ભેદી ટાપુ
[૮]
હાર્ડિંગ જીવે છે
અનુવાદ
ડો. અમૃત રાણિગા
નેબ જરાપણ હાલ્યોચાલ્યો નહીં. પેનક્રોફટે એક જ શબ્દ ઉચ્ચાર્યો: “જીવે છે?” તેણે પૂછ્યું.
નેબે કંઈ જવાબ ન આપ્યો. સ્પિલેટ અને ખલાસીના મુખ્ય ઉપરથી લોહી ઊડી ગયું. હર્બર્ટે જોરથી મુઠ્ઠી વાળી; અને સ્થિર ઊભો રહ્યો. બિચારો હબસી દુઃખમાં ડૂબી ગયો હતો. તેણે તેના સાથીઓને જોયા ન હતા કે, ખલાસીનો અવાજ સાંભળ્યો ન હતો.
સ્પિલેટે નીચા નમીને હાર્ડિંગની છાતી પર પોતાના કાન રાખ્યા.
એક મિનીટ-જાણે એક યુગ પસાર થયો. સ્પિલેટે કપ્તાનના હૃદયના ધબકારા સાંભળવા પ્રયાસ કર્યો.
નેબે બધાની સામે જોયું. હકીકતમાં તે કંઈ જોતો ન હતો. નિરાશાએ તેના ચહેરાને બદલી નાખ્યો હતો. તે ઓળખાય તેવો નહોતો રહ્યો. તે ખૂબ થાકેલો, ભાંગેલો અને દુઃખી હતો. તે માનતો હતો કે તેના માલિક મૃત્યુ પામ્યા છે.
સ્પિલેટ આખરે ઊભો થયો. તેણે ઝીણવટથી પરીક્ષા કરી હતી.
“કપ્તાન જીવે છે!” સ્પિલેટ બોલ્યો.
પછી પેનક્રોફટ નીચે નમીને કપ્તાનના હર્દયના ધબકારા સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. તેને પણ ધીમા ધબકારા સંભળાયા.
સ્પિલેટે પાણી મંગાવ્યું. તરત જ હર્બર્ટ દોડ્યો. લગભગ સો ફૂટ છેટે પાણીનુએક ઝરણું વહેતું હતું. શેમાં પાણી ભરી જવું? હર્બર્ટ મૂંઝાયો. કોઈ સાધન પાસે હતું નહિ. એટલે પોતાનો રૂમાલ ભીનો કરીને તે ઉતાવળે પગલે પાછો ફર્યો.
સદ્ભાગ્યે અત્યારે તો એટલા જ પાણીની જરૂર હતી. સ્પિલેટે કપ્તાનના હોઠ ભીના કર્યા. ઠંડા પાણીનો સ્પર્શ થતાં જ તરત અસર થઈ. તેણે એક ઊંડો શ્વાસ લીધો હોય એમ છાતી હલી, અને કશુંક બોલવા માટે હોઠ ફફડ્યા.
“આપણે તેમને બચાવી લઈશું.” સ્પિલેટ બોલ્યો.
આ શબ્દો સાંભળીને નેબના જીવમાં જીવ આવ્યો. તેણે કપ્તાન હાર્ડિંગના કપડાં કાઢી નાખ્યાં. આખું શરીર તપાસી જોયું, કે ક્યાંય ઘા તો વાગ્યો નથી ને? નવાઈની વાત એ હતી કે માથે, મોઢે, પગે, હાથે ક્યાંય એક નાનો સરખો પણ ઉઝરડો થયો ન હતો. આનું કારણ સમજવું મુશ્કેલ હતું.
આનો ખુલાસો પછીથી મળશે. જ્યારે કપ્તાન હાર્ડિંગ જાગશે, અને બોલશે ત્યારે બધી વાતની ખબર પડશે. અત્યારે તો તેને ભાનમાં લાવવાનું કામ મુખ્ય હતું. તેના શરીરને માલીશ કરવાથી કદાચ ફાયદો થાય. ખલાસીની સૂચનાથી બધા તેને માલીશ કરવા લાગ્યા.
કપ્તાન ઉપર આ માલીશની સારી અસર થઈ. તેણે પોતાનો એક હાથ હલાવ્યો અને નિયમિત રીતે શ્વાસ લેવા માંડ્યા. ધીમે ધીમે તે ભાનમાં આવતો હતો. પણ તે ખૂબ થાકેલો હતો. જો સ્પિલેટ અને તેના સાથીઓ સમયસર આવ્યા ન હોત તો કપ્તાનનો ખેલ ખલાસ થઈ જાત.
“તેં તો માન્યું કે તારા માલિક મૃત્યુ પામ્યા છે, નેબ!” ખલાસીએ નેબને ઉદ્દેશીને કહ્યું.
“હા, એમ જ!” નેબે જવાબ આપ્યો. “અને જો ટોપ તમને અહીં લાવ્યો ન હોત તો મેં તેમને દફનાવી દીધા હોત! અને પછી એ કબર પર મેં મારો જીવ આપી દીધો હોત!”
કપ્તાન હાર્ડિંગ સહેજમાં બચી ગયો.
નેબે પોતાની વાત વિગતવાર કહી.
પરમ દિવસે સવારે તે ગુફા છોડીને નીકળ્યો. તે ઉત્તર દિશામાં ગયો. અને દરિયા કિનારે પહોંચ્યો. આ સ્થળે આ પહેલાં તે એકવાર આવી ગયો હતો. ત્યાં કોઈપણ જાતની આશા વિના તેણે શોધખોળ શરુ કરી. જ્યાં ભરતીના પાણી ન પહોંચે ત્યાં તે ગયો અને ઝીણવટથી તપાસ કરી. નેબને આશા ન હતી કે તેના માલિક જીવતા મળશે, તેને એમ હતું કે હાર્ડિંગનો મૃતદેહ હાથ આવશે અને એ મૃતદેહને તે પોતાના હાથે દફનાવશે.
તે ખૂબ ભટક્યો. પણ બધી મહેનત વ્યર્થ ગઈ. આ ઉજ્જડ કિનારો આખો તે જોઈ વળ્યો. ક્યાંય કોઈ માણસે પગ મૂક્યો હોય એવી નિશાની ન હતી. તે પછી નેબે કિનારા પર ચાલવાનું નક્કી કર્યું. એવો સંભવ હતો કે મોજાં મડદાને દૂર ધસડી જાય. એવું ભાગ્યે જ બને છે કે મડદાને દરિયો કિનારા પર ફેંકી દે. વહેલા મોડું મડદું કિનારે આવે જ છે. નેબ આ વાત જાણતો હતો. તે પોતાના માલિકને છેલ્લીવાર જોવા ઈચ્છતો હતો.
“હું કિનારા પર આગળ બે માઈલ ચાલ્યો. હું કિનારો બરાબર તપાસતો જતો હતો. છેક ગઈકાલે સાંજે પાંચ વાગ્યે મેં કિનારા પર રેતીમાં માણસના પગલાંના નિશાન જોયાં.”
“માણસનાં પગલાં?” પેનક્રોફટે પૂછ્યું.
“હા!” નેબે જવાબ આપ્યો.
“આ પગલાં દરિયામાંથી શરુ થતાં હતા?” સ્પિલેટે પૂછ્યું.
“ના.” નેબે ઉત્તર આપ્યો. “ભરતીના ઓવાળથી શરુ થતા હતા. કિનારાની રેતીનાં પગલાં તો ભરતીમાં ધોવાઇ ગયાં હશે.”
“પછી? પછી શું થયું?” સ્પિલેટે પૂછ્યું.
“પગલાં જોઈને હું અર્ધો પાગલ જેવો બની ગયો. લગભગ પા માઈલ સુધી હું પગલાંની પાછળ પાછળ ગયો. એ પગલાં ભૂંસાય નહીં તેનું મેં ધ્યાન રાખ્યું હતું. પાંચ મિનિટ પછી, અંધારું થવા આવ્યું હતું ત્યારે મને કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. એ ટોપ હતો! ટોપ મને મારા માલિક પાસે લઈ આવ્યો.”
નેબે પોતાની વાત પૂરી કરી. અંતે તેણે કહ્યું કે, જ્યારે મેં માલિકને જોયા ત્યારે તે બેભાન પડ્યા હતા. તેને લાગ્યું કે તેનું મૃત્યુ થયું છે. તેના બધા પ્રયત્નો નકામા ગયા. છેલ્લે તેની અંતિમવિધિ માટે તેણે પોતાના સાથીઓને બોલાવ્યા. ટોપ ત્યાં હતો. નેબે પોતાના સાથીઓના નામ કેટલીકવાર ઉચ્ચાર્યા. ટોપ સ્પિલેટને ઓળખતો હતો. પછી નેબે વારેવારે ટોપને આંગળીથી દક્ષિણ દિશા બતાવી. ટોપ એ દિશામાં ઉપડ્યો, અને બધાને લઈ આવ્યો.
લગભગ ચમત્કારિક લાગે એવું કામ ટોપે કરી બતાવ્યું હતું.
નેબના સાથીઓ આ આખો અહેવાલ એક્ કાને સાંભળી રહ્યા હતા.
નવાઈની વાત એ હતી કે કપ્તાન હાર્ડિંગ દરિયાનાં મોજાંઓમાંથી અને ખડક વચ્ચેથી એકપણ ઉઝરડા વિના કિનારે આવે. બીજી નવાઈની વાત એ હતી કે કપ્તાન પોતાની મેળે દરિયા કિનારેથી લગભગ એક માઈલ દૂર આવેલી આ બખોલ સુધી પહોંચે.
“તો, નેબ.” સ્પિલેટે કહ્યું. “તારા માલિકને તું આ જગ્યા સુધી લાવ્યો નથી.”
“ના, હું મારા માલિકને અહીં લાવ્યો નથી.” નેબે જવાબ આપ્યો.
“તો પછી એ સ્પષ્ટ છે કે કપ્તાન પોતાની મેળે ચાલીને અહીં આવ્યા.” પેનક્રોફટે કહ્યું.
“એ ખરું, પણ,” સ્પિલેટે અભિપ્રાય આપ્યો. “એ માની શકાય એવું નથી.”
આ વાતનો ખુલાસો માત્ર કપ્તાન પોતે જ કરી શકે તેમ હતો; અને આ માટે તે ભાનમાં આવે તેની રાહ જોવી પડે તેમ હતી. માલીશને લીધે કપ્તાનનું લોહી હરવાફરવા માંડ્યું હતું. તેણે ફરીવાર હાથ હલાવ્યો; પછી માથું હલાવ્યું. અને ન સમજાય એવા કેટલાક શબ્દો તે બોલ્યો.
નેબે નીચા નમીને કપ્તાનના કાનમાં કંઈક કહ્યું પણ કપ્તાન તે સાંભળતો હોય એવું ન લાગ્યું. કપ્તાનની આંખો બંધ હતી. તેના હલનચલન દ્વારા તે જીવંત છે એની ખાતરી થતી હતી. પણ તેની ઇન્દ્રિયો હજી કામ કરતી થઈ ન હતી.
અગ્નિ ન હતો તેથી પેનક્રોફટને ખૂબ અફસોસ થયો. વળી અગ્નિ સળગાવવાનું કોઈ સાધન પણ પાસે ન હતું. તેમણે કપ્તાનના ખિસ્સા તપાસ્યા, તે સાવ ખાલી હતાં. માત્ર એક ઘડિયાળ નીકળી. કપ્તાનને ગુફા સુધી લઈ જવો અત્યંત જરૂરી હતો. આ કામ જેમ બને તેમ જલ્દી થવું જોઈએ એવો બધાનો અભિપ્રાય હતો.
દરમિયાન કપ્તાન ઝડપથી ભાનમાં આવ્યો. પેનક્રોફટે પાણીમાં ખોરાક ભેળવીને તેને પ્રવાહી બનાવ્યો. તે પ્રવાહી કપ્તાનના મુખમાં રેડ્યું. એની અસર તરત જ થઈ. તેણે આંખો ઉઘાડી.
નેબ અને સ્પિલેટ કપ્તાન ઉપર નમેલા હતા.
“માલિક! મારા માલિક!” નેબ ગળગળો થઈને બોલ્યો.
કપ્તાને તે સાંભળ્યું. તેને બધાને ઓળખ્યા. પછી તેણે પોતાના હાથથી બધાના હાથ ધીરેથી દબાવ્યા.
તેના મુખમાંથી થોડા શબ્દો કપ્તાનના મનમાં શા વિચારો ચાલતા હતા તેનું સૂચન કરતા હતા. આ વખતે શબ્દો સમજી શકાયા. નિ:શંક એ શબ્દો તેના હોઠમાંથી આ પહેલાં પણ નીકળ્યા હતા.
“ટાપુ કે ખંડ?”
“તેની ચિંતા ન કરો.” ખલાસીએ તરત જવાબ આપ્યો, “એ બધું જાણવા માટે આપની પાસે પૂરતો સમય છે, કપ્તાન! તમે જીવતા છો એટલું બસ છે, એ સિવાય અમે કશાની ચિંતા કરતા નથી.”
ઈજનેરે સહેજ માથું હલાવ્યું. અને પાછા સૂઈ ગયા.
સૌએ તેને ઊંઘવા દીધા; અને ખબરપત્રીએ તરત જ હાર્ડિંગને ગુફાએ પહોંચાડવા માટે ગોઠવણ કરવા માંડી. એ માટે પાલખી જેવું કંઈક બનાવવું એમ નક્કી થયું. નેબ, હર્બર્ટ અને પેનક્રોફટ પાલખી બનાવવા માટે જંગલ તરફ રવાના થયા. રસ્તામાં ખલાસીથી બોલ્યા વિના ન રહેવાયું.
“ટાપુ કે ખંડ! છેલ્લાં ડચકાં ભરે છે ત્યારે આવી ચિંતા! કેવો અદભૂત માણસ!”
ત્રણેય જણા એક ટેકરાને મથાળે પહોંચ્યા. ત્યાં એક ફરનું ઝાડ પડી ગયું હતું. પાસે કંઈ હથિયાર હતું નહિ. એટલે હાથેથી જ ડાળીઓ કાપી. આ ડાળીઓમાંથી એક પાલખી બનાવી. તેના ઉપર ઘાસ પાથર્યું. આના ઉપર સુવડાવીને ઇજનેરને ગુફા સુધી લઇ જવાના હતા.
આ કામ કરતાં લગભગ ચલસી મિનીટ થઈ. તેઓ કામ પતાવી પાછા ફર્યા ત્યારે દસ વાગ્યા હતા. સ્પિલેટ કપ્તાન હાર્ડિંગ પાસેથી ખસ્યો ન હતો.
કપ્તાન ઊંઘમાંથી જાગ્યો. તેના મોઢા ઉપર તાજગી દેખાતી હતી. અત્યાર સુધી તેના મુખ ઉપર દેખાતી મૃત્યુની છાયા હવે અદ્રશ્ય થઈ ગઈ હતી.તેણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો; અને આસપાસ નજર ઈરવી. પોતે ક્યાં છે તે જાણવાની તેની ઈચ્છા હતી.
“હું બોલું છું તે તમે સાંભળો છો, કપ્તાન?” ખબરપત્રીએ પૂછ્યું.
“હા.” ઈજનેરે જવાબ આપ્યો.
“સ્પિલેટ! હું માનું છું કે, વાત કરતાં પહેલાં કપ્તાન હાર્ડિંગના મોંમાં થોડો પ્રવાહી ખોરાક આપીએ. એનાથી વાતચીત કરવાની શક્તિ આવશે.” ખલાસી બોલ્યો.
થોડો પ્રવાહી ખોરાક કપ્તાનના પેટમાં ગયો. બાકી વધ્યું ત્તેનો સૌએ નાસ્તો કરી લીધો. બધાને ખૂબ ભૂખ લાગી હતી. તેથી સાથે લીધેલો નાસ્તો ઓછો પડ્યો.
“વાંધો નહિ!” ખલાસીએ કહ્યું, “આપણી પાસે ગુફામાં પુષ્કળ ખાવાનું પડ્યું છે. ત્યાં આપણે એક ઘર બનાવ્યું છે, કપ્તાન! તેમાં ઓરડાઓ છે, પથારીઓ છે, તાપણું સળગાવવાની જગ્યા છે; કોઠારમાં કુરુકસ નામનાં કેટલાંક ડઝન પક્ષીઓ છે. તમારે માટે પાલખી તૈયાર છે. તમારામાં જરા શક્તિ આવે એટલે અમે તમને ઘેર લઈ જઈએ.”
“આભાર મિત્રો!” ઈજનેરે જવાબ આપ્યો; “એક-બે કલાક થોભો, પછી આપણે નીકળીએ. હવે, સ્પિલેટ તમારી વાત કરો.”
ખબરપત્રીએ જે કંઈ બન્યું હતું તેનો વિગતવાર અહેવાલ કહી સંભળાવ્યો. કપ્તાન જેનાથી અજ્ઞાત હતો તે બધી ઘટનાઓ તેણે કહી સંભળાવી, બલૂનનું અંતે પડવું, અજાણ્યા ટાપુ પર ઉતરાણ, ગુફાની શોધ, કપ્તાનની શોધખોળ નેબનો ભક્તિભાવ, ટોપનું પરાક્રમ અને બીજી ઘણી નાનીમોટી બાબતો સ્પિલેટે કહી.
“પણ,” ધીમા અવાજે કપ્તાન હાર્ડિંગે પૂછ્યું, “તો પછી તમે મને કિનારા ઉપરથી અહીં સુધી નથી લઈ આવ્યા?”
“ના.” સ્પિલેટે ઉત્તર આપ્યો.
“તમે મને આ બખોલ સુધી નથી લાવ્યા?”
“ના.”
“આ બખોલના કિનારાથી કેટલી દૂર હશે?”
“લગભગ એક માઈલ,” પેનક્રોફટે ઉત્તર આપ્યો; “અને તમને જો નવાઈ લગતી હોય, કપ્તાન , તો તો તમને અહીં જોઈને અમને પણ ઓછી નવાઈ નથી લાગી!”
“ખરેખર!” ઈજનેરે કહ્યું. તેની તબિયત હવે સુધારતી જતી હતી. તે આ વિગતોમાં ખૂબ રસ લેતો હતો. “ખરેખર, આ ખરેખર નવી ઉપજાવે એવું છે!”
“પણ,” ખલાસીએ પૂછ્યું, “તમે સમુદ્રમાં પડ્યા પછી શું થયું, તે કહી શકશો?”
સાયરસ હાર્ડિંગ વિચારમાં પડી ગયો. તેણે વાત સંભાળવા પ્રયત્ન કર્યો. તેને બહુ ઓછો ખ્યાલ હતો. પોતે બલૂનની જાળીમાંથી સમુદ્રનાં મોજાંને લીધે નીચે પટકાયો. પહેલાં તો દરિયામાં અમુક ફૂટ ઊંડે સુધી ડૂબ્યો. સપાટી પર પાછો આવ્યો ત્યારે, ઝાંખા અજવાળામાં પોતાની નજીક એક પરનીને જોયું. એ ટોપ હતો. પોતે બલૂનને જોયું નહિ; પોતાનો અને કૂતરાનું વજન ઘટવાને લીધે તે તીરની જેમ આકાશમાં ઊંચે ચડી ગયું હતું.
કિનારાથી અર્ધો માઈલ દૂર પોતે તોફાની સાગરમાં તરતો હતો. પણ જોસ બંધ વહેતા પ્રવાહમાં પોતે સપડાયો અને ઉત્તર તરફ ખેંચાયો. અર્ધા કલાકની મથામણ પછી પોતે ડૂબ્યો; સાથે કૂતરો પણ ડૂબ્યો. બસ, ત્યારથી માંડીને પોતે આ બખોલમાં બધા મિત્રોની સામે આંખ ઉઘાડી ત્યાં સુધમાં શું ઘટના બની તેની પોતાને કંઈ જ ખબર નહોતી.
“ગમે તેમ,” પેનક્રોફટે કહ્યું, “તમે કિનારા પર ફેંકાયા હશો, અને તમારામાં અહીં સુધી ચાલવાની શક્તિ હશે, કેમકે નેબને તમારાં પગલાં દેખાયાં છે.”
“હા….એ ખરું…” ઈજનેરે વિચાર કરતાં જવાબ આપ્યો; “અને તમને આ ટાપુ ઉપર કોઈ માનવી હોવાનાં ચિહ્નો મળ્યાં નથી?”
“કોઈ ચિહ્નો મળ્યાં નથી;” ખબરપત્રીએ જવાબ આપ્યો; “વળી, આકસ્મિક રીતે તમને સમુદ્રમાંથી બચાવ્યા હોય, તો બચાવ્યા પછી શા માટે એ તમને છોડીને જતો રહે?”
“તમારી વાત ખરી છે, સ્પિલેટ!” ઈજનેરે કહ્યું; પછી પોતાના નોકર તરફ ફરીને એણે પૂછ્યું: “નેબ! તું તો મને ઊંચકીને અહીં નથી લાવ્યોને?....મારી બેભાન અવસ્થામાં….ના, એ વાત અર્થ હીન છે...પગલાંના નિશાન હજી છે?” હાર્ડિંગે પૂછ્યું.
“હા માલિક.” નેબે જવાબ આપ્યો. “અહીં, પ્રવેશદ્વાર પાસે અને ટેકરાની પાછળ હજી પગલાંના નિશાન મોજૂદ છે, બાકીનાં પવનથી અને વરસાદથી ભૂંસાઈ ગયાં છે.”
“પેનક્રોફટ,” સાયરસ હાર્ડિંગે કહ્યું, “તમે જાઓ, અને મારો જોડો એ પગલામાં મૂકી જુઓ.”
ખલાસી અને હર્બર્ટ, નેબ સાથે ગયા; અને જોયું તો પગલામાં જોડો બરાબર બંધબેસતો થતો હતો.
કપ્તાને સ્પિલેટને ઉદ્દેશીને કહ્યું:
“આ તો એક ગજબનું આશ્ચર્ય છે!”
“હા; આ કંઈ સમજાય એવી વાત નથી" ગિડીયન સ્પિલેટે જવાબ આપ્યો.
“પણ હમણાં એ વાતને પડતી મૂકો, સ્પિલેટ! આપણે એની ચર્ચા નિરાંતે કરીશું.”
થોડી વાર પછી ખલાસી, વગેરે બધા બખોલમાં પ્રવેશ્ય.
શંકાનું કોઈ કારણ નહોતું.ઈજનેરનો જોડોપગ્લામાં બરાબર બંધબેસતો થતો હતો. એ પગલાના નિશાન સાયરસ હાર્ડિંગના જ હતા.
“જવા દો એ વાત.” કપ્તાન હાર્ડિંગ બોલ્યો; “હું ક્દાચ ઊંઘમાં ચાલવાની આદતવાળા માણસની માફક બેભાન અવસ્થામાં ચાલ્યો હોઉં;અને ટોપ મને અહીં દોરી લાવ્યો હોય. ટોપે જ મને સમુદ્રના મોજામાંથી બચાવ્યો હોય...આવ, ટોપ!”
ટોપ તરત જ કપ્તાન પાસે આવ્યો અને વ્હાલ કરવા લાગ્યો. બધાએ સ્વીકાર્યું કે, કપ્તાનને કૂતરાએ જ બ્ચાવ્યો હશે. તે સિવાય આ ઘટનાનો બીજો કોઈ ખુલાસો થઈ શકે એમ ન હતો. માલિકને બચાવવાનો બધો જશ ટોપને ફાળે ગયો.
લગભગ બાર વાગ્યે બપોરે કપ્તાનને પાલખીમાં સૂવ્દાવવામાં આવ્યો. એક છેડે નેબ અને બીજે છેડે પેનક્રોફટે પાલખી ઊંચકી. કિનારાથી ગુફા સુધી પહોચવામાં આઠ માઈલનું અંતર કાપવું પડે તેમ હતું. તેઓ ઝડપથી ઈ શકે તેમ ન હતા. વચ્ચે આરામ લેવો પડે તેમ હતો. તેમણે ગણતરી કરી કે, ગુફા સુધી પહોંચતા છ કલાક લાગશે.
પવન હજી જોરથી ફૂંકાતો હતો. કપ્તાન સૂતાં સૂતાં પણ આસપાસનું નિરીક્ષણ કરતો હતો. તે કંઈ બોલતો ન હતો, પણ જોતો હતો. આ પ્રદેશનો દેખાવ, એના ખાદાખબડા, તેનાં જંગલો, આ બધાંની તે નોંધ લેતો હતો. બે કલાક પછી તેને થાક લાગ્યો; અને તે ઊંઘી ગયો.
સાડા પાંચ વાગ્યે તેઓ ઢોળાવ પાસે આવી પહોંચ્યા; અને તે પછી થોડી વારમાં તેઓ ગુફા પાસે પહોંચી ગયા.
ગુફા પાસે રેતીમાં પાલખી નીચે મૂકી, કપ્તાન ઘસઘસાટ ઊંઘતો હતો; તે જાગ્યો નહિ.
પેનક્રોફ્ટ ગુફામાં ગયો. ભયાનક તોફાને બધું ખેદાનમેદાન કરી નાખ્યું હતું. કેટલાયે પથ્થરો ગુફામાં આવી પડ્યા હતા. ગુફાના આગળના ભાગમાં જોરદાર વરસાદ, દરિયાનાં મોજાં અને પવનને લીધે માટીમાં જબરાં ગાબડાં પડી ગયા હતા.
અને સૌથી મોટું દુઃખ ખલાસીને એ થયું કે, અગ્નિ પણ ઠરી ગયો હતો. બાળેલું કપડું જે જામગરીનું કામ
આપતું હતું તે તણાઈ ગયું હતું.
ગુફામાં બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
***