ઉકરડાંનો જીવ Badal Sevantibhai Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉકરડાંનો જીવ

'એય બુન, પોચિયું આલો પોચિયું .....' ઘડિયાળના નવ ના ટકોરે અણીદાર અવાજ ઘરના આંગણે સફેદ પ્લાસ્ટિકની કચરાની ગુણી લઈને ઉભેલા નાર્યાનો આવ્યો. બે લાકડી જેવા પગ પર ઉભેલા નાર્યાને કોઈ પહેલી નજરે જોવે તો ગભરાઈ જ જાય. મેલું - ઘાણ અને વાસ મારતું લાલ લાબું ટીશર્ટ અને ઘૂંટણ સુધીની ચડ્ડી, બોખું મોઢું, સફેદ સૂકા વાળ અને એમાં નાની નાની જીવાત ચોંટેલી. આખા શરીરની કાળી ચામડી હાડકાઓને વરખ જેમ મીઠાઈને ચોંટેલી હોય એમ ચોંટી ગયેલી અને એથીયે ભયાનક એની મોતિયાથી ફૂટી પડેલી અને ખોપડીમાં ઊંડી ઊતરી ગયેલી સફેદ અને સુક્કીભઠ આંખો. બાળપણમાં મારી મમ્મી અમને જમાડતી વખતે ડરાવતી 'ઝટ ખઈ લે, નહીતો નાર્યને બોલાવું સુ, હાલ ઉપાડી જસે……' અને અમે ઝટપટ જમી લેતા. આખો દા'ડો ચાર રસ્તાના ઉકરડે બેસી રે' એટલે એના આખા કાળા ડામર જેવા શરીરમાંથી ગંધ મારે. મને તો ઘણી વખત પ્રશ્ન થાય કે આ નાર્યો નાહતો હશે કે નહિ? પોચિયું માંગતા નાર્યા પર મમ્મી રોજની જેમ તાડુકી 'લ્યા રોજ હું દાટ્યું સે, કાલ તો આલેલા પઇસા.....હાલતો થા ...બીજા કને માગ જા... આપડ જોણ પઇસાનું ઝાડ ઉગ્યું હોય.... '

'એય હા...' કરતો નાર્યો કચરાથી વજનદાર ગુણી ખભે નાખીને લંગડાતો ચાલ્યો બાજુના ઘેર ....

'પણ તે કાલે ક્યાં પૈસા આપેલા નાર્યાને ?' મેં થોડા ગુસ્સેથી મમ્મીને પૂછ્યું.

' ઈ તો એમ જ કેવાનું હોય, નાર્યાન હું ગમ પડ.....ઈ તો હાલ્યો જાય.....' મમ્મીએ સાવ બેફિકરાઈથી કીધું.

નાર્યાના પોચિયું માંગવાથી એય હા સુધીના સંવાદમાં પલંગે બેઠેલી અમારી બાએ એકવાર આંખ ઉઘાડી અને પાછી માળા ફેરવતી આંખ બંધ કરી.

'એય હટ, નીચના પેટના.....અહીં બૈરાઓ પર નજરું બગાડ સ....આઘો હટ, નૈતો ટાંટિયો ભાગી કાઢીસ ....' બાજુમાંથી રમીલાકાકીનો બરાડા પાડતો અવાજ આવ્યો. હું ને મમ્મી બહાર નીકળ્યા તો રમીલાકાકી હાથમાં લાકડી લઈને નાર્યાને ફટકારતા'તા અને નાર્યો ‘હાય બાપા’ , ‘એય હા’ કરતો બાજુવાળાના કચરાના ડબ્બામાંથી કચરો પોતાની ગુણીમાં નાખતો'તો.....

'સુ થ્યું ભાભી ?' મમ્મીએ રમીલાકાકીને પૂછ્યું.

રમીલાકાકીએ મોટી આંખો કાઢી,' તન નથ ખબર? આ નકટો નાર્યો, હરામી, કચરો લેવાના બા'ને નજરું બગાડ સ સોડીઓ પર, કાલ અટલ ત્તો ગોવિંદે અન નીતાએ એન મારી-મારીન કાઢ્યો ઘરની બા'ર...'

'હેં ? સુ વાત કરો સો ભાભી ? આવું તો ના હોય.. ' મમ્મીને તો જાણે ફાળ પડી.

'હું ના હોય ?' રમીલાકાકી વાળનો અંબોડો વાળતાં અમારા ઘર નજીક આવ્યા ' મનેય એવું જ લાગતું'તું . પણ કાલ નીતાએ મન કીધું કે ભાભી આ ડોહો મારી ચકુડીન ચ્યોંક લઇ જતો'તો. આ તો ગોવિંદભઈ જોઈ જ્યાં તે સોડી બચી જઈ, નઈ તો આ રાક્ષસ હું કરત એ સોડી હારે.....દાદો હોય તો હું થ્યું? હારું કર્યું ગોવિંદભઈએ એન મારીમારીન કાઢ્યો. હું તો કઉ સુ આવા લોકોન તો ઉકરડે દાટી દેવા જોવી...રમીલાકાકી મોઢું બગાડતા જાય અને નાર્યાના ગુણગાન ગાયે જાય....

એટલામાં મંજુકાકી કચરો વાળતાં વાળતાં બોલ્યા,'અરે ભાભી, ઈ તો જવા દયો, આજ સવારે આ ડોહલાએ આ બીજે માળથી પડતું મેલ્યું. આ તો તમારા ભઈ સવારે દુકાન જાતા'તા તો મેદાને ચીસો પાડતો પડ્યો'તો. આટલી ઉંમરે એ પડ્યો તો મર્યો નૈ પણ પગ ભાગ્યો બોલો ! મર્યો હોત તો જાન છૂટત બધાયની....' એમ કહી એમણે સાવરણી પછાડી.

'આ ઉકરડાના જીવ આટલી જલ્દી નો મર.....' રમીલાકાકીએ નિસાસો નાખ્યો.

*****

એનું ખરું નામ નારાયણદાસ. પણ બધા ‘નાર્યો’ કહીને જ બોલાવે. નાર્યાને અમારી ચાલમાં હું વર્ષોથી જોઉં. મારા પપ્પા પણ કહેતા કે 'હું એ નાર્યાને નાનપણથી જોઉં છું.' નેવુંની ઉંમર વટાવી ગ્યો હશે. આટલી ઉંમર છતાં એ કમરથી થોડો જ ઝૂક્યો હતો. બાકી અડીખમ. નખમાંય રોગ નહિ. અમારી ચાલના મકરંદ ડોક્ટર કહેતા કે આખો દિવસ ઉકરડે રહીને એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી છે, એટલે એને જલ્દી રોગ ના પકડે. અને નાર્યો તો પાછો ચોમાસે ગટરમાં ઊતરે અને કાળા પાણીમાંથી ઉઘાડે હાથે કચરાનો ઘાણ કાઢે. અમારા શાન્તાબા કહેતા કે ‘આ તુસારયો હું કર , જાજરૂ તો નાર્યો જ સાફ કરી જોણ....હાથ ઘસીન જાજરૂની નળીયુ સાફ કર....’ મને તો ઉબકા આવતા બાની આવી વાતો પર. બા પછી આગળ ચલાવતા, 'હું આ ઘરમો પૈણીન આઈ ઈના બે મહિના પસી નાર્યો આ ચાલમો રેવા આયેલો....ઈના એ નવા નવા લગન થેલા. સવિતા તો રૂપાળી અન નાર્યો કાળોમેસ. ચાલીના સેઠ હરિભઈએ એન બીજા માળે ખૂણામો એક રૂમ રે'વા આલેલી, અન આખી ચાલીનું સાફસફાઇનું કોમ. પગાર કોય નહી. પણ પઇસા વીનો ઘર સીતી ચાલ? તે મું દયા ખઈ, ઈન બે ચાર આના આલતી. આખો દન રાત મેં'નત કરતો બાપડો...અન હોંભળ સોડી, એક દા'ડો નાર્યો નાચતો નાચતો આયેલો ન મન કે, ' સોનતાભાભી, લો આ બૂંદીનો વાડકો....સોકરો થ્યો સે સોકરો. ઈના મુઢેથી તો ફીણ નીકળ ફીણ ; ઇવો હરખાયલો.....ન હરખમો ન હરખમો નાર્યો ભૂલી જેલો કે તે આપડા ઘરમો પેહી જેલો .....તે તારા દાદાએ તો લાકડીયે લાકડીયે ઝૂડી કાઢેલો. તારથી કોઈનાયે ઘરમો પગ નઈ મેલતો...' બાએ વર્ણવેલી વાત મેં કલ્પી, હું હસી હસીને ઢળી પડી. ' તો પછી એની બૈરી ક્યાં છે?'

બા બોલ્યા,' સવલી? સવલી તો ગોવિંદ ન જણીન મરી જઈ....પસી તો નાર્યાએ બીજું બૈરું કર્યું પણ ઈના બળેલા નસીબ તે બીજું બૈરું એ પોંચ વરહમો મરી જ્યું....પસી ઈણે લગન નો કર્યા....'

નાર્યો એટલે ગોવિંદકાકાના બાપા. ગોવિંદકાકા હાલમાં મ્યુનિસિપાલિટીમાં ઓફિસર. નાર્યાએ કાળી મજૂરી કરી એમને ભણાવેલા. મારા પપ્પા ને ગોવિંદકાકા એક જ સ્કૂલમાં ભણેલા. એવું ઘણું બધું બા કહેતી …….

નાર્યાને મેં કદી કોઈની સાથે વાત કરતો જોયો નથી. એ ભલો ને એનું કામ ભલું. ઘણીવાર મને થતું કે એની પાસે કોઈ વાત નહિ હોય કરવા માટે ? એના મોજની, સુખની, દુઃખની, આનંદની વાતો કે ફરિયાદો નહિ હોય એની પાસે ? પછી વિચાર આવતો કે બા કહે છે એ સાચું જ હશે કદાચ - 'નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ.' પૈસા વિનાના નાર્યા સાથે કોણ વાત કરે ? અને કરે તો શેની વાત કરે ? કે પછી પોતાની પીડાને, વાતોને , ફરિયાદોને પણ એ આમ જ ડૂચા કરીને પ્લાસ્ટિકની સફેદ થેલીમાં ઠાલવીને ઉકરડે ફેંકી આવતો હશે?

બે-એક વરસ પહેલા અમારી ચાલમાંથી લોકોના ચપ્પલ, બાલદીઓ, દીવડા, પગલૂછણિયાં જે કંઈ ઘર આંગણે પડ્યું હોય એ ચોરી થઇ જતું. મધરાતે કોણ ઉપાડી જતું હશે શું ખબર ? પણ તે વખતે એ આ આડ નાર્યા પર આવેલો. ત્યારે પણ ગોવિંદકાકા અને ચાલના લોકોએ નાર્યાનો ઉધડો લઇ લીધેલો. અને ગોવિંદકાકાએ તો હંમેશની જેમ એને ધોઈ કાઢેલો. એને એક જ વ્યસન - બીડીનું. બાકી કંઈ જ નહિ. એ દિવસોના દિવસ ખાધાપીધા વગર ફક્ત બીડી પર કાઢી શકતો. એવો છે આ નાર્યો………..

***

ગઈકાલે હું શાક લેવા નીચે ઉતરતી'તી ત્યાં પહેલા માળના દાદરે નાર્યો ઉભડક પગે બેઠેલો. એના હાથમાં સુક્કી ભાખરી હતી. એ ભાખરીને આંખોની નજીક લાવીને એના પર ધ્રૂજતી આંગળીઓ ફેરવીને કંઈક સાફ કરતો હતો. બાજુમાં હંમેશની જેમ એનો સફેદ થેલો અને એક કપ ચા પડી હતી.

'આ શું કરો છો નાર્યાદાદા?' મેં એની હરકતો જોઈને પૂછ્યું પણ એ કંઈ બોલ્યો નહિ. મેં ઝૂકીને જોયું તો ભાખરી પર ફૂગ લાગેલી હતી. નાર્યો એને સાફ કરતો હતો.

' આવી ભાખરી કોણે આપી ? આના પર તો ફૂગ લાગી છે. આવી ભાખરી ના ખાશો. ' મેં થોડા ચિડાઈને પૂછ્યું.

પણ નાર્યાએ તો વાત સાંભળી ન સાંભળી કરીને ભાખરી ખાવા મંડી.. એના ચહેરા પર એ જ બેપરવાઈ અને ભોળપણ હતું, જે વર્ષોથી એના ચહેરાની રોનક છે. હજુ ગઈકાલે રાત્રે જ એને એના દીકરા અને વહુએ મારીમારીને ઘરની બહાર કાઢ્યો, આજે સવારે જ એણે આત્મહત્યાની કોશિશ કરી છતાંયે ...... એનો ચહેરો આખો કરચલીઓથી ભરેલો હતો પણ તણાવની, ચિંતાની, મજબૂરીની કોઈ લકીર એના ચહેરા પર નહોતી. આટલી ઉંમરે, આટલા દુઃખો વચ્ચે, આટલી તકલીફો વચ્ચે પણ સ્થિર રહેવું એ જ કદાચ એની રોગપ્રતિકારક શક્તિ હતી !

એ રાતે મને કોઈ રીતે ચેન નહોતું પડતું. મેં બહાર આવીને જોયું તો નાર્યો ત્યાં જ દાદરે સફેદ ગુણી માથે ઓઢીને બેઠો હતો. સવારે એમાં કચરો ભેગો કરે અને રાતે એ જ ઓઢીને સૂઈ જાય! શ્રાવણનો ધોધમાર વરસાદ, વીજળીના કડાકા અને રાતનું ભયાવહ અંધારું એક વિચિત્ર વાતાવરણ નિર્માણ કરતું હતું. એવામાં એક જોરદાર વીજળીનો કડાકો થયો અને આખી ચાલની લાઈટો ગઈ. ચારેકોર અંધારું ગોળ.... છોકરાઓ ચીસો પાડવા મંડ્યા, ઘરમાં બૈરાઓ મીણબત્તી શોધવા મંડ્યા. પુરુષો અને કેટલાક છોકરાઓ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી આમતેમ પ્રકાશ ફેલાવવા મંડ્યા. એવામાં એક ભયાનક કાન ફાડી નાખે એવી ચીસ સંભળાઈ. 'એ માઆઆ......બચાય .......માઆઆઆ'

ચાલના એક પછી એક પુરુષો આવી કારમી ચીસ સાંભળી પહેલે માળના દાદરે દોડ્યા. અમેય નીચે જઈને જોયું તો રમીલાકાકીની નિશા ધ્રુસકે ધ્રુસકે રડતી'તી. એના હાથ પગ અને આખું શરીર ધ્રુજતું હતું. રડવાને કારણે એના મોઢામાંથી લાળ ટપકતી હતી અને બોલતા બોલતા એના શબ્દો તૂટતાં હતા. 'મા......મ્મી......માઆઆ......મ્મી....' બોલતા બોલતા એ રમીલાકાકીને આંગળી ચીંધી કશુંક દાખવી રહી હતી. આ બધું અમે ટોર્ચના સહારે જોઈ રહ્યા હતા. એવામાં લાઈટ આવી; અને દ્રશ્ય થોડું સ્પષ્ટ થયું. નિશા દાદરે બેસેલા નાર્યા તરફ આંગળી ચીંધી બબડાટ કરી રહી હતી. એવામાં રમીલાકાકીનો પિત્તો ગયો. 'આ હરામખોર ........નાર્યો ......' રાડ નાંખતા એમણે સુશીલાકાકીના ઘરના દરવાજેથી કપડાં સૂકવવાની લાકડી ઉપાડી અને દે ધનાધન ........'હુ કર્યું તે મારી સોડી હારે ભસી મર, નઈતો તારું કાસળ કાઢી નોખે આજતો .......' બોલતા જાય અને લાકડી ફટકારે જાય. નાર્યો 'ભાભી મેં.........ભાભી......' બોલતો જાય પણ એની ગગડી સાંભળે કોણ? એવામાં ન જાણે ક્યાંથી ગોવિંદકાકા આવ્યા અને નાર્યાનું ગળું પકડ્યું અને એને ઊભો કર્યો. નાર્યો શ્વાસ લઇ શકતો નહોતો અને એના હાથ પગ બમણા જોરથી ધ્રુજતા હતા. આજુબાજુ બધા ગોવિંદકાકાનો હાથ છોડાવી રહ્યા હતા. 'આજ તો મા........ (ગાળ) તને મારી ન નાખું તો મારુ નામ નહિ. આખા ચાલ સામે ફજેતી કરવા બેઠો સે....' એમની પકડ લોકોથી છોડી શકાતી નહોતી. 'ગોવિંદ છોડ.....મરી જશે ......છોડ' , 'આ નાલાયક મરશે પછી જ શાંતિ થશે હવે તો ......' એમણે બીજા હાથે બે ચાર ઠૂંસા નાર્યાના પેટમાં માર્યા અને નાર્યો તરફડીયા મારતો શાંત થયો. એની આંખો મીંચાઈ ગઈ…….

ગોવિંદકાકાએ ઝાટકીને નાર્યાને જમીન પર ફેંક્યો. થોડા લોકો નાર્યા પર પાણી ફેંકી ઉઠાડવા મંડ્યા. 'મમ્મી, નાર્યાએ.....મને.....' નિશા રડતા રડતા બોલતી હતી. 'એણે.......મને ડરાવી....મને....'

'આવો ભૂત જેવો બેઠો હોય તો સોકરા ડરી જ જાયને....' રમીલાકાકીએ વાત પલટાવી અને નિશાને લઈને ઘરે ચાલી નીકળ્યા. દરેક માણસ જે વિચારતા હતા એવું કંઈજ નહોતું એટલે ધીરે ધીરે બધા વિખરાવા મંડ્યા. 'નાર્યા ,કાલથી ઓય ના બેસતો.' કો'ક બોલ્યું. 'ખબર નહિ કે'દી મરશે' નિસાસા નાંખતા ગોવિંદકાકા પણ જતા રહ્યા. નાર્યાને ઊંચકીને બે જણે દાદરેથી ખસેડી દિવાલના ટેકે બેસાડ્યો.

ગોવિંદકાકા મારા પપ્પાને ધીમા અવાજે કંઈક કહી રહ્યા હતા. હું ધીરે રહીને પપ્પાની બાજુમાં સરકી. 'ગેંડાની ચામડી છે એની. એન મારીમારીન તો મારા હાથ સૂઝી ગ્યાં પણ આન કોઈ અસર નહિ. બૈરું જોઈન ખબર નહિ હું શૂળ ઉપાડ સ ઈન? નેવું વર્ષેએ તારી શાન્તાબા પર નજર ચોંટી સ ઈની..... હંભાળજે.'

નાર્યા વિશે આવી વાતો ચાલનો દરેક માણસ કરતો. શું સાચું અને શું ખોટું કંઈજ સમજાતું નહોતું. અમે પણ ઘરે આવ્યા. અમારી બા ઘરના દરવાજે ઊભી ઊભી બધું જોઈ રહી હતી. એના ચહેરા પર ક્યારેય ન જોયેલો એક વિચિત્ર ભાવ હતો અને આંખના ખૂણે પાણી ઊભરાયું હતું.

આખી રાત બાએ પડખા ફેરવવામાં કાઢી. એક વિચિત્ર બેચેની એમના વર્તનમાં પ્રવેશી. શું સાચે જ કોઈ સંબંધ બા અને નાર્યા વચ્ચે હતો? સવારે નવ વાગ્યાના ટકોરે રોજના ક્રમ મુજબ નાર્યો આવ્યો. એની સફેદ પ્લાસ્ટિકની થેલી ઉઘાડી એમાં કચરો ભરવા મંડ્યો. એના કાળા શરીર પર ચામેઠા ઉપસી આવ્યા હતાં. એના શરીરના કોઈક કોઈક ભાગમાંથી લોહી નીકળીને સૂકાઈ ગયું હતું. આટલો માર, આટલું અપમાન સહન કર્યા પછી પણ એ પોતાની ખુદ્દારી, પોતાનું આત્મસન્માન ચૂક્યો નહોતો. મેં માળા ફેરવતી બા તરફ નજર કરી. બા ખુલ્લી આંખે નાર્યા તરફ જોઈને માળા ફેરવતી હતી.... જાણે એના નામની માળા ન ફેરવતી હોય ! એ દિવસે ઘણા સમય પછી બાએ મંદિર જવાની ઈચ્છા વ્યક્ત કરી. હું બાને લઈને કૃષ્ણમંદિરમાં ગઈ. નાર્યો મંદિરના પગથિયે એની સફેદ પ્લાસ્ટિકની થેલી માથે ભરાવીને બેઠો'તો. બાએ અછડતી નજર એના તરફ કરી અને મંદિરમાં પ્રવેશ્યા. આખા ચાલમાં બા એકલા જ તો હતાં જે કદાચ નાર્યાને કેટલાય વર્ષોથી ઓળખતા હતાં. મારાથી રહેવાયું નહિ અને મેં બાને પૂછ્યું: 'હે બા, આ બધા કે'છે એમ નાર્યાની નજર સાચ્ચે જ ખરાબ છે. રમીલાકાકી તો કહેતા'તા કે નાર્યો તો કાળી નજરનો અને કાળી જબાનનો છે. એ બધું સાચ્ચું છે બા ?' બાએ મારી તરફ નજર કરી. એની આંખો ચમકતી હતી. 'જે રોજ બધાના ઘરનો કચરો વીણે સે. ઈ પોતાની જાતને સાફ નહિ રાખતો હોય?'

'તો પછી આવો ગંધાતો કેમ રે'છે ? એવો કાળોમેશ છે કે એને જોવોય નથી ગમતો.' મેં મોઢું બગાડ્યું.

બા હસી. એ કૃષ્ણની મૂર્તિ સામે જોઈને બોલી: 'કાળો તો આ પણ સે.'

અમે મંદિરની બહાર નીકળ્યા. નાર્યો મંદિર પાસેના ગટર પાસે બેઠો ઉલ્ટીઓ કરતો'તો. અમે જઈને જોયું તો મને ફાળ પડી. નાર્યો લોહીની ઉલ્ટીઓ કરી રહ્યો હતો. બા એ થેલીમાંથી પાણીની બોટલ કાઢી અને નાર્યાને આપી.

' શું થયું નાર્યાદાદા ? બા આમને તો ડોક્ટર પાસે લઈ જવા પડશે.'

બા જરા પણ વિચલિત નહોતા 'એને કેન્સર સે .' બા બોલી. હું બા સામું આંખો ફાડીને જોવા લાગી. મારા શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. બા ચાલવા લાગી. મેં લગભગ બૂમ પાડી.

'બા ક્યાં જાય છે? આને કેન્સર છે તો ડોક્ટર પાસે લઈ જવો પડશે. આમ તો .....'

ત્યાં તો પાણી પીને નાર્યો બોલ્યો. ' ભાભી મારી ચિંતા નો કરસો. તમતમારે નિરાંતે જાઓ. મન કોઈ નઈ થાય. ઉકરડાંનો જીવ સુ.' મારી આંખો ભરાઈ આવી અને અમે ત્યાંથી નીકળી ગયા.

***

એ આખ્ખો દિવસ અને રાત બા કંઈજ ના બોલી. એક ભયંકર પીડા એના આખા શરીરને ઘેરી વળી હતી. નાર્યાનો એ ચહેરો મારી આંખો સામેથી હટતો નહોતો. બીજા દિવસે મમ્મીની ચીસ સાંભળી હું ઝબકીને ઉઠી. મમ્મી અને પપ્પા બાના ખાટલો ઘેરીને રડતા હતાં. બા અમને છોડીને જતા રહ્યા હતાં. અંતિમસંસ્કારની તૈયારીઓ થઇ રહી હતી. મમ્મી બધાને રડીરડીને કહી રહી હતી.

'બા તો અમારા કાલ હુધી હાજાહારા હતાં. ઉંઘમો ન ઉંઘમો પ્રભુએ ઉપાડી લીધા.' પણ બાની પીડા મારા સિવાય કોને ખબર હતી? નવ વાગ્યે નાર્યો રોજની જેમ આવ્યો. કચરો ઉપાડ્યો અને એક અછડતી નજર નાખીને ચાલી નીકળ્યો.

થોડી રોકકળ સાથે અમે બાની સ્મશાનયાત્રામાં જોડાયા. અમે કૃષ્ણમંદિર લગી પહોંચ્યા. નાર્યો ત્યાં જ મંદિરના પગથિયે બેઠો હતો. ત્યાં જ કોઈક બોલ્યું. ' ભાઈ, અહીં મંદિરે વિસામો ખાવા ઊભા રો.' ઠાઠડી નાર્યાની સામે હેઠે મૂકાઈ. નાર્યાએ હાથ જોડ્યા અને મનોમન બોલ્યો, જે કદાચ હું સાંભળી શકી. 'તમતમારે નિરાંતે જાઓ. મન કોઈ નઈ થાય……….'

******