મુવી રિવ્યુ - ગલી બોય Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુવી રિવ્યુ - ગલી બોય

‘”ગલી બોય કા ટાઈમ આ ગયા બાવા!”

રણવીર સિંગ અને આલિયા ભટ્ટને આજની પેઢીના સહુથી ટેલેન્ટેડ કલાકારો કહીએ તો એમાં જરાય ખોટું નથી. આ બંને જો અલગ અલગ જબરદસ્ત હોય તો ભેગા થાય તો કેવી ધમાલ મચાવે? ગલી બોયમાં આ બંને છે અને બાવા... ઔર ક્યા કામ કિયેલા હૈ દોનોને!

ફિલ્મ: ગલી બોય

મુખ્ય કલાકારો: રણવીર સિંગ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા, અમૃતા સુભાષ, કલ્કી કોચલીન અને વિજય રાઝ

કથા-પટકથા: ઝોયા અખ્તર અને રીમા કાગતી

સંવાદ: વિજય મૌર્ય

નિર્માતાઓ: રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર

નિર્દેશક: ઝોયા અખ્તર

રન ટાઈમ: ૧૫૫ મિનીટ્સ

કથાનક: ગલી બોય એટલે કે મુંબઈની ધારાવીની ગલીઓનો મુરાદ (રણવીર સિંગ) જેના પર રેપ (Rap) મ્યુઝિકનું જનૂન સવાર છે. મુરાદને સ્કુલના સમયની ગર્લફ્રેન્ડ પણ છે, સફીના (આલિયા ભટ્ટ) જે એકદમ માથાફરેલ છે અને મુરાદ પ્રત્યે અત્યંત પઝેસીવ પણ છે. સફીના આમતો ડોક્ટરનું ભણે છે પણ કોઈના પર પણ હાથ ઉઠાવવાથી ચૂકતી નથી. પણ અહીં મૂળ વાત મુરાદની છે. એના પિતા આફતાબે (વિજય રાઝ) એ બીજી પત્ની કરી છે અને એના કડક અને ગુસ્સાવાળા સ્વભાવ સામે કાયમ મુરાદની બોબડી બંધ થઇ જતી હોય છે.

પરંતુ કોલેજમાં એકવાર એમ સી શેર રામનો રેપર (સિદ્ધાંત ચતુર્વેદી) આવે છે અને મુરાદને તો જાણેકે એનો ભગવાન મળી જાય છે. મુરાદ અચ્છો કવિ છે એટલેકે એ રેપ સોંગ લખી જરૂર શકે છે પણ પરફોર્મ? પણ ધીમેધીમે એનું ઝનૂન એના પર સવાર થાય છે અને એમ સી શેર તેના ઝનૂનને હવા આપતો થાય છે.

પણ એમ કાઇ પેશનને પાંખો મળી જાય એટલે જોઈતું બધુંજ મળી જાય ખરું? જે બાપે મુરાદને ગરીબ હોવાને લીધે કાયમ મુંડી નીચી રાખવાનું શીખવાડ્યું હોય એ બાપને કેવી રીતે પોતાના પુત્રના સપના પોસાય? અને પેશનને સિદ્ધ કરવું હોય તો પુરુષ સાથે સ્ત્રીઓ એટલેકે હમઉમ્ર છોકરીઓને પણ મળવું પડે અને આ વાત પઝેસીવ સફીના કેમ સહન કરે?

ચલો આ બધું પણ થઇ જાય પણ એમ કાઈ થોડું રાતોરાત દેશભરના લોકપ્રિય રેપરમાં સ્થાન મળે? એના માટે સ્પર્ધા કરવી પડે અને સ્પર્ધાના વિવિધ લેવલો પસાર કરવા પડે! વળી પેશનથી દાળ-રોટી થોડી મળે? એટલે માતાપિતા નોકરી કરવાની ફરજ પાડે એમાં આમ પ્રેક્ટીસ, સ્પર્ધા આ બધું કેવી રીતે શક્ય બને?

બસ કળાના પેશન સાથે જીવતા કરોડો ભારતીયોનો અવાજ છે ગલી બોય. એમની મુશ્કેલીઓનો અરીસો છે ગલી બોય. એવા કરોડો ગલી બોય્ઝ આપણા દેશમાં વસે છે જે પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ કરીને કાયમ પોતાની જાતને કહેતા હોય છે કે, “અપના ટાઈમ આયેગા!”

ટ્રીટમેન્ટ, એક્ટિંગ વગેરે...

ટ્રીટમેન્ટ બોલે તો રાપચીક એકદમ! ઝોયા અખ્તર એક એવી સર્જક છે જે ઝિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મોમાં ઉચ્ચ અને શ્રીમંત વર્ગની વાર્તા એટલીજ સરળતા અને સહજતાથી કરી શકે છે જેટલી ગલી બોય જેવા ગરીબ વ્યક્તિની અને તેના આસપાસના વાતાવરણની. મુંબઈની ધારાવીને આ ફિલ્મમાં ઝોયા અખ્તરે બરોબરની ઝીલી છે.

ગલીબોય ફિલ્મની સહુથી મોટી હકારાત્મક બાબત એ છે કે એમાં ઈમોશન્સ, ડ્રામા, ટ્રેજેડી, કોમેડી બધુંજ છે પણ ફિલ્મનો મુખ્ય ધ્યેય છે મ્યુઝિક અને એ પણ રેપ મ્યુઝિક અને એના પરથી ફિલ્મ એક સેકન્ડ માટે પણ હટતી નથી. ફિલ્મનું કોઇપણ દ્રશ્ય ઉપાડીને જુઓ તે કોઈને કોઈ રીતે મુરાદ અને તેના રેપ મ્યુઝિકના પેશન સાથે જોડાયેલું છે. નહીં તો કોઇપણ બોલિવુડ નિર્દેશક ફિલ્મ શરુ થયાના થોડા સમય બાદ સંગીતને બાજુમાં રાખીને નકામી રોમેન્ટિક કે પછી રોક્કળ વચ્ચે લાવી શકત, પણ ઝોયા અખ્તર એનાથી કિલોમીટર ના કિલોમીટર દુર રહ્યા છે.

ગલીબોયનું અત્યંત લોકપ્રિય થઇ ચૂકેલું ગીત, સોરી રેપ સોંગ ‘અપના ટાઈમ આયેગા’ પણ એકદમ યોગ્ય સમયે ફિલ્મમાં મુકવામાં આવ્યું છે જ્યારે દર્શક મુરાદના જીવન અને એના સંઘર્ષ સાથે એકદમ જોડાઈ ગયો હોય ત્યારેજ આ ગીત પડદા પર આવે છે અને પછી શું? હો હા, ફૂટ ટેપિંગ અને ચિચિયારીઓથી થિયેટરમાં બસ અવાજ જ અવાજ!

આ ઉપરાંત ફિલ્મના સંવાદોએ પણ રંગ રાખ્યો છે ખાસકરીને આલિયા ભટ્ટને મળેલા સંવાદો. આલિયા ભટ્ટ સામેવાળાને જવાબ આપવામાં માહેર છે એટલેકે જેને અંગ્રેજીમાં Witty કહેવાય એવી. એક બે વખત તો એના ડાયલોગ માથા પરથી જતા રહે છે પણ જ્યારે સમજાય છે ત્યારે મોજ પડી જાય છે. વત્તા રણવીર અને વિજય રાઝ વચ્ચે સપના અને હકીકત વાળો ડાયલોગ પણ બોલે તો જોરદાર છે! ખાસ જોજો. આવતા વર્ષના મોટાભાગના એવોર્ડ ફન્કશનમાં ગલી બોયને હાઇએસ્ટ નોમિનેશન્સ સંવાદો માટે ન મળે તો જ નવાઈ!

એક્ટિંગ વિષે ચર્ચા કરીએ એ પહેલા અહીં એક ખાસ વાત નોંધવા જેવી એ લાગે છે કે આ ફિલ્મ દ્વારા આપણને ખબર પડે છે કે મોટા શહેરોમાં રેપ અને હિપહોપનો કેટલો ક્રેઝ છે? અહીં ગલીએ ગલીએ રેપર્સ અને હિપહોપ કલાકારો હોય છે. રેપ મ્યુઝિકનું એક આખું કલ્ચર છે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં જ્યાં વખતોવખત રેપ મ્યુઝિકની ફાઈટ પણ થતી હોય છે સ્પર્ધા તો પાછી અલગ! આમ એક નવું ભારત પણ આ ફિલ્મમાં જોવા મળે છે.

એમ સી શેર તરીકે સિદ્ધાંત ચતુર્વેદીએ રણવીરની અદાકારીને ઉઠાવ આપવામાં મદદ કરી છે કારણકે ફિલ્મમાં મોટેભાગે રણવીરની સાથે આલિયા અથવાતો સિદ્ધાંત જ જોવા મળે છે. સિદ્ધાંત પોતે મસ્ત બમ્બૈયા હિન્દી બોલે છે અને ફિલ્મમાં રેપ મ્યુઝિકના ગુરુ તરીકે આપણા મન પર સ્થાપિત થઇ જાય છે. આવો જ એક મહત્ત્વનો પણ નાનો રોલ ભજવ્યો છે વિજય વર્માએ જે મોઈન બન્યો છે. રણવીરના મિત્ર તરીકે વિજયે અલગ અલગ શેડ્સ દેખાડ્યા છે. રણવીરની માતા તરીકે અમૃતા સુભાષ પણ પરફેક્ટ ફીટ છે.

ફિલ્મમાં ભલે રણવીર આલિયા વગેરેની મુખ્ય ભૂમિકા હોય પણ ટુકડે ટુકડે દેખાતા વિજય રાઝે ફરીથી કમાલ કરી દેખાડી છે. શરૂઆતમાં જ ધારાવીની ગલીયોમાં જે રીતે વિજયભાઈ ચાલે છે...ઓહોહો વટ પડી જાય છે હોં કે? આ ઉપરાંત રણવીર સાથે બે સીનમાં એમની ચર્ચા અને છેલ્લે ઈમોશન્સ... બધામાં વિજય રાઝે સો ટચના સોના જેવી ભૂમિકા કરી છે. જે કોઇપણ આ રિવ્યુ વાંચીને ફિલ્મ જોવા જાય તે રણવીર અને વિજય રાઝ વચ્ચે થતા ઝઘડાનો સીન જરૂર જુએ અને તેમાં વિજય રાઝની આંખોની અદાકારી તો ખાસ!

આલિયા ભટ્ટને અમસ્તા જ ટેલેન્ટનો ધમાકો નથી કહેતા. પઝેસીવ ગર્લફ્રેન્ડ અને માથાફરેલ છોકરી તરીકે આલિયાની એક્ટિંગ વિષે લખીએ તો કદાચ શબ્દો ઓછા પડી જાય એવું છે. અને આ માત્ર લખવા ખાતર જ નથી લખી રહ્યો. જ્યાં કોમિક ટાઈમિંગની જરૂર પડી છે ત્યાં અને જ્યાં ઈમોશન્સ બતાવવાની જરૂર પડી છે ત્યાં પણ આલિયાએ રંગ રાખ્યો છે. આલિયાની કરિયરની અત્યારસુધીની શ્રેષ્ઠ અદાકારીમાંથી આ એક હશે.

આવું તો આપણે રણવીર સિંગ માટે પણ કહી શકીએ. એક ટેલેન્ટેડ વ્યક્તિના માથા પર જ્યારે જનૂન સવાર થાય ત્યારે તે કઈ હદ સુધી જઈ શકે તેને રણવીર સિંગે બરોબર દેખાડ્યું છે. આમ ઉપરથી તેનું કેરેક્ટર શાંત છે એટલેકે ધીમું બોલે છે બહુ રાડો નથી પાડતો પણ તેમ છતાં ધારદાર એવમ અસરદાર છે. નાના બેકગ્રાઉન્ડમાંથી આવતા કૌશલ્ય ધરાવતા યુવાન તરીકે રણવીરે આખી ફિલ્મ પોતાને ખભે ઉપાડી લીધી છે. આગળ કહ્યું એમ તેના આલિયા ભટ્ટ અને વિજય રાઝ સાથેના દ્રશ્યો ખાસ જોવા જેવા છે.

છેલ્લે...

છેલ્લે ફિલ્મનો અંત જૂદી રીતે આપવામાં આવ્યો છે અને એમાં પણ રણવીર સિંગના ચહેરા પર સતત બદલાતા હાવભાવ ખાસ જોવા જેવા છે. તો હવે આટલા બધા વખાણ વાંચ્યા પછી એવું તો નહીં પૂછોને કે ગલી બોય જોવી જોઈએ કે નહીં?

૧૪.૦૨.૨૦૧૯, ગુરુવાર (વેલેન્ટાઈન્સ ડે)

અમદાવાદ