નો રીટર્ન-૨ ભાગ-૫૭ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૫૭

નો રીટર્ન-૨

ભાગ-૫૭

સૌથી પહેલાં રોગન ચોંકયો હતો. તેનાં કાને ધીમો છતાં એક સ્પષ્ટ અવાજ સાંભળાયો હતો. કોઇક તેમનો પીછો કરતું હોય એવો અવાજ...! અવાજ ઘણે દુરથી આવ્યો હતો છતાં એ અવાજમાં રહેલી ઘાતકતાં તેનાં અનુભવી કાને પકડી પાડી હતી. નહી... આ કોઇ સામાન્ય બાબત નહોતી. તેનું માથું ઠનકયું અને ઠઠકીને તે ઉભો રહી ગયો. તેણે પાછળ ફરીને દુર સુધી નજર નાંખી. તેઓ જંગલની અંદર આડબીડ રસ્તે ચાલતાં હતાં. એવું કરવામાં તેમનો મકસદ એ હતો કે કાર્લોસની ગેંગની અડફેટે આવ્યાં વગર તેમનો પીછો કરી શકાય.

“ શું થયું રોગન...? “ રોગનને આમ અચાનક ઉભો રહી ગયેલો ભાળીને તેની સાથે ચાલતી ક્લારા પણ અટકી હતી. તેને જવાબ આપવાનાં બદલે રોગને ક્લારાનો હાથ સખ્તાઇથી પકડયો અને પોતાનાં હોઠ ઉપર આંગળી મુકીને તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. ક્ષણભરમાં ક્લારા રોગનનો ઇશારો સમજી હતી અને સતર્ક બની હતી. પ્રોફેસર અને એભલ થોડા આગળ નિકળી ગયાં હતાં એટલે તેમને ખ્યાલ નહોતો કે રોગન અને ક્લારા થોભ્યાં છે.

રોગનનાં ખભે એકે ૪૭ હતી અને ક્લારા પાસે લોંગ બેરલ હેન્ડ ગન હતી. રોગને સાવધાનીથી પોતાની ૪૭ ને હાથમાં સંભાળી અને સામેની તરફ નાળચું તાકયું. એ તરફ અત્યારે કોઇ હલચલ નજરે ચડતી નહોતી. હવાનાં કારણે ઝૂલતાં વૃક્ષોનાં પાંદડાઓ અને ડાળખીઓ સીવાય બધું શાંત જણાતું હતું. એક વખત તો રોગનને લાગ્યું કે નાહકનો તેને સંશય થયો છે, પણ નહિં... ચોક્કસ કોઇ સળવળાટ થયો હતો. સામે દેખાતાં ઝાડવાઓ અને શાંત જણાતાં જંગલમાં ખતરાનો અંદેશો તે ભાંપી ગયો હતો. તે આવા માહોલમાં જ તો ઉછર્યો હતો. નાનપણથી એક વાત બહું સારી રીતે તે સમજયો હતો કે શાંત પાણીમાં બહું ઉંડા વમળો સર્જાતાં હોય છે. અને બીજી વાત... જ્યારે પોતાનું મન કંઇક કહેતું હોય ત્યારે બધું જ પડતું મુકીને પહેલાં મનનું કહયું કરવું જોઇએ. અત્યારે પણ ભલે કંઇ જ ન હોય છતાં મનમાં જાગેલી શંકાનું નિવારણ કરવું તેને અગત્યનું લાગતું હતું. ક્લારાને ઇશારો કરીને તેને એક મોટા ઝાડની પાછળ પોઝીશન લેવા જણાવ્યું અને પછી સાવધાનીથી દબાતાં પગલે તે આગળની તરફ વધ્યો. ઉંચા ઉંચા ઝાડ અને ગીચ ઉગી નીકળેલી વનરાજીને લીધે પાંચ-દસ ફૂટ દૂર શું છે એ પણ તેને દેખાતું નહોતું. માત્ર એક અનુમાનનાં આધારે તે ઝાડીઓ હટાવતો આગળ ચાલતો ગયો. અને.....

“ સનનનનન્.... “ કરતો એક સૂસવાટો તેનાં કાનની નજીકથી પસાર થઇ ગયો. ક્ષણનાં દસમાં ભાગે એ સૂસવાટાની ગરમી તેણે અનુભવી અને અચાનક જ એક મોટા ઝાડનાં થડની પાછળ તે લપાઇ ગયો. મોત તેનાં કાનને અડીને નિકળી ગયું હતું. કોઇકે બરાબર નિશાન સાધીને ગોળી છોડી હતી, પણ રોગન વધું ભાગ્યશાળી નિકળ્યો હતો. હમણાં થોડીવાર પહેલાં ખતરાનાં ભણકારા તેને સંભળાયા હતા એ કોઇ વહેમ નહોતો એ સમજતાં વાર લાગી નહી. સહેજમાં તેની ખોપરીનાં પરખચ્ચા ઉડતાં બચ્યાં હતાં. પણ... કોણ હતું એ...? રોગને ઝડપથી ચાલતાં પોતાનાં શ્વાસોશ્વાસને નિયંત્રિત કર્યા અને સહેજ મુંડી બહાર કાઢીને જે દિશામાંથી ફાયર થયો હતો એ દિશામાં જોયું. હજુપણ એ તરફ શાંતી વરતાતી હતી. રોગન સમજી ગયો કે કોઇ ઘણે દૂર બેઠું છે અને તેણે સ્નિપર રાઇફલથી ફાયર કર્યો હોવો જોઇએ. મતલબ કે તેનો જે કોઇપણ દુશ્મન હતો એ અત્યારે તેનાથી બહેતર પોઝીશનમાં હતો. રોગન પણ ગાંજયો જાય તેમ નહોતો. આવી તો કેટલીય જીવ સટોસટીની બાજીઓ તેણે ખેલી હતી, અને તેને એ પણ ખબર હતી કે આવી પરિસ્થિતીમાં શું કરવું જોઇએ. તેણે તુરંત સેટેલાઇટ ફોનથી પ્રોફેસરનો સંપર્ક સાધ્યો અને ખતરાથી માહિતગાર કર્યા. પ્રોફેસર અને એભલ આગળ નિકળી ગયા હતાં. સંદેશો મળતાં તુરંત તેઓ અટકયા અને પાછા ફર્યા. પ્રોફેસરે દુરથી એક ઝાડનાં વિશાળ થડીયા પાછળ રોગનને સંતાયેલો જોયો. તેની ડાબી તરફ બીજા એક ઝાડની ઓથે ક્લારા હેન્ડગન હાથમાં પકડીને ઉભી હતી. એ બન્નેનું ધ્યાન એમની સામેની તરફ દેખાતાં ઝાડવાઓમાં હતું. પ્રોફેસરે એભલને ત્યાં જ ઉભા રહેવા જણાવ્યું અને તે રોગન તરફ લપકયો. આ લડાઇમાં એભલનું કોઇ કામ નહોતું. તેની પાસે પોતાનાં એક લાંબા છરા સિવાય બીજું કોઇ હથીયાર પણ નહોતું.

રોગને પણ પ્રોફેસરને નિહાળ્યા હતાં અને દુરથી... આંખોથી જ જ્યાં હોય ત્યાં થોભી જવા ઇશારો કર્યો હતો. રોગન જાણતો હતો કે સ્નાઇપર જ્યાં પણ છૂપાયો હશે ત્યાંથી તેને અહીંની તમામ હલચલ સ્પષ્ટ દેખાતી હશે. એવાં સમયે નાનકડી એક ભૂલ મોતને આમંત્રણ આપવા બરાબર હતી. અને તેને એ પણ ખ્યાલ આવ્યો હતો કે એ વ્યક્તિ જરૂર કોઇ ઉંચાઇ વાળા સ્થળે છૂપાયેલો હોવો જોઇએ... કારણકે નીચે જમીન પર રહીને તે સચોટ નિશાન સાધી શકે જ નહીં. અહીનાં ગહેરા વનમાં એ શક્ય જ નહોતું. તો ક્યાં હોઇ શકે એ...? રોગને તિક્ષ્ણ નજરે સમગ્ર ઇલાકાનો બારીકાઇથી ઝાયજો લીધો. અને એકાએક જ તે ચમકયો. બરાબર તેની સીધમાં... થોડે આઘે... એક ટેકરીનાં ઢોળાવમાં ઉગેલાં પહોળા થડનાં વૃક્ષની આડાશે... એક નાનકડું કાળું ટપકું દેખાતું હતું. યસ્સ... એ સ્નિપર રાઇફલનું નાળચું હતું. રોગને તુરંત ક્લારા સામું જોયું અને હાથની આંગળી ઘુમાવીને તેને ગોળ ફરીને એ તરફ આગળ વધવાં ઇશારાથી સમજાવ્યું. અને પછી પ્રોફેસરને તેનાંથી ઉલટી દિશામાં જવાં ઇશારો કર્યો. એ બન્ને કમરેથી ઝૂકીને લપાતાં... દબાતાં પગલે ટેકરી તરફ આગળ વધ્યાં. રોગનનો મકસદ સાફ હતો. સ્નાઇપરને બધી દિશાઓથી ઘેરવો અને પછી તેનો સફાયો બોલાવી દેવો. પણ એ તેની ભયંકર ભૂલ સાબીત થવાની હતી કારણકે સ્નાઇપર એક નહીં, બે હતાં. એ બાબતનો સહેજે અંદાજ રોગનને નહોતો. તેને તો એમ જ હતું કે ઝાડની પાછળ એક વ્યક્તિ છૂપાયેલો છે. એ વ્યક્તિનાં બેક-અપમાં કોઇ બીજો વ્યક્તિ પણ હશે એવો વિચાર સુધ્ધા તેને આવ્યો નહોતો.

@@@@@@@@@@@@@@@

ઝાડની પાછળ છૂપાયેલો વ્યક્તિ કાર્લોસનો માણસ હતો. તેની સાથે તેનો જોડીદાર પણ હતો જે તેનાંથી ડાબી દિશામાં, ટેકરી ઉપર જ, બીજા એક ઝાડ પાછળ સંતાયેલો હતો. એ લોકોની સ્ટ્રેટેજી એવી હતી કે પહેલાં એક વ્યક્તિ પ્રોફેસરની ટોળકી ઉપર પ્રહાર કરે અને જો તે નિષ્ફળ જાય તો પછી બીજો વ્યક્તિ મેદાનમાં ઉતરે. આમ... અત્યારે બન્ને પક્ષો પોતપોતાની રણનિતિ પ્રમાણે આગળ વધતાં હતાં.

રોગને જોયું તો ક્લારા ડાબી તરફથી આગળ વધતાં છેક ટેકરીનાં અડધે સુધી પહોંચી ગઇ હતી. આ તરફ પ્રોફેસર પણ દબાતા પગલે આગળ વધ્યે જતો હતો. આ જ મોકો હતો જ્યારે તે વાર કરી શકે...અને તેણે સમય ગુમાવ્યા વગર ૪૭ નું નાળચૂં ખોલી દીધું. એકસાથે હજ્જારો ગોળીઓનો જાણે ધોધ વછૂટયો અને પેલાં વિશાળ ઝાડનાં થડીયાનાં રીતસરનાં છોતરાં ઉખેડી નાંખ્યાં. એકદમ શાંતી ઓઢીને સૂતેલું જંગલ ગોળીઓનાં મારાથી એકાએક જ ધણધણી ઉઠયું અને ચારેકોર ખળભળાટ મચી ગયો. વૃક્ષોની ઉપર તેમજ વૃક્ષોમાં બખોલ કરીને રહેતાં પ્રાણીઓ, પક્ષીઓમાં જબરજસ્ત અફરાતફરી અને ભાગદોડ મચી ગઇ. જંગલ એકાએક જ જાગી ઉઠયું હતું. રોગન આડેધડ ગોળીઓ વરસાવતો હતો. ટેકરી સુધી ફાયર કરવામાં ત્યાં ઉગેલાં વૃક્ષો આડા આવતાં હતાં છતાં પહેલો વાર સટીક રીતે ઝાડનાં થડીયે થયો હતો જેનાં લીધે એ ઝાડની પાછળ છૂપાયેલો વ્યક્તિ ડધાઇ ગયો હતો. સૌથી પહેલાં તો પોતે કળાઇ ગયો છે એ વાતનો વિશ્વાસ જ તે કરી શકયો નહીં. પણ જલ્દી એ સ્વસ્થ થયો હતો અને સામું ફાયરીંગ તેણે શરૂ કર્યું હતું. તેનું સમગ્ર ધ્યાન અત્યારે સામેની દિશામાંથી થતાં હુમલામાં પરોવાયેલું હતું. બરાબર એ સમયે જ એક ગોળી આવીને તેની જમણી બાજુંમાં ઘુસી ગઇ. તે ઉછળ્યો...અને તેનાં હાથમાંથી રાઇફલ છટકીને સામેની તરફ ઢોળાવમાં રગડી. એ ગોળી ક્લારાએ છોડી હતી. કોઇ ખતરનાક જંગલી બિલાડીની માફક જ લપાતી-છૂપાતી તે એ સ્નાઇપરની નજીક પહોંચી ગઇ હતી અને નિશાન તાકીને શોર્ટ ગનનું મોં ખોલી દીધું હતું. ગોળી બરાબર તેનાં નિશાને વાગી હતી અને સ્નાઇપર ઢેર થઇ ગયો હતો. તેનાં જમણાં હાથનાં ખભાનાં ઉપરનાં જોઇન્ટમાં ગોળી ખૂંપી ગઇ હતી અને માસનાં છોડીયા ઉખેડતી છેક અંદર સુધી ઘૂસી ગઇ હતી. ફકત એક જ ગોળીએ પહેલો સ્નાઇપર ઢેર થઇ ગયો હતો. પણ આ તો હજું શરૂઆત હતી...અને શરૂઆત જ ભયાનક થઇ હતી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.