તને ઝંખું છું - તને ઝંખુ છું. Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તને ઝંખું છું - તને ઝંખુ છું.

           ૧. તું આવે તો

તું આવે તો સાત સમંદર પાર કરી લઈએ
દર્દના દરિયે મલમની નાવ બની જઈએ,

કેટલો આઘાત છે કાલે તને એકલા છોડ્યાનો?
તું આવે જો આજે તો પશ્ચાતાપ કરી લઈએ

તું આવે જો રાતે તો જગના બાગ ખુંદી વળીએ
કાંટા તણા વનમાં પરોઢિયે પ્રેમના પુષ્પો ખીલવી દઈએ

આવ, કેટલા બળે છે દિલોનું મિલન જોઈને
તું આવે તો એમનેય  પ્રેમદિવાના બનાવી લઈએ

તું આવે તો મહોબ્બતની મંઝીલ લૂંટાવી દઈએ
પંથ ભૂલેલ કો પ્રેમીને મંઝીલ આપી દઈએ

તું આવે તો સિતારા ગણી લઈએ દિવસે હાથમાં લઈ
હું પ્રેમપતંગુ, તું પ્રેમની પાંખ બની જઈએ

તું આવે તો માણસાઈના દીપ જલાવી દઈએ
હું દિવેલ, તું પ્રેમળ જ્યોતિ બની જઈએ.
*

૨.
સખી આવો તો કરું વહાલપની બે વાત
ચાંદનીએ અંચળો ફેલાવી શાભાવી છે રાત

સખી આવો તો મહેંકાવું હીવડાના બાગ-બાગ
ઝાડવે-ઝાડવે રેલાવું  હું બપૈયાના રાગ

સખી આવો તો કરું હૈયાના વલોપાત શાંત
વસમી લાગે છે તુજબીન વેરણ આ રાત

સખી આવો તો શમે વિહ્વળ હ્રદયવરાળ
સીનું સળગે છે તણખા પર થઈ રાખ

સખી આવો તો સંચરે  પ્રાણોમાં ફરી પ્રાણ
અધરો તરસે છે ચૂમવા તવ ગુલાબી ગાલ

સખી આવો તો વાસંતી વાયરે વીંઝવું
સ્નેહે સ્નેહે તવ પરે ઊર્મિઝરણું વરસાવું

સખી આવો તો કરું વહાલપની બે વાત
તુજ સંગ પ્રણયગોષ્ટિમાં વીતાવું ચાંદની રાત.

*

૩.
મારી જે ગઝલો છે માનવના જ શબ્દો છે,
દવ લાગ્યો દાવાનળ શો આ એનો જ બળાપો છે;

આ જખ્મો તો કંઈ નથી જે દેખાય છે,
હૈયામાં તો વેદનાના વંટોળ ઉડે છે;


આ હસ્ત થઈ જાય ના ખાંડું કે તલવારી,
એથી જ તો વાળી રાખી મે અદબ છે;

ના ફૂટ્યો બોમ્બ કે ના છૂટી મિસાઈલ,
ઉર તૂટ્યું એનો જ આ ધડાકો છે;

માનવ થઈ ગયો દાનવ સમ અલગ અલગ અદાઓ લઈ,
દર્દો મળ્યા માનવથી એની જ આ દવાઓ છે;


માનવની ખોજમાં પહોંચી ગયો અશ્ક યમદ્વારે
લખતો થઈ ગયો આ કોની દુઆઓ છે?
*

૪.
ખુદા હવે તો બસ એટલુ આપ મને
કે દિલના દ્વારેથી કોઈ ખાલી ના ફરે;

બદનામ તો એવો કરી દીધો છે એણે જગમાં મને,
શત્રું આવે છે તો દશા મારી જોઈ પાછાં ફરે છે;

મોત આવે તો હવે મંજુર છે હવે મને,
મારી કબર પર એ બેવફાના નામની ધજા ફરે;

મળે જગના સઘળાંય બેવફાઈના દર્દો મને,
જો દિવાનાઓ જગમાં બધે છૂટથી ફરે;

કાળ મારા બારણે ઊભો છે લઈ જવા મને,
અરમાન એટલા કે જનાજામાં મારા આખું જગત ફરે;

એ ખુદા કફન પણ રડી જાય એવું મોત દે મને,
શાયદ વાવડ સુણી એ બેવફા સનમ પાછી ફરે;

ખુદા એટલું આપજે આખરે મારા મરણ પછી મને,
કે અશ્કની કબરેથી દિવાના કોઈ ઉદાસ ના ફરે!
*


૫.
કબરમાં એકવાર સનમ  તું આવજે મારી,
કેવો તડપે છે રૂહ એ તુંય જાણી જજે;

આંસુંઓ પાઈને સીંચતો રહ્યો હૈયાને ઉમ્રભર,
ધમણાં પેઠે  સીનું સળગે છે કવું? તુંય જાણી જજે;

તોલીને ત્રાજવે દિયે છે માનવી માનવતાનેય,
નમતો છે કેટલો પ્રેમ મારો, તુંય જાણી જજે;
અરમાનો સજાવી રાખ્યા'તા મે તારી યાદોના,
કબરની વાટે રોળાયા છે તું એ ગોતીને જાણી જજે;

અશ્ક ઊંઘ્યો છે કબ્રમાં ઊઘાડી આંખે તવ દીદારે જ,
હૈયું હજીયે ઝંખે છે તુજને એ તુંય જાણી જજે.
*


૬.
નીકળી ગયા એ દિલમાંથી કિનાર ચીરીને
ઉરમાં એની યાદોના ખ્વાબ રહી ગયા;

આ જખ્મો તો એવા છે કષ્ટદાયક બેવફાઈના
એથીયે તો અસહ્ય એના દાગ રહી ગયા;

જખ્મો તો ફૂટે છે કૂંપળની માફક જ
હ્રદયમાં સૂકાયેલા અહીં બાગ રહી ગયા;
*



૭.
કોઈને ભાવ ખટકે છે
ને કોઈને સ્વભાવ ખટકે છે,
અમોને તો બસ સનમ
આપનો અભાવ ખટકે છે.
*


૮.
ચાહું તારો અહેસાસ મુજ જીવનમાં ઓ ખુદા
બાકી સહવાસ તો મુજ સનમનો જ ઝંખું છું

નીરખ્યો નથી ઓ ઈશ તને મૂર્તિ સવા તને
મુજ સનમના મલકાટમાં તને જોવા ઝંખું છું

અમર નથી થવુમ ઓ ખુદા મારે આ જગતમાં
બસ, આ પ્રેમને મારા અમર રાખવા ઝંખું છું

કોઈ જોગી થયા કોઈ થયા વૈરાગી પામવા તને
કંઈ ન ઝંખું હું અહેસાસ ફક્ત તારો જ ઝંખું છું
ખેવના નથી મને તારી ઓ ખુદા જીંદગીમાં
મૃત્યું લગી મુજ સનમનો મધુરો સાથ ઝંખું છું.
*



૯.
તારી મખમલી યાદોમાં એમ જીવું છું
જાણે રણ વચાળે મૃગજળને પીવું છું.

જખ્મ એણે એવા ઝેરીલા દીધા
જીંદગીભર અમે એ રૂઝાવી ન શક્યા.

દિવસે તને મળવાની આશમાં
રાત્રે તારી યાદોના બાહુંપાશમાં
હું અશ્ક ખુદનેય ભૂલી ગયો
આખરે તારા અભાવમાં.



તડપ છે હૈયામાં 
ને હોઠ પર તમારું નામ છે
મળતા નથી તમે શમણામાં 
બાકી રૂબરૂ તમારું શું કામ છે.


તમારા પ્રેમના સંગાથે જગને જીતવું છે મારે
હોય સામે ભલે દુનિયાની ફોજ બધીયે.
*
૧૦.

ફૂલો ખીલ્યા છે કેવા મજાના
હૈયાને ગમી જાય એવા છે

શું રૂપ,શું રંગ કેવી કમનીયતા
ન જાણે ક્યાં મૂહુર્તમાં જન્મયા'તા!

કેવી મજાની નમણી ડાળીએ બેઠા છે
જાણે વિષ્ણુની પદ્મનાભિએ બ્રહ્મા બેઠા છે

શું અદાઓ! શું નજારો ને કેવી મોહકતા!
ન જાણે હૈયાને કેમ છે એ તરફ આત્મીયતા!
કેવી મજાની પમરાટ ભરી છે સુકોમળ પાંદડીઓમાં
ગમાર હૈયાનેય બહેંકાવી જાય એવી છે

શું સ્મિત! શું સૌંદર્ય ને કેવી નાજૂકતા
ન જાણે ભરી છે કોણે આટલી અલૌકિકતા!

કેવી મજાની ફોરમ ફેલાવી છે સઘળે
મડદા જો હોય તો એય આવી જાય ભાનમાં.
*


૧૧.
તારા અધરોના જામને પહેલી જ મુલાકાતમાં પી લીધા હોત તો શૂરાલયને મે ક્યારનુંયે શૂળીએ ચડાવી દીધું હોત!
*

તડપન કેટલી હશે અમ દિલમાં 
એમના જતા જોઈને 
અમે આવજો કહેવાનુંય વીસરી ગયા.



આંસુંઓથી તરબોળ આંખમાં
પાંપણો મારી 
ક્ષણેક્ષણ
પાડે છે 
તારા અસંખ્ય ફોટાઓ.


તમે આવો તો પાંપણ જરા ઢાળી દઉં
હવે અશ્કથી ઉજાગરા ઝાઝા ખમાતા નથી.



૧૨.
સંધ્યાના સ્નેહલ સાથમાં
આભના અનંત આંગણામાં
ઉષાને લઈ બાથમાં
સજવઉં મહેંફિલ મિલન તણી
એમ ધારીને ત્યજી ઉગ્રતા
વળી, થયો શીતળ ચાંદનીસમો
ને આખરે એ આથમી ગયો.



મારા બાગને ઉજ્જડ બનાવી જનારી એ હવે ગુલાબ મોકલાવે છે.

*


૧૩.
પીયુના નિશદિન આવે રે ઓળું
સખી, પીયરીએ હવ હું નથી રે રેવાની

પીયું બિન મારી સૂની રે જવાની
સખી , હું પિયરીએ નથી રે રેવાની


૧૪.
પહેલા જેવો વહેવાર ક્યાં રહ્યો છે?
પહેલા મળતા હતાં હૈયા ને ભીંજાતી હતી આંખો
હવે મળતી નથી આંખો ને ભીંજાય છે હૈયા.



મારું ગજું શું કે આપી શકું કૈક તને
ખેર,  તું બદનામી ને બરબાદી પણ આપી શકી.
*

૧૫.
આંખોમાં  હવે આંસું આવતા નથી
ને દિલને હવે આઘાત લાગતો નથી!

માણસોના મેળા ભરાય છે ઠેર ઠેર કિંતું
લાગણીનો મેળો ભરાતો ક્યાંય જોયો નથી

બંધ નયનોથી જ હવે નિહાળી લઉં એમને
મુલાકાદ માટે હવે આજીજી કરતો નથી !

આપ ચાંદ છો,ચાંદની પણ આપ જ છો
એટલે જ  સૂર્ય સમું હું પ્રજ્વળતો નથી!

પહોંચી ગયા છે તરંગો  ક્યાંયના  ક્યાંય
માણસ એકમેકના મન સુધીપહોંચી શક્યો નથી.
*



૧૬.
મારું 
આખરી સ્ટેશન 
આવી ગયું છે
વાવડ પણ છે
 કે 
તનેય
મારા વગર 
ફાવી ગયું છે!

ખ્વાબ હતું મારું જે
તને જ પામવાનું,
જાણ્યું કે ઉરમાં તારા 
જગા લેવા
અન્ય કોઈ 
આવી ગયું છે.

ચાહવું
પામવું 
એ જ 
જીંદગી નથી,
હ્રદય સોંસરવું
નીકળીને 
કોઈ 
સમજાવી ગયું છે.

તને 
મારા વિના 
ફાવી ગયું છે
એ જ વાક્ય
ઉરમાં જખમોના 
અડાબીડ
ઝાડ વાવી ગયું છે.
*


૧૭.

સમી સાંજે
ઢળતી પાંપણ પર
તારી કોડીલી યાદોને 
ઉપાડીને ઊભો છું.
ખબર છે
નહીં જ આવે તું,
છતાં હું
તું ગઈ એ દિશાએ
મીટ માંડી ઊભો છું.
કહેતી હતી તું
તારા વિના નહીં જ જીવી શકું?
હું ખુદ હવે 
અસ્તિત્વ કાજ તુજબિન
હાથ મસળી
ફાંફાં મારીને ઊભો છું.
એકવાર માત્ર
મારી ઉમ્મીદ ખાતીર 
દસ્તક દઈ જાજે,
તું મૂકીને ગઈ 
એ જ સ્થળે 
વેરાન બની ઊભો છું.

*



૧૮.
સળગતા અરમાનો
એ અરમાનોને 
આંખ સામે સળગતા જોઉં છું,
વાવીને ઉરની વિશાળ વાડીએ
અંતર નીચોવીને ઉછર્યા જે,
ઉર્મિની સપ્તરંગી છોળોથી સજાવ્યા જે;
એ અરમાનોને 
આંખ સામે સળગતા જોઉં છું!
પ્રેમની ચાહતના
અપ્રતિમ લાગણીની દિવ્યતાના
જીંતગીની આખરી મંઝીલના
એ અરમાનોને 
આંખ સામે સળગતા જોઉં છું!
છતાંય વિવશ, લાચાર!
ને જડ થવા પામ્યો છું!! 
આ હું કેવી મંઝીલ પામ્યો છું!
*   *  *