ભેદી ટાપુ - ખંડ બીજો - 9 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભેદી ટાપુ - ખંડ બીજો - 9

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(9)

લિફ્ટ

માર્ચના પહેલા અઠવાડિયામાં હવામાનમાં ફેરાફાર થયો. હજી ખૂબ ગરમી પડતી હતા. બીજી માર્ચે ગર્જનાઓ સંભળાઈ, પૂર્વમાંથી પવન ફૂંકાવા લાગ્યો, અને તડતડ અવાજ સાથે કરાનો વરસાદ પડવા લાગ્યો. ગ્રેનાઈટ હાઉસનાં બારીબારણાં તરત જ બંધ કરી દેવામાં આવ્યાં. કોઈ કોઈ કરા કબૂરતમાં ઈંડાં જેવડા હતા. ખલાસીને ઘઉંના ખેતરની ચિંતા થઈ.

તે દોડતો દોડતો ખેતરે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે ઘઉંની ઉંબીઓ ઉપર્ મોટું કપડું ઢાંકી દીધું. આવું ખરાબ હવામાન એકાદ અઠવાડિયા સુધી ચાલ્યું. તે દરમિયાન આકાશમાં આંધી અને ગર્જનાના અવાજો સંભળાયા કરતા.

આવી સ્થિતિમાં બહાર જવાય તેમ ન હતું. તેથી તેઓ ગ્રેનાઈટ હાઉસમાં કામ કરતા રહ્યા. ઈજનેરે એક લેથ બનાવી. આ સંઘેડા જેવા યંત્રથી સૌથી પહેલાં તો બટન બનાવ્યાં. પછી બંદૂક રાખવાનો ઘોડો, કબાટ, ટેબલ, ખુરશી, વગેરે તૈયાર કર્યાં. બહાર વાદળાંઓની ગર્જના થતી, અંદર સંઘેડો ફરવાનો અવાજ અને કરવત તથા રંધા ફેરવાનો અવાજ સદા સંભળાયા કરતો.

જપને તેઓ ભૂલ્યા ન હતા. કોઠારના ઓરડા પાસે છેવાડાના ઓરડામાં એનો નિવાસ હતો. ખલાસી તેની સેવાનાં વખાણ કરતાં થાક્તો નહીં. તે કહેતો; “જપને કોઈ સાથે લડાઈ-ઝઘડો નહીં; તોછડો જવાબ નહીં; બોલવો કે હાજર, નેબ, આવો નોકર દીવો લઈને ગોતવા જાઓ તો પણ ન મળે!”

અલબત્ત, જપ હવે કામકાજમાં નિષ્ણાત બની ગયો હતો. તે કપડાં સંકેલતો, જમવાનું પીરસતો; ઓરડા વાળતો; જંગલમાંથી લાકડાં લઈ આવતો અને બીજી નાનીમોટી અનેક કામગીરી બજાવતો. તે ખલાસીની રજા લીધા વિના સૂવા જતો નહીં.

ટાપુના રહેવાસી બધા ખૂબ તંદુરસ્ત હતા. હાર્બર્ટની ઊંચાઈ એક વર્ષમાં બે ઈંચ વધી હતી. હવે તે છોકરો મટીને મોટો આદમી હોય એવો દેખાવા લાગ્યો હતો. વળી, તે નવરાશના સમયમાં હંમેશાં અભ્યાસમાં રત રહેતો. તે પુસ્તકો વાંચતો, તે વિજ્ઞાનનો અભ્યાસ ઈજનેર પાસે કરતો, અને જુદી જુદી ભાષાઓ તે ખબરપત્રી પાસેથી શીખતો. આ બંને જણા તેને આનંદપૂર્વક ભણાવતા.

9મી માર્ચે તોફાન અટકી ગયું. પણ વરસાદ અને ઘુમ્મસને હિસાબે વાતાવરણ ચોખ્ખું થતું ન હતું. દરમિયાન રોઝડાએ એક બચ્ચાંને જન્મ આપ્યો હતો. એ બચ્ચું પણ માદા હતું. પશુશાળામાં ઘેટાં અને બકરાંની વસ્તી વધી હતી. ઘેટાં અને બકરાનાં બચ્ચાં કૂદાકૂદ કરતાં હતાં. થોડાં ભૂંડ પણ પાળ્યાં હતાં. જપ ઘણીવાર પશુશાળાની મુલાકાત લેતો; અને પ્રાણીઓનાં પૂંછડાને અડીને નિર્દોષ આનંદ મેળવતો.

એક દિવસ માર્ચ મહિનામાં ખલાસી અને કપ્તાન વાતચીત કરતા હતા. તે વખતે ખલાસીએ હાર્ડિંગને તેણે આપેલા વચનની યાદ દેવડાવી.

“સીડી પર ઊતર-ચડ કરવાને બદલે આપમેળે ઊતરે-ચડે એવી લિફ્ટ બનાવવાનું તમે કહેતા હતા ને?”

“હા, એ સહેલાઈથી બને એમ છે, પણ એ જરૂરી છે?” હાર્ડિંગે પૂછ્યું.

“કપ્તાન! અત્યાર સુધી આપણે જરૂરી વસ્તુઓ બનાવી, તો હવે થોડો મોજશોખ પણ કરીએ. આપણા પૂરતો એ મોજશોખ છે, પણ વજનદાર વસ્તુઓ ઉપર ચડાવવાની એ જરૂરત છે.”

ખલાસીએ જવાબ આપ્યો.

“તો ભલે આપણે એ બનાવીશું”

“પણ તમારી પાસે એવું કોઈ યંત્ર તો નથી?”

“તો યંત્ર બનાવીશું.”

“વરાળથી ચાલતું યંત્ર?”

“નાસ પાણીથી ચાલુતું.”

ગ્રેનાઈટ હાઉસમાં પાણી મેળવવા માટે સરોવરમાંથી એક નાનકડી નીક બનાવવામાં આવી હતી. એ પાણીનો પ્રવાહ વધારવામાં આવ્યો. આથી મોટો ધોધ પડવો શરૂ થયો. એનું વધારાનું પાણી કૂવામાં ચાલ્યું જતું હતું. આ ધોધ નીચે એક મોટું લાકડાનું ચક્કર મૂક્યું. એ ચક્કર ઊપર એક મજબૂત દોરડું બાંધ્યું. એ દોરડાને છેડે એક ટોપલો લટકાવ્યો. ધોધના પાણીના જોરથી ચક્કર ફરવા માંડે તે સાથે દોરડું એ ચક્કર ઉપર વીટાતું જાય એને ટોપલી ઊંચે ચડવા માંડે અને ગ્રેનાઈટ હાઉસના બારણા પાસે પહોંચાડી દે.

17મી માર્ચે લિફ્ટ કામ કરતી થઈ ગઈ. આથી બધાને ખૂબ સંતોષ થયો. હવે પછી બધું વજન, લાકડાં, કોલસો, સાધનસામગ્રી અને માણસો પોતે લિફ્ય દ્વારા ચડઊતર કરતા હતા. સીડીનો ઉપયોગ હવે બંધ કરી દેવામાં આવ્યો. સૌથી વધારે ટોપ ખુશ થયો. જપ જેટલી કુશળતાથી એ કદી સીડી ચડી શક્તો નહીં. ઘણી વાર એ નેબની પીઠ ઉપર કે જપની પીઠ ઉપર સવાર થઈને ગ્રેનાઈટ હાઉસમાં પ્રવેશતો.

આ દિવસોમાં જ કપ્તાન હાર્ડિંગે કાચનું કારખાનું શરૂ કર્યું. કુંભારની ભઠ્ઠીને તેણે નવું સ્વરૂપ આપ્યું થોડીઘણી મુશ્કેલીનો તેને સામનો કરવો પડ્યો; પણ અંતે તે કાચ બનાવવામાં સફળ થયો.

કાચ બનાવવામાં સ્પિલેટ અને હાર્બર્ટ તેના મદદગાર હતા. ઘણા દિવસો સુધી તેઓ કાચના કારખાનામાં ધામો નાખીને પડીને રહ્યા.

કાચ બનાવવાની સામગ્રીમાં રેતી, ચાક અને સોડાની જરૂર હતી. આ ત્રણેણ વસ્તુઓ ટાપુ પર મોટા જથ્થામાં મળી શકતી હતી. સલ્ફ્યુરિક તેજાબ અને કોલસાની પણ અછત નહોતી. અગાઉ બનાવેલા સલ્ફ્યુરિક તેજાબના જથ્થામાંથી ઘણો તેજાબ બચ્યો હતો.

ફૂંકવાની ભૂંગળી બનાવવામાં ખરી મુશ્કેલી પડે એમ હતું. પાંચ કે છ ફૂટ લાંબી, બંદૂકની નળી જેવી, એક ભૂંગળી માંડમાંડ બની શકી. આ ભૂંગળીમાંથી ફૂંક મારી, કાચના રસમાંથી, જુદા જુદા આકારો તૈયાર કરી શકાય છે.

28મી માર્ચે કાચનો રસ ભઠ્ઠીમાં તૈયાર થયો. પહેલાં બારીઓ માટે કાચ બનાવવામાં આવ્યો. આ કાચ બહુ સફેદ નહોતો, પણ પારદર્શક તો હતો જ. બધી બારીઓમાં કાચ જડી દેવામાં આવ્યા.

પછી શીશા, ગ્લાસ, પ્યાલા, ટંબલર, વગેરે અનેક કાચનાં વાસણો બનાવવામાં આવ્યાં.

એક દિવસ હાર્ડિંગ અને હાર્બર્ટ જંગલમાં શિકાર કરવા ગયા. મર્સી નદીના ડાબે કાંઠે તેઓ ચાલ્યા જતા હતા. હર્બર્ટ ઈજનેરને અનેક પ્રશ્નો પૂછતો હતો; અને ઈજનેર તેના ઉત્સાહપૂર્વક જવાબ આપતો હતો. આ પ્રશ્નોત્તરીમાં ખાસ કંઈ શિકાર થઈ શક્યો નહીં. આજની મહેનત નકામી જાય એવું લાગ્યું.

એટલામાં હાર્બર્ટે આનંદની ચિચિયારી પાડીઃ

“કપ્તાન! આ ઝાડ તમે જોયું?” હાર્બર્ટે પૂછ્યું. તેણે એક ઝાડ સામે આંગળી ચીંધી, એ સામાન્ય ઊંચાઈનું ઝાડ હતું.

“નાના તાડના વૃક્ષ જેવું એ ક્યું ઝાડ છે?” કપ્તાને પૂછ્યું.

“એ ઝાડનું નામ ‘સાયકાસ રિવોલુટા’ છે પણ એના થડમાંથી તૈયાર લોટ મળે છે.” હર્બર્ટે જવાબ આપ્યો.

“તો પછી એ ‘રોટીનું ઝાડ’ છે?”

“હા; રોટીનું ઝાડ.”

“આ તો બહુ કીમતી શોધ થઈ. ઘઉં પાકે તે પહેલાં જ આપણને રોટી મળશે!” કપ્તાને કહ્યું.

હર્બર્ટે એ ઝાડનું થડ ભાંગ્યું. તેમાંથી લોટ જેવો ભૂકો ખરવા લાગ્યો. આ લોટ ખૂબ પૌષ્ટિક અને ઊંચી ગુણવત્તાવાળો હતો. જંગલમાં આ ભાગમાં રોટીનાં ઝાડ પુષ્કળ પ્રમાણમાં ઊગતાં હતાં.

ગ્રેનાઈટ હાઉસમાં પહોંચીને તેમણે આ શોધની વાત કરી. બીજે દિવસે બધા જંગલના એ ભાગમાં ગયા; અને ઝાડનાં પુષ્કળ થડ ગ્રેનાઈટ હાઉસમાં લઈ આવ્યા. તેમાંથી નેબે કેક, રોટી, વગેરે અનેક વસ્તુઓ બનાવી. બધાને આ વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ લાગી.

હવે રોઝ, ઘેટાં અને બકરાં નિયમિત દૂધ આપતાં હતાં.

ગ્રેનાઈટ હાઉસમાં વસનારાને કોઈ વાતની ખામી ન હતી. જો તેઓ પોતાના દેશમાં હોત તો તેમને ફરિયાદ કરવાનું કોઈ કારણ નહોતું. તેઓ બધી વાતે સુખી હતા. પણ માણસના મનમાં પોતાનાં દેશ પ્રત્યેનો પ્રેમ એટલો ઊંડો હોય છે કે, જો કોઈ વહાણ એકાએક આ ટાપુ પર આવી ચડે, તો તેઓ વિના વિલંબે ચાલતા થાય!

આજે 1લી એપ્રિલ અને રવિવાર હતો. તેમણે બધાએ કામ બંધ રાખ્યું અને પ્રાર્થના કરી. સાંજે વાળુ કર્યા પછી તેઓ ઉચ્ચપ્રદેશના મેદાનમાં બેઠા હતા. આડી અવળી વાતચીત કરતાં સ્પિલેટે કહ્યું...

“કપ્તાન! હવે તો આપણી પાસે સેકસ્ટંટ જેવું સાધન છે. તો આપણે ફરીવાર આ ટાપુના અક્ષાંશ રેખાંશ માપીએ તો કેમ?”

“મને એ જરૂરી લાગતું નથી.” કપ્તાને જવાબ આપ્યો; “છતાં કાલે ફરી માપ કરીશું.”

બીજે દિવસે, ફરીવાર કપ્તાને આ ટાપુના અક્ષાંશરેખાંશ માપ્યા. પહેલી વાર વગર સાધને માપ કર્યું ત્યારે આ ટાપુની સ્થિતિ આ પ્રમાણે હતીઃ

પૂર્વ અક્ષાંશઃ 150 અંશ થી 155 અંશ

દક્ષિણ રેખાંશઃ 30 અંશ થી 35 અંશ

બીજી વખત ચોક્કસ સાધનોથી માપ કરતાઃ

પૂર્વ અક્ષાંશઃ 150 અંશ 30 અંશ;

દક્ષિણ રેખાંશઃ 34 અંશ 57 અંશ.

સાધન વિના ગણતરીમાં માત્ર પાંચ અંશનો ફેર પડ્યો હતો. પછી તેઓ જગતનો નકશો લઈને બેઠા. તેમાં તપાસ કરી તો હાર્ડિંગને નજીકમાં એક બીજો ટાપુ દેખાયો.

“અહીંથી કેટલો દૂર છે?” પેનક્રોફ્ટે પૂછ્યું.

“લગભગ દોઢસો માઈલ દૂર છે; “આપણે એક મોટી સઢવાળી હોડી બનાવીશું. દોઢસો માઈલ એટલે શું? અડતાલીસ કલાસનો મામલો!”

અંતે એવું નક્કી થયું કે આવતા ઓકટોબર માસમાં એક મોટી હોડી બનાવવી, અને એ ટેબર ટાપની મુલાકાત લેવી.

***

રેટ કરો અને રિવ્યુ આપો

SUNIL ANJARIA

SUNIL ANJARIA માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 2 વર્ષ પહેલા

Naresh jethava

Naresh jethava 2 વર્ષ પહેલા

Gayatri Joshi

Gayatri Joshi 2 વર્ષ પહેલા