No return-2 Part-58 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૫૮

નો રીટર્ન-૨

ભાગ-૫૮

પહેલો સ્નાઇપર ઉંધતો ઝડપાયો હતો અને બહું ભયાનક રીતે એ ઘાયલ થયો હતો. ક્લારાએ એક જ વારમાં તેને પસ્ત કરી નાંખ્યો હતો. તેનાં હાથમાંથી રાઇફલ છટકીને દુર પડી હતી. સામાન્ય સંજોગોમાં તેણે હિંમત હારી ન હોત, પરંતુ તેનો આખો ખભો જાણે શરીરમાંથી છૂટો પડી ગયો હોય એવું તેને લાગતું હતું. ભયાનક દર્દથી લગભગ આળોટવાનું જ તેણે બાકી રાખ્યું હતું. તે પોતાનાં દર્દમાંથી ઉભરે, કોઇ સામી પ્રતિક્રિયા કરે, એ પહેલાં તો ક્લારા તેનાં માથે આવીને ઉભી રહી ગઇ હતી અને તેની શોટ ગનનું નાળચું માથે તાકી દીધું હતું. હવે તેની પાસે શરણાગતી સ્વિકારવા સીવાય બીજો કોઇ રસ્તો નહોતો.

તેની આંખોમાં અસહ્ય દર્દનાં કારણે આંસુ ઉભરાતાં હતાં. ખભામાંથી લોહી નિકળીને તેણે પહેરેલાં શર્ટની બાયમાં રેળાવા લાગ્યું હતું. ઝાડનાં ટેકે અધૂકડો બેસી તે ક્લારાને અને તેનાં હાથમાં હતી એ ગન ને તાકી રહયો. તેને વિશ્વાસ નહોતો આવતો કે એક ઔરતનાં હાથે તે પરાસ્ત થયો છે. જોકે એક વાત તે ભલી ભાંતી સમજતો હતો કે આ ફિલ્ડમાં જેનાં હાથમાં ગન હોય, જીત હંમેશા એની જ થતી હોય છે.

છતાં તે થોડો આશ્વત પણ હતો. તેનો સાથીદાર હજું સલામત હતો. એ જરૂર તેની વહારે આવશે એવી એક આશા તેનાં મનમાં જીવંત હતી. પણ તેને એ ખબર નહોતી કે તેઓ ખરેખર ગફલતમાં રહયાં હતાં. રોગનને ખરેખર તેમણે અંડર એસ્ટિમેંટ કર્યો હતો. રોગન ભલે ફકત શારિરિક બળ વાપરી જાણતો હોય, પરંતુ ક્યારેક ક્યારેક તેનું દિમાગ ખતરનાક રીતે ચાલતું. અને આ વખતે એકલાં રોગનની સ્ટ્રેટેજી જ તેમની ઉપર ભારે પડી જવાની હતી. તેનાં બીજા સાથીદારની પણ બૂરી વલે થવાની હતી.

બીજો સ્નાઇપર ડાબી તરફ, એક વૃક્ષ પાછળ સંતાયેલો હતો. તેણે હમણાં જ ગોળીઓની ધડબડાટી સાંભળી હતી. અચાનક મચેલાં હલ્લાથી તે હેબતાઇ ગયો હતો કારણકે આજ સુધી હંમેશા તેમણે સંતાઇને જ પ્રહારો કર્યા હતાં. મોટેભાગે ક્યારેય એવી પરિસ્થિતી સર્જાઇ નહોતી જેમાં તેમણે સામી છાતીએ કોઇનો મુકાબલો કરવાનો આવે. સાવધાનીથી સહેજ ડોકું બહાર કાઢીને તેણે જોવાની કોશિશ કરી કે ગોળીઓની રમઝટ કઇ દીશામાં બોલે છે. તેણે માથું બહાર કાઢયું બરાબર એ જ વખતે પ્રોફેસરે તેને જોયો હતો. પ્રોફેસર ચૂપકીદીથી આગળ વધતો હતો. તેની ચકોર નજરો પોતાની આજુબાજુનું નિરીક્ષણ કર્યે જતી હતી. એ દરમ્યાન અચાનક જ સામે દેખાતાં એક ઝાડ પાછળ કંઇક હલચલ થઇ અને એક આદમીનો ચહેરો તેની ચકોર નજરોએ પકડી પાડયો. પ્રોફેસરનાં દાંત અનાયાસે જ ભીંસાયા અને હાથમાં પકડેલી ગન ઉપર આંગળા સખ્તાઇથી બિડાયા. “ ઓહહ...ગ્રેટ. તો એમ વાત છે.... “ અનાયાસે જ તેનાં મો માંથી ઉદગાર નિકળ્યો હતો. પ્રોફેસરને તુરંત સમજયું હતું કે હકીકતમાં અહી એક નહિં પરંતુ બે સ્નાઇપરો છે. તેનું પોતાનું ટાર્ગેટ તો રોગને બતાવેલી જગ્યાનો ઘેરો ઘાલવાનું હતું પરંતુ હવે માજરો કંઇક અલગ બની ગયો હતો. કદાચ રોગન કે ક્લારાને પણ ખ્યાલ નહીં હોય કે આ તરફ પણ એક સ્નાઇપર છૂપાયેલો છે. ધડીક તો એક વિચાર તેનાં મનમાં ઝબકી ગયો કે તે રોગનને સાવધ કરી દે...પરંતુ કંઇક વિચારીને પછી તેણે એવું કરવુનું માંડી વાળ્યું અને સાવધાનીથી, સહેજ પણ અવાજ ન થાય એ રીતે તે એ માણસ તરફ આગળ વધ્યો. પણ... પ્રોફેસરની કિસ્મત આ વખતે તેનાંથી બે ડગલાં આગળ ચાલતી હતી. તેણે પોતાની ગનને આંખની સીધમાં ગોઠવીને ઝાડ પાછળ દેખાતાં માણસનું નિશાન લીધું જ હતું કે... બરાબર એ સમયે જ એ વ્યક્તિનું ધ્યાન પણ પ્રોફેસર ઉપર પડયું હતું. ક્ષણનાં સો માં ભાગમાં તે બન્નેની નજરો આપસમાં ટકરાઇ હતી અને... એક સાથે બન્નેની આંગળીઓએ હરકત કરી નાંખી હતી.

પ્રોફેસર નિશાન તાકીને તૈયાર ઉભો હતો એટલે સૌથી પહેલાં તેની ગનમાંથી ફાયર થયો. એજ સમયે પેલાં સ્નાઇપરે પોતાનું માથું નમાવ્યું હતું અને પોતાની રાઇફલમાંથી નિશાન તાકીને ટ્રીગર દબાવ્યું હતુ. એ બન્ને ક્રિયાઓ થઇ તેની વચ્ચે મુશ્કેલીથી સેકન્ડભરનો સમય પણ નહીં વિત્યો હોય અને એક સાથે બન્ને ઉછળી પડયા હતાં. પ્રોફેસરે છોડેલી ગોળી સીધી જ સ્નાઇપરનાં કપાળમાં ઘૂસી ગઇ હતી અને સહેજપણ હરકત કર્યા વગર તે પોતાની જ રાઇફલ ઉપર ઢળી પડયો હતો. પ્રોફેસરે ટ્રીગર દબાવ્યું ત્યારે જ તેનું મોત નિશ્વીત થઇ ચૂકયું હતું. જો તેણે પોતાની રાઇફલમાંથી નિશાન તાકવાં માથું નમાવ્યું ન હોત તો એ ગોળી તેનાં ચહેરા ઉપર વાગત. આમ બન્ને પોઝીશનમાં તેનું મરવું નક્કી જ હતું. પણ મરતાં પહેલાં તેણે પોતાનું કામ કરી નાંખ્યું હતું. તેની આંગળી રાઇફલનાં ટ્રીગરે દબાઇ ચૂકી હતી અને રાઇફલનાં નાળચામાંથી વછૂટેલી ગોળી સીધી જ પ્રોફેસરનાં ગળાની હાંસડીની સહેજ બાજુમાં... ગળાની ચામડી વીંધીને અંદર સુધી ધૂસી ગઇ હતી. પ્રોફેસર ગોળીનાં ધક્કાથી ઉછળીને પાછળ જમીન ઉપર પડયો અને તેનાં ગળામાંથી લોહીનો ફૂવારો વછૂટયો. ગોળી ગળાની ધોરી નસને છીન્નભીન્ન કરતી અંદર કશેક ખલાઇ ગઇ હતી. પ્રોફેસરનાં હાથમાંથી ગન છટકી ગઇ હતી અને તેણે પોતાનાં બન્ને હાથ ગળાની આસપાસ વિટાળી લીધા હતાં. પણ લોહી બહું ઝડપથી વહેતું હતું. તેનાં મોઢામાંથી “ ધ્ર...ધ્ર...ધ્ર....” જેવો અવાજ નિકળવા લાગ્યો હતો અને આંખો ફાંગી થઇને ઉપર આકાશ તરફ ખેચાઇ હતી. તેનાં હાથ- પગમાં ઝટકા આવવા શરૂ થયા હતાં. ગળા ઉપર હથેળીઓ દબાવાથી થોડા સમય માટે લોહી તો વહેતું બંધ થયું પરંતુ એ ઉપાય કારગત નિવડવાનો નહોતો. તેને તાત્કાલીક હોસ્પિટલ ભેગો કરવામાં આવે તો જ તેનો જીવ બચવાની સંભાવનાં હતી જે કોઇ કાળે અહીં શક્ય બનવાનું નહોતું. પ્રોફેસર ખુદ કળી ગયો હતો કે તેનો અંત હવે નજીક આવી ચૂકયો છે. અને જ્યારે કોઇ માણસને એ ખ્યાલ આવી જાય કે પોતે મરવાનો છે ત્યારે આપોઆપ તેનાં ઉધામાં શાંત પડી જતાં હોય છે. તે એક એવી મનઃસ્થિતીમાં પ્રવેશી જતો હોય છે જ્યાં દુઃખ- દર્દ કે તકલીફોનું કોઇ નામોનિશાન હોતું નથી.

પ્રોફેસર બસ.... એમ જ... પડયો હતો. જંગલની થોડીક ભીની, કાદવ છવાયેલી, વનસ્પતિઓનાં પાંદડા આચ્છાદીત ભૂમી ઉપર પ્રોફેસરે પોતાનો આખરી શ્વાસ ભર્યો. શ્વાસ થંભતા તેનાં ગળે વિંટળાયેલાં હાથ આપોઆપ ઢીલા પડયા અને બાજુમાં ફેલાયા હતાં. તેની ખુલ્લી રહી ગયેલી આંખો હજું પણ ઉપર તરફ... આકાશમાં ઝૂલતાં ઉંચા-ઉંચા વૃક્ષોની ડાળીઓને તાકતી હતી. સાવ એકલો અટૂલો તે એમેઝોનની ધરતી ઉપર નિષ્પ્રાણ પડયો હતો. તેણે કદાચ સ્વપ્નેય પોતાનું આવું મોત વિચાર્યું નહી હોય. એક અજબ ખ્વાહિશ લઇને તે નિકળ્યો હતો. વર્ષોથી લોકવાયકામાં વહેતી એક અજીબ કહાનીની ખોજમાં તે અહી સુધી આવ્યો હતો. એક ખ્વાહિશ હતી કે એમેઝોનનાં જંગલમાં છૂપાયેલો ખજાનો તેનાં હાથમાં આવે અને તે આ દુનિયાનો સૌથી અમીર આદમી બની જાય...! પણ એ ખ્વાહિશ...એ ઇચ્છા તેને પોતાનાં મોત સુધી દોરી લાવી હતી. હજું તો જંગલમાં તેમણે પ્રવેશ જ કર્યો હતો ત્યાંજ... પહેલાં પગલે જ ભયાનક મોત સાથે તેનો ભેટો થઇ ગયો હતો. સાચું કહો તો આ કમબખ્તીનું મોત હતું. હજું એવો સમય નહોતો આવ્યો કે તેણે મરવું પડે.. પણ તે મર્યો હતો. બહું ખરાબ રીતે તે મોતને ભેટયો હતો. જંગલમાં કોઇ ખજાનો સાચે જ હોય કે પછી ન હોય, પણ ખતરનાક મોતનો ઓછાયો ચોક્કસ હતો એ આ ઘટનાથી સાબીત થતું હતું. અને હજું આગળ કોણ જાણે કેવી કેવી પરિસ્થિતીઓ નિર્માણ પામવાની હતી એ કોઇ નહોતું જાણતું. અત્યારે તો એક સાથે બે મોતથી જંગલ પણ સ્તબ્ધતામાં સરી પડયું હતું. થોડીવાર પહેલાં મચેલી ધમાચકડી એકાએક જ શાંત પડી ગઇ હતી અને મોતનો માતમ છવાયો હોય એવી મનહુસ શાંતી ચો-તરફ ફેલાઇ હતી.

રોગન અને ક્લારાને હજું પ્રોફેસરનાં મોતની ખબર નહોતી પણ તેમણે બંદુકનાં ધડાકાઓ સાભળ્યાં હતાં. તે બન્ને ચોંક્યાં હતાં કે એ તરફ વળી શાની અફર- તફરી મચી છે...? પ્રોફેસર એ બાજું ગયાં છે એ વાતનો રોગનને ખ્યાલ હતો એટલે તે આશ્વત હતો, કારણકે પ્રોફેસર ગમે એવી મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરવા સક્ષમ છે એનો તેને ભરોસો હતો. પણ ખુદ પ્રોફેસર જ કાળ નો કોળીયો બની જશે એવું ક્યાંથી વિચાર્યું હોય તેણે...!!!

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED