movie review saheb books and stories free download online pdf in Gujarati

મુવી રિવ્યુ – સાહેબ

“આ સાહેબની નોકરી ન કરાય”

લગભગ દોઢ મહિનાથી જે ફિલ્મની સોશિયલ મિડીયામાં ભરપૂર પબ્લીસીટી કરવામાં આવી હતી તે મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબ આજે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ અંગે ઘણી હાઈપ ઉભી કરવામાં આવી હતી કારણકે ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછી વખત રાજકારણના વિષયને સ્પર્શ કરવામાં આવે છે અને સાહેબે એટલીસ્ટ એક કરવાની હિંમત કરી દેખાડી છે.

મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી

લેખક: પરેશ વ્યાસ

નિર્માતાઓ: સાગર શાહ, આશી પટેલ અને મલ્હાર ઠાકર

નિર્દેશક: શૈલેશ પ્રજાપતિ

રન ટાઈમ: 141 મિનીટ્સ

કથાનક: મલ્હાર (મલ્હાર ઠાકર) નિશ્ફીકર યુવાન છે. આમ તો મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે પરંતુ શહેરની મોંઘી સેલ્ફ ફાઇનાન્સ્ડ મેનેજમેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ ભણે છે. અહીં જ તેને રજીસ્ટ્રારની (કઈ યુનિવર્સીટીના? એનો ફોડ પાડવામાં આવ્યો નથી) પુત્રી મહેક (કિંજલ રાજપ્રિયા) સથે પ્રેમ થઇ જાય છે. મલ્હારના બધાજ સિક્રેટ તેની પડોશી અને તેની હમઉમ્ર પૂર્વી જાણતી હોય છે. પૂર્વી મલ્હારને કદાચ પ્રેમ પણ કરતી હોય છે.

એક દિવસ મલ્હાર ગત વર્ષે તેની કોલેજમાં પ્લેસમેન્ટ દ્વારા પંદર લાખનું પેકેજ મેળવનાર યુવાનને રસ્તામાં મળે છે અને ખબર પડે છે કે તેને એ કંપનીએ માત્ર છ મહિનામાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. પછી તો મલ્હાર આ તપાસમાં ઊંડો ઉતરે છે અને પોતાની જ કોલેજના એવા અસંખ્ય યુવાનોને મળે છે જેમણે કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી મેળવી હતી અને છ મહિનામાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

મલ્હાર મહેક અને તેના અન્ય મિત્રો સાથે મળીને એક પ્લાન બનાવે છે. મલ્હાર પ્લેસમેન્ટ સમયે ખોટા કાગળિયાં બનાવીને એ કંપનીની ફાઈલમાં ગોઠવી દે છે. ત્યારબાદ જ્યારે કંપની મલ્હારને નોકરી આપે છે ત્યારે મલ્હાર તે કંપનીનો ભાગીદાર બની ગયો હોવાનું તેમને કહે છે કારણકે એ કંપનીના અધિકારીઓએ એ જ કોન્ટ્રેક્ટ પર સાઈન કર્યા હતા જેને મલ્હાર અને તેના મિત્રોએ તેમની ફાઈલમાં ગોઠવ્યા હતા.

વાત કોલેજ મેનેજમેન્ટ સુધી પહોંચે છે અને મલ્હારને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે. મલ્હારની કોલેજ રાજ્યના ગૃહમંત્રીની હોય છે જેને રાજ્યના મુખ્યમંત્રી સચિન મજમુદાર (અર્ચન ત્રિવેદી) સીધું સમર્થન આપતા છે. પત્રકાર સૌમિત્રની (નિસર્ગ ત્રિવેદી) સલાહથી મલ્હારના મિત્રો આગલા સેમિસ્ટરની ફી ભરવાનો ઇનકાર કરીને મલ્હારને કોલેજમાં પરત લેવા મેનેજમેન્ટ પર દબાણ લાવે છે. વિવાદ બહુ આગળ ન વધે તે માટે મુખ્યમંત્રી મલ્હારને કોલેજમાં પરત લઇ લેવાની સલાહ આપે છે.

પરંતુ આ જ સમયે મલ્હારની બાળપણની સખી અને પડોશી પૂર્વી આત્મહત્યા કરી લે છે. મલ્હાર તેના મૃત્યુની તપાસ કરાવે છે જેમાંથી ખબર પડે છે કે પૂર્વી અને તેના જેવા અસંખ્ય એવા વિદ્યાર્થીઓ છે જેમના પણ ડોનેશનનું દબાણ લાવવા તેમની કોલેજોએ એક કે બે માર્ક્સ માટે તેમની કોલેજોએ કાઢી મૂક્યા હતા.

મલ્હાર પોતાની કોલેજના કોન્વોકેશનમાં આવેલા મુખ્યમંત્રી સમક્ષ પોતાની ડિગ્રી સળગાવી દે છે અને પોલીસ તેને પકડી લે છે. બસ અહીંથી એક મેનેજમેન્ટ વિદ્યાર્થી મલ્હારની રાજકીય કારકિર્દી અચાનક જ શરુ થઇ જાય છે જે છેવટે....

ટ્રીટમેન્ટ વગેરે...

એવી ઘણી ફિલ્મો જોઈ છે જે અઢી કલાકથી પણ લાંબી હોય તો પણ ક્યારે પૂરી થઇ જાય તેની ખબર નથી પડતી જ્યારે એવી ફિલ્મો પણ જોઈ છે જેના બે કલાક પણ માંડ પસાર થાય. સાહેબ બીજા પ્રકારની ફિલ્મ છે. કથાનક નબળું, સ્ક્રિપ્ટ નબળી, અદાકારી અતિશય નબળી, ફિલ્મ બનાવનારાઓને દેશના બંધારણનું અતિશય નબળું જ્ઞાન આ બધુંજ ફિલ્મને તરવાની પહેલાજ ડુબાડી દે છે.

ગુજરાતી ફિલ્મો રાજકારણના વિષય પર બહુ ઓછી બને છે, બલકે આ વિષય પર અગાઉ કોઈ ફિલ્મ બની હોય એવું ધ્યાનમાં પણ નથી આવતું અને ગુજરાતી ફિલ્મોનો રાજકારણ પરનો પ્રથમ પ્રયાસ જ એટલો નબળો છે કે તેની ડિપોઝીટ જપ્ત થઇ જાય છે! હા જો ગુજરાતી ફિલ્મોએ આ ફિલ્મથી રાજકારણના વિષયને પહેલીવાર સ્થાન આપ્યું છે તો તેની પ્રથમ કિસ ને પણ પહેલીવાર સ્થાન આપ્યું છે. પણ એ કિસ, જે ફિલ્મના હિરો હિરોઈન દ્વારા ફિલ્મમાં બે વખત કરવામાં આવે છે એ ન હોત તો પણ ફિલ્મને કોઈજ ફરક પડવાનો ન હતો.

બીજી વખતની કિસ ને એક ટીવી લાઈવ ડિબેટમાં મુદ્દો બનાવવામાં આવે છે પરંતુ આ મુદ્દો જ એટલી નબળી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે તેની કોઈજ અસર દેખાતી નથી.

મલ્હાર ઠાકરને એક તરફ મધ્યમવર્ગીય કુટુંબનો છોકરો દેખાડવામાં આવ્યો છે, પણ જ્યારે તે વિદ્યાર્થી નેતા બની જાય છે ત્યારે અચાનક જ એની ગર્લફ્રેન્ડ તેને બાઈક અપાવે છે, મોંઘીદાટ ભેટ આપે છે...વળી બાકીની ફિલ્મમાં મલ્હાર સૌમિત્ર એટલેકે નિસર્ગ ત્રિવેદીની બાઈક પાછળ બેસીને ફરતો દેખાડવામાં આવ્યો છે!

પદવીદાન સમારંભ જ્યાં મલ્હાર પોતાની પહેલી રાજકીય કમેન્ટ કરે છે, આ દ્રશ્ય એટલું ફ્લેટ જાય છે કે તેના અંગે કોઈજ કમેન્ટ કરવી યોગ્ય નથી લાગતી. ખરેખર તો આ દ્રશ્ય ડંકે કી ચોટ પર દેખાડવામાં આવવું જોઈતું હતું પરંતુ સમગ્ર ફિલ્મની જેમ આ અતિશય મહત્ત્વનું દ્રશ્ય દર્શક સાથે કનેક્ટ નથી કરતું. એક દ્રશ્યમાં મલ્હારનું અપહરણ કરીને તેને કચ્છના રણમાં લઇ જવામાં આવે છે, જ્યાં ઘુડખરની વાતો કરવામાં આવે છે, પણ એ સમયે મલ્હાર કહે છે કે જો હું ત્રીસ મિનીટમાં મારા મિત્રોને ન મળ્યો, એટલેકે અમદાવાદમાં, તો આમ થશે અને તેમ થશે. ભાઈ કચ્છથી માત્ર ત્રીસ મિનિટમાં અમદાવાદ કોણ લઇ આવે?

ચાલો આ તો થઇ લેખકની કે પછી કલાકારોની કલ્પનાશક્તિની વાત, પરંતુ જ્યારે તમે વિષયની ટેક્નિકલ સાઈડ પર આવો છો ત્યારે તમારે જરાક હોમવર્ક તો કરવું જોઈએને? કોઇપણ બિલ્ડીંગ પર તમે ‘વિધાનસભા’નું પાટિયું મારી દો એટલે અમારે સમજી લેવાનું કે એ વિધાનસભા છે? ચાલો એ પણ ચલાવી દીધું પરંતુ ફિલ્મમાં જે વિધાનસભા દેખાડવામાં આવી છે તેનાથી તો કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સભાગૃહ વધુ ભવ્ય હશે.

જ્યારે રાજકારણની ટેક્નીકલ એટલેકે બંધારણ સાથે જોડાયેલી વાત તમે આવડી મોટી ફિલ્મમાં કરતા હોવ ત્યારે કોઈ બંધારણના નિષ્ણાતને મળી લેવું સલાહભર્યું હોય છે. ફિલ્મમાં બે મસમોટા લોસ્મોચા છે. વિપક્ષ રાજ્યપાલ પાસે જઈને સરકાર પર અવિશ્વાસની દરખાસ્તની માંગણી કરે છે. જ્યારે ખરેખર તો આ બાબતે વિધાનસભાના અધ્યક્ષને નોટીસ આપવાની હોય છે.

તેનાથી તદ્દન વિરુદ્ધ જ્યારે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ હારી જાય છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ સરકારને ‘તાત્કાલિક અસરથી બરતરફ’ કરે છે! ઓહ માય ગોડ!! આટલો મોટો લોચો? મુખ્યમંત્રી હોય કે વિપક્ષના નેતા ફિલ્મમાં બધાજ બધીજ ઘટનાઓને અત્યંત સરળતાથી લઇ રહ્યા છે. જ્યારે સાચી દુનિયામાં કોઇપણ સરકારને જ્યારે વિશ્વાસ કે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવાનો આવે ત્યારે વાતાવરણ અત્યંત ગંભીર હોય છે.

અદાકારીની વાત કરીએ તો ફિલ્મના ચાર મુખ્ય કલાકારો છે એમાંથી કિંજલ રાજપ્રિયાને ભાગે મુખ્ય મહેમાનનું જ કામ આવ્યું છે. એટલેકે બે ચાર દ્રશ્યો, બે ચાર ડાયલોગ અને બે કિસ! એમાંય શરૂઆતના અમુક દ્રશ્યોને બાદ કરતા આખીયે ફિલ્મમાં મૂંગા રહ્યા બાદ અચાનક જ કિંજલને ડાયલોગ બોલવાના આવ્યા છે.

નિસર્ગ ત્રિવેદી ગુજરાતી ટેલિવિઝનના બહુ જાણીતા કલાકાર છે અને થોડી ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તેમણે અન્ડર ટોન જાળવ્યો છે પરંતુ સંવાદ બોલતી વખતે થોડીવાર માટે કાઠીયાવાડી અને થોડીવાર લગભગ શુદ્ધ શહેરી ગુજરાતી બોલે છે ત્યારે થોડું કઠે છે.

અર્ચન ત્રિવેદીને ભાગે આ વખતે લાંબો રોલ આવ્યો છે. એક કરપ્ટ અને ક્રૂર મુખ્યમંત્રી તરીકે અર્ચન ત્રિવેદી દેખાય છે તો સારા પણ જામતા નથી. કદાચ તેમની ઓન સ્ક્રિન અને ઓફ ધ સ્ક્રિન સારી ઈમેજ અને સ્વભાવ અહીં નડી ગયો છે. એમનો પ્રયાસ જરૂર સારો છે પણ વાત ખરેખર જામતી નથી.

મલ્હાર ઠાકરે ખરેખર છ-આઠ મહિના બ્રેક લેવાની જરૂર છે. દર એક દોઢ મહીને એની ફિલ્મો આવી રહી છે જે દર્શકોમાં એના વિરુદ્ધ fatigue ઉભો કરી ચૂક્યો છે. મલ્હારની કોમિક ટાઈમિંગ બેશક જબરદસ્ત છે પરંતુ તેને દર દોઢ મહીને જોવાથી હવે પહેલા જેવી મજા નથી આવતી. એક સિરિયસ ભૂમિકામાં મલ્હારે મહેનત જરૂર કરી છે પણ એ સ્ક્રિન પર દેખાઈ આવે છે, એટલેકે એ એક્ટિંગ કરી રહ્યો છે એ દેખાય છે. જો મલ્હારે હવે તેની કારકિર્દીને બચાવવી હશે તો એક મોટો બ્રેક લઇ લેવો જોઈએ.

છેલ્લે...

સાહેબ એક અત્યંત બોરિંગ અને અતિશય લાંબી ફિલ્મ છે જેમાં મુખ્ય કલાકારો સહીતના કલાકારોની એક્ટિંગ વધુ બોર કરે છે. મુખ્ય કલાકારો પણ ઘણીવાર સારી છાપ છોડવામાં થાપ ખાઈ ગયા છે. ગુજરાતી ફિલ્મોને સમર્થનની જરૂર ખરી પણ સારી ગુજરાતી ફિલ્મોને. ગુજરાતી ફિલ્મોના પુનરોદ્ધારને લગભગ એક દાયકો થવા આવ્યો છે એટલે હવે દરેક ગુજરાતી ફિલ્મની નાની મોટી ભૂલોને માફ કરીને તેને જોવી જ જોઈએ તેવો ફોર્સ ગુજરાતી દર્શકોને ન પાડવો જોઈએ.

૦૮/૦૨/૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED