હેશટેગ લવ ભાગ -૧૧ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ ભાગ -૧૧

"હેશટેગ લવ" ભાગ -૧૧
જેમતેમ કરી હું મારા કદમ મેડમના કેબીન તરફ લઈ ગઈ. "મેં આઈ કમીન મેમ" કહી મેં ઓફિસમાં જવાની પરવાનગી માંગી. મેડમે પોતાની આંખ ઉપર રહેલા ચશ્મા નીચા કરી મને ઈશારાથી અંદર આવવાનું કહ્યું. મેડમે પોતાના હાથમાં રહેલી પેન નીચે મૂકી અને મારી તરફ જોવા લાગ્યા અને કહ્યું :
"તુમ્હારે ઘર સે, તુમ્હારે પાપા કા ફોન આયા થા, મગર તુમ નહિ થી, તો ઉન્હોને બોલા હે તુમ્હે ફોન કરને કે લીએ." 
આટલું બોલી મેડમેં ટેબલ પર રહેલી પેન હાથમાં લઈ લીધી. મને મનમાં થોડી શાંતિનો અનુભવ થયો. હું "જી મેડમ, મેં અભી STD જાકે ફોન કરતી હું." કહી ઓફિસની બહાર નીકળી, ઉપર મારા રૂમમાં ચાલી ગઈ. પપ્પા આ સમયે તો બેંકમાં નહીં હોય, પણ અમારા ઘરથી થોડે દૂર ગોરધનકાકાના ઘરે ફોન હતો. પપ્પાએ મને ડાયરીમાં એમનો લેન્ડલાઈન નંબર લખી આપ્યો હતો. અને જ્યારે ખાસ જરૂર પડે ત્યારે એ નંબર પર ફોન કરવા કહ્યું હતું. મેં મારા કબાટમાંથી ડાયરી બહાર કાઢી. એક કાગળમાં નંબર લખ્યો. પર્સ લીધું અને STD તરફ ચાલવા લાગી. 
   રસ્તા પર અંધારું પથરાઈ ગયું હતું. મુંબઈના રસ્તા રાત્રે પણ હર્યા ભર્યા રહેતાં. એટલે અહીંયા એકલા જવામાં ડર લાગવાનો પ્રશ્ન જ નહોતો. STD પહોંચી ત્યાં થોડી ભીડ હતી. મારો નંબર આવવાની રાહ જોતાં વિચારવા લાગી : "પપ્પાને શું કામ હશે તો હોસ્ટેલ પર ફોન કર્યો હશે ? ઘરે બધું ઠીક તો હશે ને ? કદાચ મેં ઘણાં દિવસથી ઘરે ફોન જ નથી કર્યો એટલે કદાચ પપ્પાને ચિંતા થઈ હશે ?" પ્રશ્નો ઉદ્દભવી રહ્યાં હતાં ત્યાં જ મારો નંબર આવી ગયો. હાથમાં રહેલી ચિઠ્ઠી મેં કાઉન્ટર ઉપર બેઠેલા અંકલને આપી, હું ટેલિફોન બુથમાં ગઈ ફોન ઉઠાવ્યો. સામા છેડેથી ગોરધનકાકાનો અવાજ આવ્યો. મેં મારા પપ્પાને બોલાવવા માટે એમને વિનંતી કરી. અને દસ મિનિટ બાદ ફોન કરવાનું કહ્યું. થોડીવાર માટે હું બુથની બહાર નીકળી. ગોરધનકાકાનું ઘર મારા ઘરથી થોડે જ દૂર હતું એટલે પપ્પા તરત જ આવી જવાના હતાં. દસ મિનિટ બાદ કાઉન્ટર ઉપર બેઠેલા અંકલને એજ નંબર પાછો લગાવવાનો કહી હું બુથમાં ગઈ.
આ વખતે રિંગ વાગતાં જ ફોન મારા પપ્પાએ ઉઠાવ્યો.
"કેમ છે કાવું ? બધું બરાબર તો છે ને ?"
"હા, પપ્પા બધું બરાબર છે." મેં અચકાતા સ્વરે કહ્યું.
"તો પછી બેટા, આટલા દિવસ થઈ ગયા, તો પણ તારો એક ફોન પણ નહીં ? પૈસા વપરાઈ ગયા હોય તો મનિઓર્ડર કરીને મોકલી આપું ?" પપ્પા ચિંતા ભર્યા સ્વરે મને પૂછ્યું.
પપ્પાના આ પ્રશ્નનો જવાબ મારી પાસે નહોતો. હું જ અજયમાં એટલી ખોવાઈ ગઈ કે મને પપ્પાને ફોન કરવાનું પણ યાદ ના રહયું. મને મારી જ ભૂલો પછતાવો થઈ રહ્યો હતો. પણ પપ્પાને જવાબ આપવાનો હતો માટે મેં કહ્યું ;
"પપ્પા, કૉલેજમાં આજે પ્રોગ્રામ હતો તો આવતા મોડું થયું, ભણવાનું થોડું અઘરું છે એટલે મહેનત કરું છે. અને એમાં જ ફોન કરવાનો રહી ગયો. સાંજે ફ્રી થઈને વિચારું તમને ફોન કરવાનું પણ એ સમયે તો તમે બેંકમાંથી નીકળી ગયા હોય. અને ગોરધનકાકાના ઘરે તો વારેવારે ફોન ના થઇ શકે ને ?"
પપ્પાએ મારો જવાબ સાંભળી કહ્યું :
"ભલે દીકરા, તું તારે ભણવામાં જ પૂરેપૂરું ધ્યાન આપ.  ફોન પણ તને જ્યારે સમય મળે ત્યારે કરજે. વાંધો નહિ. બીજી કોઈ જરૂર તો નથી ને અમારી ?"
"ના પપ્પા હમણાં તો કોઈ જરૂર નથી, મમ્મી કેમ છે ?"
"આ બાજુમાં જ ઊભી છે, લે આપું. એની સાથે વાત કર."
"હેલ્લો, કાવું. કેમ છે બેટા ?" 
ઘણાં દિવસો બાદ મમ્મીનો અવાજ કાને પડતાં મારી આંખોમાં પાણી છલકી આવ્યું. સામા છેડે મમ્મીની પણ આંખો ભીંજાયેલી હશે એવું એના અવાજ ઉપરથી હું કલ્પી શકતી હતી.  .
"હું ઠીક છું મમ્મી, તું કેમ છે ?" આંખો લૂછતાં મેં જવાબ આપ્યો.
"હું પણ ઠીક છું બેટા, તને ગમી તો ગયું ને ત્યાં ? કોઈ તકલીફ તો નથી ને ? અને જમવાનું બરાબર ફાવે છે ને ?"
મમ્મીએ એકસાથે જ ત્રણ ચાર પ્રશ્નો પૂછી નાખ્યા.
"હા મમ્મી, થોડા દિવસ ઘરની યાદ આવી, તારા હાથનું જમવાનું યાદ કર્યું. પણ હવે તો આદત થઈ ગઈ છે. બધું જ ફાવી ગયું છે."
"સારું બેટા, ભણવામાં ધ્યાન રાખજે અને અમારી ચિંતા કરીશ નહિ."
"હા મમ્મી, આવતા મહિને થોડી રજાઓ આવે છે ત્યારે હું ઘરે આવીશ."
મમ્મી સાથે વાત કર્યા બાદ પપ્પા સાથે થોડી વાત કરી. પાડોશીના ઘરે ફોન કર્યો હોવાના કારણે લાંબી વાત ન કરી. ફોન મૂકી બિલ ચૂકવી હું હોસ્ટેલ તરફ જવા રવાના થઈ.
હોસ્ટેલના ગેટ સુધી પહોંચી ત્યાં જ શોભના, સુસ્મિતા અને મેઘના રિક્ષામાંથી ઉતરતા હતાં. મને જોઈને સુસ્મિતાએ કહ્યું :
"ઓહોં ડિયર, હમણાં જ કૉલેજ છૂટી કે શું ?"
"ના, ના, હું તો ક્યારની આવી ગઈ, ઘરે ફોન કરવા માટે STD ગઈ હતી." મેં સુસ્મિતા સામે જોઈ જવાબ આપતાં કહ્યું.
"આ તો સવારે તે પહેર્યો હતો એજ ડ્રેસ અત્યારે પહેર્યો છે તો મને એમ કે મેડમ કૉલેજથી જ સીધા આવતાં હશે." હસતાં હસતાં સુસ્મિતા બોલી.
"ના ના.. વહેલી જ આવી ગઈ હતી." મેં પણ હસીને એને જવાબ આપ્યો.
વાતો કરતાં કરતાં અમે રૂમમાં પહોંચ્યા. કપડાં બદલી ફ્રેશ થઈ. ટીવી જોવા બેઠા. સાડા દસ વાગે રૂમમાં આવી સુઈ ગયા.
રાત્રે સૂતા સૂતા પણ મારા બદલાયેલા વર્તન વિશે હું વિચારી રહી હતી. જે મમ્મી પપ્પા વિના મારી એક પળ પણ નહોતી જતી. એમને છેલ્લા કેટલાય દિવસથી ફોન કરવાનું પણ હું ભૂલી ગઈ. એનું કારણ મારા જીવનમાં પ્રવેશ આપેલ નવી વ્યક્તિ જ હતી. મારા આ વિચારોને કાલે ડાયરીમાં ઉતારીશ એમ નક્કી કરી સુવાનો પ્રયત્ન કર્યો. નીંદ પણ આવી ગઈ.
બીજા દિવસે સવારે કઈ ખાસ કામ નહોતું. તૈયાર થઈ કૉલેજ ગઈ. અજય પણ થોડા દિવસ માટે શહેરથી બહાર જવાનો હતો એટલે એના મળવા વિશેના પણ કોઈ વિચાર મનમાં ના આવ્યા.  કૉલેજથી મેઘના સાથે જ હોસ્ટેલ આવી. જમ્યા બાદ શોભના, સુસ્મિતા અને મેઘનાના ગયા બાદ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ડાયરી લખવા બેસી ગઈ.
ડાયરીમાં આજના વિચારોમાં મેં લખ્યું :
"મારા જીવનમાં એક વ્યક્તિના આગમનથી જે પરિવર્તન આવ્યું એની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ પહેલા મને આવી અનુભૂતિ પણ નહોતી થઈ. પ્રેમ થવો સાહજિક છે. પણ પ્રેમ આટલા પરિવર્તનો લાવી દે છે એ એ ક્યારેય વિચાર્યું જ નહોતું. અજયના આવ્યા પહેલા મારા મમ્મી પપ્પા જ મારું સર્વસ્વ હતાં. મને એમની પળે પળે ચિંતા થતી, એમની સાથે વાત કરવાનું મન થતું. પણ અજય સાથે ભેટો થયા બાદ મમ્મી પપ્પા પણ બાજુ પર રહી ગયા, એક ફોન સુદ્ધાં કરવાનું મને યાદ જ ના રહ્યું. જેમણે મને અઢાર વર્ષો સુધી જીવની જેમ સાચવી એમને મેં એક પળમાં જ પારકા કરી નાખ્યા. અને જેની સાથે થોડા જ દિવસની ઓળખાણ છે એ અજયને મળવા હું આકુળ વ્યાકુળ થવા લાગી. પણ હવે હું એમ નહીં થવા દઉં. અજય મને ગમે છે, એની સાથે મને પ્રેમ થઈ ગયો છે. એ પણ મને પસંદ કરે છે, પ્રેમ કરે છે. પણ મારી પહેલી જવાબદારી મારા મમ્મી પપ્પા છે. મારે પહેલા એમને મહત્વ આપવાનું છે. મમ્મી પપ્પાના પ્રેમને હું આ રીતે ભૂલી નહિ શકું. અજયના પ્રેમને મેં વધારે જ મહત્વ આપી દીધું.  અજય મને ગમેં છે, એ મારો પહેલો પ્રેમ છે. હું એને પ્રેમ કરીશ. પણ હવે આવી ભૂલ નહિ થાય એની પણ કાળજી રાખીશ."
ડાયરીમાં લખી મન થોડું હળવું થયું. થોડીવાર બેડમાં સુવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ પણ આવી ગઈ. સાંજે ઉઠી સાંઈબાબાના મંદિર જઈ થોડી શાંતિનો અનુભવ થયો.  એક કલાક જેવું ત્યાં બેસી પાછી હોસ્ટેલ આવી.
અજય પુણે ગયો હતો. એટલે દસ દિવસ સુધી તો એની સાથે પણ કોઈ વાત થઈ શકવાની નહોતી. કૉલેજ, હોસ્ટેલ, સાંઈબાબાનું મંદિર એમાં જ થોડા દિવસ પસાર કરતી રહી. શનિવારની રાત્રે હોસ્ટેલમાં ફિલ્મ બતાવવાની હતી. "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે." ફિલ્મનું નામ સાંભળતા હોસ્ટેલમાં બધા જ ખૂબ જ ખુશ હતાં. ફિલ્મ જોતાં જોતાં હું પણ અજયના વિચારોમાં ખોવાઈ ગઈ. ફિલ્મના નાયક અને નાયિકામાં હું મને અને અજયને જોવા લાગી. અજય સાથેની પહેલી મુલાકાત અને છેલ્લી મુલાકાતમાં થયેલી પ્રેમની કબૂલાત મારી આંખો સામે દેખાવવા લાગી. મનોમન હું ખૂબ જ ખુશ થતી હતી. ફિલ્મ જોઈ ને રૂમમાં ગયા ત્યારે પણ સુસ્મિતા ફિલ્મની નકલ કરી અને મઝાક મસ્તી કરવા લાગી. રાત્રે મોડા સુધી મઝાક મસ્તી ચાલ્યા કરી. બીજા દિવસે રવિવાર હતો. કૉલેજ જવાનું નહોતું એટલે શાંતિથી ઉઠ્યા.
અજયને ગયે હજુ પાંચ દિવસ થયા હતાં. પણ હું જાણે એને કેટલાય મહિનાઓથી મળી ન હોય એમ લાગવા લાગ્યું. પપ્પા સાથે પણ એ પાંચ દિવસમાં બે વખત ફોન ઉપર વાત કરી. પપ્પાને જ્યારે છેલ્લીવાર ફોન કર્યો ત્યારે પપ્પાએ મને ખુશખબર પણ આપી. પપ્પાએ ઘરે લેન્ડલાઈન કનેક્શન માટે અરજી કરી હતી. થોડા જ દિવસમાં અમારા ઘરે પણ ફોન આવી જવાનો હતો. જેના કારણે હું સાંજે પણ ઘરે મમ્મી અને પપ્પા સાથે વાત કરી શકીશ. પપ્પા બેંકમાં હોય ત્યારે એમની સાથે વાત થતી. પણ મમ્મી સાથે તો ગોરધનકાકાના ઘરે ફોન કરીને વાત કરવી પડતી. જે સારું પણ ના લાગે. માટે પપ્પાએ થોડી કરકસર કરી અને ઘરે જ ફોન લેવાનું નક્કી કર્યું હશે.
રવિવારની સાંજે શોભના, સુસ્મિતા, મેઘના અને હું ફરવા માટે બહાર નીકળ્યા. સિદ્ધિવિનાયક મંદિર ના દર્શન કરવા માટે ગયા. બાપ્પાના દર્શન કર્યા. ભીડ ઘણી હતી પણ મઝા આવી. રાત્રે મોડા સુધી બહાર જ ફર્યા. બહાર જમ્યા. અને રાત્રે દસ વાગે હોસ્ટેલ પહોંચ્યા. શોભનાએ નીકળતા પહેલા જ મેડમની રજા માંગી લીધી હતી. શોભનાનું હોસ્ટેલમાં વર્ચસ્વ જ એવું હતું કે મેડમ પણ તેને કોઈ વાતે ના કહી શકે એમ નહોતા. હોસ્ટેલમાં એ સૌથી જૂની છોકરી હતી. એટલે મેડમને પણ એના ઉપર પૂરો વિશ્વાસ હતો.
રવિવારનો દિવસ નીકળી જતાં વાર ના લાગી પણ બાકીના દિવસો જેમતેમ પસાર કરવા લાગી. બીજા  દિવસ બપોરના સમયે ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘના આવી. શું કરું એમ વિચાર કરતી હતી ત્યાં જ એક વિચાર આવ્યો. મારા બેડમાંથી ઊભા થઈ તરત સુસ્મિતાના બેડ ઉપર રહેલું ગાદલું ઊંચું કર્યું. નીચે એક પુસ્તક પડ્યું હતું એ હાથમાં લીધું. "મદહોશ જવાની". આજે મને એ પુસ્તકનું મુખપૃષ્ઠ જોવામાં કે એ પુસ્તકને વાંચવામાં સહેજ પણ શરમ ના આવી. પુસ્તકના ચિત્રોમાં અને એના લખાણમાં ઉઠતાં રોમાંચને હું અનુભવવા લાગી. પુસ્તકમાં લખેલી ઘટનાઓને કલ્પનામાં અજય સાથે વિતાવતી ઘટનાઓમાં જોવા લાગી. મારા જ હાથને અજયનો હાથ માની મારા ઉરોજ અને આખા શરીર ઉપર ફેરવવા લાગી. આજે મને એ રોમાંચ અનુભવવામાં મઝા આવી રહી હતી. આખું પુસ્તક વાંચી થોડો સમય માટે તો આંખો બંધ કરી કલ્પનામાં અજય સાથે કાલ્પનિક દુનિયામાં એ ઘટનાઓ ભોગવવા માટે ચાલી ગઈ. જે આનંદ મેળવવાની ભૂખ જાગી હતી એ તો ના સંતોષાઈ પણ મનનો આનંદ જરૂર મેળવી લીધો. 
પુસ્તકને એના ઠેકાણે મૂકી. ડાયરીમાં ઘટનાઓની નોંધ કરી. બાકીના દિવસો પણ આમ જ સુસ્મિતાના બેડ ઉપર રહેલું પુસ્તક વાંચીને સમય પસાર કરતી રહી.
આવતી કાલે ૧૨ જૂન હતી. અજયને મળવાનો દિવસ. કૉલેજ નીકળતા પહેલા જ મેં મેઘનનાને મારી રાહ ના જોવાનું જણાવી દીધું હતું. છેલ્લીવાર અજયની મળવા જે રીતે તૈયાર થઈ હતી એમ જ તૈયાર થઈ. લેક્ચર પુરા થયા બાદ લાઇબ્રેરીમાં થોડીવાર બેઠી. બપોરે ૧:૩૦ લાઈબ્રેરીમાંથી બહાર નીકળી કૉલેજના ગેટ પાસે ઊભા રહી અજયને શોધવા લાગી. આમતેમ નજર નાખી પણ ના અજય દેખાયો ના તેનું સ્કૂટર. એક કલાક સુધી કૉલેજની આસપાસ જ અજયને શોધતી રહી પણ અજય ના આવ્યો. આજે બાર તારીખે એને મળવાનું નક્કી કર્યું હતું. પણ અજય ક્યાંય ના દેખાયો. એકતરફ મનમાં અજયની ચિંતા થવા લાગી તો બીજી તરફ અજય માટે ગુસ્સો પણ. શું કરવું એ સમજાઈ રહ્યું નહોતું. હવે કૉલેજની બહાર પણ વધુ ઊભા રહી શકાય એમ નહોતું. માટે મેં હૉસ્ટેલ તરફ ચાલવાનું શરૂ કર્યું. હોસ્ટેલના ગેટે પહોંચતા સુધી રસ્તામાં અજયના આવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ અજય ના આવ્યો. હોસ્ટેલમાં જમવાનો સમય પણ પૂરો થઈ ગયો હતો. મને પણ આજે કઈ ખાવાનું મન નહોતું. રૂમનો દરવાજો બંધ કરી અજય કેમ ના આવ્યો ? એના વિચારો કરવા લાગી. કામ ના કારણે નહિ આવી શક્યો હોય એમ મનને મનાવી લીધું. બીજા દિવસે પણ મેઘનાને રાહ ના જોવાનું જણાવી હું અજયની રાહ જોવા માટે રોકાઈ. 

(અજયના ના આવવાનું શું કારણ હશે ? કેમ નક્કી કરેલી તારીખે અજય કાવ્યાને મળવા ના પહોંચ્યો ? કાવ્યા તેના મમ્મી પપ્પાના પ્રેમને ભુલાવી દેશે ? શું થશે કાવ્યાનું ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના પ્રકરણો.)

લે. નીરવ પટેલ "શ્યામ"