ભેદી ટાપુ
[૯]
હાર્ડિંગની આવડત
અનુવાદ
ડો. અમૃત રાણિગા
થોડા શબ્દોમાં ગિડીયન સ્પિલેટ, હર્બર્ટ અને નેબને ગુફામાં શું બન્યું છે એની જાણ થઈ ગઈ. આ આપત્તિ પેનક્રોફટને ખૂબ ગંભીર લાગતી હતી, પણ તેના સાથીઓ ઉપર તેની જુદી જુદી અસર થઈ.
નેબ તો પોતાના માલિક પાછા મળ્યા એના આનંદમાં એવો ગરકાવ થઈ ગયો હતો કે, બીજું કંઈ સાંભળવા જ તૈયાર ન હતો.
હર્બર્ટ કંઈક અંશે ખલાસીની લાગણીને સમજ્યો હતો.
સ્પિલેટે તો સીધો જ ઉત્તર આપ્યો:
“આમાં ગભરાવાની કંઈ જ જરૂર નથી. પેનક્રોફટ.”
“પણ, દેવતા કરી ગયો છે!”
“તેથી શું?”
“ફરી દેવતા સળગાવવાનું કોઈ સાધન નથી!”
“અર્થહીન!”
“પણ, મિ. સ્પિલેટ!”
“કપ્તાન હાર્ડિંગ છે ને?” સ્પિલેટે ખલાસીને ઉત્તર આપ્યો “કપ્તાન હજી જીવે છે! તે દેવતા સળગાવવાનો કોઈ રસ્તો શોધી કાઢશે!”
“પણ દેવતા સળગાવશે શેના વડે?”
“ગમે તેના વડે.”
હવે પેનક્રોફટ શું બોલે? ઊંડે ઊંડે તેને પણ કપ્તાન હાર્ડિંગની શક્તિમાં શ્રદ્ધા હતી. કપ્તાન હાર્ડિંગ વિજ્ઞાનનો ગજબનો જાણકાર હતો. તેના મિત્રો માનતા હતા કે, દુનિયા આખીનું તમામ જ્ઞાન કપ્તાન ધરાવે છે. તે સાથે હશે તો ક્યાંય કોઈ મુશ્કેલી નહિ પડે. કપ્તાનના આ બહાદુર સાથીઓને કોઈ કહે કે, અહીં જ્વાળામુખી ફાટવાનો છે, અથવા પ્રલયના પૂર ફરી વળવાના છે, તો આ સાથીદારો બેફિકરાઈથી એટલો જ જવાબ આપશે--
“કપ્તાન હાર્ડિંગ છેને!”
પાલખીના આંચકાથી અને થાકથી કપ્તાન હાર્ડિંગ વળી પાછો બેભાન થઈ ગયો હતો. સાંજના વાળુની સામગ્રી ખૂટી પડી હતી. ટેટ્રાનું માંસ ખવાઈ ગયું હતું. સાચવી રાખેલા કોરુકસ પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયાં હતાં.હવે શું કરવું, એ અંગે વિચારણા કરવી જરૂરી હતી.
પહેલાં તો કપ્તાન હાર્ડિંગને ગુફામાં લઈ ગયા. ત્યાં ઘાસ અને સૂકા દરિયાઈ છોડવાની પથારી કરવામાં આવી હતી. ખોરાક કરતાં આ ઘસઘસાટ ઊંઘથી કપ્તાનની તબિયત વધારે સુધરશે.
રાત્રીનો અંધકાર છવાવા લાગ્યો. અતિશય ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. જે કાણા પેનક્રોફટે પૂર્યા હતા તે હવે ખુલ્લાં થઈ ગયા હતા. તેમાંથી ઠંડો પવન ગુફામાં આવતો હતો. કપ્તાનને શરદી ન લાગી જાય તે માટે તેના ઉપર કોટ, જાકિટ વગેરે ઓઢાડ્યા.
આજે રાત્રે વાળુમાં તો છીપ-માછલીઓ હતી. તે ઉપરાંત કેટલાક ખાઈ શકાય એં દરિયાઈ છોડ હર્બર્ટ લાવ્યો હતો. તેનો રસ ચૂસી શકાયેવો હતો. પૂર્વમાં કેટલાક આદિવાસીઓ આ છોડવાઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે..
“કંઈ વાંધો નહિ!” ખલાસી બોલ્યો, “કપ્તાન આપણને મદદ કરશે !”
દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું; અને દુર્ભાગ્યે ઠંડીથી બચવા માટેનું કોઈ સાધન તેમની પાસે નહોતું.
ખલાસી ખૂબ ચિડાયો. તેણે અગ્નિ ઉત્પન્ન કરવાના બધા જ ઉપાયો કરવા માંડ્યા. નેબ તેને મદદ કરતો હતો. ખલાસીએ થોડોક સૂકો શેવાળ શોધી કાઢ્યો; અને બે પથ્થરોને ઘસીને તણખા ખેરવ્યા, પણ શેવાળ સળગ્યો નહિ. એ પથ્થરો ચકમકના નહોતા. તેથી આ પ્રયોગ નિષ્ફળ ગયો.
પછી પેનક્રોફટે બે સૂકાં લાકડાને જોરથી ઘસવા માંડ્યા. જંગલી લોકો આ રીતે આગ પ્રગટાવે છે; પણ તેને આ પ્રક્રિયામાં શ્રદ્ધા ન હતી. પેનક્રોફટે અને નેબે જે જહેમત ઉઠાવી, તેથી જો અગ્નિ અલ્ગ્યો હોત, તો આગબોટ =ના બોઈલર માટે પૂરતો થાય, એટલો અગ્નિ પ્રાપ્ત થાત, પણ બધી મહેનત નકામી ગઈ. લાકડાનાં ટુકડા ગરમ થયા હતા, પણ તેને ઘસનારા વધારે ગરમ થયા હતા!
એક કલાકની મહેનત પછી પરસેવે રેબઝેબ થઈ ગયેલા પેનક્રોટે ગુસ્સે થઈને લાકડાનાટુકડાને ફેંકી દીધા.
“જંગલી લોકો લાકડાં ઘસીને આગ પ્રગટાવે છે, એ વાત સાવ ધતિંગ છે!” ખલાસી બોલ્યો, “આટલી વાર સુધી જો મેં મારા હાથ ઘસ્યા હોત તો તે જરૂર સળગી ઉઠત!”
આ રીતની નિંદા કરવામાં ખલાસીની ભૂલ હતી. જંગલી લોકો ઘણી વાર લાકડાના ટુકડાને ઝડપથી ઘસીને આગ પેટાવે છે. પણ ગમે તે લાકડાં ઘસવાથી આગ પ્રગટતી નથી. વળી, આવા બધા પ્રયોગો એક ખાસ પ્રકારની આવડત માગી લે છે, પેનક્રોફટમાં એવી આવડત નહોતી.
પેનક્રોફ્ટનો ગુસ્સો વધારે વાર ટક્યો નહિ. તેણે ફેંકેલા લાકડાં લઈ હર્બર્ટ જોરથી ઘસવા માંડ્યો. ખલાસીને તેથી હસવું આવ્યું.
“ઘસ! દીકરા ઘસ!” તેણે કહ્યું.
“હું ઘસું છું,” હર્બર્ટે હસીને જવાબ આપ્યો; “પણ તે આગ પ્રગટાવવા નહિ, મારી જાતને ગરમ કરવા; અને થોડી વારમાં હું તમારા જેટલો જ ગરમ થઈ જઈશ.”
તે રાત્રે આગ પ્રગટાવવાનો પ્રયોગ મોકૂફ રાખવો પડ્યો. સ્પિલેટે વીસમી વાર કહ્યું કે, કપ્તાન હાર્ડિંગ આવી વાતથી મૂંઝાય નહિ. બધા પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. કૂતરો કપ્તાન પાસે સૂતો.
બીજે દિવસે, ૨૮મી માર્ચે સવારે આઠ વાગ્યે, ઈજનેર જાગ્યો. તેણે આસપાસ પોતાના સાથીદારોને બેઠેલા જોયા; ને ફરી વાર એ જ પ્રશ્ન પૂછ્યો.
“ટાપુ કે ખંડ?”
કપ્તાનની દ્રષ્ટિએ આ મહત્વનો પ્રશ્ન હતો.
“અમે કંઈ જાણતા નથી, કપ્તાન!” ખલાસીએ ઉત્તર આપ્યો.
“હજી સુધી તમે કંઈ તપાસ નથી કરી?”
“અમે તપાસ કરીશું,” પેનક્રોફટે ઉત્તર આપ્યો, “જ્યારે તમે અમને માર્ગદર્શન આપશો ત્યારે.”
“મને લાગે છે કે, હું તમારી સાથે તપાસ કરવા આવી શકીશ.” ઈજનેરે જવાબ આપ્યો. તે સહેલાઈથી ઊઠ્યો, અને સીધો ઊભો રહ્યો.
“મને ખૂબ નબળાઈ લાગે છે,” હાર્ડિંગે જવાબ આપ્યો..”મને કંઈક ખાવાનું આપો, મિત્રો, એટલે નબળાઈ જતી રહેશે. તમે દેવતા પેટાવ્યો છે, ખરું?”
આ પ્રશ્નનો તરત ઉત્તર કોઈએ ન આપ્યો. થોડી ક્ષણો પછી --
“અરેરે! આપણી પાસે દેવતા નથી,” પેનક્રોફટે જવાબ આપ્યો. “કપ્તાન, દેવતા હતો તો ખરો, પણ ઠરી ગયો છે!”
અને ખલાસીએ ગઈ કાલની અને પરમ દિવસની ઘટનાઓ વર્ણવી બતાવી. એક જ દિવાસળીના ઈતિહાસથી કપ્તાનને રમૂજ થઈ. પછી જંગલી લોકોની જેમ લાકડાં ઘસીને આગ ઉત્પન્ન કરવાની નકામી મહેનતની વાત કરી.
“દેવતા અંગે આપણે વિચારીશું,” ઈજનેરે જવાબ આપ્યો, “અને જો આપણને જામગરી જેવું કંઈ ન મળે તો --”
“તો?” ખલાસીએ પૂછ્યું.
“તો, આપણે દીવાસળી બનાવીશું.”
“રસાયણોથી?”
“રસાયણોથી!”
“એ કંઈ બહુ અઘરું નથી!” સ્પિલેટે ખલાસીના ખભા પર હાથ મૂકતાં કહ્યું.
ખલાસીને દેવતા પેટાવવાની વાત સહેલી નહોતી લગતી, પણ તેણે કંઈ વિરોધ ન કર્યો. બધા બહાર ગયા. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. સૂર્ય પ્રકાશતો હતો.
ચારે બાજુ ઝડપથી એક નજર નાખીને ઈજનેર એક પથ્થર પર બેઠો. હર્બર્ટે એને છીપ-માછલીઓ અને દરિયાઈ છોડ ખાવા માટે આપ્યો.
“બસ, આટલું જ ખાવાનું આપણી પાસે બાકી રહ્યું છે, કપ્તાન.” હર્બર્ટે કહ્યું.
“આભાર, મારા દીકરા!” કપ્તાને જવાબ આપ્યો; “આજ સવાર માટે એટલું બસ છે!”
તેણે આવો રદ્દી ખોરા ખૂબ રસપૂર્વક ખાધો. પછી એક ખૂબ મોટી છીપમાં ભરેલ પાણીથી હાથ ધોયા. પાણી પાસેની નદીમાંથી લાવવામાં આવ્યું હતું.
તેના સાથીદારો કંઈ પણ બોલ્યા વિના તેની સમું જોઈ રહ્યા હતા. ખાઈપીને કપ્તાન થોડો તાજોમાજો થયો હતો. પછી તેણે અદબ વાળીને કહ્યું--
“ તો મિત્રો, આપણને નસીબે ટાપુ ઉપર ફેંક્યા છે કે ખંડ ઉપર તે તમે જાણતા નથી?”
“ના, કપ્તાન!” છોકરાએ જવાબ આપ્યો.
“આપણે કાલે તપાસ કરીશું.” ઈજનેરે કહ્યું; “ત્યાં સુધી આપણે કંઈ કામ કરવાનું રહેતું નથી.”
“હા.” પેનક્રોફટે જવાબ આપ્યો. “પણ એક કામ કરવાનું બાકી રહે છે.”
“કયું કામ?”
“દેવતા સળગાવવાનું.” ખલાસીએ જવાબ આપ્યો.
“એ તો થઈ રહેશે, પેનક્રોફટ!” હાર્ડિંગે જવાબ આપ્યો. “ગઈ કાલે તમે મને પાલખીમાં લઈ જતા હતા, ત્યારે પશ્ચિમમાં મેં એક પર્વત જોયો હતો, સ્પિલેટ!”
“હા,” સ્પિલેટે ઉત્તર આપ્યો, “એ પર્વત ઠીક ઠીક ઉંચો લાગે છે.”
“આપણે એ પર્વતના શિખર પર આવતી કાલે ચડશું.” ઈજનેર બોલ્યો, “પછી આપણે નક્કી કરીશું કે આ ટાપુ છે કે ખંડ. હું ફરી વાર કહું છું કે, ત્યાં સુધી આપણે કંઈ કામ કરવાનું રહેતું નથી.”
“સિવાય કે, દેવતા સળગાવવાનું!” હઠીલા ખલાસીએ ફરી વાર કહ્યું.
“પણ, દેવતા તો કપ્તાન સળગાવી આપશે!” ગિડીયન સ્પિલેટે જવાબ આપ્યો, “થોડી ધીરજ ધરો, પેનક્રોફટ!”
ખલાસી કંઈ ન બોલ્યો.
દરમિયાન કપ્તાન હાર્ડિંગે દેવતા સળગાવવા બાબત કંઈ જવાબ ન આપ્યો.દેવતા સળગાવવાના પ્રશ્ને તેને જરાય ચિંતા ન હોય એવું લાગતું હતું. કપ્તાન થોડી મીનીટો વિચાર કરતો રહ્યો.પછી તે ફરીથી બોલ્યો:
“મિત્રો” કપ્તાને કહ્યું, “આપણી સ્થિતિ દુઃખદ છે. પરંતુ સ્પષ્ટ છે. આપણે કોઈ ખંડ ઉપર હોઈશું, તો તો થોડી મહેનત કરીને વસ્તીવાળો ભાગ શોધી કાઢીશું. પણ, જો કોઈ ટાપુ પર આવી પડ્યા હોઈશું, અને ટાપુ વસ્તીવાળો હશે, તો તેમની મદદથી આપણે અહીંથી બહાર નીકળીશું; જો એ ઉજ્જડ હશે તો આપણે આપણી મહેનતથી બહાર નીકળીશું.”
“બરાબર.” પેનક્રોફટે જવાબ આપ્યો. “આ વાત તો તદ્દન સ્પષ્ટ છે.”
“પણ, ટાપુ છે કે ખંડ છે,”ગિડીયન સ્પિલેટે પૂછ્યું: “આ તોફાને આપણને ક્યાં ફેંક્યા છે, કપ્તાન?”
અત્યારે કશું ચોક્કસ કહી શકાય એમ નથી.” ઈજનેરે જવાબ આપ્યો.; “પણ આપણે પ્રશાંત મહાસાગરમાં કોઈ જમીન ઉપર છીએ, એમ મને લાગે છે. આપણે રીચમંડથી નીકળ્યા ત્યારે ઈશાન ખૂણાનો પવન વાતો હતો. આપણે છ થી સાત હજાર માઈલનું અંતર કાપ્યું હશે. આપણે અમેરિકાના દક્ષિણ ભાગમાં હોઈએ એવું લાગે છે. આપને મેંડાવાના ટાપુવાળા સાગર પાસે, અથવા પોમોટસ પાસે, અથવા ન્યુઝીલેન્ડ પહોંચી ગયા હોઈશું, જો ન્યુઝીલેન્ડ હોય તો તો અંગ્રેજી કે માઓરીશ ભાષા બોલનારું કોઈ મળી આવશે. આ કોઈ ઉજ્જડ ટાપુ હોય તો પેલા પર્વતના શિખર ઉપરથી જોતાં ખબર પડી જશે. તો પછી આપણે અહીં સદાને માટે રહેવું પડે.
“સદાને માટે?” સ્પિલેટે પૂછ્યું.
“આપણે ખરાબમાં ખરાબ પરિસ્થિતિની કલ્પના કરવી,” ઈજનેરે હ=જવાબ આપ્યો, “પછી તેને ઉત્તમમાં ઉત્તમ તરીકે પલટાવી નાખવી.”
“આ ટાપુ આગબોટના માર્ગથી દૂર હોય તો આપણી કમનસીબી ગણાય!” પેનક્રોફટ બોલ્યો.
“પર્વત ઉપર ચઢ્યા વિના કંઈ ચોક્કસ કહી શકાય નહિ.” ઈજનેરે જવાબ આપ્યો.
“પણ આવતી કાલે, કપ્તાન, તમે પર્વત પર ચઢી શકશો?” હર્બર્ટે પૂછ્યું.
“હા, સિવાય કે તમે સારો શિકાર શોધી લાવો.”
“કપ્તાન,” ખલાસી બોલ્યો, “હું સારો શિકાર કરી લાવું અને તમે તેને પકાવવા દેવતા તૈયાર રાખો.”
“ભલે, પેનક્રોફટ.” હાર્ડિંગે જવાબ આપ્યો.
એવું નક્કી થયું કે ઈજનેર અને ખબરપત્રી ગુફામાં રહે. અને નેબ, હર્બર્ટ અને ખલાસી લાકડાં અને પુષ્કળ પ્રમાણમાં શિકાર કરી લાવે.
સવારે દસ વાગ્યે ત્રણેય જણા નીકળી પડ્યા. હર્બર્ટ આત્મશ્રદ્ધાથી ભરપૂર હતો, નેબ ખુશમિજાજમાં હતો, પેનક્રોફટ ગણગણતો હતો. “હું પાછો ફરું ત્યારે ઘરમાં દેવતા સળગતો હોય તો હું માનીશ કે આકાશની વીજળી ખુદ આવીને એ સળગાવી ગઈ.” પેનક્રોફટ બોલ્યો.
નદીના વળાંક પાસે ત્રણેય આવી પહોંચ્યા.
“પહેલાં લાકડાં કે શિકાર?” ખલાસીએ પૂછ્યું.
“શિકાર.” હર્બર્ટે જવાબ આપ્યો, “આજે તો ટોપ આપણી સાથે છે.”
“પાછા વળતી વખતે લાકડાં લેતા જઈશું.” ખલાસીએ કહ્યું. “પહેલાં શિકાર કરી લઈએ.”
ફર્ના વૃક્ષમાંથી ત્રણ લાકડી કાપી અને ત્રણેય જણા ટોપની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વખતે નદીનો રસ્તો લેવાને બદલે સીધા જ ગાઢ જંગલમાં પ્રવેશ્યા. અહીં પાઈનના વૃક્ષો હતાં. ક્યાંક ગાઢ જંગલ હતું, તો ક્યાંક પાંખું જંગલ હતું. કોઈ કેડી ન હતી તેથી રસ્તો કાપવો મુશ્કેલ હતો.
એક કલાક ચાલ્યા છતાં કોઈ પરની દેખાયું નહિ. આજ તો કોરુંકસ પક્ષીઓ પણ જોવા મળતાં ન હતાં. કદાચ ટેટ્રાનો શિકાર કરવા નદીકાંઠા તરફ પાછા વળવું પડે.
“જો શિકાર નહિ મળે,પેનક્રોફટ!” નેબે કટાક્ષમાં કહ્યું, “તો અગ્નિની શી જરૂર પડશે?”
“ધીરજ રાખ, નેબ,” ખલાસીએ જવાબ આપ્યો, “શિકાર તો મળશે, પણ દેવતા નહિ સળગે.”
“તમને કપ્તાન હાર્ડિંગમાં શ્રધ્ધા નથી?”
“છે.”
“તેબ છતાં તે દેવતા પેટાવશે એ વાત તમે માનતા નથી?” નેબે પૂછ્યું.
“હું તો લાકડાં સળગતાં ભાળું તો જ માનું.”
“લાકડાં જરૂર સળગશે; કારણ કે, મારા માલિકે એમ કહ્યું છે.”
“જોઈશું.”
હજી બપોર થયા ન હતા. હર્બર્ટે એક વૃક્ષ શોધી કાઢ્યું. તેમાં બદામ જેવા ફળ થતાં હતાં. અમેરિકા અને યુરોપમાં લોકો તેને ખૂબ ખાતા હતા. પાકી બદામ બધાએ ખૂબ ખાધી અને સાથે બાંધી લીધી.
“ટોપને કંઈ મળ્યું છે!” નેબે બૂમ પડી. બધા એ ઝાડી તરફ દોડ્યા. ટોપે એક પ્રાણીઓ કાન મોઢામાં પકડ્યો હતો. આ અઢી ફૂટની લંબાઈનું ડુક્કરને મળતું પરની હતું. તેનું નામ “કેપીબેરા” હતું.
નેબે લાકડી ઉગામી, અને તે ડુક્કરને મારે તે પહેલાં જ કાન છોડાવીતે જંગલમાં અદ્રશ્ય થઈ ગયું. રસ્તામાં હર્બર્ટને હડફેટે લઈ તેને નીચે પછાડી દીધો.
“બદમાશ!” પેનક્રોફટ બોલ્યો.
ટોપે તેનો પીછો કર્યો, ત્રણેય જણા ટોપની લગોલગ દોડતા હતા. પણ ડુક્કર પાણીના એક તળાવમાં કૂદી પડ્યું; અને તળિયે સંતાઈ ગયું. ટોપ એની પાછળ પાણીમાં પડ્યો.
“થોભો.” છોકરો બોલ્યો, “કેપીબેરા હમણાં શ્વાસ લેવા સપાટી પર આવશે.”
ટોપ પાણીમાં જ એની રાહ જોતો હતો. ત્રણેય જણા તળાવને કિનારે જુદા જુદા સ્થળે ઊભા રહ્યા.
હર્બર્ટની વાત સાચી પડી. તે પ્રાણી સપાટી પર શ્વાસ લેવા આવ્યું. ટોપે તેને પકડી લીધું અને કિનારે ખેંચી લાવ્યો. નેબની લાકડીના એક જ ઘાથી એ પ્રાણી રામશરણ થઈ ગયું.
“વાહ!” ખલાસીએ આનંદની બૂમ પાડી. “જો દેવતા મળી જાય તો આ ડુક્કરની હું સ્વાદિષ્ટ રસોઈ બનાવી દઉં!”
પેનક્રોફટે કેપીબેરાને ખભા ઉપર ઉપાડ્યું. અત્યારે લગભગ બપોરના બે વાગ્યા હશે. તેઓ પાછા વળ્યા.
ટોપ બધાને નદી સુધી દોરી ગયો. અડધી કલાકમાં તેઓ નદી પાસે પહીંચી ગયા હતા.
પેનક્રોફટે ગયા વખતની જેમ તરાપો બનાવ્યો. તેના ઉપર લાકડાના ભારા ચડાવ્યા. પેનક્રોફ્ટને એક જ ચિંતા હતી કે, દેવતા નહિ હોય તો લાકડાં શા કામનાં? ગયા વખતની જેમ જ વાંસ અને વેલાના દોરડાની મદદથી તરાપો ગુદા સુધી પહોંચાડ્યો.
પણ ખલાસી પચાસ પગલાં ચાલ્યો, અને ઊભો રહી ગયો. તેણે ઊંચે જોયું. તેના મોઢામાંથી આનંદના ઉદ્ગાર સારી પડ્યા.
“હર્બર્ટ! નેબ! જુઓ! જુઓ!” ખલાસીએ બૂમ પાડી.
ગુફામાંથી અગ્નિના ધુમાડા ગૂંચળા વળી વળીને ખડક તરફ જતા હતા.
***