જ્યારે બીજી વખત પણ અમે મળ્યા ત્યારે પણ વિમલ કામમાં વ્યસ્ત જ હતો. પણ, તેમ છતાય એના દસેક દિવસમાં એની વાત કરવાના વાયદા પ્રમાણે એ મારી સાથે જ ચાના ટેબલ પર મારી સામે જ ગોઠવાયો.
‘મેં વાંચ્યું કાલે રાત્રે...?’
‘શું...?’ ફોનમાં કઈક ગડમથલ કરતા કરતા એણે સહસા પૂછ્યું. કદાચ એને તો ડાયરી વિષે અત્યારે યાદ પણ નહિ હોય.
‘પેલી રાતની વાતો, ડાયરી...’ મેં ઈશારા દ્વારા કહ્યું.
‘ઓહ... હા. તમે ચા લેશો કે કોફી...?’
‘ચા.’
‘તો હવે શું વિચાર છે. આગળ...’ વિમલે પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું. કદાચ એ કામમાં વ્યસ્તતાને લીધે મને આમ કહી રહ્યો હોય એવું મને લાગ્યું. પણ, એણે તરત જ એના શબ્દો સુધાર્યા ‘હું તમારા પુસ્તક વિષે કહું છું. જે તમે મારા જીવન પ્રવાહના અનુલક્ષીને લખવાનું વિચારતા હતા.’
‘મને એમાં ઘણું બધું રસપ્રદ મળે એવી આશાઓ છે. અને આગળની વાત તો હવે તમે જેમ જેમ મને કહેતા રહો, એના આધારિત છે. ડાયરીના અમુક પાનાઓ જે તમે વાંચવાનું કહ્યું હતું એ મેં કાલે મોડી રાત્રે વાંચ્યા હતા. તો શું પછી તમે એ સંબંધો અવગણીને આગળ વધવા ઈચ્છતા હતા...?’
‘કાશ... હું આગળ વધી શક્યો હોત.’ એણે આકાશ તરફ નજરો દોડાવી.
‘એટલે...?’
‘આપણે ચા પીધા પછી ગાર્ડનમાં બેસીને શાંતિથી વાત કરીએ.’ એણે ધ્યાન ચા ભરેલા બંને કપ પર સ્થિર કર્યું.
દરેક દિવસ મારા માટે એના વગર જીવવું વધુને વધુ મુશ્કેલ લાગતું જઈ રહ્યું હતું. રાત્રે પલંગમાં સુવાનું હોયને ત્યારે પણ હવે તો જાણે મને એકાંત જ લાગતો. કોણ જાણે કેમ, પણ મારું મન એવા વ્યક્તિ અથવા સાથના ઓરતાઓ કરવા લાગ્યું હતું, જેના હોવાનો આજ પહેલા તો કયારેય મને અણસાર સુધ્ધા પણ ન હતો. હું તો ખરેખર આજ સુધી એ જ નથી સમજી શક્યો, કે કેમ અચાનક ત્રણેક મહિનામાં કોઈનો સાથ મારા માટે આટલો જરૂરી બની રહ્યો હતો. જો કે એને ન સ્વીકારવાના મારી પાસે હજારો બહાના પણ હાજર હતા, છતાં મારું વિચારવિશ્વ એ દરેક બહાનાના જોર સામે બમણી મજબુતાઈથી આક્રામક બનીને લડી રહ્યું હતું. શું આ પ્રકારનું આકર્ષણ યોગ્ય ગણાય...? મારું મન વારંવાર અમારી વચ્ચેના અસમાન લક્ષણોમાં અટવાઈ રહ્યું હતું. પણ, એના તર્કો પૂર્ણ પણે આધારહીન જ હતા. જે સંબંધ આવા બંધનોના આધીન હોય છે, એવા સંબંધો ક્યારેય પૂર્ણતાને ધારણ નથી જ કરી શકતા એ વાત પણ હું જાણતો હતો. મેં એનાથી દુરી તો બનાવી પણ કદાચ હું જેમ જેમ એનાથી દુર રહેવા મારી જાતને મજબુત કરતો હતો એટલી જ મારી આંતરિક સ્થિતિ એની તરફ આકર્ષાઈને કમજોર પડતી જઈ રહી હતી.
હું સતત સાતેક દિવસ એના કરતા દુર રહેવા માટે કોશિશ કરતો રહ્યો હતો. જો કે મારું સ્વ મને એના તરફ વધુ ને વધુ જુકવા માટે દબાણ કરતુ હતું. એ જ્યારે પણ મારી સામે એના સવાલો લઈને આવતી ત્યારે એની અવગણના કરવી મારા માટે સંપૂર્ણ અશક્ય થઇ જતી હતી. છતાં હું એ અશક્ય કોશિશો શક્ય બનાવવાના નિર્દોષ પ્રયત્નો કરતો હતો.
લગભગ ત્રણ દિવસમાં ત્રણસો વખત એણે મને મળવાના પ્રયત્નો કર્યા જ હશે એવું હું ચોક્કસ પણે કહી શકું એમ છું કારણ કે મિત્રા સતત મને એને મળવાનું જ સુચન કર્યા કરતી હતી. એ દિવસે પણ હજુ અગિયાર વાગે એ પહેલા એ મારા ઘરે આવી ગઈ હતી.
‘ભાઈ આ બધું શું છે...?’
‘શું છે એટલે...?’ મેં ગંભીરતાપૂર્વક પૂછ્યું.
‘તું એને કોઈ વાતનો જવાબ કેમ નથી આપતો...?’
‘શેનો જવાબ આપું હું એને...?’
‘તું જાણે અને એ જાણે. પણ, એ વારંવાર મારા ઘરે આવીને તને મળવાની જીદ કરે છે. તું પહેલાની જેમ એક વાર પણ એને મળી ન શકે...?’ મિત્રા મારી સામે અશાભાવ સાથે જોઈ રહી.
‘હું એમ નહી કરી શકું હવે...?’
‘હવે...? કેમ ભાઈ અચાનક તમારી વચ્ચે એવું તે શું થઇ ગયું છે કે તું હવે એને મળી પણ ન શકે...?’
‘બસ, એમ જ... મિત્રા તું સમજ તો ખરા કે મારે એની સાથે શું વાત કરવાની...?’
‘એની વાત સાંભળી તો શકે ને...?’
‘ના... મારે એને મળવું જ નથી.’
‘તું કઈ પણ કહે ભાઈ. તારે આજે રાત્રે એને મળવું જ પડશે. હું એને લઈને અહી જ આવી જઈશ. તને કોઈ જોઈ જાય અથવા બહાર વાત કરવામાં કોઈ શું કહે એની ચિંતા જ હોય છે ને...? મારી સાથે એ હશે તો તારે કોઈને કોઈ જવાબ આપવો નહિ પડે.’
‘તું કઈ સમજતી કેમ નથી.’
‘તું પણ ક્યાં કઈ સમજવા તૈયાર છે.’
‘અરે પણ...’
‘મારે કાઈ નથી સાંભળવું. હું તો આવીશ જ, અને હા ક્યાય જતો ના હો નહિ તો મારે મમ્મીને કહેવું પડશે. આ બધું...’ આટલું કહીને મિત્રા ત્યાંથી કાઈ પણ સાંભળ્યા વગર નીકળી ગઈ હતી.
મિત્રા તો ત્યાંથી નીકળી ગઈ આટલું કહીને પણ એના પછીની જે અસરો હતી એ મગજની નસોમાં હેમરેજ કરી નાખે એટલી તીવ્ર હતી. સવાલો, સવાલો અને સવાલો... મનમાં, દિલમાં અને વિચારોમાં જો કાઈ હતું તો એ માત્ર અને માત્ર એવા સવાલો જ હતા જેના કોઈ પણ જાતના જવાબો મારી પાસે ન હતા. હોય પણ ક્યાંથી...? જે સવાલો હતા એ બધા જ આધારહીન તર્કોના કારણે જ જન્મ્યા હતા. તો પછી એવા આધારહીન પ્રશ્નોના જવાબો કયા આધારને અનુસાર મેળવવો...?
અગિયાર પછીનો સમય એ દિવસે બહુ ધીમો હતો. મનના વિચારોની ગતિ એના કરતા અનેકો ઘણી વધુ હતી. પણ, એ વિચારો સમસ્યા સુલજાવવા કરતા અતિશયોક્તિના કારણે સમસ્યાને વધારેને વધારે ઉલજાવતા હતા. જીનલના ચહેરાની પાછલા સાત દિવસમાં દેખાયેલી મૂંઝવણ અસહ્ય હતી અને એનાથી પણ વધુ અસહ્ય હતું એના પાછળના કારણમાં મારું હોવું. પણ, હું એ કરી શકવા અસમર્થ અનુભવતો હતો જે કદાચ મારી પાસેથી એ ઈચ્છતી હતી. સતત સાત દિવસમાં ક્યારેય એના ચહેરા પર એ પ્રભાવ મને જોવા નથી મળ્યો જે પ્રવાહ મને એના પૂર્ણ સ્વરૂપનો અહેસાસ કરાવતો હતો. એ અસ્ત વ્યસ્ત થઇ ગઈ હોય એમ જોવા મળતી હતી. શું વાસ્તવમાં મારો જવાબ આ પાછળનું કારણ હોઈ શકે...? ક્યારેક આ પ્રશ્ન મારે પોતાને કરવો જ જોઈએ, કદાચ બહુ પહેલા... પણ, આખરે મેં આ વિષે હવે વિચાર્યું હતું. એવા ઘણા કારણો હોઈ પણ શકે છે, અને ઊંડાણમાં જોતા આ કારણો સાવ નિરર્થક પણ હોઈ શકે ને...? હું શાંત હતો. સતત શાંત... છેક ત્યાં સુધી હું ખોવાયેલો જ રહ્યો, જ્યાં સુધી માસી મને જમવાનું આપીને ન ગયા. મારે એમને મિત્રા વિષે પૂછવાનું મન થયું, પણ કદાચ મિત્રાના શબ્દો યાદ કરીને મેં મારી જાતને એમ કરતા રોકી લીધી. હું શાંત રહ્યો અને જમવા બેઠો, માસી જતા રહ્યા હતા કદાચ જમવાનું આજે સારું હશે પણ મને એમાં ખાસ મજા ન આવી.
શું એ છોકરી માત્ર એટલે આમ હતાશ થઈને ફરે છે, કારણ કે એની કોઈ વાત સાંભળવા માટે હું તૈયાર જ નથી. પણ, એ કેમ નહિ સમજતી હોય એ કારણ જે મારા મનમાં એની સાથે વિતાવેલા સમયના નશામાં ચુર થઈને હિલોળે ચડ્યું છે. શું કોઈ વ્યક્તિ મારા માટે આટલું ઉદાસ રહેતું હોય ખરું...? અને જો હા, તો શું હું એટલો નિર્દય છું કે એને એક વખત મળીને એની ખુશીને પાછી પણ ન આપી શકું...? સામાન્ય રીતે આપણે પણ ત્યારે જ વધારે મોઘા થઇ શકીએ છીએ, જ્યારે આપણી કોઈ વધારે પડતી માંગણી(કદર) કરતુ હોય છે. કારણ કે ભગવાન સ્વયં પણ ભગવાન બનવા માટે એના ભક્તનો જ આભારી છે. કારણ કે ભક્ત વગર ભગવાનનું અસ્તિત્વ જ શક્ય નથી. મારી ભૂલ પણ કઈક આવી જ હતી, હું એને એટલે મારાથી દુર રાખવા મથતો હતો કારણ કે મારા સ્વયં પર એના સાનિધ્યમાં રહીને અંકુશ કરવો મુશ્કેલ હતો. જો હું મારી જાતને એનાથી સહજ દુર રાખી શકતો હોત તો, પાછલા સાત દિવસ મારે એનાથી છુપાતું અથવા નજર છુપાવતા ફરવું ન પડત. પણ હું એ કરવામાં અસક્ષમ હતો એટલે એનાથી દુર રહેવાના પ્રયાસ કરતો હતો. જો કે વાસ્તવિકતા તો એ જ હતી કે ભલે હું એનાથી નજર છુપાવતો અથવા દુર ભાગવાનો દેખાવ કરતો હતો. પણ, હું એના આસપાસ પણ એને જોવાની લાલસા ન રોકી શકવાના કારણે જ જતો હતો.
( ક્રમશ: )