ભેદી ટાપુ
[૭]
હાર્ડિંગ મળ્યો
અનુવાદ
ડો. અમૃત રાણિગા
પેનક્રોફટ અને હર્બર્ટ જયારે ગુફા પાસે પહોંચ્યા ત્યારે ગુફાની બહાર સ્પિલેટ ઊભો હતો, તે શૂન્ય નજરે સમુદ્ર તરફ જોતો હતો.તેણે અદબ વાળી હતી. ભારે વાવાઝોડું આવી રહ્યું છે એવી નિશાનીઓ આકાશમાં દેખાતી હતી.
હર્બર્ટ ગુફામાં ચાલ્યો ગયો; પેનક્રોફટ સ્પિલેટ પાસે ગયો. સ્પિલેટે ખલાસીને જોયો નહિ.
“રાત્રે વાવાઝોડું થશે, મિ. સ્પિલેટ.” ખલાસીએ કહ્યું.
સ્પિલેટ એકાએક ખલાસી તરફ ફર્યો, અને પૂછ્યું.
“કપ્તાન કિનારાથી કેટલેક દૂર દૂર દરીયામાં પડી ગયા હશે?”
ખલાસીને માટે આ પ્રશ્ન અણધાર્યો હતો. તેણે એક ક્ષણ વિચાર કરીને જવાબ આપ્યો:
“આશરે બે ફર્લાંગ.”
“ફર્લાંગ એટલે કેટલા ફૂટ?” સ્પિલેટે પૂછ્યું.
“છસ્સો પચીસ.”
“તો પછી કપ્તાન હાર્ડિંગ કિનારાથી બરસો પચાસ ફૂટ દૂર ગૂમ થયા હશે?” સ્પિલેટે પૂછ્યું.
“હા.” ખલાસીએ જવાબ આપ્યો.
“તેનો કૂતરો પણ ત્યાં જ પાણીમાં પડ્યો હશે?”
“હા.”
“મને નવાઈ એ વાતની લાગે છે કે,” સ્પિલેટ બોલ્યો, “કદાચ કપ્તાન હાર્ડિંગ ડૂબી જાય, પણ કૂતરો ટોપ પણ ન બચે? અને કપ્તાન કે કૂતરો બેમાંથી એકેયનું મડદું ન મળે?”
“એમાં નવાઈ જેવું કાંઈ નથી. આવા તોફાની સમુદેમાં મડદું દૂર દૂર ખેંચાઈ જાય!” પેનક્રોફટે જવાબ આપ્યો.
“ત્યારે તમારો અભિપ્રાય છે કે કપ્તાન મૃત્યુ પામ્યા?”
“હા; મારો એવો અભિપ્રાય છે.” ખલાસીએ જવાબ આપ્યો.
“ત્યારે જુઓ, પેનક્રોફટ!” સ્પિલેટ બોલ્યો; “કપ્તાન હાર્ડિંગ અને ટોપ બંને સમુદ્રમાં ડૂબી જાય; અને બંનેના મડદાં ન મળે એ વાત મારે ગળે ઊતરતી નથી.”
“ઈશ્વર કરે ને તમારો અભિપ્રાય ખરો નીવડે.” ખલાસીએ કહ્યું, “દુર્ભાગ્યે, આ બાબત તો મને ખાતરી જ છે.”
એટલું કહીને ખલાસી ગુફામાં ચાલ્યો ગયો.
ખલાસી વાળુની તૈયારી કરવા લાગ્યો. સાંજના સાત થયા પણ નેબ હજી પાછો ફર્યો ન હતો. હબસીની લાંબી ગેરહાજરીથી પેનક્રોફટને ચિંતા થઈ. આ અજાણી જગ્યામાં શું તેને કોઈ અકસ્માત થયો હશે? કે નિરાશામાં તેણે અઘટિત પગલું ભર્યું હશે?
પણ હર્બર્ટ સાવ જુદું જ વિચારતો હતો. નેબની ગેરહાજરી તેને આશાસ્પદ લાગી હતી. નક્કી કોઈ એવા સંજોગો ઊભા થયા છે, જેથી નેબને શોધખોળ લંબાવવી પડી છે, જો આશાસ્પદ સંજોગો ન હોય તો નેવ શા માટે રોકાય? કદાચ એને કંઈ પગલાંની નિશાની કે એવું કોઈ ચિહ્ન મળ્યું હશે. કદાચ એવું પણ બને કે નેબ અત્યારે તેના માલિકની સાવ પાસે હોય!
પોતાના વિચારો તેણે પેનક્રોફટ પાસે રજૂ કર્યા. એકલો સ્પિલેટ એમાં સંમતિદર્શક ડોકું હલાવતો હતો. પેનક્રોફટ આ બાબતમાં જરાય આશાવાદી ન હતો.
હર્બર્ટે નેબની મદદે જવાની પોતાની ઈચ્છા વારંવાર વ્યક્ત કરી હતી, પણ પેનક્રોફટે જણાવ્યું કે, એનો કોઈ અર્થ નથી. આવી તોફાની રાતે અંધારામાં નેબનો પત્તો લાગવો મુશ્કલ છે. હાથે કરીને ખુવાર થવા કરતાં રાહ જોવી હિતાવહ છે, જો કાલ સુધી નેબ પાછો ન ફરે, તો એની શોધમાં બધાયે નીકળી પડવું.
ગિડિયન સ્પિલેટે ખલાસીના મતને સમર્થન આપ્યું. આથી હર્બર્ટે પોતાની યોજના પડતી મૂકી. પણ તેની આંખમાંથી બે મોટાં આંસુ ખરી પડ્યાં! સ્પિલેટ પણ લાગણીશીલ બની ગયો.
રાત્રે તોફાન ખૂબ વધી ગયું. સમુદ્રને કિનારે નૈઋત્યનો પવન ફૂંકાવા લાગ્યો. સમુદ્ર ભયંકર ગર્જના કરવા લાગ્યો. સાંબેલા ની ધારે વરસાદ વરસવા લાગ્યો. પવન સૂસવાટા મારતો હતો; અને વમળની જેમ ઘૂમરી ખાતો હતો. ધુમાડો પણ ગુફામાંથી બહાર નીકળી શકતો ન હતો; અને આંખોમાં ઘૂસી જતો હતો.
રસોઈ કર્યા પછી, વધારાનો અગ્નિ ઠારી નાખ્યો અને બીજે દિવસે કામ આવે માટે અગ્નિને રાખમાં ભારી દીધો.
રાતના આઠ વાગ્યા પણ નેબ પાછો ફર્યો નહિ. બધાએ માન્યું કે, આવા તોફાની વાતાવરણમાં તેણે કોઈ ગુફામાં આશરો શોધી લીધો હશે. એની શોધમાં જવાનો કોઈ અર્થ ન હતો.
ખાઈપીને બધા પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. હર્બર્ટ તરત જ ઊંઘી ગયો. બહાર વાવાઝોડાનું જોર વધતું ગયું. રીચમંડમાંથી નાસી છૂટ્યા તે વખતે જેવું હતું, તેવું જ ભયંકર વાવાઝોડું આજે પણ ફૂંકાતું હતું. આ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ શબ્દો દ્વારા વર્ણવવું મુશ્કેલ છે.
સદ્ભાગ્યે ગુફાના પથ્થરો એકબીજા સાથે મજબૂત રીતે ગોઠવાઈ ગયા હતા; પણ કેટલાક જોરદાર તોફાનથી ધ્રુજતા હોય એવું લાગતું હતું. પણ બીવા જેવું કંઈ ન હતું. જાણે કે, કરાડના શિખર પરથી પથ્થરો તૂટીને નીચે ગબડતા હોય એવું પેનક્રોફટને લાગ્યું. કેટલાક પથ્થરો ગુફા ઉપર પડતા હોય એવો ભાસ થયો. તે બે વખત ગુફાની બહાર ડોકિયું કરી આવ્યો હતો.
આવા પ્રચંડ તોફાન વચ્ચે હર્બર્ટ ઘસઘસાટ ઊંઘતો હતો. કાળજાં કંપાવી નાખે એવ અમોતા અવાજો તેની ઊંઘમાં ખલેલ પાડતા ન હતા. અંતે પેનક્રોફટ પણ સૂઈ ગયો. એકલો સ્પિલેટ જાગતો હતો. તેને નેબની ચિંતા થતી હતી. પોતે નેબથી છૂટો પડી ગયો એ માટે તેને પોતાની જાત પર ધૃણા જાગી.
તેના વિચારો નેબ ઉપર કેન્દ્રિત થયા. શા માટે નેબ પાછો ફર્યો ન હતો? પોતે જો નેબથી જુદો પડ્યો ન હોત તો તેને જરૂર પાછો અહીં સુધી લાવત. અત્યારે નેબ ક્યાં હશે? સૂતો હશે કે જાગતો હશે? તેના ખાવાપીવાનું શું થયું હશે?
અડધી રાત્રે, લગભગ બે વાગ્યાના સુમારે, પેનક્રોફટને લાગ્યું કે પોતાને કોઈ ઢંઢોળીને જગાડતો હતો.
“શું વાત છે?” પેનક્રોફ્ટે ઊંઘમાંથી જાગીને પૂછ્યું.
“સાંભળો, પેનક્રોફટ, ધ્યાનથી સાંભળો!”
ખલાસીએ સાંભળવાનો પ્રયાસ કર્યો પણ વાવાઝોડાનાં અવાજ સિવાય કંઈ સંભળાયું નહિ.
“પવનનો અવાજ છે!” ખલાસીએ કહ્યું.
“ના,” સ્પિલેટે જવાબ આપ્યો, “મને લાગે છે કે, મેં જે અવાજ સાંભળ્યો.---”
“શાનો અવાજ?”
“કૂતરાના ભસવાનો અવાજ!”
“કૂતરો!” પેનક્રોફટ ઊછળી પડ્યો.
“હા---ભસતો કૂતરો---” સ્પિલેટે કહ્યું.
“એ શક્ય નથી.” ખલાસીએ જવાબ આપ્યો. “અને તે પણ વળી તોફાનની ગર્જના વચ્ચે---”
“શાંતિ!--- સાંભળો---” સ્પિલેટે કહ્યું.
પેનક્રોફ્ટે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવા પ્રયાસ કર્યો, અને એને પણ લાગ્યું કે, દ્દોરથી ભસવાનો અવાજ આવે છે.”
“કેમ?” સ્પિલેટે ખલાસીનો હાથ પેમપૂર્વક દબાવ્યો.
“હા--હા!” પેનક્રોફટે જવાબ આપ્યો.
“આ ટોપનો અવાજ છે! આ ટોપનો અવાજ છે!”
હર્બર્ટે બૂમ પાડી. તે હમણાં જ જાગી ગયો હતો.
બધા ગુફાના મુખ તરફ દોડ્યા. પવન તેમને જોરથી ગુફા તરફ પાછા હડસેલતો હતો. માંડમાંડ તેઓ બહાર નીકળ્યા. બહાર ગાઢ અંધકાર હતો. સમુદ્ર, આકાશ અને જમીન અંધારામાં એકાકાર થઇ ગયાં હતાં.
કેટલીક મીનીટો સુધી ત્રણેય જણા શાંત ઊભા રહ્યા. થોડી વાર પછી તેમને થોડે દૂરથી આવતો ભસવાનો અવાજ સંભળાયો.
ચોક્કસ, એ ટોપ જ હતો! પણ તે એકલો હશે કે સાથે કોઈ હશે? ઘણું કરીને તે એકલો હશે; જો નેબ સાથે હોય તો તે સીધો જ ગુફા પાસે પહોંચી જાય. ખલાસીએ ખબરપત્રીનો હાથ દાબ્યો, જેનો અર્થ “થોભો” એવો થતો હતો. તે ગુફામાં ગયો, અને એક મોટા લાકડા સાથે તે પાછો બહાર આવ્યો. જે દિશામાં ભસવાનો અવાજ આવતો હતો તે તરફ તેણે લાકડું ફેંક્યું, અને મોઢેથી સિસોટી મારી.
જાણે કે આ નિશાનીની રાહ જ જોવાતી હતી; ભસવાનો અવાજ તરત જ પાસે આવવા લાગ્યો, અને કૂતરો તરાપ મારીને ગુફામાં પ્રવેશી ગયો. પેનક્રોફટ, હર્બર્ટ અને સ્પિલેટ તેની પાછળ અંદર પ્રવેશ્યા.
અગ્નિમાં ડાખળા અને ઘાસ નાખતાં ભડકો થયો. પ્રકાશમાં કૂતરો દેખાયો.
“આ તો ટોપ છે!” હર્બર્ટે બૂમ પાડી.
એ ખરેખર ટોપ જ હતો. એંગ્લો-નોરમન જાતનો આ પડછંદ કૂતરો ગંધની પરખ અને પગની ચપળતામાં અદ્વિતીય હતો. એ કપ્તાન હાર્ડિંગનો કૂતરો હતો. પણ તે એકલો હતો. નેબ કે કપ્તાન હાર્ડિંગ તેની સાથે ન હતા.
અહીં તે કઈ રીતે આવ્યો હશે? ગુફાની તેને કના જાણ નથી. આવી અંધારી રાતે અને આવ ભયાનક તોફાનમાં તે ગુફા સુધી શી રીતે પહોંચ્યો? એથી પણ નવાઈ ઉપજાવે એવી વાત એ હતી કે, તે જરાય થાકેલો ન હતો. વળી, તેના શરીર પર ગારો કે રેતી ચોંટેલા ન હતાં!
કૂતરો હર્બર્ટના હાથ ચાંટતો હતો; અને પોતાની ડોક હર્બર્ટના હાથ સાથે ઘસતો હતો.
“કૂતરાનો પત્તો મળ્યો, એટલે કપ્તાનનો પત્તો જરૂર મળવાનો!” સ્પિલેટે કહ્યું.
“તમારા મોંમાં સાકર!” હર્બર્ટે જવાબ આપ્યો; “ચાલો નીકળી પડીએ! ટોપ આપણો ભોમિયો બનશે!”
પેનક્રોફટે કંઈ વાંધો ન લીધો. તેને લાગ્યું કે, ટોપનું આગમન તેના અનુમાનને ખોટું ઠેરવે છે.” “ચાલો, આગળ થાઓ!” તે બોલ્યો.
જતાં પહેલાં અગ્નિને રાખ નીચે ભારી દેવાનું ખલાસી ભૂલ્યો નહિ. તેણે અગ્નિમાં થોડાંક વધારે લાકડાં નાકાહી રાખ્યાં, જેથી દેવતા ઠરે નહિ. પછી બધા કૂતરા સાથે આગળ ચાલ્યા. થોડે થોડે વખતે ભસીને કૂતરો બધાને પોતાની પાછળ આવવાનું કહેતો હતો. જતાં પહેલાં પેનક્રોફ્ટે રૂમાલમાં થોડો નાસ્તો પણ સાથે લઈ લીધો.
તોફાન એની ચરમ સીમાએ હતું. ક્યાંયથી પ્રકાશનું કિરણ આવતું ન હતું. રસ્તે ચાલવું પણ મુશ્કેલ હતું. રસ્તો ક્યાં જાય છ, કેવો છે, એ જાણવાનો કોઈ અર્થ ન હતો, ટોપની પાછળ જવું એ જ સલામતીનો રસ્તો હતો. તેઓ ટોપની પાછળ પાછળ ચાલવા લાગ્યા. હાર્બર્ટ અને સ્પિલેટ કૂતરાની પાછળ ચાલતા હતા. ખલાસી તેમની પાછળ હતો. કોઈ કંઈ બોલતું ન હતું. વરસાદ ધીમો હતો; પણ પવનનું જોર પ્રચંડ હતું.
સદ્ભાગ્યે પવન પાછળ હતો; એટલે તેમનાથી ઈચ્છા વિરુદ્ધ દોડી જવાતું હતું. કપ્તાન મળશે એ આશાએ તેમના પગમાં બળ પૂર્યું હતું, તેમને હવે જરાય શંકા ન હતી કે, નેબને કપ્તાનનો પત્તો લાગી ગયો છે અને નેબે જ આ વફાદાર કૂતરાને મોકલ્યો છે.
પણ કપ્તાન જીવતો હતો ક? કે નેબે કપ્તાનની અંતિમ ક્રિયા માટે પોતાના સાથીઓને બોલાવ્યા હતા?
ઉત્તર દિશામાં તેઓ આગળ વધતા હતા. ઢોળાવ પૂરો થયા પછી થોડી વાર તેમણે વિસામો લીધો.ખડકની પાછળ પવન ઓછો લાગતાં હવે વાતચીત થઇ શકે તેમ હતું. હર્બર્ટે કપ્તાન સાયરસ હાર્ડિંગનું નામ બોલતાં ટોપ થોડુક ભસ્યો; જાણે કે, એ કહેવા માંગતો હોય કે તેનો માલિક બચી ગયો છે.
“બચી ગાય, કપ્તાન હાર્ડિંગ બચી ગયા!” હર્બર્ટ ફરી બોલ્યો, “ખરું કે નહિ, ટોપ?”
જવાબમાં કૂતરો થોડું ભસ્યો.
વળી પાછા તેઓ આગળ વધ્યા. ભરતીનો સમય થયો હતો.મોજાં ઊંચાં ઊછળતાં હતાં. એટલાં મોજાં મોજાં એટલે ઊંચે ચડતાં હતાં કે, આખા ટાપુને પસાર કરીને બીજે છેડે પડતાં હતાં.અંધારામાં કંઈ દેખાતું ન હતું.
કૂતરો મક્કમતાથી આગળ વધતો હતો. તે કઈ દિશામાં જવું એનો વિચાર કરતા થોભતો નહોતો. ત્રણે જણા ઝડપથી એની પાછળ જતા હતા.
વહેલી સવારે ચાર વાગ્યે તેઓએ પાંચમાઈલનું અંતર કાપ્યું હતું. પેનક્રોફટ, હર્બર્ટ અને સ્પિલેટ ઠંડીથી થરથરતા હોવા છતાં ફરિયાદનો એક અક્ષર તેમને ઉચ્ચાર્યો ન હતો. સવારે પાંચ વાગ્યે થોડુંક અજવાળું થયું. હવે તેઓ ગુફાથી છ માઈલ દૂર આવી પહોંચ્યા હતા. એક બાજુ દરિયો હતો, અને બીજી બાજુ રેતીવાળો ઢોળાવ હતો.ક્યાંય ખડકોની કરાડ ન હતી. અહીં તહીં છૂટાં છવાયાં બે-ત્રણ ઝાડ ઊગ્યાં હતા.
આ સ્થળે ટોપ થોડો ઉશ્કેરાયો.તે આગળ દોડતો હતો અને પાછો ફરતો. તે જાણે કે ઉતાવળ કરવાની સૂચના આપતો હતો. તે પછકૂતરો કિનારો છોડીને બેટના અંદરના ભાગમાં પેઠો. તેઓ તેની પાછળ ચાલ્યા. આખો પ્રદેશ તદ્દન ઉજ્જડ દેખાતો હતો. કોઈ જીવતું પ્રાણી ક્યાંય નજરે ચડતું ન હતું.
બેટનો અંદરનો ભાગ ઘણો મોટો હતો. તેમાં નાની મોટી ટેકરીઓ હતી. આ ટેકરીઓ અનિયમિત રીતે વહેંચાયેલી હતી. કૂતરો અજબ હૈયા-ઉકલતાથી આગળ વધતો હતો. કિનારો છોડ્યા પછી પાંચ મિનિટે સ્પિલેટ અને તેના બે સાથીઓ એક ઊંડી બખોલ પાસે આવી પહોંચ્યા. ટોપ ત્યાં ઊભો રહ્યો. અને જોરથી ભસવા લાગ્યો. સ્પિલેટ, હર્બર્ટ અને પેનક્રોફટ બખોલમાં ઘૂસ્યા.
ત્યાં નેબ ઘૂંટણીયાભેર બેઠો હતો. ઘાસની પથારી પર એક શરીર પડ્યું હતું.
તે શરીર કપ્તાન હાર્ડિંગનું હતું.
***