ભેદી ટાપુ - ખંડ બીજો - 10 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભેદી ટાપુ - ખંડ બીજો - 10

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(10)

હાર્પુન

પેનક્રોફ્ટના મનમાં એકવાર જો કોઈ યોજના આવી, તો જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી તે પગ વાળીને બેસે નહીં. તેણે ટેબોર ટાપુની મુલાકાત લેવાનો મનસૂબો કર્યો. તે માટે એક વહામ બનાવવાનું નક્કી કર્યું.

ક્યાં પ્રકારનું લાકડું વાપરવું? એલ્મ કે ફર? બંને પ્રકારનાં લાકડાં ટાપુમાં જથ્થાબંધ મળે તેમ હતાં. તેમણે ફરનાં લાકડાં વાપરવાનું નક્કી કર્યું. આટલી વિગત નક્કી થયા પછી, તેઓ જાણતા હતા કે છ મહિના પહેલાં દરિયામાં મુસાફરી કરી શકાય એવી મોસમ નહીં આવે. આથી એમ નક્કી કર્યું કે, હાર્ડિંગ અને પેનક્રોફ્ટ એ બે જણાએ વહાણ બનાવવાનું કામ હાથમાં લેવુ; સ્પિલેટ અને હાર્બર્ટ શિકારનું કામ ચાલુ રાખે; નેબ અને જપ ઘરકામ અને રસોઈનું કામ સંભાળે.

તરત જ ઝાડની પસંદગી કરવામાં આવી. તેમને કાપીને થડને ચોખ્ખાં કરવામાં આવ્યાં. તેને વહેરીને પાટીયાં પાડવામાં આવ્યા. એક અઠવાડિયા પછી ગુફા અને ગ્રેનાઈટ હાઉસ વચ્ચેની જગ્યાએ વહાણ બાંધવાનું કારખાનું શરૂ કર્યું. પાંત્રીક ફૂટનો કૂવાથંભ બનાવ્યો.

કપ્તાન હાર્ડિંગ આ કામ અંધારામાં નહોતો કરતો. તેને વહાણ બાંધવા અંગે પૂરી જાણકારી હતી. પહેલાં તેણે કાગળ ઉપર વહાણનું મોડેલ તૈયાર કર્યું. વળી પેનક્રોફ્ટ તેની મદદમાં હતો. પેનક્રોફ્ટે બુકલિનના વહાણ બાંધવાના કારખાનામાં કેટલાંક વરસ કામ કર્યું હતું. એટલે એ આ બાબતનો અનુભવી હતો. ખૂબ કાળજી રાખીને અને ગણતરીપૂર્વક વહાણ બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પહેલાં વહાણનું તળિયું તૈયાર કરવામાં આવ્યું.

પેનક્રોફ્ટ રાત-દિવસ આ કામ પાછળ મંડ્યો રહેતો હતો માત્ર એક જ વસ્તુ તેનું ધ્યાન બીજે દોરતી હતી અને તે હતું ઘઉંનું ખેતર. 15મી એપ્રિલે ઘઉંની લણણી કરી. આ બીજા પાકમાં પણ પહેલાં પાક જેટલી જ સફળતા મળી.

“પાંચ કોથળા ઘઉંના ભરાયા, કપ્તાન.” ખલાસીએ કહ્યું.

“આવતો પાક ચાર હજાર કોથળા ઘઉં આપશે.” કપ્તાને કહ્યું.

“પછી આપણને ઘઉંની રોટી મળશે.” ખલાસીએ ક્હ્યું.

“હા,”

“પણ પછી આપણને લોટ દળવાની મિલ જોઈશે.” ખલાસીએ કહ્યું.

“આપણે એવી એક મિલ બનાવશું.”

ત્રીજી વાર ઘઉં વાવતી વખતે ખેતર ઘણું મોટું બનાવવું પડ્યું અને ખૂબ કાળજી રાખીને ખલાસીએ વાવણી કરી. આ કામ પતી ગયા પછી ખલાસી ફરી પાછો વહાણ બાંધવાનાં કામમાં ગૂથાયો. આ સમય દરમિયાન સ્પિલેટ અને હર્બર્ટે શિકારનું કામ ચાલુ રાખ્યું હતું.

30મી એપ્રિલે આ બંને શિકારીઓ પશ્વિમ કિનારાના ઊંડાં જંગલમાં ઘૂસ્યા. સ્પિલેટને કંઈ વાસ આવી. તેણે એક છોડવો ઉખેડીને તેની ડાળખી કાપી અને હર્બર્ટને પૂછ્યું...

“હર્બર્ટ, આ શેનો છોડ છે?”

“મિ.સ્પિલેડ.” હર્બર્ટે જવાબ આપ્યો. “આ એવો ખજાનો છે જેનાથી ખલાસી હંમેશાં તમારા ઋણી રહેશે.”

“તો આ તમાકુ છે?”

“હા.”

બંને જણાએ એવું નક્કી કર્યું કે આ તમાકુનો છોડ આપણને મળ્યો છે તે વાત ખાનગી રાખવી. અને પીવા લાયક તમાકુ તૈયાર કરીને, હોકલીમાં ભરીને, સીધી જ ખલાસીને આપવી.

તેમણે મોટા જથ્થામાં તમાકુના પાંદડાં ભેગાં કરી લીધાં. અને કોઈને ખબર ન પડે તે રીતે ગ્રેનાઈટ હાઉસમાં સંતાડી દીધાં. હાર્ડિંગ અને નેબને આ યોજનાની બાબતમાં વિશ્વાસમાં લેવામાં આવ્યા. બે મહિને પીવા લાયક તમાકુ તૈયાર થઈ. ત્યાં સુધી ખલાસીને તેની જરાય ગંધ આવવા ન દીધી. ખલાસી તો રાતદિવસ વહાણ બાંધવાના કામમાં મંડી પડ્યો હતો. તે માત્ર જમવા અને સૂવા જ ગ્રેનાઈટ હાઉસમાં આવતો.

વચ્ચે થોડા દિવસથી કોઈ રાક્ષસી પ્રાણી દરિયામાં તરતું દેખાતું હતું. તે કિનારાથી ત્રણેક માઈલ જેટલું દૂર હતું. આ પ્રાણી દક્ષિણની ખૂબ મોટા કદની વ્હેલ હતી.

“જો વ્હેલ આપણા હાથમાં આવી જાય તો કેવી મજા પડે?”

ખલાસીએ કહ્યું. “મારી પાસે મજબૂત હોડી અને હાર્પુન હોય તો હું હમણાં જ એનો શિકાર કરી નાખું.”

નિસાસો નાખીને ખલાસી પોતાને કામે ચડ્યો. દરેક માછીમાર વ્હેલ માછલીના શિકારી બનવા ઝંખના રાખે છે. જો વ્હેલ માછલી મળી જાય તો એક મોટું ઈનામ લાગવા જેવું થાય. તેમાં તેલ, ચરબી અને કિંમતી હાડકાંનો જબરજસ્ત જથ્થો હોય છે. એના અનેક ઉપયોગ થઈ શકે છે.

બન્યું એવું કે, આ વ્હેલ લીંકન ટાપુ આસપાસના પાણીને છોડવા માગતી ન હતી. ગ્રેનાઈટ હાઉસની બારીમાંથી અને ઉચ્ચ પ્રદેશ ઉપરથી દૂરબીન દ્વારા તેને જોઈ શકાતી હતી. તે આ ટાપુની આસપાસમાં જ આંટા માર્યા કરતી હતી. તે પોતાનાં નસકોરામાંથી પાણીના ફૂવારા છોડતી હતી. તે લગભગ કલાકના બાર બાઈલની ઝડપે દોડાદોડી કરતી હતી. કોઈવાર તો તે ટાપુની એટલી નજીક આવી જતી હતી કે તેને સ્પષ્ટ જોઈ શકાઈ. તે દક્ષિણની વ્હેલ હતી. અને આખે આખી કાળા રંગની હતી. ઊત્તરની વ્હેલ કરતાં તેનું માથું સહેજ ચપટું હતું.

આ વ્હેલની હાજરીએ બધાને વિચારતા કરી મૂક્યા. ખલાસી ઉશ્કેરાઈ જતો હતો. એને વ્હેલ સિવાય બીજા કોઈ વિચારો આવતા ન હતા. રાતના ઊંઘમાં પણ તે વ્હેલના શિકાર અંગે બબડતો હતો. હકીકતે જો એની પાસે શિકારનાં સાધન હોત તો તે વ્હેલનો પીછો કરતાં અચકાતો ન હોત.

પણ આ લોકો જે ન કરી શક્યા તે કુદરતે તેમને માટે કરી આપ્યું. 3જી મે ના દિવસે નેબની બૂમો સંભવાઈ, તે રસોડાની બારીએ ઊભો હતો. તેણે જાહેર કર્યું કે વ્હેલ કિનારાની રેતી ઉપર હગસેલાઈ ગઈ છે. બધા કિનારા તરફ દોડ્યા.

ગ્રેનાઈટ હાઉસથી ત્રણ માઈલ દૂર વ્હેલ દરિયા કિનારે પડી હતી. તે ભરતી વખતે કિનારે હડસેલાઈ ગઈ હશે. અને ઓટ વખતે છીછરા પાણીને હિસાબે ઊંડા સમુદ્રમા જઈ શકી નહીં હોય. એ ગમે તે હોય, ત્યાં ઝડપથી પહોંચી જવું જોઈએ; અને વ્હેલ પાછી દરિયામાં પહોંચી ન જાય તેનો ઉપાય કરવો જોઈએ.

તેઓ હાથમાં ત્રિકમ, પાવડા અને મોટાં વાંસના બંબૂ લઈને વીસ મિનિટમાં દરિયાકિનારે પહોંચી ગયાં. રાક્ષસી વ્હેલ રેતીમાં પડી હતી અને તેની ઉપર પક્ષીઓનાં ટોળાં ઘૂમરીઓ ખાતાં હતાં.

“કેવી રાક્ષસી વ્હેલ!” નેબ બોલ્યો.

વ્હેલ ખરેખર રાક્ષસી કદની હતી. તેની લંબાઈ 80 ફૂટ હતી. તેનું વજન એક લાખ અને પચાસ હજાર રતલ હતું. એટલે કે 3750 મણ જેટલું વજન થાય. તેમણે જોયું કે વ્હેલ હાલતી ચાલતી નથી અને સમુદ્રમાં પાછા જવાના પ્રયાસ કરતી નથી.

તે મૃત્યુ પામી હતી અને તેના ડાબા પડખામાં હાર્પુન ખૂંચી ગયેલું હતું!

“આ બાજુ પણ વ્હેલનો શિકાર કરનાર છે ખરા!” સ્પિલેટે કહ્યું.

“અરે, મિ. સ્પિલેટ. એવું કંઈ કહી શકાય નહીં.” ખલાસીએ જવાબ આપ્યો. “વ્હેલ ઘાયલ થયા પછી હાર્પુન સાથે હજારો માઈલ દૂર નીકળી જાય છે. ઉત્તરમાં ઘાયલ થયેલી વ્હેલ દક્ષિણમાં મળે એવું પણ બને છે.”

ખલાસીએ વ્હેલના શરીરમાંથી હાર્પુન ખેંચી કાઢ્યું. તેના પર લખેલું હતું...

“મારીઆ સ્ટેલા,

વિનેયાર્ડ.”

“અરે! આ તો વિનેયાર્ડની આગબોટ! મારા દેશની આગબોટ!” ખલાસીએ બૂમ પાડી. “મારીઆ સ્ટેલાને હું ઓળખું છું. એ બાઈ વ્હેલની પ્રખ્યાત શિકારી છે. તે વિનેયાર્ડનની રહેવાસી છે.”

ખલાસી હાથમાં હાર્પુનને રમાડતો વારંવાર પોતાની જન્મભૂમિનું નામ લેતો હતો. મારીઆ સ્ટેલા હવે આ વ્હેલ ઉપર પોતાનો અધિકાર રજૂ કરી શકે તેમ ન હતી. એટલે બધાએ તેનો કબજો લેવાનું નક્કી કર્યું. પક્ષીઓને ઉડાડી મૂક્યાં.

1. વિનેયાર્ડ ન્યૂયોર્ક રાજ્યનું એક બંદર છે.

આ વ્હેલ માદા હતી. મોટા જથ્થામાં તેનું દૂધ દોઈ લેવામાં આવ્યું. એ દૂધ સ્વાદમાં, રંગમાં અને ઘટ્ટતામાં ગાયના દૂધ જેવું જ હતું.

ખલાસીએ અગાઉ વ્હેલનો શિકાર કરનારા વહાણમાં નોકરી કરી હતી. એટલે પદ્ધતિસર કામ કરતાં તેને આવડતું હતું. પહેલાં તો તેણે વ્હેલના અઢી અઢી ફૂટ કટકા કર્યાં. આ દરેક કટકો આશરે પચીસ મણ વજનનો હતો. પછી તેને દરિયાકિનારે મોટાં માટીના વાસણોમાં ઓગાળવામાં આવ્યા. જો ગ્રેનાઈટ હાઉસ પાસે વ્હેલ લઈ જવામાં આવે તો ત્યાંનું વાતાવરણ દૂષિત થાય. એટલે તેલ, ચરબી, હાડકાં, વગેરે કાઢવાનું કામ કિનારે જ પાર પાડવામાં આવ્યું. એ કામકાજમાં ત્રીજા ભાગનું વજન ઘટી ગયું.

બધી સામગ્રીને ગ્રેનાઈટ હાઉસ સુધી પહોંચાડવામાં કેટલીક ઢોળફોડ થઈ પણ સામગ્રીનો જથ્થો અતિશય મોટો હતો. વ્હેલની એકલી જીભમાંથી જ દોઢસો મણ તેલ નીકળ્યું; અને નીચલા હોઠમાંથી એકસો ત્રણ મણ. તે ઉપરાંત શરીરમાંથી સેંકડો મણ ચરબી નીકળી હાડકાંનો તો કંઈ પાર નહોતો.

વ્હેલના ઉપલા જડબામાં, બંને બાજુ આઠસો શિંગડાં જેવી અણીઓ હતી. દાંતિયાના ખાંપા જેવી તે સ્થિતિસ્થાપક હતી. તેનો દરેક દાંત છ ફૂટ લાંબો હતો. દાંતોની વચ્ચેના પોલાણમાં દરિયાઈ વનસ્પતિ ભરાઈ હતી.

કામ પૂરું થયું, વ્હેલનો નકામો ભાગ કિનારે પક્ષીઓ માટે છોડી દીધો. બધાએ ગ્રેનાઈટ હાઉસ પાછા ફરવાનો નિર્ણય કર્યો.

વહાણ બાંધવાના કારખાના પાસે પાછા ફરતાં પહેલાં કપ્તાન હાર્ડિંગે શિકાર કરવા માટેનું એક યંત્ર બનાવવાની યોજના ઘડી કાઢી આથી તેના સાથીઓને ખૂબ કૂતુહલ ઉત્પન્ન થયું. કપ્તાને વ્હેલનાં એક ડઝન હાડકાં લીધાં. દરેકના છ સરખાં ભાગ કર્યાં; અને તેના બંને છેડાને અણીદાર બનાવ્યા.

“આ યંત્ર મારી શોધ નથી; રશિયન અને અમેરિકાના શિકારીઓ આ યુક્તિ અજમાવે છે. આ હાડકાં તમે જોયાં, મિત્રો; હું તેને ગોળવાળીને પાણીમાં નાખીશ. તેના ઉપર બરફ જામી જશે. તેથી તે વળેલાં જ રહેશે. તેના પર પ્રાણીનું માંસ અને ચરબી ચોપડીને એ હાડકાં અમુક સ્થળે મૂકી દઈશું. હવે તે કોઈ ભૂખ્યું પ્રાણી ગળી જશે તેની હોજરીમાં બરફ ઓગળી જશે. અને હાડકું કમાનની જેમ સીધુ થશે. હાડકાંના અણીદાર છેડા તેની હોજરીને વીંધી નાખશે.”

“જાળ બિછાવવા કરતાં આ યુક્તિ સારી છે.” નેબે કહ્યું.

“એનાથી બંદૂકની ગોળી અને દારૂ બંનેનો બચાવ થાય છે.” કપ્તાન હાર્ડિંગે કહ્યું.

દરમિયાન વહાણ બાંધવાનું કામ આગળ ચાલ્યું. મેના અંત ભાગમાં જાડાં પાટિયાં જડવાનું કામ અર્ધે પંથે પહોંચ્યું. વહાણ દેખાવમાં આકર્ષક બન્યું હતું, અને દરિયામાં તે સડસડાટ તરશે એમાં કોઈ શંકા ન હતી.

ખલાસી અસાધારણ ખંતથી કામ કરતો હતો. તેના લોઢા જેવા શરીરને થાક નહોતો લાગતો. પણ તેના સાથીઓ ખાનગીમાં તેને આપવાની ભેટની તૈયારી કરતા હતા. આ તેના પરિશ્રમનો બદલો હતો. 31મી મેએ ખલાસીને તેના જીવનનો સૌથી મોટો આનંદ પ્રાપ્ત થવાનો હતો.

તે દિવસે, બપોરે જમ્યા પછી, ખલાસી ટેબલ પાસેથી ઊભો થવા જતો હતો. ત્યાં ગિડિયન સ્પિલેટે તેના ખભા ઉપર હાથ મૂક્યો અને ક્હ્યું..

“એક મિનિટ, મિસ્ટર પેનક્રોફ્ટ, તમે મુખવાસ લેવાનું ભૂલી ગયા!”

“આભાર, મિ.સ્પિલેટ.” ખલાસીએ જવાબ આપ્યો. “મારે કામ પર ચડવાનું મોડું થાય છે.”

“એક પ્યાલો કોફી?”

“નાસ કશું નહિં.”

“તો પછી, હોકલી?”

ખલાસીએ જોયું કે, સ્પિલેટના હાથમાં તમાકુથી ભરેલી હોકલી હતી; અને હર્બર્ટના હાથમાં ચીપિયામાં ભરાવેલો સળગતો કોલસો હતો. ખલાસીના મુખ ઉપર અપૂર્વ ઉલ્લાસ છવાઈ ગયો. તે બોલવા ગયો, પણ બોલી ન શક્યો.

તેણે હોકલી હાથમાં લીધી, ઉપર કોલસો મૂકીને તેણે જોરજોરથી દમ લેવા માંડ્યો. તેના મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. તેણે પાંચ-છ દમ એકસામટા લીધા. પછી તેનો આનંદથી ઉછળતો અવાજ સંભળાયોઃ

“તમાકુ! સાચી તમાકુ!”

પછી થોડીવાર રહીને એ બોલ્યોઃ

“હે ભગવાન! હવે ટાપુ પર એકેય ચીજની ખોટ નથી રહી!”

ખલાસીએ લહેજતથી ધુમ્રપાન કર્યું; એ ધૂમ્રપાન કરતો ગયો, કરતો જ ગયો!

“આ શોધ કોણે કરી?” અંતે તેણે પૂછ્યું; “હું માનું છું કે, હર્બર્ટ હશે?”

“ના પેનક્રોફ્ટ, મિ.સ્પિલેટે આ શોધ કરી.” હર્બર્ટે ક્હ્યું.

“મિ. સ્પિલેટ!” ખલાસી બોલ્યો. તેણે પ્રેમથી સ્પિલેટને છાતી સાથે ચાંપી દીધો.

“ઓહ પેનક્રોફ્ટ!” સ્પિલેટ માંડમાંડ બોલી શક્યો; “હાર્બર્ટે આ છોડને ઓળખ્યો, કપ્તાને તમાકુ તૈયાર કરી આપી, અને નેબે ઘણી મુશ્કેલીથી આ વાત ખાનગી રાખી. તમારે એ બધાનો આભાર માનવો જોઈએ.”

“મિત્રો, હું આનો બદલો કોઈક દિવસ વાળી આપીશ.” ખલાસીએ જવાબ આપ્યો; “હવે આપણે જીવનભર મિત્રો રહીશું.”

***

રેટ કરો અને રિવ્યુ આપો

Hiren Parmar

Hiren Parmar 3 માસ પહેલા

Jatin Mistry

Jatin Mistry 3 માસ પહેલા

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

Patel Harji

Patel Harji 1 વર્ષ પહેલા

Yogesh Raval

Yogesh Raval 2 વર્ષ પહેલા