બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૭) રેશમી જાળ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૭) રેશમી જાળ

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

(ભાગ - ૭ : રેશમી જાળ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૬ માં આપણે જોયું કે...

‘સનસેટ પોઇન્ટ’ પરથી મુસ્કાનને ગુપ્ત રીતે મળીને આવેલો અરમાન, હઝરત કુરેશીના સી.એમ. સાહેબના મર્ડર-પ્લાનને કેવીરીતે નિષ્ફળ બનાવવો એની વિમાસણમાં છે. કોટેજમાં પ્રવેશતા જ નવ્યાના કાતિલ સૌંદર્યથી ઘાયલ થાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં એન્ટ્રી સબમિટ કરવા માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય છે, હઝરત કુરેશી અલખ-નિરંજનને કોઈક ‘ખાસ’ કામ સોંપે છે. અર્પિતા ઉપર એક નકાબપોશ ખંજર વડે હુમલો કરવા જાય છે ત્યાં જ કશેકથી બંદૂકની ગોળી ચાલે છે...

હવે આગળ...)
‘બોસ, અર્પિતાને હજી કેટલી ડરાવવાની છે?’

‘તારે બસ એની ઉપર નજર રાખવાની છે - ચોવીસ કલાક, સમજ્યો?’

‘જી, બોસ! પણ તમે જો અલખ-નિરંજનને ‘કોઈક’ કામ સોંપ્યું હોય તો તમારી ગણતરી ઉંધી વાળી નાખે એવા માથાફરેલ છે એ બંને...’

‘ડોન્ટ વરી, દગડુ... એક મસમોટી દક્ષિણા એમની ઝોળીમાં નાખી છે; કામ હવે તમામ થશે.’

‘પણ, બોસ... ઓલરેડી એક વખત અર્પિતાની કારને ટ્રક વડે ટક્કર મરાવીને એના મનમાં ડર તો પેસાડી જ દીધો છે... તમારા પ્યાદા પેલા હીરો લેખકને પણ એની વિડીયોક્લિપે ધ્રૂજાવી તો દીધો જ છે... તો આજે આ ખંજરથી હુમલો...’

‘હુમલો...? ખંજરથી...? આ તું શું બકે છે, દગડુ?’ હઝરત કુરેશી એકદમ ઊભા થઈ ગયા.

‘બોસ, ભલે હું અર્પિતાના ઘરની સામેની બિલ્ડીંગના ફલેટમાં એની હિલચાલ ઉપર આંખો ખોસીને બેઠો હોઉં, પરંતુ દિવસોથી મારી આંખો પર લગાવેલું આ પાવરફૂલ દૂરબીન મને અર્પિતાના નાક પરનો કાળો તલ પણ સ્પષ્ટપણે દેખાડે છે.’ દગડુએ આંખો પટપટાવ્યા વિના મોંમાંથી સિગારેટના ધૂમાડાની રીંગ છોડતા કહ્યું, ‘...હું અત્યારે અબ્બીહાલ સાફ જોઈ શકું છું કે કાળા કપડાંથી ઢંકાયેલો એક નકાબપોશ દબાતે પગલે અર્પિતાના ઘરમાં બનેલા નાનકડા જીમમાં પ્રવેશી ચૂક્યો છે. એના હાથમાં પારદર્શક કાચનું એક ધારદાર ખંજર ચમકે છે. ટૂંકા અને ટાઇટ વસ્ત્રોમાં સજ્જ અર્પિતા બહારની તરફનું મોં કરીને ફોન ઉપર ગપ્પા-ગોષ્ઠિ કરવામાં મશગૂલ છે. અને પાછળથી પેલો નકાબપોશ...’

‘દગડુ...’ હઝરત કુરેશીના દાંત ભીંચાઈ ગયા. આંખોમાં હેરત ધસી આવ્યું. એક ક્ષણ પણ બગાડ્યા વિના એમણે ચીસ પાડી, ‘રોક એને... ક્વિક...’

‘બોસ... તો શું તમે અર્પિતા ઉપર હુમલો કરવાનો કોઈને ઓર્ડર નથી આપ્યો? આઇ મીન, આ નકાબપોશ તમારો માણસ નથી?’

‘બકવાસ બંધ કર. પહેલાં રોક પેલાને...’ હઝરત કુરેશીનો અવાજ એકાએક ઊંચો થઈ ગયો, ‘અર્પિતાની જિંદગી એમ વેડફાવી જોઈએ નહિ, હજુ અરમાન દીક્ષિત પાસે વાર્તા લખાવવાની બાકી છે. તું રોક એને...’

એ સાથે જ, ઝૂપ્પ્પ...

‘એ-આર-૧૫ સ્ટાઇલ’ રાઇફલમાંથી એક ગોળી સ...ન...ન...ન... કરતી સમયની નાજુક ક્ષણોને વીંધતી આંખના બીજા પલકારે એના મુકામ પર પહોંચી ગઈ. અર્પિતાના ખભાની એક ઇંચ ઉપરથી પસાર થતી બુલેટટ્રેનની ગતિ ધરાવતી દગડુની રાઇફલની બુલેટ નકાબપોશના ખંજર સાથે ઊંચા થયેલા હાથના કાંડાને ઘસરકો પાડતી સીધી જ દીવાલમાં જડેલા વિરાટકાય આયનાને મરણતોલ માર લગાવી બેઠી.

દગડુએ રાઇફલ આર્મચેર સાથે ટેકવી. પોતાના કપાયેલા હોઠ ઉપર સિગારેટની વાદળીનો નરમ ભાગ ફેરવ્યો. બળી રહેલા તમાકુનો એક ઊંડો શ્વાસ ખેંચી એક આખરી અને દમદાર કશ લગાવ્યો. પછી મનોમન મલકાતા બોલ્યો, ‘ભાઈને બોલા ‘રોક’, તો રોક દિયા... અગર ‘ઠોક’ બોલા હોતા તો... સાલ્લા...’ અને સિગારેટના ઠુંઠાને પોતાના અંગૂઠા અને વચલી આંગળી વચ્ચે દબાવીને બારી બહાર ઘા કર્યો. કમરામાં તીવ્ર વાસવાળું ધુમાડાનું એક વાદળ રચાઈ ઊઠ્યું...

***

‘મુસ્કાન ઝૂઠી હૈ... પહેચાન ઝૂઠી હૈ...’ - ફિલ્મી ગીતની કડી ગણગણી રહેલી નવ્યાની બેફિકરાઈ કાને અથડાતા જ અરમાન ફરી એકવાર સ્તબ્ધતાની અસર હેઠળ કચડાઈ ગયો. એણે પાછળ ફરીને જોયું તો નવ્યાનો ચહેરો એના લાંબા વાળમાં ઢંકાયેલો હતો. એ બિલકુલ બેપરવા જણાતી હતી. એના હાથમાં હવે નેઇલપોલિશને બદલે મોબાઇલે હૂંફ મેળવી હતી...

મોબાઇલમાં નંબર ડાયલ કરવાં પહેલાં એણે પોતાનું માથું થોડું ત્રાંસુ કરીને અરમાન તરફ જોયું. એના રેશમી વાળની આરપાર એની નજર અરમાનને વીંધી રહી હતી. એણે પોતાનો એક હાથ લંબાવ્યો. બંને ગોરા અને ઉઘાડા પગને શક્ય એટલા લાંબા કરીને એકબીજા ઉપર ચઢાવ્યા. સોફાને અઢેલીને રાખેલી પીઠ ટટ્ટાર કરી. છાતીનો ઉભાર ઊંચો કરી પોતાનું માથું સોફ ઉપર ઢાળી દીધું. હળવા અવાજે બોલી, ‘ફક્ત બાવન કિલો... જો ઉઠાવી શકો તો, રાઇટર બાબુ!’

અરમાન એક અજાણ્યા ચુંબકત્વને આધારે ખેંચાઈને નવ્યાની લગોલગ આવી ચૂક્યો હતો. એના હૃદયની ધડકનો કોઈક ઘૂઘવતા સાગરના મોજાની જેમ ઉછળી રહી હતી, પરંતુ આંખોએ એક અનેરી ચમક સાથે જીભને નિ:શબ્દ બની રહેવાનો આદેશ આપી દીધો હતો!

‘કલમનું એક મોરપીંછ જેટલું રતીભાર વજન ઊંચકી શકનાર લેખક મહાશય માટે આજે એ શક્ય છે કે મચકોડાયેલા પગથી પીડિત એક નવયૌવનાને સહારો આપી શકે?’ નવ્યાએ પોતાનો જમણો પગ એની નીચે રહેલા ડાબા પગની ગૌર-લીસી ત્વચા ઉપર સહેલાવતા દબાયેલા સ્વરે પૂછ્યું.

અરમાન લગભગ યંત્રવત જ વાંકો વળ્યો. નવ્યાએ પોતાના બંને પગ છૂટ્ટા કરીને ઘૂંટણથી વાળી દીધા. અરમાને પોતાનો જમણો હાથ નવ્યાના બંને પગ નીચેથી સરકાવીને એની ડાબી જાંઘને કસીને પકડી લીધી. ડાબો હાથ એણે નવ્યાની પીઠ પાછળ રાખી એક ઝાટકો મારીને એને પોતાની બાહોમાં ઊંચકી લીધી. નવ્યાના રેશમી વાળ નીચે તરફ લહેરાઈ ઉઠ્યા. એણે પોતાનું શરીર અરમાનની બાહોમાં ઢીલું છોડી દીધું. હોઠ અર્ધખૂલા રાખી આંખો સંપૂર્ણ બંધ કરી દીધી. અરમાને નવ્યાના બેડરૂમ તરફ પગ ઉપડ્યા કે એના પગ સાથે કૈક અથડાયું. એણે નીચે તરફ જોયું તો એક સ્ટ્રોંગ બીયરની ખાલી થઈ ચૂકેલી બોટલ કાર્પેટ ઉપર લથડિયાં ખાઈ રહી હતી. એમાં રહેલો ‘લાસ્ટ લવ પેગ’ જેટલો થોડો બીયર બહાર રેલાઈને સફેદ ફીણ બનાવી ચૂક્યો હતો.

નવ્યાએ આંખ ઉઘાડી. અરમાનની બાહોમાં ઝૂલતા ઝૂલતા થોડી મદહોશ અવસ્થામાં એક નંબર ડાયલ કર્યો... અરમાન એને ઉઠાવીને આગળ વધી રહ્યો હતો.

ફોન કનેક્ટ થતાં જ સામો છેડો જાણે કે કૂદકા મારતો હોય એમ ચીસ પાડી ઊઠ્યો, ‘હા...ય, સ્વિ...ટ...હાર્ટ...’

‘હે...ય, જા...ન...’ નવ્યાએ ફોનમાં ગણગણ્યું.

નાવ્યને બાહોમાં ઝૂલાવતો અરમાન પગથિયાં ચઢીને એના બેડરૂમ તરફ સરકી રહ્યો હતો.

‘..........’

‘ઓ જા...ન!’ નવ્યા ધીમેથી બોલી, ‘બોયફ્રેન્ડ જ બનાવવો હોય તો તારો હબી ક્યાં દૂર છે!’

‘...........’

‘માઉન્ટ આબુ!’ -ને સામે છેડે ખ...ણ...ણ...ણ... કરતો એક વિશાળ કાચ તૂટવાનો અવાજ થયો. ફોન ડીસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો.

થોડી ક્ષણો નવ્યા અને અરમાન – બંનેના વિચારોને વલોવતી શાંતિથી વીતી ગઈ. પછી એકાએક નવ્યાએ અરમાન સામે અર્ધમીંચાયેલી આંખોએ જોયું. તાજી જ નેઇલપોલિશ કરેલી જમણા હાથની પહેલી બે લાંબી આંગળીઓ સીધી કરી અને બાકીની આંગળીઓ તથા અંગૂઠાને એકબીજામાં ગૂંથીને રિવોલ્વર જેવો આકાર રચ્યો. પોતાના ભરાવદાર હોઠોને ગોળ કરીને રિવોલ્વરનો આકાર રચેલી આંગળીઓના ટેરવા ઉપર એક હળવી ફૂંક મારી. પછી એ આંગળીઓને અરમાનના હોઠ ઉપર મૃદુતાથી ફેરવી. અને એક ખડખડાટ હાસ્ય હવામાં ફેલાઈ ગયું. અરમાનના હોઠ પણ સહેજ વંકાયા. પણ એમના હાસ્ય અને સ્મિત વચ્ચે રહેલી ખામોશીની અણીદાર રજકણો અકળાઈ ઊઠી.

થોડી ક્ષણોની ખુમારી પછી નવ્યાનો ફોન રણકી ઊઠ્યો.

જેમજેમ એ સામા છેડાની વાત સાંભળતી ગઈ તેમતેમ એના ચહેરાનો રંગ બદલાતો ગયો. ક્યારેક લાલાશ પકડતો, ક્યારેક પીળાશ પકડતો તો ક્યારેક સફેદ બરફ જેવો ફિક્કો...

‘તારાથી એક કામ વ્યવસ્થિત નહિ થયું, ઇડીયટ!’ નવ્યા એકદમ તાડૂકી ઊઠી. એની આંખમાં અંગારા ઉછળવા માંડ્યા. ચહેરો તમતમી ઊઠ્યો. કપાળ ઉપર નસો ઉપસી આવી. એક ઝટકા સાથે એ અરમાનની બાહોમાંથી કૂદી પડી. લાલચોળ ચહેરે પગ પછાડતી પોતાના બેડરૂમ તરફ ધસી ગઈ અને ‘ધડામ’ કરતો દરવાજો અંદરથી બંધ કરી લીધો...

***

અર્પિતા પરસેવે રેબઝેબ હતી. ફ્લોર ઉપર વેરવિખેર થઈને પડેલા આયનાના નાના-નાના ટુકડાઓમાં ઉભરેલાં પોતાના જ ઢગલેબંધ પ્રતિબિંબો જાણે કે સવાલ કરી રહ્યાં હતાં – કોઈક મારો જીવ લેવાની કોશિશ કરે છે?... પણ કોણ – પેલો નકાબપોશ?... કે પછી પેલો ભેદી બંદૂકબાજ? એની પીઠ પાછળ કોઈ નકાબપોશ ખંજર ચલાવી રહ્યો હતો... એની છાતી આગળથી કોઈએ ગોળી ચલાવી હતી... ખંજર અને ગોળીનો તાલમેલ એને ક્યાંયે બંધબેસતો નહિ લાગ્યો. એને હચમચાવી નાખે તેવા પ્રશ્નાર્થો એની નજર સમક્ષ હવામાં તરી રહ્યાં હતાં. ફ્લોર ઉપર નિષ્પ્રાણ પડેલા કાચના ટુકડાઓ એની નજર સાથે એના હૃદયને પણ વીંધી રહ્યા હતા... કોઈ મારું કેમ કતલ કરવા માંગે છે? કોણ...? કેમ...?

અર્પિતાએ ફ્લોર ઉપર પડેલો પોતાનો મોબાઇલ ઊઠાવ્યો અને અરમાનને જોડ્યો. પરંતુ, ‘કવરેજ’ની બહાર! હંમેશની માફક...

***

‘બોસ, ગજબ થઈ ગયો...’ હઝરત કુરેશીનો ફોન ચિલ્લાઈ ઊઠયો.

હઝરત કુરેશી ધીમા ડગલા માંડી રહ્યા હતા. ‘વ્હોટ હેપન્ડ...?’ એમણે બંને આંખો સ્થિર કરી.

‘વાર્તાસ્પર્ધામાં વાર્તા સબમિટ કરવાનો આજે છેલ્લો દિવસ છે, અને...’

‘અને...’ ફેફસામાં એકસામટો ભરાય એટલો શ્વાસ ભરીને થોડીવાર માટે છાતીમાં જ સંઘરી રાખ્યો. પછી હળવે રહીને આંખો બંધ કરીને ઘેરાયેલી હવા બહાર તરફ ફંગોળી.

‘અરમાન ગાયબ છે!’

બીજી જ ક્ષણે આંખો ખોલીને કુરેશીએ પાળી ઉપરથી બાલ્કનીની અંદર તરફ છલાંગ લગાવી, ‘વ્હોટ્ટ, નોનસેન્સ...’

‘જી, બોસ... આઇ એમ સોરી, બટ...’

એમણે પાછળ ફરીને જોયું. પાંચમા માળના પેન્ટહાઉસની બાલ્કની રંગબેરંગી ફૂલો-વેલોથી મઘમઘી રહી હતી. બાલ્કનીની પાળીની બીજી તરફ સીધું નજરે ચઢતું આકાશ થોડું ઘેરાઈ રહ્યું હતું. અને નીચે સડક ઉપર ટ્રાફિક જમા થઈ રહ્યો હતો. પણ એનો કોલાહલ ઉપર સુધી આવવા અસમર્થ હતો. એમણે બાલ્કનીમાંથી ડ્રોઇંગરૂમ તરફ પોતાના કદમ વાળ્યા. ‘...પેલા બંને પઠ્ઠાઓને સાથે શું માઉન્ટ આબુ ઘાસ ચરવા મોકલ્યા હતા?’

‘એ બંને બોડીગાર્ડ્સ પણ...’

‘શું...?’

‘એ બંનેનો કોઈ પત્તો નથી!’

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૮ વાંચવાનું ચૂકશો નહિ.)