Ek hati sandhya books and stories free download online pdf in Gujarati

એક હતી સંધ્યા.

(સત્ય ઘટના પર આધારિત)
અહીં જે ઘટનાનું વર્ણન છે તેને વાંચતા કદાચ વાચકની આંખ શરમથી ઝુકી જશે એવા શબ્દપ્રયોગ મારે કરવા પડ્યા છે કદાચ વાચક આ સ્ટોરીને વિકૃતિનું આલેખન પણ માની બેસે, પરંતુ  આ સ્ટોરીને પ્રામાણિક રહેવા મારે ના છૂટકે નિમ્ન પ્રકારના શબ્દપ્રયોગ કરવા પડ્યા છે જે માટે હું અગાઉથી જ વાચક સમક્ષ માફી ચાહું છું. શહાદત હસન મંટોના શબ્દોમાં કહું તો ''હું કોણ આ સભ્ય સમાજને વાઘા પહેરાવવાવાળો જે પહેલાથીજ નગ્ન છે.''
આ સ્ટોરીના કેન્દ્રમાં જે વ્યક્તિ છે અથવા કહુતો જે આ સ્ટોરીનું આધારબિંદુ છે તે આજે હયાત નથી. એઈડ્સની બીમારી સામે લાંબો સમય ઝઝૂમી તેણીએ હાલમાંજ આ ફાની દુનિયાને અલવિદા કહી. બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ઘટના મારી સાથે આજ( જાન્યુઆરી 2019)થી ૪ વર્ષ પહેલા બની જયારે હું ભુજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરમાં જર્નાલિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તેણીએ મારી પાસેથી વચન લીધું હતું કે હું તેની આપવીતી તેના જીવતા ક્યારેય પણ કોઈ સામે ઉલ્લેખ નહિ કરું. આજે તે હયાત નથી માટે હું તેને આપેલા વાંચનમાંથી મુક્ત છું પણ  આજે મેં જર્નાલિસ્ટ તરીકેની મારી જોબ છોડી દીધી છે માટે આ વાતને પ્રતિલિપીના માધ્યમથી બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું.
                                                                                                      મારા સિવાય તમામ એ વ્યક્તિઓ કે જેનો આ સ્ટોરીમાં હું ઉલ્લેખ કરી રહ્યો છું તેઓના નામ બદલાવ્યાં છે.
                                        --- વિજય વારગિયા

                    પ્રકરણ ૧ - મુલાકાત

નવેમ્બર માસ ચાલી રહ્યો હતો આછી ઠંડીની પણ શરૂઆત થઇ ચુકી હતી. સવારનું ફિલ્ડવર્ક અને બપોરનું લંચ પતાવી બરાબર ત્રણ વાગ્યે હું મારી ઓફિસમાં દાખલ થયો. મારી રોજની ટેવ પ્રમાણે પ્રથમ કમ્પ્યુટર સ્ટાર્ટ કરી મારા મેલ ચેક કર્યા.અડધા કલાક સુધીમાં તો મારા સાથી કર્મચારીઓ પણ આવી પહોંચ્યા.
રોજના દિવસ જેવો દિવસ હતો કોઈ ખાસ ઘટના ભુજ શહેર કે સમગ્ર  કચ્છ જિલ્લામાં હજુ સુધી ઘટવા પામીના હતી. અમારે છેલ્લા સમાચાર લેવાની ડેડ લાઈન 8 વાગ્યાની  હોય છે બાદમાં કોઈ મોટી ઘટના સિવાય ભાગ્યેજ નાના સમાચારને સ્થાન મળે છે. મેં સવારે કરેલા ફિલ્ડવર્કમાંથી ૩ સ્ટોરીનું મટીરીયલ તારવ્યું મતલબ કે ત્રણ સમાચાર મારી પાસે હતા. અખબારની દુનિયામાં પત્રકાર જે સમાચાર ખોજી લાવે તે તેની સ્ટોરી કહેવાય.
4 વાગ્યે સરસ મજાની ચાની લિજ્જત માણી મેં સ્ટોરી લખવા માટે મારી જાતને સજ્જ કરી. હજુ હું સમાચાર લખવાની શરૂઆત કરું ત્યારેજ મારો સેલફોન રણક્યો.
મારા મિત્ર હસમુખભાઈનો કોલ હતો. મારે એઈડ્સ પેશેન્ટસ અંગે આગામી ૧ ડિસેમ્બરના વર્લ્ડ એઇડ્સ ડે પર સ્ટોરી કરવી હતી. હસમુખભાઈ ઘણી બધી એનજીઓ સાથે જોડાયેલા હતા માટે  સ્ટોરી લાયક એઈડ્સ પેશેન્ટ ખોજવા મેં તેઓને અગાઉ થી જ કહી રાખ્યું હતું. એ બાબતેજ હસમુખ ભાઈએ મને કોલ કરી જાણ કરી કે એક સ્ત્રી છે જેની આપવીતી ખુબજ કરૂણ જો તું એક વાર તેને રૂબરૂ મળી લેતો  કદાચ તને તારી સ્ટોરી મળી જાય. મારા માટે તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ ઘડાયો. મેં તે સ્ત્રીનું સરનામું લીધું અને બીજા દિવસે સવારે ૧૦ના ટકોરે હું તેના ઘરની બહાર ઉભો હતો.

ભુજના કેમ્પ એરિયામાં તેનું ઘર હતું. મેં ડોરબેલ દબાવી થોડીવાર બાદ અત્યંત ગોરી અને સુંદર એક ચાલીસેક વર્ષની જણાતી સ્ત્રીએ બારણું ઉઘાડ્યું.

બોલો? તેઓએ અત્યંત ધીમા સ્વરે પૂછ્યું.
હસમુખભાઈએ તમને મારા વિષે જણાવ્યું હશે હું વિજય. 
ઓહ ! તમેજ વિજયભાઈ પત્રકાર ને ? આવો અંદર આવો.

તેણીએ સલવાર પહેર્યું હતું  મનમોહક સ્મિત સાથે તેણીએ મને આવકાર આપ્યો. તેનું સ્મિત તેની સુંદરતાને વધુ નિખારી રહ્યું હતું. છતાં પણ તેની કૃષ કાયા તે બીમાર હોવાની ચાડી ખાઈ રહી હતી. તેની આંખો મોટી હતી પણ અંદર બેસી ગઈ હતી. ગાલ પણ સુકાઈ રહ્યા હતા તેના કાળા પડી ગયેલા હોઠમાં હજુ પણ ક્યાંક ક્યાંક ગુલાબી ઝાંય જણાતી હતી.તેના યુવાનીના દિવસોમાં તેની સુંદરતા કોઈ પણ વિશ્વ સુંદરીના તોલે આવે એવી હોવાનું મેં અનુમાન બાંધ્યું.

હું તેમની  પાછળ પાછળ તેના ઘરમાં પ્રવેશ્યો. સાવ સામાન્ય બે રૂમવાળું જૂનું મકાન હતું.
મને નાની ચેરમાં બેસવાનું કહી તે અંદરના રૂમમાં ગયા.
હું મારા સ્વભાવગત મકાનનું નિરીક્ષણ કરી રહ્યો હતો. મકાનની છતમાંથી પોપડા ખરી પડતા લોખંડ દેખાઈ રહ્યું હતું. બે જૂની ખુરશી ,એક નાનું ટીવી અને દીવાલ પર ટીંગાડેલી દેવી દેવતાઓની તસવીરો હતી એમાં પણ વધુ તો  આશાપુરા માં ની છબી સિવાય રૂમમાં કોઈ ખાસ  વસ્તુ ના હતી.
મેં ચેરમાં બેઠક જમાવી.

તેઓ અંદરથી પાણી લઇ આવતા જ બોલ્યા ગઈકાલેજ હસમુખભાઈનો ફોન હતો તેમને મને તમારા વિષે જણાવ્યું. પરંતુ તમારે શું કામ છે એ બાબત જણાવી નથી માત્ર એટલુંજ કહ્યું કે તમે પત્રકાર છો.--- તેના શબ્દોમાં પણ મીઠાશ હતી. ટૂંકમાં તેની સુંદરતામાં કોઈ જ દોષ હતો નહિ અને આટલી સુંદર સ્ત્રી એઈડ્સ જેવી મહામારીનો શિકાર બની એ તો કમનશીબ જ કહેવાય.

સંધ્યાબેન હું જર્નાલિસ્ટ છું અને આવનાર વિશ્વ એઇડ્સ  દિવસ નિમિતે મારે  એક સ્ટોરી કરવી છે.-- હું આટલું બોલી તેઓના સામે તાકી રહ્યો.
એતો સારી વાત છે આમ પણ આપણા સમાજમાં એઇડ્સ વિષે બહુજ ખોટી અને ભ્રામક વાતો ફેલાઈ રહી છે. એચઆઇવી પોઝીટીવ વ્યક્તિઓ સામે નોર્મલ લોકોનું બહુજ ખરાબ બિહેવ હોય છે. વળી એઇડ્સને ચેપી રોગ સમજી લોકો મારા જેવા એચઆઇવી પોઝિટિવ પેશેન્ટસથી અંતર રાખે છે. એક વાર આ રોગની ઝપેટમાં આવ્યા બાદ અમારાજેવાઓ થી સમાજ વિમુખ થઇ જાય છે. --- તેણીએ પોતાની સમાજ તીરસ્કૃતિની બાબત હસતા હસતા અને હળવી શૈલીમાં કહી નાખી.
પણ વિજયભાઈ હું તમારી શું મદદ કરી શકું ?

સંધ્યાબેન મારી સ્ટોરીનો વિષય એઇડ્સ પેશેન્ટ કેટલા સંઘર્ષથી જીવે છે એવો છે, માટે મારે તમારા સંઘર્સ વિષે જાણવું છે,તમારા અતીત વિષે જાણવું છે, કેવી રીતે તમે આ રોગની ઝપેટમાં સંપડાયા બધુજ જાણવું છે.

જાણીને શું કરશો? તેણીએ તરતજ વેધક સવાલ પૂછ્યો.
તમારા સંઘર્ષની પ્રેરણાત્મક વાતને લોકો સુધી પહોંચાડીશ.

જુઓ વિજયભાઈ તમે મારા વિષે શું સાંભળી કે શું વિચારી આવ્યા છો એ હું નથી જાણતી અને જાણવા પણ નથી માંગતી પણ એટલું જરૂર કહીશ કે તમને જે મારો સંઘર્ષ દેખાઈ રહ્યો છે એ મારા કર્મના ફળ છે. - આટલું બોલતા જ તેના ભવા સંકોચાયા અને મટકું પણ માર્યા વગર મારી આંખોમાં તેઓ નીરખી રહ્યા.

સંધ્યાબેન તમે ઈશ્વરના ન્યાયને સ્વીકારી લીધો છે માટે આમ બોલો છો બાકી લોકો તો  પોતાના દુ:ખ માટે ઈશ્વરનેજ કોચતાં હોય છે.
હવે મારા દુઃખના રોદણાં રડું કે ના રડું શું ફરક પડે છે મને પણ ખબર છે મારી પાસે જીવવા વધારે સમય નથી પણ જેટલો છે તે સમયને રડવામાં વેડફવો નથી.

બસ સંધ્યાબેન તમારી આવીજ વાતો અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત રહેશે. --- મારી સ્ટોરીને લઇ હું થોડો આશ્વશ્ત થયો.

વિજયભાઈ મારા અતીત વિષે તમને કહેવામાં મને કોઈજ પ્રોબ્લેમ નથી પણ હું ઇચ્છતી નથી કે મારી વાતને તમે ન્યૂઝ પેપરના માધ્યમથી લોકો સુધી પહોંચાડો? તેણીએ થોડા પણ અચકાટ વગર મને તેની મનની વાત કહી નાખી.

સંધ્યાબેન પેપરમાં પોતાનું નામ કે પોતાના વિષે કઈ પણ છપાવવા લોકો અમારી પાસે રીતસર કરગરતા હોય છે, તમને હું સામે ચાલી પબ્લિસિટી આપવા આવ્યો છું અને તમે મને મનાઈ કરો છો?
મારે શું કરવી પબ્લિસિટીને? પણ એ વાત ચોક્કસ કે પેપરમાં મારા વિશે જો છપાશે તો અહીં હું શાંતિથી જીવી રહી છું એ પણ મારા માટે દુસ્કર બની જશે.

હું કઈ સમજ્યો નહિ.
તમે શું માનો છો કે આ સોસાયટીમાં લોકોને જાણ છે કે હું એચઆઇવી પોઝિટિવ છું?
હું માત્ર આશ્ચર્યભાવે તેઓને તાંકી રહ્યો.

મારી હકીકત લોકોને જાણ થાય તો એક દિવસ પણ હું આ ભાડાના મકાનમાં ના રહી શકું જે બહુજ તકલીફ બાદ હસમુખભાઈએ મને અપાવ્યું છે.--- તેની વાતનો અહેસાસ મને થઇ રહ્યો હતો. 

સંધ્યાબેન તમારો એવો શું વાંક કે સમાજથી તમારે ડરી ડરી જીવવું પડે? 
મેં તમને પહેલાજ કહ્યુંને આ સમાજ આજે પણ એડ્સગ્રસ્ત દર્દીઓને નથી અપનાવતો.
અને તમારો પરિવાર? મેં જાણવાની ઉત્સુકતા દર્શાવી.
પરિવારતો દૂર પણ કોઈજ એવું સ્વજન પણ નથી રહ્યું કે જેઓની સાથે હું વાતો કરી શકું. બધા મારાઓ એ મને તરછોડી દીધી છે.

સાચેજ સંધ્યાબેન તમારી સાથે નશીબ બહુજ ખરાબ રમત રમી ગયું.- મારાથી ઊંડો નિસાસો નંખાઈ ગયો.
પણ મને કોઈ જ અફસોસ નથી મેં તમને કહ્યું હતું કે બધાજ કર્મોના ફળ છે જે મારે મને કમને સ્વીકારવા જ રહ્યા.

સંધ્યાબેન એવાતો તમે ક્યાં કર્મો કર્યા છે? જેની સજા તમને મળી રહી છે ?
મારી વાત પપેરમાં છપાઈ જાહેર થાય એ હું નથી ઇચ્છતી તો પછી મારા વિષે જાણવામાં તમને શું રસ છે?
વધુ તો કઈ નહિ બેન પણ પત્રકારનું મન એવું થઇ ગયું હોય છે કે હંમેશા બધુજ જાણી લેવાની લાલસા રહેતી હોય છે અને તમે તમારા દુઃખનો  હસતા હસતા સ્વીકાર કરો છો અને તમારી આ પરિસ્થિતિ માટે ખુદને જ દોષ આપો છો તો મનમાં પ્રશ્નો પણ સર્જાય કે તમે કેવા કર્મો કર્યા કે આજે તમારા પરિવાર, સમાજથી તિરસ્કૃત થઇ રહો છો. આ બધી બાબતો મને.......

મેં નાના બાળકોનું શોષણ કર્યું છે.-- મારી ચાલુ વાત કપાતા તેને અચાનકજ ધડાકો કર્યો.

શું...શું..? બોલ્યા તમે? હું થોથવાઈ રહ્યો.
મેં નાના બાળકોનું શોષણ કર્યું છે... એકદમ ઠંડા સ્વરે તેઓ ફરી બોલ્યા.
શોષણ..કેવું શોષણ? મારી આંખો પહોળી બની મને તેના શબ્દો પર ભરોસો નહતો.
મેં નાના બાળકો સાથે શરીર સબંધ રાખ્યો,મેં લગ્ન બહારના સબંધો રાખ્યા, મેં ઘણા પુરુષો સાથે શરીર સબંધ રાખ્યા છે, મારી વાસના પરિતૃપ્ત કરવા કાચી વયના બાળકોને પણ મેં નથી છોડ્યા.-- હજુ પણ તેના ચહેરા ના ભાવો પહેલા જેવાજ હતા મારી આંખોમાં આંખો પરોવી તેઓ બેધડક બોલી રહ્યા હતા.
તમે પાગલ છો, શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? સ્વભાવગત મને થોડો ગુસ્સો પણ આવ્યો.

બસ આટલી જ વાર માં મારા પ્રત્યેની દયા ગુસ્સામાં બદલાઈ ગઈ ને? તેઓ હળવું હસતા બોલ્યા.
તમે..તમે શું સાબિત કરવા માંગો છો? હું તમને સમજી શકતો નથી.
મારે કઈ જ સાબિત નથી કરવું મારે કોઈની  દયા પણ જોઈતી નથી. હસમુખભાઈએ તમારા વિષે જણાવાયું ત્યારે મેં અનુમાન બાંધ્યું કે તમે મને કોઈ કામ અપાવવા માંગતા હશો.
હા, અહીં હું એકલી રહી નાનું-મોટું સીલાઈ કામ કરી મારુ ગુજરાન ચાલવું છું. પણ તમે તો તમારા સ્વાર્થ માટે આવ્યા છો, તમારી સ્ટોરી માટે આવ્યા છો. --- તેઓની વાત તો બિલકુલ સાચી હતી પણ ત્યારે થોડું મને ખરાબ પણ લાગ્યું.

મારા લાયક સીલાઈ જેવું કોઈ કામ હોય તો મને જરૂરથી કહેજો મારા મોબાઈલ નંબર તો તમારી પાસે છેજ.--- તેણીએ મારા પ્રત્યુત્તરની અપેક્ષા વગર જ બોલી નાખ્યું.

હવે તેઓની સામે બેસવા મારા પાસે કોઈ કારણ ના હતું.  તેઓએ આડકતરી રીતે મને જતા રહેવાનો ઈશારો આપી દીધો હતો. મારા મન પર અનેક પ્રશ્નો સાથે મેં વિદાય લીધી.                               -------------------------------------
હું મારી ઓફિસ પર આવ્યો પણ મારા મનમાં વિચારોનું તુમુલયુદ્ધ ચાલી રહ્યું હતું. વારે ઘડી રહી મને સંધ્યાબેનના શબ્દો મારા કાનમાં સંભળાઈ રહ્યા હતા કેટલી સહજતાથી તેઓ તેમણે આચરેલા કર્મોની કબૂલાત કરી લીધી.
સાચું કહું તો મને વિશ્વાસ જ નહતો આવી રહ્યો કે તે સાચું બોલી રહ્યાં છે. પણ તેમની પાસે ખોટું બોલવાનું પણ કોઈ કારણ નહતું. મારી મનોસ્થિતિ ડગમગી રહી હતી હું કંઈ જ નક્કી કરી શકતો ના હતો. છેવટે મેં તેઓને ફરી વાર મળવાનું મન બનાવ્યું.
-------(વધુ હવે પછી)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED