ek hati sandhya - 2 books and stories free download online pdf in Gujarati

એક હતી સંધ્યા - 2

   પ્રકરણ-2  એક વેશ્યાથી પણ હું તુચ્છ હતી

રાત્રીના એક વાગી ચુક્યો હતો. હમીરસરના કાંઠે બેન્ચ પર હું અને મારો ઓપરેટર મિત્ર શૌનક બેઠા હતા. રાત્રીના હમીરસર તળાવનું પાણી શાંત થઈ ગયું હતું, ભુજ શહેર પણ શાંત પડી ગયું હતું, અશાંત હતું તો બસ મારું મન. તળાવમાંથી આવતી પવનની લહેરખીઓ ઠંડીમાં વધારો કરતી હતી. દિવસભરતો હમીરસર કાંઠે માણસોનો મેળાવડો જામ્યો હોય, સામેજ મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની ખાસ્સી ચહલ-પહલ રહેતી હોય પણ રાત્રે તો અહીં સ્મશાનવત શાંતિ છવાઈ જતી.

શૌનકના માતા-પિતા નહતા તેમજ મારી જેમ સીંગલ હોય ઘરે તેની મોડીરાત સુધી રાહ જોવાવાળું કોઈ જ નહતું. અને હું પણ મારા પરિવારથી દૂર ભુજમાં એકલો જ રહેતો. સામાન્યરીતે અમારે ઓફિસ કામ રાત્રીના 12 વાગ્યા સુધી ચાલતું. આખા દિવસની ભાગ-દૌડથી થાકી રિલેક્સ થવા અમે ઘણી વાર મોડી રાત સુધી હમીરસર કાંઠે બેસી રહેતા.

"શું વાત છે વિજયભાઈ આજે તમે ઓફિસ આવ્યા ત્યારથી બહુજ શાંત લાગો છો, કોઈ સાથે વધુ વાતો પણ તમે નથી કરી. કંઈ ટેન્શન છે?"- શૌનકે  ભોળાભાવે પૂછ્યું.

શૌનક મારીજ ઉંમરનો પણ મારાથી નીચેની પોસ્ટ પર હોય માન ખાતર મને વિજયભાઈ કહી સંબોધતો.

"ના એવી કોઈ ખાસ વાત નથી."- મેં ઉડાઉ જવાબ આપ્યો.

"સરનો ફોન હતો? કોઈ સમાચાર બાબતે ઠપકો પડ્યો છે?"- તે ગંભીરમુદ્રામાં મારી સામે જોઈ રહ્યો.

"ના એલા, તુંય પણ તારા મનમાં કેવા કેવા વિચારો લઇ આવે છે."- હું બનાવટી ગુસ્સે થતા બોલ્યો.

"તો આજે તમારો મૂડ કેમ ઓફ છે?"- મેં તેની વાતનો કંઈ જ જવાબ ના આપ્યો.

થોડીવાર સુધી હું કે તે બંને કશુંજ બોલ્યા નહિ.

"શૌનક એક વાત કહું?"- હું મૌન ભંગ કરતા બોલ્યો.

"હા કહો ને."-  તે મારી સામે જોઈ રહ્યો.

"ચાલ ને જવાદે, વાતમાં કંઈ દમ નથી."-- મને શૌનક સાથે વાત શેર કરવી યોગ્ય ના જણાઈ.

"વિજયભાઈ બોલોને યાર.. શું ટેન્શન છે? મારાથી થશે એ મદદ કરીશ." - શૌનકનો ચહેરો એકદમ ભોળો અને તે કોઈ બાબતે રીકવેસ્ટ કરે ત્યારે તો બિચારો જ લાગે.

છેવટે મેં મનની વાત હોઠ પર લાવી.

તો સાંભળ. આપણે મીડિયાના માણસો, સમાચાર માટે જાત- જાતના અને ભાત-ભાતના લોકોને મળવાનું થાય. અત્યારસુધીની મારી ૩ વર્ષની પત્રકાર તરીકેની કેરિયરમાં આજે જે વ્યક્તિને મળ્યો છું એવા વ્યક્તિને ક્યારે પણ નથી મળ્યો.

"કોને મળ્યા વિજયભાઈ? કોણ છે?"- મારી વાત પુરી સાંભળ્યા પહેલાં જ શૌનકે સવાલનો મારો ચલાવ્યો.

કોણ છે? ક્યાં રહે છે એ તો નહિ કહું, પણ તું મારા એક સવાલનો જવાબ આપ. 

હા પૂછોને.

આપણે ઘણી વાર સાંભળીયે છીએ કે બાળકો પર રેપ થાય છે અથવા તો સેક્સુઅલ હેરેસમેન્ટ થયું હોય એવા બનાવો પણ બનતાજ હોય છે. તેવા કિસ્સામાં આવા ગંદા કામો કરનારા પુરુષજ હોય છે, પણ ક્યારેય કોઈ સ્ત્રી આવું કામ કર્યું હોય એવું તે સાંભળ્યું છે?

"એટલે તમે કહેવા માંગો છો કે કોઈ સ્ત્રીએ પુરુષ પર રેપ કર્યો હોય એવું..?" - શૌનક બોલ્યો.

ના એવું નહિ, પણ સ્ત્રીએ બાળકો સાથે આ પ્રકારનું કોઈ ગંદુ કામ કર્યું હોય એવો બનાવ તારા ધ્યાન પર કદી આવ્યો?

થોડીવાર વિચારીને શૌનક બોલ્યો:- "ના એવું તો મેં ક્યારે પણ સાંભળ્યું નથી. હકીકતમાં તો આવું બને પણ નહિ, ફિલ્મોમાં આવું હોય."

અચ્છા તો હજુ એક સવાલનો જવાબ આપ- "કોઈ સ્ત્રી આવું દુષ્કામ કરી તેની બેધડક કબૂલાત કરે?"

ના. આવું તો બને જ નહિ વિજયભાઈ. ચાલો આપણે માની પણ લઈએ કોઈ સ્ત્રીએ આવું દુષ્કામ કર્યું હોય, પરંતુ તેને કબૂલે તો નહીંજ. કેમકે પુરુષથી વધુ સ્ત્રીઓ શરમના દાયરામાં જીવતી હોય છે.

"હું પણ એવુજ માનું છું શૌનક, માટે જ સવારથી આ બાબતે વિચારોના ચકરાવે ચડ્યો છું."- હું લાંબો શ્વાસ ખેંચતા બોલ્યો.

પણ શૌનક એ સ્ત્રી પ્રોસ્ટિટ્યુટ હોવી જોઈએ તો જ આટલી બેશરમીથી આવી વાતોની કબૂલાત કરે.

"પ્રોસ્ટિટ્યૂટ એટલે શું વિજયભાઈ?"- આટલું પૂછીને મારી સામે તાકી રહ્યો.

શૌનક સાચેજ તું ભોળો છો, પ્રોસ્ટિટ્યૂટનો મતલબ તને નથી ખબર? પ્રોસ્ટિટ્યૂટ એટલે રૂપજીવીની, ગણિકા અને સાદી ભાષામાં કહું તો વેશ્યા.

"હા... એવીજ સ્ત્રી આ રીતે શરમ છોડી પોતે કરેલા દૂષ્કામની કબુલાત કરે. પણ કોણ છે એ?"- શૌનકે પૂછ્યું.

"કંઈ નહિ છોડ એ વાત ને, બીજી વાત કર."- મેં વાતને અહીંજ પૂર્ણ કરવાનું મુનાસીબ માન્યું.

"કહોતો ખરા કોણ એ સ્ત્રી છે જેણે આવું કર્યું, અહીં ભૂજમાં છે?"- શૌનકને જાણવાની તાલાવેલી જાગી.

"મને પણ ખબર નથી સાચું શું છે અને ખોટું શુ છે."- મેં વાતને સમાપ્ત કરવા કહ્યું.

"છતાં કંઈક તો કહો." - શૌનક મારો પીછો સરળતાથી છોડે એવો ના હતો.
"તું હવે બસ કર ને, સમય આવ્યે તને કહીશ. પહેલા હું તો પૂરું જાણી લઉં." - ફરી હું બનાવટી ગુસ્સા સાથે બોલ્યો.

"સારું તો જેવી તમારી મરજી."- શૌનકનું મન પડી ગયું.

ત્યારબાદ થોડી આડાઅવળી વાતો કરી અમે બંને છુટા પડ્યા.
-------------------------------------------------------

બીજા દિવસે શનિવાર હતો, મારો વીકઓફ હોય હું મોડે સુધી સૂતો રહ્યો.
સવારે 10 વાગ્યે ઉઠી હું મારી સોસાયટી શિવકૃપાનગરના ગેટ પાસેની ચા ની હોટલ પર ચા પી રહ્યો હતો. સવારના મારું મન ફ્રેશ હતું. ગતરોજના વિચારોએ હજુ મારા મન પર કબ્જો લીધો ના હતો. હું રોજ સવારે જે હોટલ પર ચા પીવા જતો તે હોટલની એકદમ નજીક પ્રાયમરી સ્કૂલ હતી. તે દિવસે પણ હું ચા પી રહ્યો હતો ત્યારે મારું ધ્યાન અનાયાસે સ્કૂલના બાળકો પર ગયું અને ફરી ગઈકાલનો બનાવ મારા મન પર તાજો થયો.

મારા મન પર બહું જ ખરાબ વિચારો આવી રહ્યા હતા. મારી નજર સામે સંધ્યાબેનનો ચહેરો તરવરતો અને તેના શબ્દો ફરી ફરીને મારા કાનમાં ગુંજતા હતા- "મેં બાળકો સાથે મારી  વાસના સંતોષી છે."

શું ખરેખર આવું બની શકે? શું તે સાચું બોલતા હતા? શું કોઈ સ્ત્રીની કામ-વાસના એટલી પ્રબળ હોય કે બાળકો સાથે તેને શરીર સબંધ બાંધવો પડે, ભલે પછી તે વેશ્યા જ કેમ ના હોય? લાજ શરમ નેવે મૂકી બેધડક તે પોતે કરેલા કારનામા
કાબુલ કરી ગયા.
તે સ્ત્રી હતી એટલે મેં સ્ત્રી દાક્ષિણ્ય જાળવ્યું, જો તે  પુરુષ હોત તો મેં તેને સારો એવો મેથીપાક ચખાડ્યો હોત!ગઈકાલથી પણ વધુ આજે મને ગુસ્સો આવી રહ્યો હતો.

હું નાહક જ આટલાં વિચારો કરી મારો મુડ ખરાબ કરી રહ્યો હતો.

મેં મારા મનને એવું સમજાવવાની કોશિશ કરી કે છોડને જે હોય તે મારે શું? હું સ્ટોરી માટે ગયો હતો મારું કામ તો થયું નહિ, મારે મારી સ્ટોરી પર ફોકસ કરવો જોઈએ. દિવાળીની રાજાઓમાંથી આવ્યા બાદ મેં હજુ સુધી બેસ્ટ કહી શકાય એવી સ્ટોરી મારા સરને આપી ના હતી. સંધ્યાબેન નહિ તો બીજું કોઈ ખોજી લઈશ અથવા તો આ આઈડિયા જ પડતો મૂકી કોઈ પોલિટિકલ સ્ટોરી કરું જેમાં મારી હથોટી છે. એઈડ્સના દર્દીની સ્ટોરી જેવી ઓફબીટ સ્ટોરીમાં શું રાખ્યું છે?

પણ મારું પત્રકાર મન મને એમજ થોડું છોડવાનું હતું ! સ્ટોરી માટે નહિ તો પણ તેમના વિષે જાણવા મારું મન બળવતર બન્યું.

આખરે મેં સંધ્યાબેનને ફરી મળવાનો નિર્ણય કરતા તેમને કોલ જોડ્યો.

"હેલો !"- સામા છેડેથી ધીમો પણ મધુર અવાજ આવ્યો.

હેલો સંધ્યાબેન હું વિજય,ગઈકાલે તમેને મળ્યો હતોને!

"હા વિજયભાઈ બોલો ફરી શું કામ પડ્યું?"- હવે તેનો અવાજ થોડો રૂક્ષ થયો.

"સંધ્યાબેન મારે તમને મળવું છે." - ઔપચારિક વાતો ના કરતા મેં સીધું જ પૂછ્યું.

"વિજયભાઈ તમે નાહક તમારો સમય વેડફો છો. મને શા માટે ડિસ્ટર્બ કરો છો? તમારી સ્ટોરી માટે હું કંઇજ મદદ નહિ કરી શકું."- તેના અવાજમાં સ્પષ્ટ નારાજગી વર્તાઈ.

"નહિ સંધ્યાબેન તમે ખોટું સમજો છો, મેં સ્ટોરી માટેનો આઈડિયા જ ડ્રોપ કરી દીધો છે. મારે તમારા પર સ્ટોરી નથી બનાવવી."

"તો પછી મને શા માટે મળવું છે?"

"સંધ્યાબેન ગઈકાલે તમને મળ્યા બાદ તમારા વિચારો એ મારા મન પર કબ્જો જમાવી દીધો છે. ગઈકાલે જે તમે કન્ફેશન કર્યું એ મને ગળે ઉતરતું જ નથી. છતાં પણ તમારા વિષે જાણવાની મારી ઉત્કંઠતાને પણ શમાવી શકતો નથી."

"વિજયભાઈ તમે તમારી સ્ટોરી માટે મને ફોસલાવવાની કોશિશ કરો છો, આવા નાટક કરો છો?"

"આ નાટક નથી સંધ્યાબેન, સાચું કહું તો મેં મારી પુરી લાઈફમાં તમારા જેવી વ્યક્તિ જોઈ નથી તેથીજ તમારી આપવીતી જાણવા હું ઉત્સુક બન્યો છું."

"પણ તમને મારી આપવીતી જાણી શું ફાયદો થવાનો છે?"

"કંઈ જ ફાયદો થવાનો નથી અને તમારા પ્રત્યે મને કોઈ પ્રકારની દયા કે લાગણી પણ નથી, ઉલટાનો આજે મને તમારા પર વધુ ગુસ્સો આવતો હતો."- જે મારા મનમાં હતું એ હું બોલી ગયો.

થોડી વાર તેઓ કંઈજ બોલ્યા નહિ. કદાચ મારા શબ્દોની તેના પર ઘેરી અસર થઇ હતી.

"સારું તો, બપોરે 2 વાગ્યે તમે ફ્રી હશો?"

"હા જરૂર."

"તો 2 વાગ્યે ઘરે આવી જાઓ." ---- આટલું કહી તેણે  ફોન કાપ્યો.
મેં કાંડા ઘડિયાળમાં જોયું પોણા બાર વાગ્યા હતા.
મારા મોં પર વિજયી સ્મિત લહેરાયું. પણ પેટમાં ઉંદર પણ દોડી રહ્યાં હતા માટે મારે પહેલા પેટપૂજા કરવી હતી.  

-------------------------------------------

ઈન્દ્રાબાઈ પાર્ક પાસેની જૈન ભોજનાલયમાં જમી હું  બહાર નીકળ્યો તો દોઢ વાગી ચુક્યો હતો. ભુજમાં મારે જમવાની ભારે તકલીફ વેઠવી પડતી હતી કોઈજ સારી હોટલ કે રેસ્ટોરન્ટ ના હતું કે જ્યાં સ્વાદ સાથે સ્વાસ્થ્યપ્રદભોજન મળી રહે. જૈન ભોજનાલયમાં પણ સ્વાદ માટે નહિ પરંતુ મારું સ્વાસ્થ્ય જળવાઈ રહે માટે જમવા જતો હતો. બાકી ત્યાંનું  લસણ-કાંદા વગરનું ભોજન મને સાવ જ ફિક્કું જ  લાગતું  હતું. પણ તે સ્વાસ્થ્ય માટે સારું હતું.

સંધ્યાબેનને મળવાની અધીરાઈ સાથે મેં મારી બાઈક કેમ્પ એરિયા તરફ વાળી અને પાંચજ મિનિટમાં તો હું સંધ્યાબેન સામે તેના ઘરમાં બેઠો હતો.

"સમયથી વહેલાજ આવી ગયા તમે વિજયભાઈ."- આજે તેણે આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી, કદાચ બહાર ગયા હશે માટેજ.

"હા બસ ફ્રી હતો તો આવી પહોંચ્યો"-- હું મારી અધીરાઈ પર કાબુ રાખતા બોલ્યો.

"તમેં ઓફિસ પર રાજા રાખી છે?"-મારી અધીરાઈને તેણે માપી લીધી.

"નહિ, પણ આજે મારો વીકઓફ છે." - મેં સ્મિત સાથે જવાબ આપ્યો.

"સારું તો પૂછો શું જાણવું છે તમારે?"- તે બોલ્યા.
સંધ્યાબેન તમને ખરાબ નહિ લાગેને?- મેં શરૂઆત કરી.

ના જો એવું હોય તો મેં તમને ફરી મળવાની જ મનાઈ કરી હોત, તમારે જે પૂછવું હોય તે બેધડક પૂછો પણ મને એક વચન આપો કે મારા જીવતા મારી હકીકત તમે ક્યારે પણ લોકો સામે નહિ લાવો.

સંધ્યાબેન તમારો ડર વાજબી છે. તમે શું માનો છો કે હું તમારી વાત એટલી સરળતાથી મારા અખબારમાં છાપી શકું? અમારે કંઈ પણ સ્ટોરી છાપતા પહેલા તેનું પ્રુફ અમારા એડિટર સાહેબને આપવું પડે. તમે જે કંઈ પણ કહો તેનું તમારા શબ્દોમાં રેકોર્ડિંગ અથવા તો તમારો સહમતી પત્ર આપવો પડે પછીજ હું મારી સ્ટોરી પેપરમાં પબ્લિશ કરી શકું.
તમે નિશ્ચિંન્ત રહો, હું વચન આપું છું કે હું તમારી વાતને મારા સીમિત જ રાખીશ.

મને તમારા શબ્દો પર વિશ્વાસ આવે છે વિજયભાઈ, હા જયારે હું આ દુનિયામાં નહિ રહું  ત્યારે મારી વાત બીજા સમક્ષ મુકવા હું તમને છૂટ આપું છું.
"હવે પૂછો જે પૂછવું હોય તે."- તે સ્વસ્થતા કેળવતા બોલ્યા.

સંધ્યાબેન તમારી સાથે એવું તો શું બન્યું કે તમે દેહ વેપારના ગંદા વ્યવસાયમાં આવ્યા અને તમારે...

મારી વાતને અધવચ્ચેથીજ  કપાતા બોલ્યા-" વિજયભાઈ તમે ખોટું માનો છો હું પ્રોસ્ટિટ્યૂટ નથી, કોઈ વેશ્યા નથી."

હેં....! શું કહો છો તમે....?,
મેં ધાર્યું હતું કે તમે.........,
તો પછી તમે આ બધું.....?

હું તો બહુજ સુખી સંપન્ન પરિવારમાં જન્મી હતી. પણ એક વેશ્યાથી પણ હું તુચ્છ હતી, વેશ્યાતો મજબૂરીમાં કે પૈસા રળવા પોતાના દેહનો વેપાર કરતી હોય છે. જયારે હું તો મારી વાસના સંતોષવા, દેહની ભૂખ મિટાવવા પુરુષો સાથે શરીર સંબંધ રાખતી હતી. અને દિવસે દિવસે હું વાસનાની આગ સંતોષવા નવા નવા શિકાર શોધતી. અનેક સાથે શરીર સંબંધને પરિણામે જ હું એચઆઇવી પોઝિટિવ બની.

સંધ્યાબેન સમાજમાં ઘણી ચારિત્ર્યહીન સ્ત્રીઓ હોય છે પણ આટલી હદે.....! મારા માનવામાં હજુ પણ નથી આવતું.

વિજયભાઈ મને ખબર નથી હું કેટલું જીવીશ, પણ એ ખબર છે કે બહુ જલ્દી હું દુનિયા છોડી જવાની. અને કહેછે ને મરતો માણસ ખોટું નથી બોલતો. હું તો મારું મોત ભાળીજ ગઈ છું માટે આજે હું તમને બધુજ કહીશ, કોઈ જાતની શરમ રાખ્યા વગર કહીશ પછી તમેજ નિર્ણય કરજો કે હું કેટલી દોષી છું.

"બેન એ નિર્ણય કરવાવાળો હું કોણ? હું કોઈને કેવી રીતે ક્રિટિસાઈઝ કરી શકું? સૌ કોઈ પોતાના વિચારોના ગુલામ હોય છે. મારા દ્રષ્ટિકોણથી જે વસ્તુ ખરાબ હોય એ બની શકે તમને સાચી અને સારી જણાતી હોય. પણ એ ચોક્કસ કે તમે તમારી કામ-વાસના પુરુષો સુધી જ માર્યાદિત રાખી હોત તો કદાચ તમારું સ્થાન મારી નજરમાં નીચું ગયું ના હોત. પણ જેમ તમે કહ્યું કે બાળકો સાથે તમે આ ગંદી હરકતો કરી છે એ વિચાર માત્રથી મારું લોહી ઉકળી ઉઠે છે. મને બહુજ ધૃણાસ્પદ લાગે છે. અને સાચું કહું તો મારું મન પણ એમ જ કહે છે કે તમને ઈશ્વરે જે સજા આપી તે યોગ્ય છે."- તેને ખરાબ લાગશે કે કેમ ! તેની પરવાહ કર્યા વગર મારાથી આવેશમાં  કડવા વેણ  બોલાઈ ગયા પણ મેં નોંધ્યું કે મારા કડવાં બોલની તેના પર કોઈ જ અસર ના થઈ.

"એતો મેં તમને ગઈકાલે જ કહ્યું કે હું મારા કર્મના ફળ ભોગવી રહી છું. આ વાતની પ્રતીતિ પણ મને બહું પહેલા જ થઇ ચુકી છે અને હવે ૧૦૦ ઉંદર મારી હજ માટે જવું પણ ક્યાં?"- હળવા સ્મિત સાથે તે બોલ્યા.

છતાં એ જાણવાની ઈચ્છા થાય છે કે ક્યાં સંજોગોમાં તમે આવું કર્મ કરવા તૈયાર થયા.-- મેં પૂછ્યું.

ક્યાં સંજોગો અને કેવા સંજોગો એ તો હું કેમ કહી શકું? પણ મારા મનમાં દિવસ-રાત સેક્સની જ તલબ સવાર રહેતી. હું એક પ્રકારે સેક્સ એડીક્ટ બની ગઈ હતી. હું નોર્મલ ના હતી. મારે મારી આ કુટેવ છોડવા મનોચિકિત્સક પાસે સારવાર લેવી પડી. પણ ત્યારસુધી તો બહુ મોડું થઇ ગયું હતું હું એચઆઇવી પોઝિટિવ થઇ ગઈ હતી.

"આ બધાની શરૂઆત ક્યારથી થઇ? કેવી રીતે તમે તમારા પરિવારથી તિરસ્કૃત બન્યા? મારે એ જાણવું છે."- હું બોલ્યો.

"હું તમને શરૂઆતથી જ કહીશ." - તેણે પોતાના ભૂતકાળની વાત શરૂ કરી.
મારી બાળવયમાં હું ખુદ મારા નજીકના સગા દ્વારા સેક્સુઅલ એબ્યુઝનો ભોગ બની હતી. ડોક્ટરના કહેવા મુજબ જે રીતે હું સેક્સ મેનિયાક થઇ તે એજ પરિસ્થિતિનું રિએક્શન હતું. મારી 12 વર્ષની વયમાં હું શારીરિક શોષણનો ભોગ બની.

"શું વાત કરો છો ! તમે મને આશ્ચર્યના ઝટકા આપી રહ્યા છો."- અચંબીત થઈ હું બોલ્યો.

"તમે પણ શોષણનો ભોગ બનેલા છો? ખરેખર કેવી વિચિત્રતા! કર્મોનો તમને શું દોષ આપવો? જયારે તમે ખુદ જ પીડિત છો." - મને સંધ્યાબેનની વાતો પર ભરોસો આવી રહ્યો હતો કેમ કે તેઓની આંખોમાં હું સત્યની ઝલક જોઈ રહ્યો હતો.

હા પણ ત્યારે મારા પર રેપ થયો ના હતો. અત્યારે વિચારું છું કે રેપ થયો હોત તો સારું હોત, જો રેપ થયો હોત તો મને કદાચ સેક્સ પરથી અણગમો થયો હોત. પણ ત્યારે તો મારી સાથે માત્ર શારીરિક અડપલાં જ થયા હતા જે મારી કામ-વાસના ઉદ્દીપક માટે કારણભૂત બન્યા હતા.

સંધ્યાબેનની આ હકીકત સાંભળતા મારા મનમાં તેના પ્રત્યે રહી રહી ને દયાની ભાવના ઉઠતી. માત્ર 12વર્ષની બાળકી કામાંધ પુરુષનો શિકાર બની. અને તેનું રિએક્શન એવું આવ્યું કે તે માસુમ બાળકીની મનોસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ અને તે સેક્સ મેનિયાક બની ગઈ! કેવી કરૂણતા..!

"સંધ્યાબેન હવે તમારા તરફની મારી દ્રષ્ટિ થોડી બદલાઈ છે અને તમારા પર દયા પણ આવે છે."-- મારી વાતની તેના પર કોઈજ અસર નહતી. તેઓ તો પહેલાની જેમ જ ભાવશૂન્ય મને તાંકી રહ્યાં અને તેના અતીતરૂપી પુસ્તકના એક પછી એક પન્ના ખોલતાં રહ્યાં.

એ દિવસે ચાર કલાક સુધી સંધ્યાબેને મને તેની આપવીતી જણાવી. તેની વાતો સાંભળ્યાના આટલા વર્ષો બાદ પણ હું નક્કી કરી શકતો નથી કે તેઓ દોષી છે કે નહિ? પણ હા તેની આપવીતી આ સમાજ માટે લાલબતી સમાન છે.

--- વધું હવે પછી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED