મહેલ - The Haunted Fort (part-3) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેલ - The Haunted Fort (part-3)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

       " આ બલા નું કંઈક કરવું પડશે નહિતર આપણને કોઈને નહીં છોડે." સુધા અને બીજી બે છોકરીઓની આવી હાલત જોઈ ડરી ગયેલા ભીખાભાઈ કહ્યું, સુધાના મૃત્યુના કારણે તેમનો ક્રોધ વધી ગયો હતો.
       " હા.. હા ભીખા ભાઈ કંઈક તો કરવું જ પડશે." ભીખાભાઈ ની વાત સાંભળી ને બધા એકી સાથે બોલ્યા. પછી ભીખાભાઈ એ પોતાના મિત્રને ફોન કર્યો તેમનો મિત્ર ભલ ભલા ભૂત પ્રેતો ને કાબૂમાં કરી લોકોને છૂટકારો અપાવતા ભીખાભાઈ એ તેમના મિત્રને ગામમાં બનેલી તમામ વાત કરી, ભીખાભાઈ ની વાત સાંભળી તેઓએ ભીખાભાઈ ને કાલે સવારે જેતપુર આવશે એવું કહે છે, ભીખાભાઈ બધાને આ વાત જણાવે છે ભીખાભાઈ ની વાત સામે દરેક ના ચહેરા પર થી ડર ઓછો થાય છે.
        બીજા દિવસે સવારે ભીખાભાઈ ના મિત્ર પંકજભાઈ એમના ઘરે આવે છે, પંકજભાઈ કંઈક મંત્રોચ્ચાર કરે છે અને થોડીવાર ધ્યાન મુદ્રા મા જ રહે છે.
      " આ કોઈ મામૂલી આત્મા નથી આ એક તાકાતવર આત્મા છે જે કંઈ પણ કરી શકે છે આને રોકવી સહેલી નથી." પંકજભાઈએ ધ્યાન મુદ્રામાંથી બહાર નીકળતા ભીખાભાઈ ને કહ્યું
       " પણ આને રોકવાનો કંઈક તો રસ્તો હશે ને?" પંકજભાઈ ની વાત સાંભળી ભીખાભાઈ એ સવાલ કર્યો
       " હું મારી રીતે પ્રયત્ન કરીશ પણ જો.. " પંકજભાઈ એ ભીખાભાઈ ને કહ્યું અને આગળ બોલતા અટક્યા.
       " પણ જો.. એટલે શું? પંકજભાઈ" ભીખાભાઈ એ પંકજભાઈ ને બોલતા અટકતા પૂછ્યું
       " પણ જો મને આ બધું કરતા કંઈ પણ થાય તો પછી તમારી મદદ કોઈ કરી શકે એમ નથી, છતાં પણ તમે અઘોરી જોડે જજો કદાચ એ તમારી મદદ કરી શકે અને તમને આમાંથી બચાવી શકે કારણ કે આ આત્મા હવે વધારે તાકતવર થઈ ગઈ છે." પંકજભાઈ એ વાક્ય પૂર્ણ કરતા કહ્યું સાથે તેમને આગળનો માર્ગ પણ બતાવ્યો. 
         વાત પૂર્ણ કરી પંકજભાઈ  ભીખાભાઈ ને 10 માણસો સાથે લઈને મહેલ તરફ જવા માટે કહે છે, પંકજભાઈ તેમની સાથે જરૂરી સામગ્રી પણ લઈ જંગલમાં આવેલા મહેલ તરફ પ્રયાણ કરે છે. જેમ જેમ તેઓ જંગલમાં આગળ વધે છે તેમ તેમ વાતાવરણ વધારે ભયંકર થતું જાય છે અંધકાર ના લીધે તેઓ પોતાની સાથે ટોર્ચ પણ લઈ લે છે ટોચના અજવાળામાં તેઓ ધીમે ધીમે આગળ વધે છે, વરુ ઓના રડવાના અવાજ ના કારણે વાતાવરણ વધારે ભયાનક લાગતું હતું. થોડીવાર મા તેઓ નજીક પહોંચી જાય છે પંકજભાઈ સિવાય તમામના ચહેરા પર ડરની રેખાઓ ફેલાય  છે. અચાનક કોઈ વસ્તુ તેજી સાથે તેમની તરફ ફેંકાય છે એ વાત નો આભાસ થતાં તમામ ત્યાંથી ઘટી જાય છે અને એ વસ્તુ દૂર ફેંકાઈ જાય છે, બધાને જીવમાં જીવ આવે છે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પંકજભાઈ પોતાનું કામ શરૂ કરી દે છે, તેઓના મંત્રોચાર શરૂ કરતાં જ વાતાવરણ એકાએક શાંત થઈ જાય છે આવું થતાં જ ત્યાં હાજર લોકો ખુશ થઈ જાય છે, પણ તેઓ એ વાતથી અજાણ છે કે આ શાંતિ તોફાન પહેલાની શાંતિ છે.
       " આ આત્મા કોની છે?" વાતાવરણ શાંત થતાં જ પંકજભાઈએ ભીખાભાઈ ને પૂછ્યું
       " આ વાત આજથી 100 વર્ષ પહેલાની છે જ્યારે અહીંયા અંગ્રેજોનું શાસન ચાલતું હતું, અહીંયા એક અંગ્રેજ ઓફિસર રહેતો હતો તેણે આ મહેલને પોતાના કબજામાં લઈ લીધો હતો, થોડા સમય પછી ખબર નહિ પણ એને શું થયું તો એ ગામની કુંવારી છોકરીઓને ઉઠાવી જતો અને તેમના પર કોઈ વિધિ કરી તેમની હત્યા કરતો, આની જાણ ગામના લોકોને થઈ ગામ વાળા એ ભેગા થઈને એ અંગ્રેજને મારીને તેને મહેલમાં જ સળગાવીને મારી દીધો અને ત્યાર બાદ પાંચ વર્ષ પછી એની આત્મા આ બધું કરવા લાગી એટલે બધાએ એક સાધુ પાસે વિધિ કરાવી આ મહેલને હંમેશા માટે મંત્રોચ્ચાર કરી બંધ કરી દીધો." ભીખાભાઈ એ પંકજભાઈ ના સવાલ નો જવાબ આપતા પોતાના દાદા દ્વારા કરાયેલી વાત જણાવી
       " આ મહેલ નું તાળું કોણે ખોલ્યું હતું?" પંકજભાઈએ ભીખાભાઈ ને પૂછ્યું
       " અમને નથી ખબર પણ જેણે પણ આ તાળું તોડયું છે એણે આ સમગ્ર ગામને મુસિબત માં મુક્યું છે." ભીખાભાઇ એ કહ્યું. ભીખાભાઈ ની વાત સાંભળી પંકજભાઈ એ વિધિ શરૂ કરી. ધીમે-ધીમે તેમણે મંત્રોચ્ચાર શરૂ કર્યા લગભગ 5 મિનિટ પછી એક જોરદાર અવાજ થયો ત્યાં હાજર બધા જ ગભરાઈ જાય છે, મંત્રોચ્ચાર કરતા કરતા પંકજભાઈ તાળુ લઈને મહેલના દરવાજા તરફ આગળ વધે છે જેવા તેઓ મહેલના દરવાજા ને બંધ કરવા જાય છે એવો જ એક લોખંડનો સળિયો આવીને સીધો જ એમની છાતીની આરપાર થઈ જાય છે, એ સાથે જ તેઓ હવામાં ફંગોળાય અને ભીખાભાઈ તથા અન્ય લોકો ઉભા હોય છે ત્યાં જઈને પડે છે, પંકજભાઈ ની આ હાલત જોઈ ને બધા ડરી જાય છે.
        " પંકજભાઈ... પંકજભાઈ" પંકજભાઈ નું માથુ પોતાના ખોળામાં લઈ ભીખાભાઈ રડતા રડતા બોલી રહ્યા હતા. તેમના મિત્ર ની આ હાલત જોઈને તેમને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો, તેમની મદદ કરવા માટે આવેલા તેમના મિત્ર એ તેમના માટે જીવ ગુમાવ્યો.
         " ભીખાભાઈ અહીંથી ચાલો આ જગ્યા વધારે સુરક્ષિત નથી." બુધિયા એ ભીખાભાઈ ને ઉભા કરતા કહ્યું અને તેઓ ત્યાંથી નીકળે છે પાછળ પાછળ બધા ભાગવા લાગે છે, ભાગતા ભાગતા ઉતાવળમાં બધા જ અલગ પડી જાય છે આગળ નીકળી જતા બધા આજુબાજુમાં નજર કરે છે તો તેઓ પોતે એકલા પડી જવાનો અહેસાસ થાય છે પણ ઘણું મોડું થઈ ગયું હોય છે એકલા પડી જવાથી બધા જ ડરવા લાગે છે તેઓ આગળ વધવાનો પ્રયત્ન કરે છે, આ બાજુ બુધીઓ ભીખાભાઈ ને લઈને દોડતો હોય છે.
        " કોણ છે ત્યાં? હું કહું છું કોણ છે ત્યાં?" બુધીયો ડરેલા સ્વરમાં આગળ વધતા વધતા અચાનક કંઈક હલચલ થતા પૂછે છે, તે ભીખાભાઈ ને લઈને આગળ વધે છે તે ઝાડ પાછળ જઈને જોવે છે તો કોઈ હોતું નથી. આ તરફ કાળીયો આગળ વધતો હોય છે અચાનક તેના કાને કંઈક સંભળાય છે તેને કોઈક બોલાવતું હોય છે.
        " આતો મારી સુધાનો અવાજ છે." અવાજ સાંભળી કાળીયો ગદગદ થઈ અવાજની દિશા તરફ જાય છે આગળ જતાં કોઈ દેખાતું નથી એ ડરી જાય છે પરિસ્થિતિનું ભાન થતા તે પાછો ગામ તરફ દોડે છે, તે ભાગતો હોવા છતાં પણ આગળ વધી શકતો નથી જાણે કોઈએ તેને પકડી રાખ્યો હોય એવું તેને પ્રતીત થતું હતું. હિંમત કરી તે પાછળ જુએ છે ત્યાં કોઈ હોતું નથી તે જેવો આગળ ફરે છે એવો સીધો જ ઝાડ સાથે ટકરાય છે. " આ શું બલા છે?" તે ઝાડ સાથે ટકરાઇને નીચે પડતા બોલ્યો ઝાડ સાથે ટકરાવાથી તેને ચક્કર આવી રહ્યા હતા. 
          " જયંતિ.... જયંતિ" એક કર્કશ અવાજ જયંતિ ના કાને પડે છે જાણે કોઈ તેને બોલાવતું હોય, જયંતિ અવાજ સાંભળી ડરી જાય છે, ડરના માર્યા તે ફટાફટ આગળ દોડે છે તેની ઉંમરના કારણે દોડતા દોડતા થાકી જવા ના કારણે તે એક જગ્યા એ ઊભો રહે છે.
        કાળીયો થોડીવાર પછી ઉભો થઈ ત્યાંથી નીકળવા જાય છે પણ તેને એમ લાગે છે કે જાણે કોઇએ તેનો પગ કોઈ વસ્તુ સાથે બાંધી દીધો હોય, જેવો તે તેની પગ તરફ નજર કરે છે એવો તે ને આંચકો લાગે છે, તેનો પગ વેલથી લપેટાઈ ગયો હોય છે, તે છુટવા માટે પ્રયત્ન કરે છે પણ તેના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે, અચાનક બીજી એક વેલ તેના બંને હાથ પર લપેટાઈ જાય છે તે એક ઝાડ તરફ ખેંચાય છે તેનું શરીર એ ઝાડના થડે વેલ થી લપેટાઈને કેદ થઈ જાય છે તે વેલ ધીરે ધીરે તેના ગળા થી માથા સુધી લપેટાઈ જાય છે શ્વાસ રૂંધાવાના કારણે કાળીયા નું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. 
         " બકા એ બકા ક્યાં ગયા તમે બધા?" એક વ્યક્તિ બકા ને બુમ પાડીને શોધી રહ્યો હોય છે તથા અન્ય લોકોને પણ શોધે છે, જંગલમાં એક નાનોસૂનો અવાજ  પણ એ વ્યક્તિને ડરાવી જતો હતો ડરના કારણે તેનું ગળું સુકાઈ જાય છે એને તરસ લાગે છે, જંગલમાં ત્યાં તેને સામે એક કુવો દેખાય છે તે પાણી પીવા માટે આગળ વધે છે, કુવા ની નજીક જઈ તે કૂવામાં ડોલ નાખી પાણી કાઢી પાણી પીવે છે, પાણી પીતા પીતા અચાનક તેની નજર પાણી ભરેલી ડોલ પર પડે છે કૂવામાંથી કાઢેલા એ પાણી ની જગ્યાએ લોહી હોય છે, એ વ્યક્તિ લોહી જોઈ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે અચાનક તેનો પગ દોરડામાં ભરાઈ જાય છે તે દોરડું તે વ્યક્તિને કુવા તરફ ખેંચે છે એ છૂટવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પણ તે છૂટી શકતો નથી, તે એક ઝટકા સાથે સીધો જ કૂવાની અંદર તરફ ફેંકાઈ જાય છે અને ત્યાં જ એના રામ રમી જાય છે.
        " બીજા બધા ક્યાં ગયા બધા બુધિયા?"  ભીખાભાઈ એ દોડતા દોડતા અચાનક ઉભા રહી આજુબાજુમાં નજર કરતા બુધિયા ને પૂછ્યું
       " ખબર નથી ભીખાભાઈ પણ ડરના કારણે ઉતાવળમાં બધા જ છુટા પડી ગયા લાગે છે." બુધિયા એ ભીખાભાઈ ને જવાબ આપતા કહ્યું
       " તો પછી એમને શોધવા પડશે એ મારા કહેવા ઉપર આવ્યા હતા, તેમને સહી સલામત પાછા લાવવા એ મારી જવાબદારી છે." ભીખાભાઈ એ પોતાની જવાબદારી  નિભાવતા કહ્યું
       " તમે ચિંતા ના કરો એ બધા પોતપોતાની રીતે આવી જશે, પહેલા આપણે અહીંથી નીકળી જઈએ આ જગ્યા વધુ સુરક્ષિત નથી." બુધિયા એ ભીખાભાઈ ને સમજાવતા કહ્યું બુધિયા ની વાત સાંભળી ભીખાભાઈ તેની સાથે સહમત થઈ પાછા ગામ તરફ જવા ભાગે છે, જંગલ થી ગામ નો રસ્તો ફક્ત 15થી 20 મિનિટનો જ છે પણ આજે બધા ને આ રસ્તો જાણે ઘણો લાંબો હોય એવું લાગી રહ્યું હતું એમને જાણે દિવસોથી અહીં દોડતા હોય એમ લાગી રહ્યું હતું. 
        એમ પણ જ્યારે કોઈ વસ્તુ થી તમને ડર લાગે છે, અથવા તેનાથી તમે બચવાનો કે દૂર જવાનો પ્રયત્ન કરતા હો ત્યારે તમને જાણે એવું લાગે કે હજુ તમે ત્યાં જ છો અથવા ટાઈમ નીકળતો નથી, અહીંયા જંગલમાં ગયેલા તમામની હાલત આવી જ હતી, તેમને પણ એમ જ લાગી રહ્યું હતું કે હજુ તેઓ જંગલમાં જ છે અને ઘણો સમય થઈ ગયો હોવા છતાં તેઓ જંગલની બહાર નીકળ્યા નથી. ખરેખરમાં એવું નહતું પણ ડરના કારણે તેમને એવુ લાગી રહ્યું હતું.

નોંધ:-
 મિત્રો આપને મારી આ વાર્તા પસંદ આવી હોય તો રેટીંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનો ને વાંચવા માટે આગ્રહ કરજો. 
 આ સિવાય આપ મારી અન્ય વાર્તા પ્રતિશોધ પણ વાંચી શકો છો.