહ્યો. સાહેબ બેડ પર બેઠા હતા એટલે વિલીએ ચેર લઇને સાહેબની પાસે મૂકી અને તેના પર ગોઠવાયો. તેના અને સાહેબ સાથે કોઇ પણ ઔપચારિકતાની જરૂર નહોતી. તે બેઠો એટલે સાહેબે કહ્યું “વિલી, તારે આજથી એક કામ કરવાનું છે. તને ખબર છે કે ઇલેક્શન આવે છે અને આ વખતે આપણી પાર્ટી માટે જીતવું થોડું અઘરૂ છે એટલે વિપક્ષના પાંચ છ નેતાને આપણી પાર્ટીમાં જોડવાના છે અને તને તો ખબર છે કે આના માટે કેટલા પૈસાની જરૂર પડે છે. મારે ઘણા બધા બીઝનેસમેન સાથે વાત થઇ ગઇ છે. આ લે આ કાગળ બધા પાસેથી કેટલા કેટલા લેવાના છે તે બધું લખ્યું છે.” એમ કહી સાહેબે એક કાગળ વીલીને આપ્યો. અને આગળ બોલ્યા “ આ કલેકશન તારી પાસેજ રાખવાનું છે. હું કહીશ ત્યારે તારે ડિલિવરી કરી દેવાની છે. હવે કોઇ પ્રશ્ન હોય તો અત્યારેજ પૂછીલે આ મુદ્દે હવે કોઇ વાતચીત નહીં થાય. ફોન પર તો નહીંજ. ઇલેક્શન આવે છે હમણા સાવચેતી રાખવી પડશે. તારે કોઇ પ્રોટેકશન જોઇએ છે?”

અત્યાર સુધી બધીજ વાત શાંતિથી સાંભળતા વિલીએ એક જ વાક્યમાં જવાબ આપો “ નહીં, કામમાં ગુપ્તતા જાળવવી હોય તો પ્રાટેક્શન જતુ કરવું પડે છે. જેમ વધુ માણસો જોડાઇ તેમ તેની ગુપ્તતા ઘટે છે.” અને પછી સાહેબે ઇશારો કરતા વિલી ત્યાંથી નીકળી ગયો. વિલીની ગાડી ફરીથી ગાંધીનગરથી અમદાવાદ તરફ જતા રસ્તા પર દોડવા લાગી અને સાથે સાથે તેનું મગજ પણ દોડવા લાગ્યું. તેના આ ખતરનાક મગજેજ તેને આ જગ્યા પર પહોંચાડ્યો હતો. એક મુફલિસ ક્લાર્કમાંથી તે કરોડપતિ થઇ ગયો હતો. આજે તે જેટલા સિક્રેટ જાણે છે તે જો જાહેર કરી દે તો આ સાહેબ અને તેની સાથે બીજા ઘણા રોડ પર આવી જાય અને પબ્લીક તે લોકોને રોડ પર દોડાવીને મારે. આ વિચાર આવતાજ તેના ચહેરા પર હસવું આવી ગયું. વિલી એક એવું નામ છે જે ઓફીસીયલ કોઇ જગ્યાએ સામેલ નથી પણ અનઓફીસીયલ બધાજ કામમાં સામેલ છે. મિનિસ્ટર માટે શરાબ અને સબાબની વ્યવસ્થા કરવાની હોય કે પછી કોઇ લાસ ઠેકાણે પાડવાની હોય અથવા ગેરકાયદેસર પૈસાની હેરાફેરી કરવાની હોય આ બધા કામ વિલી એકદમ ગુપ્તતાથી અને એકલોજ કરી આપે. પૈસાનો વિચાર આવતાજ તેને આજની બેઠક યાદ આવી ગઇ તે પણ જાણતોજ હતો કે આ વખતે આ સાહેબની જનવિકાસ પાર્ટી જે પાછલા લગભગ 15 વર્ષથી સતા પર છે તેને જીતવું અઘરૂ છે. પ્રજા હવે આ સાહેબોની તોછડાઇ અને ઉદ્ધતાઇથી કંટાળી ગઇ હતી. વિલી એ પણ જાણતો હતો કે આ સાહેબ તેની પાર્ટીનો માસ્ટર માઇન્ડ છે તે જરૂર કોઇક એવો દાવ ફેંકશે કે જેથી તેની પાર્ટી જીતી જશે. અને આ દાવ આજેજ તેને ખબર પડ્યો હતો. આ લોકો સામેની લોકમત પાર્ટીના સારા સારા નેતાને ખરીદીને પોતાની પાર્ટીમાં લઇ લેવાના છે. વીલી આમનેઆમ વિચારતો હતો ત્યાં વસ્ત્રાપુરમાં તેનો ફ્લેટ આવી ગયો. આ 4 BHK લક્ઝુરીયસ ફ્લેટ જેની અત્યારની કિમત લગભગ 2 કરોડ રૂપીયા હશે તે પણ સાહેબે જ અપાવ્યો હતો. એક અનાથ છોકરા વિલીના પરીવારમાં તેની પત્ની અને એક દીકરો હતા, જે અહીજ રહેતા હતા. વિલીએ તેની કાર પાર્કિંગમાં પાર્ક કરી અને લિફ્ટમાં ઉપર ગયો. આજનો દિવસ તે તેના પરિવાર સાથે ગાળવા માગતો હતો. કાલથી તો આ સાહેબના કામમાં નીકળી જશે પછી ક્યારે ઘરે આવશે તે નક્કી નહોતું. આ વિલીને ખબર નહોતી કે હવે તેની જિંદગીમાં એક ખતરનાક વળાંક આવવાનો હતો. તેની જિદગી એક રોલર કોસ્ટરની રાઇડ જેવી બની જવાની હતી.

-----------------***************-------------------*************-----------------

દાદા જાણે સામે જ દૃશ્ય દેખાતા હોય તેમ બોલતા હતા અને નિશીથને એ લોકો સાંભળી રહ્યા હતા. દાદાએ વાત આગળ વધારતા કહ્યું “ ત્યારે તો વિકાસ ત્યાંથી જતો રહ્યો પણ પછી એક દિવસ અમારી એક છોકરી ગાયબ થઇ ગઇ. અમે તપાસ કરી પણ છોકરી મળી નહીં. બીજા દિવસે અમે પોલીસમાં ફરીયાદ નોંધાવી. આ વાતને ચાર દિવસ પછી હું અને રઘુવિરભાઇ છોકરીની ચિંતામાં આશ્રમની ઓફિસમાં બેઠા હતા. ત્યાં પોલીસની જિપ આશ્રમમાં દાખલ થઇ આ જોઇ અમને રાહત થઇ કે ચાલો છોકરી આવી ગઇ. પણ પોલીસની જિપમાંથી છોકરી ન ઉતરી પણ એક ઇન્સપેક્ટર અને બે કોંસ્ટેબલ ઉતર્યા. આ જોઇ અમને થોડી ચિંતા થઇ કે છોકરીને કંઇક થયું નહીં હોય ને? અમે બંને ઓફિસની બહાર નીકળ્યા અને ઇંસ્પેક્ટર પાસે ગયાં. રઘુવિરભાઇને જોઇ ઇંસ્પેક્ટરે કહ્યું “તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવુ પડશે.” આ સાંભળી રઘુવિરભાઇએ તેને પુછ્યું “કેમ શું થયું. અમારી છોકરી મળી કે નહીં?” આ સાંભળી ઇંસ્પેક્ટરે જે કહ્યું તે સાંભળી અમને જોરદાર આઘાત લાગ્યો.

-------------------*********------------------*****************------------------

આ વિલી કોણ છે? તેનો કૃપાલસિંહ સાથે શું સંબંધ છે? ઇંસ્પેક્ટર શું કામ રઘુવિર ભાઇને લેવા માટે આવ્યો હશે? શું નિશીથને જોઇતી માહિતી દાદા પાસેથી મળશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે? અને શું કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિંહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------------********************----------------------*****************---------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED