નો રીટર્ન-૨ ભાગ-૭૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૭૨

નો રીટર્ન -૨

ભાગ-૭૨

ભારે વેગથી કોઇ મારી સાથે અથડાયું હતું અને અમે બન્ને જમીન ઉપર ચત્તાપાટ પડયા હતાં. મેં તેને નીચે ધકેલ્યો અને ટોર્ચ લાઇટનો પ્રકાશ તેની ઉપર ફેંકયો. તેનો ચહેરો જોતાં જ મારા ગળામાંથી ચીખ નિકળી ગઇ.

એ કાર્લોસ હતો. એનો સંપૂર્ણ ચહેરો લોહીથી ખરડાયેલો હતો. રાતનાં અંધકારમાં ટોર્ચ લાઇટનું ઝાંખુ અજવાળુ તેનાં ચહેરાને બીહામણું બનાવતું હતું. એવું લાગતું હતું જાણે હમણાં જ એ લોહીમાં સમુદ્રમાં નાહીને બહાર નિકળ્યો હોય. હું સાચે જ ડરી ગયો.

“ એ... એ... લોકો, એના ને .... લઇ ગયાં... “ કાર્લોસ ધ્રુજતાં અવાજે નીચે પડયો પડયો જ બોલ્યો. તેનાં અવાજમાં દુનિયાભરનો ખૌફ વરતાતો હતો.

“ વોટ...? એના ને લઇ ગયાં મતલબ...? “ મને ઝટકો લાગ્યો. કાર્લોસને આટલો બધો નિઃસહાય અને ડરેલો મેં ક્યારેય જોયો નહોતો.

“ કોણ લઇ ગયું એના ને...? “

“ આદીવાસી... આદીવાસીઓ.... હલ્લો.... એના.... અનેરી.... “ હાંફતા સ્વરમાં કાર્લોસ સરખું બોલી પણ શકતો નહોતો. પણ... એ જે બોલ્યો એ સાંભળીને હું ધરબાઇ ગયો. અચાનક જ મારા જીગરમાં સળ પડયાં.

“ અનેરીને શું થયું...? “ મારે મન આ જગતમાં અનેરી જ સર્વસ્વ હતી. એને કંઇ થાય એ કોઇ કાળે હું સહન કરી શકું નહી.

“ લઇ ગયા... એ લોકો.... બધાને... “ કાર્લોસ સતત બબડતો હતો. એક તો તેનાં જેવો ખૂંખાર ગેંગસ્ટર આટલો ગભરાયેલો હોય એ આશ્વર્ય જનક બાબત હતી. પણ આશ્વર્ય વ્યક્ત કરવાનો આ સમય નહોતો. હું બેઠો થયો અને તેને પણ બેઠો કર્યો.

“ અનેરીને ક્યાં છે કાર્લોસ... ? “ મારા અવાજમાં ધાર હતી. મારા દાંત આપોઆપ જ ભીંસાયા હતાં. મેં તેનાં ખભા પકડીને લગભગ ઝકઝોરી નાંખ્યો. એનાથી કાર્લોસ થોડો ભાનમાં આવ્યો. તેણે કદાચ મારી સામું જોયું, પણ અંધકારમાં તેની આંખોમાં ડોકાતો ડર હું ભાળી શકયો નહી. “ આ બધી ભાગદોડ શેની મચી છે...? આપણાં તંબુમાં કેમ કોઇ દેખાતું નથી..? અને તારા ચહેરા પર આ લોહી ક્યાંથી આવ્યું..? “ મેં તેનાં લોહી નિગળતાં ચહેરા સમક્ષ જોતાં પુંછયું. મારું આશ્વર્ય ચરમસીમાએ પહોચ્યું હતું.

“ આદીવાસીઓએ ફરી વખત હુમલો... કર્યો હતો. બધાં સૂતાં હતાં અને એ લોકો ત્રાટકયા. એના.. અનેરી.. અને જોશને એ લોકો ઉઠાવી ગયાં. “

“ પરંતુ એ કેવી રીતે...? તમે લોકો શું કરતાં હતાં...? “ મારા કાળજે ક્રોધ વ્યાપ્યો હતો. કાર્લોસ અને તેનાં માણસો પાસે આધૂનિક હથીયાર હોવા છતાં આદીવાસીઓ અમારા કેમ્પમાં કેવી રીતે ઘૂસી આવ્યાં એ જ મને તો સમજાતું નહોતું.

“ એ લોકોએ અચાનક જ હલ્લો કર્યો હતો. હું મારા તંબુમાં સૂતો હતો. કંઇક અવાજ સંભળાયો એટલે મેં બહાર નિકળીને જોયું તો એ કેટલાક માણસો એના અને અનેરીને ઉઠાવીને દોડતાં જતાં હતાં. “

“ એ હોય... સબૂર... “ મેં સાદ પાડયો અને તેમની પાછળ લપકયો. પણ એ લોકો ઝડપથી દોડતા હતાં અને મારા દેખતાં જ જંગલમાં અલોપ થઇ ગયાં. હું તંબુમાં પાછો ફર્યો અને જોશને ઉઠાડયો. અમે હથીયાર લીધા અને પછી બીજા માણસોને જગાડી તેમની પાછળ જંગલમાં દોડી ગયા. પણ એ અમારી ભયંકર ભૂલ સાબીત થઇ. આદીવાસીઓ જાણે આવી જ રાહ જોતાં હોય એમ એકાએક અમારી ઉપર તૂટી પડયા અને બધાને મારી નાંખ્યાં... “

“ બધાને મારી નાંખ્યાં...? “ મારા જીગરમાં ફરી વખત શેરડો પડયો. હું સ્તબ્ધ બનીને સાંભળી રહયો હતો. કાર્લોસની વાતોમાં ઘણુંખરુ મને સમજાયું હતું. સાતમા પડાવે ટીલા ઉપર જે રમખાણ મચ્યું હતું એનો બદલો લેવા એ આદીવાસીઓએ આ વખતે આયોજન બધ્ધ અમારી ઉપર હુમલો કર્યો હતો. અને એમાં તેઓ સફળ પણ થયાં હતાં. ફીલહાલ તો આટલું હું સમજી શકતો હતો. પણ અનેરીને એ લોકો ઉઠાવી ગયાં અને હું ઉંધતો રહયો હતો એ મારા માટે નાલોશીભરી બાબત હતી. મને મારી ઉપર જ ગુસ્સો આવ્યો.

“ હાં... લગભગ બધાં જ મરાયા છે. “

“ અને ક્રેસ્ટો...? “ મને ભયંકર આશ્વર્ય ઉદભવ્યું. “ અને તેં હમણાં કહયું ને કે એ લોકો અનેરી એના અને જોશને લઇ ગયાં...? “

“ ક્રેસ્ટોની મને ખબર નથી. એ મારી આગળ દોડી ગયો હતો. પણ એના ને ટીંગાટોળી કરીને લઇ જતાં મેં જોયું હતું. તેની સાથે અનેરી પણ હતી. હું તેમને બચાવવા દોડયો હતો. એ દરમ્યાન ખબર નહી કોઇએ મારા ઉપર ભાલાથી હલ્લો કર્યો અને હું ઢળી પડયો હતો. હું હજું કંઇ સમજું એ પહેલાંતો બધું ખતમ થઇ ચૂકયું હતું. એ લોકો જંગલમાં અદ્રશ્ય બની ગયાં હતાં. “

ભયંકર આધાતથી કાર્લોસને હું સાંભળતો હતો. મને અહી શું બન્યુ હશે એ સમજાયું હતું. જે થયું એ ખતરનાક હતું. કેમ્પમાં અત્યારે અમે બે જ બચ્યાં હતાં. ફીલહાલ તો એ જ હકીકત હતી. અનેરી અને બીજા માણસો આદીવાસીઓની ગિરફ્તમાં સપડાઇ ચૂકયાં હતાં. હું નહોતો જાણતો કે એ લોકો તેમની સાથે શું વ્યવહાર કરશે...? તેઓ જંગલી માણસો હતાં. જંગલી અને ખતરનાક..! મને અત્યારથી જ ભવિષ્યની કલ્પના કરતાં ગભરામણ થવા લાગી હતી. પણ... એ બન્યું કઇ રીતે એ સમજાતું નહોતું.

@@@@@@@@@@@

એ ઘટનાક્રમ કંઇક આ રીતે ભજવાયો હતો...

ટીલા ઉપર ખેલાયેલાં સમરાંગણની ભયંકર ખુવારી અને નાલોશીથી આદીવાસી કબીલામાં હડકંપ મચી ગયો હતો અને તેઓ એનો બદલો લેવાં સજ્જ થયાં હતાં. તેમણે બીજા દિવસેથી જ કાર્લોસની ગેંગનો પીછો પકડયો હતો પરંતુ આ વખતે એક અલગ પ્રકારની પધ્ધતીથી ત્રાટકવાનું એ લોકોએ નક્કી કર્યુ હતું. સીધી સામસામી લડાઇમાં કાર્લોસની રાઇફલોનો સામનો કરવા તેઓ અસમર્થ હતાં એટલે ગોરીલ્લા યુધ્ધ નીતી અપનાવી તેમણે રાત્રે હુમલો કર્યો હતો. મોટેભાગે જંગલમાં કોઇ મોટા શિકારને પાડવા હંમેશા આ ટેકનીકથી જ તેઓ હલ્લો કરતાં હતા અને એમાં તેમને સફળતાં પણ સાંપડતી. બસ.. અહી પણ એવું જ થયું.

અડધી રાતનો મઝલ ભાંગ્યો ત્યારે ચૂપકીદીથી તેઓ કેમ્પમાં દાખલ થયા હતાં અને ચારેકોરથી ઘેરો ઘાલ્યો હતો. થોડા થોડા ઝૂમખામાં બધા વિખેરાયા હતા અને સૌથી પહેલાં જે તંબુમાં છોકરીઓ સૂતી હતી એને બાનમાં લીધી હતી. છોકરીઓનાં હાથ-પગ બાંધીને ટીંગાટોળી કરી જંગલ તરફ કેટલાક આદીવાસીઓ ભાગ્યાં અને બાકી રહેલાં પછી બીજા તંબુમાં ધૂસ્યા હતાં.

પરંતુ એ દરમ્યાન ધીમા સળવળાટનાં કારણે કાચી નિંદરમાં સૂતેલો ક્રેસ્ટો જાગી ગયો હતો અને તેણે આદીવાસીઓનાં હલ્લાને પારખ્યો હતો. ક્રેસ્ટોએ મને જગાડવા ભરચક પ્રયત્ન કર્યો પરંતુ મને એટલી ગહેરી ઉંઘ આવી ગઇ હતી કે તેનાં લાખ પ્રયત્ન છતાં હું જાગ્યો નહતો. મને છોડીને એ પોતાનો છરો હાથમાં સંભાળતો કાર્લોસનાં તંબુ ભણી ચાલ્યો. એ દરમ્યાન કાર્લોસે જોશને જગાડયો હતો. તેમને સમજાયું હતું કે તેઓ ખતરામાં છે એટલે વધું વિચાર્યા વગર તેમણે સામો પ્રતિકાર શરૂ કરી દીધો હતો. આદીવાસીઓને આવું કંઇ થશે એનો અંદેશો નહોતો. તેમને હજુંપણ કાર્લોસ ગેંગની રાઇફલોની બીક હતી. રખેને જો ફરીથી આ લોકો તેમનાં ઉપર ગોળીઓ વરસાવે તો ફરી પાછી મોટી ખૂવારી ભોગવવાની આવે... એટલે તેઓ ભાગ્યાં હતાં. એ દરમ્યાન મને છોડીને બધાં જ જાગી ગયા હતાં અને તેમણે આદીવાસીઓનો પીછો પકડયો હતો. સૌથી આગળ ક્રેસ્ટો હતો. તેણે પોતાનાં છરાનાં વારથી બે –ત્રણ આદીવાસીને ત્યાં જ ઢાળી દીધા હતા અને પછી જંગલમાં ક્યાંક ગૂમ થઇ ગયો હતો.

કાર્લોસ અંધકારમાં અટવાતો આડેધડ ભાગતો એના ને ઉઠાવી જનાર પાછળ દોડતો હતો. જોશ બરાબર તેની પાછળ હતો. તેઓ હજું થોડુક જ આગળ ગયાં હશે કે અચાનક એક ભાલા જેવી તીક્ષ્ણ ચીજ આવીને તેનાં ખભા સાથે અથડાઇ. એ સાથે જ તેનાં મુખમાંથી ચીખ નિકળી પડી. એ ચીજ આગળ અણીદાર પાતળી લાકડાની એક સીધી સોટી હતી જેનો ભાલાની જેમ આદીવાસીઓ ઉપયોગ કરતાં હતાં. કાર્લોસનાં ખભામાં તેની અણીદાર નોંક ધૂસી ગઇ હતી અને ચીખ પાડીને તે પાછળ ઉલળ્યો હતો. જોશ કાર્લોસને પડતાં જોઇને થંભ્યો હતો..

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.