હેશટેગ લવ ભાગ - ૧૦ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ ભાગ - ૧૦

"હેશટેગ લવ" ભાગ -૧૦

બીજા દિવસે અજયને મળવાનું હતું અને એટલે જ હું વહેલી સુવા માટે રૂમમાં ચાલી આવી પણ મને આખી રાત ઊંઘ જ ના આવી, કેટ કેટલાય વિચારોએ મારા મગજ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. "અજય કેવો હશે ? શું એને પણ મારા પ્રત્યે પ્રેમ હશે ? એને શું ગમતું હશે ? શું હું એને પસંદ આવીશ ? અત્યાર સુધી તો અમે અચાનક જ મળ્યા. પણ અમારી આ મુલાકાત તો બન્નેની મરજી દ્વારા યોજાવવાની છે. શું થશે આ મુલાકાતમાં ?" નીંદ પણ નહોતી આવતી. પડખા બદલી બદલીની હું બેડ ઉપર આળોડી રહી હતી. શોભના લોકો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે મેં સુવાનું ખોટું નાટક જ કર્યું. એમને મને સુતેલી સમજી વાતો કર્યા વગર સુઈ જ ગયા. પણ હું તો અજયના વિચારોમાં ખોવાયેલી હતી. ખબર નહિ રાત્રે કેટલા વાગ્યા હશે. પણ એટલું ચોક્કસ યાદ હતું કે મોડા સુધી હું જાગતી જ પડી રહી. આંખો બંધ કરતા અજયનો ચહેરો આંખો સામે આવતો. શોભનાના ઝીણા નસકોરા પણ બોલવાના શરૂ થઈ ગયા હતાં. વિચારોમાં ખોવાયેલી હું ક્યારે સુઈ ગઈ એ મને ખુદ ને ખબર ના રહી.. પણ સવારે જ્યારે ઉઠી ત્યારે ઊંઘ પુરી ના થયાનો અહેસાસ થવા લાગ્યો. શરીરમાં થોડી બેચેની લાગવા લાગી. આંખોમાં થોડી લાલાશ હતી.
        આજે નાહવામાં પણ મેં થોડો વધુ સમય લીધો. તૈયાર થવામાં પણ મેં આજે સમય લગાવ્યો. મને ગમતો પર્પલ ડ્રેસ આજે મેં મુંબઈ આવ્યા બાદ પહેલીવાર પહેર્યો. સુસ્મિતાએ મને જોઈને કહ્યું પણ ખરું :
"આજે કઈ ખાસ છે ડિયર ? આજે તો ચહેરા અને કપડાં ઉપર ચમક ચમક થઈ રહી છે ?"
"ના, ના કઈ નહિ. બસ એમ જ. કોલેજમાં આજે એક નાનું ફંક્શન છે એટલે થોડી તૈયાર થઈ છું."
મેં ફંક્શનનું બહાનું કાઢી મારો બચાવ કર્યો. અને સાથે મેઘનાને પણ કૉલેજ છૂટ્યા બાદ મારી રાહ ના જોવાનું જણાવી દીધું.
તૈયાર થઈ કૉલેજ તરફ હું અને મેઘના ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં મારી નજર અજયને શોધી રહી હતી. હું જાણતી હતી કે આ સમયે અજય અહીંયા ના હોય શકે તેમ છતાં મનમાં થયાં કરતું કે "કાશ ! અજય ક્યાંક રસ્તે જતાં કે આસપાસ દેખાઈ જાય." પણ કૉલેજ પહોંચતા એ વિચાર માત્ર વિચાર જ રહી ગયો.
લેક્ચરમાં પણ આજે મન નહોતું લાગતું. કેમ કરી સમય જલ્દી નીકળે એની જ રાહ જોઇને હું બેઠી હતી. આજે સમય પણ જાણે, જાણી જોઈને મને હેરાન કરી રહ્યો હોય એમ લાગવા લાગ્યું. એક એક મિનિટ જાણે એક એક કલાક જેવી થઈ પડી. સુજાતાએ જાણે મારા ચહેરાનો ભાવ વાંચી લીધો હોય એમ વારે વારે મારી સામે જ જોતી હતી. અને હું એનાથી નજર બચાવતી. કલાસ પૂરાં થતાં હું લાઈબ્રેરી તરફ ચાલવા લાગી.   થોડીવાર ત્યાં બેસી અને સમય પસાર કર્યો. બરાબર ૧:૩૦ નિર્ધારિત કરેલા સમયે હું બહાર નીકળી. અજય થોડે દૂર સ્કૂટર ઉપર જ બેસી રહ્યો હતો. હું એની પાસે ગઈ. એને મારી સામે જોઈ મીઠા હાસ્ય સાથે કહ્યું. :
"સ્કૂટર પર બેસવું છે કે પછી અહીંયા જ ઊભા રહેવું છે ?"
"ક્યાં જઈશું ?" મેં એના હાસ્યનો જવાબ હાસ્યથી આપી પૂછ્યું.
"એકવાર બેસો તો ખરાં ! આ રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જઈશું !"
અજયે એના રમૂજ અંદાઝમાં જવાબ આપ્યો. હું પણ થોડું હસી એના સ્કૂટર પાછળ બેસી ગઈ. એને સ્કૂટર હંકાર્યું.  અજય અજાણી વ્યક્તિ હોવા છતાં મને હવે એના ઉપર વિશ્વાસ આવી ગયો હતો. એ ક્યાં લઈ જાય છે એની મને ખબર નહોતી, પણ મને એના સ્કૂટરની પાછળની સીટ પર બેસીને જવું ગમી રહ્યું હતું.  વિસ મિનિટ જેવો રસ્તો પસાર કર્યા બાદ અજયે સ્કૂટર એક હોટેલ આગળ ઊભું કર્યું. જમવા માટે.
આજે પણ એને મને મારી પસંદનું જ જમવાનું ઓર્ડર કરવાનું કહ્યું. પણ મેં એને કહ્યું :
"તમે દર વખતે મારી જ પસંદનું જમવાનું ઓર્ડર કરશો તો તમારી પસંદ હું કેમ જાણી શકીશ ?"
"પસંદ તમારી હોય કે મારી શું ફેર પડે છે ? અને તમે જે મંગાવશો એ મારી પસંદ નહિ હોય તો પણ બની જ જશે."
એનો જવાબ સાંભળી મારે હવે કઈ બોલવાનું જ ના રહ્યું છતાં મેં એને કહ્યું :
"તો આજે તમે તમારી પસંદનું જમવાનું ઓર્ડર કરો. આજે તમારી પસંદને હું મારી પસંદ બનાવીશ !"
મારી સામે એક હાસ્ય રેલાવી મારી આગળ પડેલું મેનુ એને પોતાના હાથમાં લીધું. અને એક પછી એક વાનગીઓ વાંચી મને પૂછવા લાગ્યો. "આ તમને ફાવશે ?" મેં બધાના જવાબ "હા" માં જ આપ્યા. એને ઓર્ડર કર્યો. ઓર્ડર અજયે કર્યો પણ પસંદગી મારી જ બની ગઈ. અજયનો આ ગુણ પણ મને ઘણો આકર્ષી ગયો. એ મારું ગમતું કરવા માંગતો હતો.
જમતાં જમતાં એને પોતાના પરિવારની વાત કરી. તેના  પપ્પાનો કારોબાર અહીંયા સેટ થઈ ગયેલો હતો. પોતે કમ્પ્યુટર એન્જીનયર હોવાના કારણે એ પણ સારું કામાઈ લેતો. ગુજરાત સાથે તેને ઘણો લગાવ હતો. પણ એને ખાસ ત્યાં જવાનું નહોતું થતું. કેટલીક ગુજરાતની જગ્યાઓ જે એને જોઈ હતી અને મેં પણ. એ જગ્યાઓ અને એ વિસ્તાર વિશે અમે બન્નેએ વિસ્તૃત ચર્ચા કરી. જમ્યા બાદ શું કરવું એની પણ ચર્ચા થઈ. મને મુંબઈનો ખાસ ખ્યાલ નહોતો એટલે ક્યાં જવું એ અંગે અજયને જ નિર્ણય લેવાનું કહ્યું. 
અજયે નજીકમાં જ બાંદ્રા બેન્ડસ્ટેન્ડ જવા વિશે મને પૂછ્યું ? મને એ જગ્યાનો બહુ અંદાઝો નહોતો પણ સુસ્મિતા પાસે એકવાર એ જગ્યાનું નામ સાંભળવા મળ્યું હતું. એટલે મેં ત્યાં જવા કહ્યું. હોટેલથી અજયના સ્કૂટર પાછળ બેસી બાંદ્રા બેન્ડસ્ટેન્ડ જવા માટે નીકળ્યા. 
 મેં ક્યારેય સપનમાં પણ વિચાર્યું નહોતું કે મુંબઈમાં જઈને મારા જીવનમાં એવો પણ દિવસ આવશે જ્યાં હું કોઈના સ્કૂટર પાછળ બેસી અને ત્યાંની સડકો ઉપર ફરતી હોઈશ. મુંબઈ આવ્યા પહેલા મેં નક્કી કર્યું હતું કે હું મારું બધું જ ધ્યાન ભણવામાં રાખીશ. પણ અહીંયા આવીને તો મારું જીવન જ બદલાઈ ગયું. શોભના સુસ્મિતા અને મેઘના જેવી રૂમમેટ સાથે આટલી સહજતાથી ભળી ગઈ. અજય સાથે થયેલો પહેલો ટકરાવ અને ત્યારબાદ તેને મળવાની જાગેલી તાલાવેલીથી લઈને એના સ્કૂટર પાછળ બેસવાની ક્ષણો સુધીનું મારું જીવન સાવ બદલાયેલું લાગવા લાગ્યું. "હું""હું" ના રહી. નડીઆદથી જે કાવ્યા મુંબઈ માં આવી હતી એ કાવ્યા મુંબઈમાં પ્રવેશી મુંબઈના રંગમાં જ ભળવા લાગી. સાચા ખોટાનું કંઈજ ભાન રાખ્યા વગર હું અજયના સ્કૂટર પાછળ બેસવાની એ ક્ષણોને માણી રહી હતી.
બપોરના ત્રણ વાગ્યા હતાં. પણ મુંબઈની સડકોને ના તાપ લાગતો ના થાક. હાંફતી દોડતી એ સડકો ઉપર માણસો યંત્રવત થઈ દોડી રહ્યાં હતાં. બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્કુટરને બ્રેક વાગતાં મારું માથું અજયની પીઠ પર ભટકાયું. હું મારા વિચારોમાંથી બહાર નીકળી.
"ચાલો મેડમ આવી ગયું બાંદ્રા બેન્ડસ્ટેન્ડ"
અજયે નામ લેતા હું આસપાસનો નજારો જોવા લાગી. સામે અફાટ દરિયો વહી રહ્યો હતો અને લોકો એ દરિયા કિનારે આસપાસ આનંદ માણી રહ્યાં હતાં. અમે બંને પણ દરિયા તરફ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં આજુબાજુ નજર નાખી તો મરીન ડ્રાઈવની જેમ અહીંયા પણ પ્રેમી પંખીડાઓ પોતાનો પ્રેમાલાપ આલોપી રહ્યાં હતાં. પણ આજે મને એ લોકો વિશે કઈ ખાસ મનમાં લાગ્યું નહિ. હું પણ મારી જાતને અજય સાથે અહીંયા આવી એ લોકોમાં મુકવા લાગી. "જો અજય સાથે આમ જ મુલાકાતો ચાલતી રહી તો એ દિવસ દૂર નથી જ્યારે હું અને અજય પણ આ જગ્યાએ આ પ્રેમી યુગલોની માફક જ બેઠા હોઈશું." મનોમન આમ વિચારી હું ચાલી રહી હતી. અજય કઈ બોલ્યા વિના જ આગળ ચાલવા લાગ્યો. થોડું ચાલી એક પથ્થર ઉપર અમે બન્ને બેઠા. 
"તમને ગમે છે આવી પ્રકૃતિ ?"
અજયે મને દરિયા સામે નજર કરતાં પૂછ્યું.
મેં જવાબ આપ્યો "હા, ખૂબ જ"
"મને પણ આ દરિયા કિનારે આવીને એકલા બેસી રહેવું ખૂબ જ ગમે છે." એ વાત મારી સાથે કરતો હતો પણ એની નજર દરિયામાં દૂર દૂર સુધી મંડાયેલી હતી અને મારી નજર એના ચહેરા ઉપર.
"ઓહઃ ! તો આજે મેં તમારી એકલતામાં ભંગ પડાવ્યો એમ ને ?" મેં કહ્યું.
એને મારી સામે જોઈ જવાબ આપ્યો : "ના ! ના ! એવું કંઈ નથી. એ તો જ્યારે  એકલા હોઈએ ત્યારે એકલતાનો આનંદ લૂંટવાનો, અને જ્યારે કોઈનો સાથ હોય ત્યારે એ ક્ષણોનો આનંદ માણવાનો. એકલતા અને સાથ બંને અલગ અલગ છે. ક્યારેક ક્યારેક એકલતા ડંખવા પણ લાગે છે. અને ક્યારેક કોઈકના સાથની આદત પણ પડી જતી હોય છે."
"મારી આદત તો નહીં પડી જાય ને ?" એમ પૂછવાની મારી ઈચ્છા હતી પણ મેં મારી જાતને એ પૂછતાં રોકી લીધી અને કહ્યું : "તમને કોઈના સાથની આદત નથી પડી ?"
"ના, અત્યાર સુધી તો નથી જ પડી."
"અત્યાર સુધી મતલબ ? હવે કોઈની પડી ગઈ છે કે શું ?"
"હા, લાગે છે તો એવું જ લગભગ."
"ઓહોં કોણ છે એ ?"
મારી સામે જોઈ એ હસવા લાગ્યો, મેં શરમથી મારી નજર નીચી ઝુકાવી લીધી. હું જાણતી જ હતી કે એ મારું જ નામ લેવાનો છે. છતાં મારે એના મોઢેથી સાંભળવું હતું.
"ખોટું નહિ કહું. જ્યારથી તમે મળ્યા છો તમારી આદત લાગી ગઈ છે. તમને મળવાનું મન વારંવાર થાય છે. કેમ એ ખબર નથી ! અત્યાર સુધી રોજની ભાગદોડમાં ક્યારેય આ બધું વિચારવાનો સમય જ નહોતો મળ્યો. કે પછી કોઈ એવું મળ્યું જ નહીં જેને જોઈને દિલમાં કંઈક લાગણી જન્મે. પણ જ્યારથી તમે મળ્યા. મને એમ સતત થયા કરે છે કે હું તમને ઓળખું છું, આજથી નહિ વર્ષો થી, તમારી સાથે મારો કોઈ જૂનો સંબંધ છે. જાણું છું કે મુંબઈમાં આપણી પહેલી મુલાકાત છે તે છતાં મને આમ થયા કરે છે. તમને જોઈને દિલમાં એક અલગ જ લાગણીનો જન્મ થાય છે. રોજ રાત્રે તમારા વિશે જ મોડા સુધી વિચાર્યા કરું છું."
અજય બોલી રહ્યો હતો અને હું મારું માથું ઝુકાવી એને સાંભળી રહી હતી. 
"ખબર નહી તમારા દિલમાં મારા માટે શું ભાવના હશે ? પણ મારા મનમાં રહેલી વાતો મેં તમને જણાવી દીધી છે. હજુ તમારા વિશે હું કંઈજ વધુ નથી જાણતો. છતાં મારા મનમાં રહેલું બધું જ મેં તમારી આગળ ઠાલવ્યું છે. મને ખોટો ના સમજતાં. મેં ફક્ત મારી ભાવનાઓ તમારી સામે વ્યક્ત કરી છે. આગળ તમે જેમ કહેશો એમ."
મારા મનમાં રહેલી ભાવનાઓ જાણે અજય વ્યક્ત કરતો હોય એમ લાગી રહ્યું હતું. હું મનોમન ખુશ હતી કે મારા દિલમાં જે ભાવના જાગી હતી એ અજયના દિલમાં પણ હતી. બસ હવે મારે અજયની ભાવનાઓ સાથે મારી ભાવનાઓ જોડીને એક મહોર લગાવવાની હતી. મેં અજયની આંખોમાં જોયું તો એની આંખોમાં મને મારા માટે જન્મેલો પ્રેમ નજર આવ્યો. હું કઈ બોલી શકી નહીં પણ મારા હાથને અજયના હાથમાં આપી મારી સહમતી દર્શાવી. અજયે મારા હાથને તેના બંને હાથથી દબાવી તેનું કપાળ મારા કપાળ સાથે સ્પર્શ કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી.  થોડીવાર સુધી અમે બને એકબીજામાં ખોવાયેલા એ પથ્થર ઉપર જ બેસી રહ્યાં. 
 સાંજ થવા જઈ રહી હતી. મારે હોસ્ટેલ પહોંચવાનું હતું. એટલે મેં અજયને હોસ્ટેલ જવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરી ક્યારે મળીશું એનું આયોજન કરવા લાગ્યા. દસ દિવસ અજયને એક કામ માટે પુણે જવાનું હતું.  એટલે દસ દિવસ પછી ૧૨મી જૂને અમે કૉલેજની બહાર જ મળી અને પછી આ સ્થળે આવવાનું નક્કી કરી હોસ્ટેલ જવા રવાના થયા.
 
હોસ્ટેલથી થોડે દૂર મને ઉતારી અજય એના ઘર તરફ જવા રવાના થયો. હું હોસ્ટેલ પહોંચી ત્યારે સાડા છ થવા આવ્યા હતા. હું ગેટની અંદર પ્રવેશી સીડીઓ ચઢવા જતી જ હતી ત્યાં મને પાછળથી અવાજ આવ્યો.
"એ લડકી !"
મેં પાછું વળીને જોયું તો પ્યુન મને કહી રહ્યો હતો.
"તુમ્હે મેડમને ઓફિસમેં બુલાયા હૈ."
પ્યુનના કહેવાથી મારા શરીરમાં ધ્રુજારી આવી ગઈ. મનમાં થવા લાગ્યું કે "મને અને અજયને કોઈ જોઈ ગયું હશે અને મેડમને જણાવી દીધું હશે તો ? આ વિચારોમાં મારા પગ પાછા ફરતાં ઘભરાઈ રહ્યાં હતાં. પણ મેડમનો સામનો તો કરવો જ પડે એમ હતો, બીજો કોઈ રસ્તો નહોતો. હું ધ્રુજતા કદમોએ ઓફીસ તરફ ચાલવા લાગી.
(શું કાવ્યા અને અજયનો પ્રેમ સાર્થક થશે ? મેડમે કાવ્યાને ક્યાં કારણથી પોતાની ઓફિસમાં બોલાવી હશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ"ના હવે પછીના રોમાંચક પ્રકરણો)
લે. નીરવ પટેલ "શ્યામ"