એક હતી સંધ્યા - 6 Vijay Varagiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી સંધ્યા - 6

             પ્રકરણ- ૬ પરિવારથી હું તરછોડાઈ

વર્ષોબાદ ફરી એવીજ સાંજ આવી જયારે મારો પૂરો પરિવાર મારા કારણે શરમ અનુભવી રહ્યો હતો. કઢંગી હાલતમાં એક યુવાન સાથે હું હોટેલમાંથી પકડાઈ જતા શહેરભરમાં મારી બદનામી થઇ ચુકી. કદાચ પપ્પા હવે જીવનભર ગર્વભેર નહિ રહી શકે એવું મને પ્રતીત થઇ રહ્યું હતું. મમ્મી-પપ્પા, શ્રુતિ સૌના મોં બંધ હતા, ઘણું જ કહેવું હતું છતાં કોઈ કશું બોલી રહ્યા ના હતા. પપ્પાના ચહેરા પર મેં ફરી એ જ લાચારી જોઈ જે વર્ષો પહેલા રાકેશ અંકલના બનાવ વખતે જોવા મળી હતી. મમ્મીના ચહેરા પર ગુસ્સો હતો તો શ્રુતિની આંખોમાં મારા પ્રત્યે ભારોભાર નફરત. હું મારા પરિવારની પીડા સમજી શકતી હતી પણ અફસોસ મારો પરિવાર મને ના સમજી શક્યો, ના ત્યારે ના ત્યાર પછી પણ. 


હું એવા ત્રિભેટે આવી ઉભી હતી કે કઈ તરફ મારી જાતને વાળવી એ મારા હાથની વાત ના રહી. મારી હરકતોથી આઘાત તો સૌએ અનુભવ્યો પરંતુ મમ્મીએ આઘાતથી પણ વધુ દુઃખ મારા કારણે પહોંચ્યું. પપ્પાનો તો વિશ્વાસ જ હું હતી. આ બનાવ બાદ પપ્પા અંદરથી એટલા તૂટી ગયા હતા કે જીવનભર તેઓ પોતાનું અસ્તિત્વ જ ખોઈ જીવતા રહ્યા. એ સાંજે મમ્મીએ મને એક માસમાં પરણાવી દેવા પપ્પાને અલ્ટીમેટમ આપી દીધું. આ મારા માટે તીવ્ર આંચકો હતો. મેં વિરોધ કર્યો કે શ્રુતિ મોટી છે પહેલા તેના લગ્ન બાદ જ મારા લગ્ન થવા જોઈએ પરંતુ મારા વિરોધનું કંઈજ ના ઉપજ્યું. ઘરમાં સૌથી હું તરછોડાઈ ગઈ. હવે મને કામ વગર ભાગ્યેજ કોઈ બોલાવતું હતું. મારા ખુદના ઘરમાં હું પરાઈ થઇ ગઈ. 


આ બનાવને એક માસ પણ થયો ના હતો કે મને પરણાવી દેવાઈ. આ એક મહિના દરમ્યાન પણ હું ઘરમાં તો તિરસ્કારનો જ ભોગ બની રહી. મારા લગ્ન પહેલા જ હું તિરસ્કૃત થઈજ ચુકી હતી. સામાજિક રીતે બસ મને વિદાય આપવામાં આવી. મારા લગ્નનો પણ મારા પરિવારને ના તો કોઈ હર્ષ હતો કે ના મારી વિદાયનો શોક.  કોઈજ ઝાકમઝોળ વગર બહુજ જૂજ લોકોની હાજરીમાં મારા લગ્ન સાદાઈથી આટોપી લેવાયા અને મને મારાથી ૧૭ વર્ષ મોટી વયના એક પુરુષ સાથે પરણાવી દેવાઈ. જો કે લગ્ન અંગે અન્ય યુવતી જેમ મારા કોઈ સ્વપ્ન કે આકાંક્ષાઓ ના હતી. મેં મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાના અને ખુશ રહેવાના રસ્તાઓ શોધી લીધા હતા. જીવનપથ જે તરફ લઇ જઈ રહ્યો હતો એ તરફ કોઈજ પ્રતિકાર વગર હું ચુપચાપ ચાલી નીકળી. મને ખબર ના હતી ભવિષ્યના ગર્ભમાં શું  છુપાયેલું છે? પરંતુ મારા જીવનમાં જે પણ સમય આવશે એ સમયનું ભરપૂર જીવી લઈશ એવું મારા મન સાથે મેં નક્કી કર્યું.
મારા લગ્નના ૩ વર્ષ બાદ શ્રુતિએ પણ પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો. શ્રુતિના લગ્ન બાદ મમ્મી-પપ્પા એકલા પડી ગયા. મારે કોઈજ ભાઈ ના હોવાનો વસવસો મને આ સમયે થયો હતો પરંતુ શ્રુતિ તેના પતિ સાથે એક જ શહેરમાં રહેતી હોવાથી તે મમ્મી-પપ્પાનો સહારો બની ગઈ. જયારે પર કોઈ જરૂરિયાત ઉદ્ભવે ત્યારે શ્રુતિનો પતિ વિશ્વાસ મમ્મી-પપ્પા માટે દિકરો બની હાજર રહેતો.


પોતાની વાત શરુ કરી ત્યારથી પ્રથમજ વખત સંધ્યાબેનના ચહેરા પર હું થાક જોઈ રહ્યો હતો. તેઓની વાત આગળ સાંભળવાની મારી ઈચ્છા હોવા છતાં તેઓને પોતાની વાત અહીજ ટૂંકાવવા મેં કહ્યું પરંતુ  તેઓ તરફથી કોઈજ પ્રત્યુત્તર ના મળતા મેં તેઓની મેરિડ લાઈફ વિષે જાણવાની ઈચ્છા દર્શાવી.


વિજય ભાઈ, મારા જીવનમાં અનેક પુરુષો આવી ચાલ્યા ગયા. બહુ ઓછા પુરુષોના નામ પણ મને યાદ છે. એ પૈકીનો જ એક વિનોદ કે જેને મને પત્ની તરીકે પામી હતી. પરંતુ એ મને ક્યારે પણ પત્ની તરીકે રાખી જ ના શક્યો. અમારા બને વચ્ચે વિચારોની સાથે એક આખી ઉંમરનો પણ મસમોટો તફાવત હતો. મને મારા પતિ પાસેથી જોઈતું શરીરસુખ રોજ મળી રહ્યું હતું. મારા મન પર લગ્નબહારના સબંધ રાખવાના વિચાર સુધા હતા નહિ. મમ્મી-પપ્પા એ અમારી જ્ઞાતિમાં સરકારી નોકરી કરતો મારાથી વયમાં ખાસ્સો મોટો યુવક મારા માટે શોધ્યો હતો. બે વર્ષ સુધી અમારું લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું. વિનોદના માતા-પિતા તો બહુજ પહેલા પરલોક સિધાવી ગયા હતા અને માત્ર એક બહેન પણ તેની સાસરીમાં હતી. મારી દુનિયા મારા પતિ વિનોદથી શરૂ થઇ વિનોદ માંજ સમાઈ જતી હતી.


હું પૂર્ણ રૂપે વિનોદને જ સમર્પિત હતી. પરંતુ મને એ તો ખ્યાલજ ના હતો કે મારી સાથે નહિ પરંતુ મારી આગળ મારી બદનામી ચાલી રહી છે. મારા લગ્નને બે વર્ષ થયા હતા. હું વિનોદને ખુબજ પ્રેમ કરતી હતી. તેઓ પણ મને પ્રેમ કરતા હતા. આ બે વર્ષ દરમિયાન મને ક્યારે પણ અન્ય પુરુષ સાથે સબંધ રાખવાની જરૂરિયાત ઉભી થઇ ના હતી. વિનોદ પાસેથી મને તમામ સુખ મળી રહ્યું હતું. મારા મમ્મી-પપ્પા તરફથી પણ મારા પ્રત્યેની નારાજગી દૂર થઇ રહી હતી. મારો સુખી સંસાર જોઈ તેઓ પણ હાશકારો અનુભવી રહ્યા હતા.


આ સમયગાળા દરમિયાન મારા અને વિનોદના જીવનમાં અશોકનું આગમન થયું. અશોક મારો એ વીતેલો સમય હતો જે હું ભૂલી જ ચુકી હતી પરંતુ તે ફરી વિનોદના સહકર્મચારી અને પછી મિત્ર તરીકે મારા જીવનમાં આવ્યો. કોલેજકાળ દરમિયાન ઘણા છોકરાઓ સાથે મારે સબંધો હતા. અશોક પણ એમાંનો એક હતો. મારું જીવન સીધા રસ્તા પર ચાલી રહ્યું હતું પરંતુ કુદરતને એ મંજુર નહતું. અશોક મેરિડ હતો છતાં લગભગ તમામ પુરુષની જેમ તેનામાં પણ પરાઈ સ્ત્રીને ભોગવવાની લાલસા હતી. થોડા જ સમયમાં એ વિનોદનો સારો દોસ્ત બની ગયો અને વિનોદ તેને લઇ ઘરે પણ આવતો એટલી હદે મિત્રતા તેને કેળવી લીધી હતી. જયારે તે વિનોદ સાથે આવતો ત્યારે તેની નજર મારા દેહ પર જ મંડરાયેલી રહેતી. તેની આંખોમાં વાસનાના કીડા સરાવળતા હું સ્પષ્ટ જોઈ શકતી હતી. ક્યારેક આડકતરી રીતે શાબ્દિક છેડછાંડ દ્વારા તે પોતાની ઈચ્છા પ્રગટ કરતો હતો. હું સિફતથી તેની વાતને ટાળતી રહેતી. કેમકે હવે મારા જીવનમાં વિનોદ સિવાય કોઈપણનું સ્થાન ના હતું. એક દિવસ તે વિનોદની ગેરહાજરીમાં મારા ઘર પર આવ્યો અને સ્પષ્ટ રીતે પોતાના તાબે થવા મારા પર દબાણ કર્યું પરંતુ મેં મચક ના આપી.


ત્યારબાદ બે વખત આવુંજ બન્યું, મારી મનાઈ તેના અહંમને ઠેશ પહોંચાડી ગઈ અને વિનોદને મારા ભૂતકાળ વિશે હકીકત છતી કરવાની તેને મને ધમકી પણ આપી. છતાં પણ હું તેના તાબે ના થતા આખરે તેને વિનોદને ભૂતકાળમાં મારા અને તેના સબંધો વિષે તમામ વાતો જણાવી. એ દિવસે મારા અને વિનોદ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો અને બે દિવસ સુધી તો અબોલા પણ ચાલ્યા. એ દિવસ બાદ વિનોદનો મારા પ્રત્યેનો પ્રેમ વિસરાતો ગયો. વિનોદ હરઘડી મને શંકાની નજરથી જોવા લાગ્યો. અમારું લગ્નજીવન દોજખ થઇ ગયું. મારા કોઈ પણ પુરુષ સાથે વાત કરવા માત્રથી વિનોદના મનમાં શંકાના બીજ રોપાઈ જતા. દરવખતે મારે સફાઈ આપવી પડતી હતી. વિનોદના શંકાશીલ સ્વભાવથી હું વાજ આવી ગઈ. હવે અમારા વચ્ચે પ્રેમ તો માત્ર રાત્રે પથારી સુધી સીમિત જ રહી ગયો.


વિનોદનો શંકાશીલ સ્વભાવની મને આદત પડી ગઈ હતી પરંતુ હદ તો ત્યારે થઇ કે જયારે મારા પેટમાં ઉછરી રહેલા બે માસના ગર્ભને વિનોદ પોતાનું સંતાન માનવ તૈયાર ના થતા આ દુનિયામાં આવતા પહેલાજ તેની કતલ કરવાની મને ફરજ પાડવામાં આવી. એ આઘાત ને હું જેમ તેમ જીરવી ગઈ પરંતુ પછીના બે વર્ષ બાદ પણ આજ પરિસ્થિતિનો મેં સામનો કર્યો અને બીજી વાર મારો ગર્ભપાત કરાવવામાં આવ્યો. આ આઘાત મારા માટે અસહનીય હતો. લગ્ન પહેલા મેં મારા મન સાથે નક્કી કર્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિ સાથે તાલમેલ કરી આનંદથી જીવીશ પરંતુ હવે વિનોદ સાથે રહેવું મારા માટે અસહનીય બની ગયું હતું. તેનો શંકાશીલ સ્વભાવ તો હું સહન કરી લઉ પરંતુ મને માતૃત્વથી વંચિત રાખવાની તેની જોહુકમી મારા માટે સહનશીલતાથી પર હતી. મારા લગ્નજીવનના ૮ વર્ષ બાદ પણ મને માતૃત્વનું સુખ ના આપી શકનાર શંકાશીલ પતિ સાથે હવે રહેવું મારા માટે શક્ય ના હતું. એક દિવસ અમારા બંને વચ્ચે આ બાબતે જ ઝઘડો થતા હું વિનોદને છોડી, તેના ઘરને છોડી ચાલી નીકળી.


આ દુનિયામાં મારા માતા-પિતા સિવાય મારું કોઈ જ ના હતું માટે મારા પગ મને મારા ઘર તરફ લઇ ચાલ્યા. મારા આગમનથી મમ્મી-પપ્પા ખુશ ના હતા એ હું જોઈ શકી. મારું લગ્નજીવન ફરી સારી રીતે ચાલે તે માટે મારા પરિવાર તરફથી બહું જ પ્રયાસો થયા પણ બધુંજ નિર્થક બની રહ્યું. વધુ એક વર્ષ વીત્યું.


હવેનો સમય મારા માટે ખરી કસોટી રૂપ બની રહ્યો. કાર અકસ્માતમાં પપ્પાના અચાનક સ્વર્ગવાસથી મારો પરિવાર હચમચી ગયો. મમ્મી તો સુધ-બુધ જ ખોઈ બેઠા. આ કપરા સમયમાં શ્રુતિ અને વિશ્વાસ અમારી સતત સાથે રહ્યા. શ્રુતિ પ્રેગનેંન્ટ હોય પપ્પાના સ્વર્ગવાસ બાદ તે અમારી સાથેજ રહેતી હતી. વિશ્વાસ પણ ઘણોખરો સમય મારા પરિવારને આપી રહ્યો  હતો. વિશ્વાસ પપ્પાની ખોટ પુરવા પરિવારનો મોભી બની રહ્યો. પપ્પાના મોતનો શોક ભુલાવવા હું, શ્રુતિ આવનાર નવા મહેમાનના સ્વાગતમાં પરોવાઈ ગયા. ગર્ભાવસ્થા દરમિયાન હું અને વિશ્વાસ શ્રુતિની ખુબજ કાળજી લઇ રહ્યા હતા. 


આ સમયમાં જ મેં વિશ્વાસની આંખોમાં મારા પ્રત્યે અનોખી લાગણી જોઈ. વિશ્વાસ શ્રુતિ સાથે સાથે મારી પણ સંભાળ લેવા મંડ્યો. તેનો મારા તરફનો આ લગાવ હું સારી રીતે સમજી શકતી હતી. શ્રુતિ જેવી સુંદર પત્ની હોવા છતાં પણ વિશ્વાસનું મન મારા પર ઢળ્યું. પુરુષજાતની આ પણ એક નબળાઈ છે કે ચાહે જેટલી પણ સુંદર પત્ની હોય છતાં અન્ય સ્ત્રી તરફ તે સહેલાયથી ખેંચાય જાય છે. કોઈ-કોઈ બહાને મારો સ્પર્શ કરવો. મારી કાળજી-મારી સંભાળ લેવી, મારી નાની-મોટી જરૂરિયાત સમજવી અને પૂર્ણ  કરાવી એ બધું વિશ્વાસ માટે જવાબદારી જ બની ગઈ. વિનોદને છોડ્યાં બાદ હું પણ પ્રેમથી વંચિત હતી. પરંતુ એટલીતો મેચ્યોર પણ હતી કે મારા બહેનના પતિમાં ક્યારે પણ મારો પ્રેમી શોધવાની કોશિશ ના કરું.


મહામહેનતે હું મારી જાતને સંભાળી રહી હતી. હું વિશ્વાસથી જેટલી પણ દૂર જતી વિશ્વાસ એટલીજ તીવ્રતાથી મારી નજીક આવી રહ્યો હતો. ક્યારેક તો હું તેના પ્રેમાળ સ્પર્શને મૂક સહમતી પણ આપતી અને ત્યારે મને પણ અનન્ય આનંદ મળતો. હું તો પહેલાથી જ પુરૂષસંગથી ટેવાયેલી હતી પણ વિશ્વાસ જેવો પરિણીત અને ચારિત્રવાન પુરુષ મારા પ્રેમમાં શા માટે પડ્યો એ હું સમજી ના શકી. દિવસે દિવસે વિશ્વાસ મારા તરફ ખેંચાઈ રહ્યો હતો. મારી જાત પર કાબુ રાખવો હવે મારા માટે શક્ય ના રહ્યું. હું ના ઇચ્છતા પણ વિશ્વાસ તરફ ઢળી પડી. અને એક રાતે મારી જ બહેનના પતિને મેં મારો દેહ ધરી દીધો. એક વાત હું ચોક્કસ સ્વીકારીશ કે વિશ્વાસનો પ્રેમ માત્ર વાસના નહતો. મારા જીવનમાં આવેલા પુરુષો પૈકી જો મને કોઈના પ્રેમની કદર થઇ હોય તો એ વિશ્વાસ હતો.


શ્રુતિને જરા પણ અણસાર આપ્યા વગર હું અને વિશ્વાસ એકબીજાને ભરપૂર પ્રેમ કરવા લાગ્યા. વિશ્વાસ સાથે એકાંતમાં હું તેની પત્ની બની જતી. હવે હું વિશ્વાસની નાની જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. જે પ્રેમ મને મારા પતિ પાસેથી ના મળ્યો એ પ્રેમ મને વિશ્વાસે આપ્યો. પરંતુ આ બધાની વચ્ચે મનમાં હું ખુબજ ગ્લાનિ પણ અનુભવતી હતી. અને મારી જાત સાથેની લડાઈ પણ ચાલી રહી હતી. શ્રુતિ કે જે મારી સગ્ગી બહેન છે તેનો સુખી સંસારમાં હું આગ લગાડી રહી હતી. હું ખુદ મારી બહેનની દુશ્મન બની રહી હતી. મેં ઘણી વખત મારી જાત સાથે નક્કી કર્યું હતું કે હવે બસ! બહુ થયું, વિશ્વાસ સાથે સબંધોનો અંત લાવીશ, પરંતુ વિશ્વાસનો પ્રેમ એટલો ગાઢ હતો કે હું મારા આ નિર્ણયનો અમલજ કરી શકતી નહીં.


પુરા માસે શ્રુતિ એ સુંદર પુત્રને જન્મ આપ્યો. મેં વિચાર્યું કે વિશ્વાસમાં પિતૃત્વ જાગશે અને શ્રુતિ તરફ તે વળશે પણ મારી ધારણા સાચી ના થઇ શકી. વિશ્વાસનો મારા તરફી લગાવ હદજનક વધી રહ્યો હતો. અને એક દિવસે તેને મારા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. આ સંભાળી મારા પગ તળેથી જમીન સરકી ગઈ. મેં વિશ્વાસ સાથે સબંધ રાખી કેવી મોટી ભૂલ કરી એ હવે મને અત્યારે છેક સમજાયું. એક તરફ મારી એકલતા અને પ્રેમ પામવાની ઝંખના હતી તો એક તરફ મારી બહેનનો સુખીસંસાર. મારે શું કરવું હું નક્કી નહોતી કરી શકતી. આ સમસ્યામાંથી બહાર નીકળવાનો હું રસ્તો જ શોધી રહી હતી ત્યારે જ વિશ્વાસે મને, મારા પરિવારને તીવ્ર આંચકો આપ્યો. જેના પરિણામે હું હંમેશા માટે મારા પરિવારથી તરછોડાઈ દૂર જતી રહી. બાદ ક્યારે પણ મારા પોતાનાઓને મળી જ ના શકી. આજે પણ મારા પરિવાર માટે હું મરી પરવારી જ છું.

(- વધુ હવે પછી....)