Tame chand cho (Gazhal) books and stories free download online pdf in Gujarati

તમે ચાંદ છો.(ગઝલ)

૧.
તમે ચાંદ છો, દાગ ના લાગે એની ખબર રાખું છું
ખરૂ પૂછો તો આપનું જ એક  ધ્યાન રાખું છું.

ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓ
છતા અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.

દિલફાડીને આપ ચાહો છો બેશુમાર મને
દોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.

છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છું
માણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.

શબ્દ તીર છે તલવાર છે ને તારણહાર છે
કેટલાંક શબ્દોની એટલે મ્યાન રાખું છું


૨.
હજું હમણાં જ એમને મળીને આવ્યો છું
જાણે સ્વર્ગમાં વિહાર કરીને આવ્યો છું.

ગઈકાલે હતો જે સળવળાટ દિલમાં
અબઘડી એને શાંત પાડીને આવ્યો છું.

અહાહા! શું મ્હોર્યું'તું વદન માશૂકાનું!
દીદારે દીદારે દિલને ન્યાલ કરીને આવ્યો છું.

કેવો ગજબ અચંબો લઈને આવ્યો છું!
એક પરીને હું રૂબરૂ મળીને આવ્યો છું!

છે શબ્દ મળવું! કેટલો કમાલનો છે!
ફૂલો-સાં પાલવમાં ધમાલ કરીને આવ્યો છું!


૩.
સ્વપ્નમાં ક્યાં સુધી મળવાનું?
ને અરમાનોને ક્યાં સુધી છળવાનું?

સંબંધોએ દર્દ આપ્યા છે જ્યારથી
સાવ ભૂલી જ ગયો છું હસવાનું!

ઓડકાર આવ્યો છે,માનશો નહીં કે જમ્યો!
ઘરવાળીએ આપ્યું જ નથી આજ જમવાનું!

એ નજરે ચડ્યા ને અમથા જ ગમી ગયા,
મિત્રો કોઈ કહો હવે આગળ શું કરવાનું?

એની ના હતી એટલે જ છોડી દીધી!
કહો ક્યાં સુધી એના હ્રદયને હણવાનું?

૪.
લાગણીઓનો એટલો જ લગાવ છે
આપના સુધીનો જ બસ પડાવ છે.

સુખ હો દુ:ખ હો  કે હો વિરાની
આપણે તો બસ બધે સમભાવ છે.

સદા સાહ્યબીમાં ગુજરે છે જીંદગી
એક આપનો જ બસ અભાવ છે.

હૈયે હોળી ને હોઠ પર દીવાળી છે
રાંકને સદા ખુશીનો બસ સ્વભાવ છે.

એટલે આટલો ખુશ છે "અશ્ક"!
બેશુમાર પ્રેમનો બસ પ્રભાવ છે.

૫.
હજીયે શોધુ છું તને,
ખામોશીના નગરમાં;

એક રાત એમ વીતી,
જાણે પડ્યો કબરમાં;

સાવ લુંટાઈ ગયો છુ,
ખરેખરી મહોબ્બતમાં;

એ ડાળ હાલ જ તૂટી,
હુંપણાના જ ભારમાં;

લાગણી સૌ સ્વાર્થની,
દાગ દાગ થઈ પ્યારમાં;

ક્યારેક ધડકી લે છે હૈયું
સનમના જ ઈંતજારમાં.


૬.
નથી મળતા હવે કંઈ જવાબ મિત્રો
ફિક્કા પડી ગયા છે સૌ રૂઆબ મિત્રો.

અમ કાજે જ જે સતત ઉઘાડા રહેતા'તા
એ ચહેરાઓ થઈ ગયા છે નકાબ મિત્રો.

ટહુંકાઓ પ્રણયના ભીતરે ગયા છે દબાઈ
મને જે મળ્યા છે એ દર્દ છે લાજવાબ મિત્રો.

ખેરવી નાખ્યા છે આઘાતોએ કાંગરા જીગરના,
નહીંતર હતો હુંય જહાંનો ફાંકો નવાબ મિત્રો.

એણે કહ્યું:વીસરી જજો મને ને મારી ગલીનેય પણ,
નહીંતર પડજો જઈને જહન્નમમાં જનાબ મિત્રો.


૭.
સફર સુહાની હોવી જોઈએ
મંઝીલની પરવા નથી.

વેદના બેઅસર હોવી જોઈએ
જખમોની પરવા નથી.

લાગણીયે ધારદાર હોવી જોઈએ
પ્રેમની પરવા નથી.

કબર પાસપાસે હોવી જોઈએ
મોતની પરવા નથી.

ઉર ઉદધિ સમ હોવું જોઈએ
ખારાશની પરવા નથી.

૮.
હવે રોજ સનમની યાદોને ખાશું,
ને પ્રિતના નીતનવા કંઈ ગીત ગાશું.

જીંદગીએ દીધા છે સુખના ઝાંસા
ચ્યુંગમની જેમ હવે મમળાવશું.

એટલી જ આખરી છે પ્રભુને  પ્રાર્થના
ઊતરી આવે ના દિલમાં કોઈ પાછું.

જખમો પર નમક લગાવી દે છે ગમે તે
ઝીણી નજરે હવે કળાય છે આછું.

મેલ લગાવ્યો છે બરબાદીનો એટલો
"અશ્ક" લઈને જીંદગીભર હવે ના'શું.

૯.
આંખોને સનમની 
મધુર યાદોના ઉજાગરા ગમે છે
મને મારી મહોબ્બતના 
જખ્મી ધજાગરા ગમે છે.

છોકરી આમ 
તો સાવ સીધી જ હોવી જોઈએ,
એ જે કરી જાણે 
મને એ સૌ નખરા ગમે છે.

ઢીલા તો ભલે ઢીલા હોય, 
રહેવાનું એ તો જગમહીં
મહોબ્બત ટકાવી રાખે 
મને એ મિજાગરા ગમે છે.

૧૦.
હવે 
હસવું આવતું નથી
ને
રડવાનાય
ફાંફાં પડ્યા છે

વદીયે 
ક્યાં જઈ હવે?
અભાવો
શ્વાસના છે
કે
છે સનમની બેવફાઈના!

અવસર
તમને પામવાના
ઉપાડીને રોજ ફરું છું
ને
જીવવાનાય સાંસાં પડ્યા છે!

મહોબ્બત
બીજું કંઈ નથી
ફૂલોના માત્ર જાસા છે,
કહેનાર
વીરલા
સાવ સાચા પડ્યા છે!

એકલતાના 
આકાશે
લટક્યો છું ક્યારનોય
જઈશ હવે
હજું ઉપર,
હેઠે
આવવાનાય ફાંફા પડ્યા છે.



* *
અમે પીળું પાન, પળમાં હવે ખરી જવાના
રહેંશે જો શ્વાસ તો નામ તમારે કરી જવાના.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED