બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૮) ટાર્ગેટ અર્પિતા DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૮) ટાર્ગેટ અર્પિતા

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

(ભાગ - ૮ : ટાર્ગેટ અર્પિતા)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૭ માં આપણે જોયું કે...

અર્પિતા ઉપર સતત નજર રાખી રહેલો દગડુ કુરેશીના ઓર્ડરથી એ નકાબપોશ ઉપર ગોળી ચલાવે છે કે જે અર્પિતા ઉપર ખંજરથી હુમલો કરવાની ફિરાકમાં હતો. નવ્યાના સૌંદર્યના ચુંબકત્વથી ખેંચાઈને અરમાન એને બાહોમાં ઊઠાવીને બેડરૂમ તરફ આગળ વધે છે. અર્પિતા ડઘાયેલી છે કે કોઈ શા માટે એનું કતલ કરવા માંગે છે! ત્યાં જ અચાનક કુરેશીને સમાચાર મળે છે કે સ્પર્ધામાં વાર્તા સબમિટ કરવાનો છેલ્લો દિવસ છે અને લેખક અરમાન ગાયબ છે...

હવે આગળ...)
અરમાન સવારથી ગાયબ હતો. બંને બોડીગાર્ડોનો પણ કોઈ પત્તો નહોતો. આ તરફ હઝરત કુરેશી આકુળ-વ્યાકુળ હતા તો નવ્યાની હાલત પણ માથા ઉપર તલવાર લટકતી હોય એવી થઈ ગઈ હતી. ન તો અરમાનનો કોઈ પત્તો જડતો હતો કે ન તો એકપણ બોડીગાર્ડનો મોબાઇલ કનેક્ટ થતો હતો.

બે-ત્રણ કલાક ઉચાટમાં વીત્યા. ઓચિંતો જ નવ્યાનો મોબાઇલ ગૂંજી ઊઠ્યો. બોડીગાર્ડનો કોલ હતો, ‘મે’મ, અમે પહાડ ઉપર છીએ, અરમાન સાહેબ સાથે... અહીં નેટવર્કનો પ્રોબ્લેમ...’ –અને ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

નવ્યા માટે કોઈપણ જાતનું અનુમાન લગાવવું કઠિન હતું.

આખરે સાંઝ ઢળતાં જ...

લથડતી ચાલે અરમાન કોટેજમાં પ્રવેશ્યો. અને એ સાથે જ એક તીવ્ર વાસ આખા સીટીંગ એરિયામાં પ્રસરી ઊઠી, એક નશાકારક દ્રવ્યની વાસ... અરમાનના બંને પગ આકાશમાં ઉડાન ભરવા માટે જાણે કે ઉતાવળા થઈ રહ્યા હતા.

ઝળહળતી લાઇટની રોશનીમાં નવ્યાએ જોયું કે અરમાનનું મોં એક તરફથી સૂજી ગયું હતું. ડાબી આંખની નીચે ઘેરી લીલાશ છવાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે ટૂંક સમયમાં એ ભાગ કાળાશ ધારણ કરી લેશે. ડાબી આંખ અને એ તરફનો ગાલ સૂજી જવાને કારણે ડાબી આંખ લગભગ બંધ જેવી હાલતમાં હતી. મહામહેનતે જરા જરા એ આંખ ઉઘાડીને જોવાની કોશિશ કરતા કોઈ ચાઇનીસ વ્યક્તિ જેવી આંખોની તિરાડ ઉપસાવતો વ્યક્તિ હોય એવું જણાઈ રહ્યું હતું. એક તરફનો હોઠનો ખૂણો ફાટી ગયો હતો અને એમાંથી નીકળેલું લોહી વાતાવરણમાં ભળીને થીજી ગયું હતું.

‘ભાડમાં જાય વાર્તા... ભાડમાં જાય કુરેશી...’ અરમાનના પગ સાથે એની જીભ પણ ભરપૂર લથડિયાં ખાવા માંડી હતી.

નવ્યા એ જાણવાની કોશિશ કરી રહી હતી કે અરમાન આખો દિવસ ક્યાં હતો. એની આવી હાલત કોણે કરી હતી!

‘એક નિષ્પાપ અને સેવાભાવી નેતાને સાલો પેલો દરિંદો કુરેશી... વગર વાંકે પરલોક પહોંચાડવાની ફિરાકમાં છે. અને એવા બેરહેમ આતંકવાદીને સાથ આપનારી તું સાલી ચૂ....’

નવ્યાની ભ્રમરો તણાઈ.

‘ચૂ... ચૂડેલ સા...લી...’ અરમાન જાણે કે બધી ભડાશ આજે એકસામટી ઓકી નાખવા માંગતો હોઈ એમ સુરતી ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હતો.

નવ્યાએ ખામોશ રહેવાનું ઉચિત સમજ્યું.

‘ચાહો તો મારી નાખો મને! હું વાર્તા જ નહિ લખું. શું ઉખાડી લેશો તમે સાલાઓ...? નશામાં વ્યક્તિ હંમેશા સાચું જ બોલે છે ને? તો સાંભળ, મિસ બ્યૂટી ક્વીન...’ શરાબે અરમાનની હિંમતની બારી પૂરેપૂરી ઉઘાડી આપી હતી. ‘...મારી પત્ની અર્પિતાને તમે નજરકેદમાં રાખી છે ને! જીવ લઈ લેશો ને એનો... તો લઈ લો! એક ઈમાનદાર અને દયાળુ સી.એમ. માટે આવી એક નહિ સો અર્પિતા કુરબાન છે. સોરી, અર્પિ ડાર્લિંગ, સોરી... હું મજબૂર છું, ખૂબ જ લાચાર...! સાબિતી વગર પોલીસ કમ્પ્લેઇન્ટ પણ નથી કરી શકતો. પણ, એક આદર્શ નાગરિક હોવાને નાતે હવે હું વધારે પડતું ખોટું નહિ થવા દઉં. નિર્દોષ સી.એમ. સાહેબને બચાવવા માટે કોઈકે તો ભોગ આપવો જ પડશે ને!’

એ સાથે જ અરમાન પોતાના જ પગમાં ભેરવાઈને એક ગડથોલિયું ખાઈ ગયો અને ઉંધે મોંએ સીટીંગરૂમની કાર્પેટ ઉપર પથરાઈ ગયો. પાછળથી બંને બોડીગાર્ડો આવ્યા અને અરમાનનું એક એક બાવડું ખેંચતા એના બેડરૂમ તરફ ઢસડી ગયા.

‘મે’મ, વહેલી સવારે તમે હજી સૂતા હતા. અને અરમાન સાહેબે અમને કહ્યું કે ઉંચે પહાડો ઉપર જવું છે...’ અરમાનને એના બેડરૂમમાં છોડીને આવ્યા બાદ એક બોડીગાર્ડે નવ્યાને કેફિયત આપવા માંડી, ‘...એમણે અમને કહેલું કે આજે છેલ્લો દિવસ છે તો વાર્તા પૂર્ણ કરવા માટે પૂરતી મોકળાશ જોઈશે. ને અમે ત્રણેય જણ એસ.યુ.વી.માં બેસીને ગુરુશિખર પહોંચ્યા.’

બીજા બોડીગાર્ડે ખુલાસાનો દોર પોતાના હાથમાં સંભાળતા આગળ કહ્યું, ‘પછી અમે દેલવાડાના ડેરા ઉપર પહોંચ્યા – એ પણ તમારા રાઇટર સાહેબની ડિમાંડથી જ... હજુ ત્યાં થોડો સમય પસાર કર્યો ત્યાં તો એમની ઈચ્છા થઈ આવી અચલગઢ જવાની...’

‘આખ્ખો દિવસ બસ એમજ રખડાવ રખડાવ કર્યા કર્યું ને પછી તેઓ અચાનક એક ‘બાર’માં ઘૂસી ગયા. પાછા ફર્યા ત્યારે ઝૂમતા હતા. ગંધ પરથી લાગતું કે એમણે ડ્રીંક્સ કર્યું છે, ચિક્કાર...’ ફરી પહેલો બોડીગાર્ડ વાતની મઝા લેતો હોય એમ આગળ બોલ્યો, ‘...આખરે અધરદેવીના મંદિરે પહોંચીને એમણે રમખાણ માંડ્યું. ઊંચા ઘાટ ઉપર આવેલા એ મંદિરની આસપાસ ઊંડી ખાઈ છે. અને તમારા આ લેખક મહાશયે નશાની હાલતમાં નીચે - ખીણ ભણી દોટ મૂકી. અમે જેમતેમ એમને રોકવાની કોશિશ કરી. આખરે એમને કંટ્રોલ કરવા માટે અમારે એમનો ચોકલેટી ચહેરો થોડો છુંદવો પડ્યો!’

***

હઝરત કુરેશી આખા રૂમમાં એક છેડેથી બીજા છેડે આંટા મારી રહ્યા હતા. ક્યારેક ક્યારેક હાથની મુઠ્ઠીઓ વાળીને હવામાં વીંઝી દેતા હતા. એમનો આખો ચહેરો રતાશ પકડી ચૂક્યો હતો. આંખોમાં જાણે કે લોહીની ટસર ફૂટી નીકળી હતી. ઊંડા શ્વાસોચ્છવાસથી એમની પહોળી છાતી ઊંચીનીચી થઈ રહી હતી. બોડીગાર્ડ તથા નવ્યા તરફથી મળેલા રીપોર્ટને લઈને એમના આખા શરીરમાં ખુન્નસ દોડી રહ્યું હતું.

‘નવ્યા...’ એમણે ફોન લગાવ્યો, ‘સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરીને અરમાને સારું નથી કર્યું. આ ગુસ્તાખી એને બહુ જ ભારી પડશે. એને જણાવી દેજે.’

‘અરમાન બેહોશ છે, બોસ... એના બબડાટ પરથી મને લાગે છે કે એને આપણા પ્લાનની ગંધ આવી ગઈ હતી.’ નવ્યાએ અરમાનના બેડરૂમ તરફ એક ત્રાંસી નજર ફેંકતા કહ્યું.

‘ગોડ ડેમ્મ... લાગે છે કોઈક ‘વિભીષણ’ બની બેઠું છે. અંદરની જ કોઈક વ્યક્તિએ એને કશીક બાતમી પૂરી પાડી લાગે છે.’

‘નશામાં એ લવારે ચઢ્યો હતો કે કુરેશીના નામથી વાર્તા જ નહિ લખું તો વિજેતા થઈને સી.એમ.ના સાહિત્ય-સમારોહમાં એન્ટ્રી લેવાના તથા એમના મર્ડરના માસ્ટર પ્લાનનું સૂરસૂરિયું થઈ જશે.’ નવ્યાએ થોડીવાર પહેલાંની અરમાનની સ્થિતિ વર્ણવી.

‘નવ્યા, કાઉન્ટ ડાઉન સ્ટાર્ટસ, નાવ! એલર્ટ કરી દે લેખક મહાશયને! નાવ અવર ટાર્ગેટ ઇઝ – અર્પિતા...’

***

નવ્યાએ અરમાનના બેડરૂમ તરફ પગરવ માંડ્યા. ધીમે પગલે એ આગળ વધી. અરમાન એના બેડ ઉપર ઉંધે મોઢે પડ્યો હતો. થોડીવાર પહેલાં કદાચ બોડીગાર્ડ આજ અવસ્થામાં એને છોડી ગયા હશે. નવ્યાએ બેડરૂમમાં પ્રવેશીને દરવાજો અંદરથી બંધ કર્યો. નાઇટલેમ્પ ઓન કર્યો. પોતાના રેશમી નાઇટગાઉનની ગળા નીચેની દોરી છોડી નાખી. અરમાનના વાળમાં હાથ ફેરવતાં એણે ધીરેથી એના કાનમાં ફૂંક મારી, ‘અર...મા...ન...’ શર્ટના બટન ખોલીને નવ્યાએ એને ફેરવ્યો. એનો ચહેરો પોતાના તરફ સીધો કર્યો. એની છાતી ઉપર માથું મૂકીને હળવે હળવે હાથ સહેલાવતા બોલી ઊઠી, ‘મજબૂર તો હું છું!’

નવ્યાએ આંખો બીડી દીધી. અને એક ઠંડો શ્વાસ છોડ્યો, ‘માત્ર એક મારા ભાઈ ખાતર જીવી રહી છું. શું ખબર ક્યારે એને છૂટકારો મળશે!’

અરમાનના શર્ટમાંથી એક માદક અને તીવ્ર વાસ ઊઠી રહી હતી. નવ્યાએ પોતાનો ચહેરો સહેજ ઊંચક્યો. ઝાંખા અજવાળામાં એ અરમાનને અપલક તાકી રહી. એ કંઈક સમજે-વિચારે એ પહેલાં તો... અરમાને મૃદુતાથી એના મુલાયમ વાળ પોતાની એક હાથની મુઠ્ઠીમાં જકડી લીધાં અને બીજા હાથની આંગળીઓ એનાં નમણા ગાલ ઉપર ટેકવી દીધી. પછી એક હળવા ઝટકાથી નવ્યાનો ચહેરો પોતાના ચહેરાની લગોલગ લાવીને એનાં હોઠ ઉપર પોતાના હોઠ મૂકી દાબી દીધા. નવ્યા પળવાર માટે કશું સમજી શકી નહિ. માત્ર એટલું મહેસૂસ કરી શકી કે અરમાનના રસીલા હોઠમાંથી શરાબનો કોઈ સ્વાદ રેલાતો નહોતો!

થોડી ક્ષણો સુધી ચારેય મુલાયમ હોઠોનું મિલન થતું રહ્યું. અચાનક નવ્યા અરમાનથી અળગી થઈ ગઈ. પોતાની બદામી આંખો નચાવતી બોલી, ‘-તો રાઇટરબાબુ બેશુદ્ધ નથી, હમ્મ...’

અરમાન વંકાયેલા હોઠે બેડ ઉપરથી ઊભો થયો. ખભા ઉલાળીને માથાને એક ઝટકો માર્યો. શર્ટની બાંય કોણી સુધી વાળતો એ હાસ્ય રેલાવતા બોલ્યો, ‘આ ચારેય હોઠ હંમેશા માટે જોડાઈ રહે તો...? જે બે પળ પહેલાં બન્યું એ હરપળ બનતું રહે તો...?’

નવ્યાએ પોતાના રેશમી ગાઉનની દોરી બાંધતા એક મંદ હાસ્ય વેર્યું, ‘પણ...’ પોતાનું માથું સહેજ ઢાળીને ત્રાંસી આંખે અરમાન તરફ જોયું, ‘...વચ્ચે ‘અર્પિતા’ નામની એક અડચણ છે!’

‘હવે કોઈ અડચણ નહિ રહે. અરમાન અને અડચણ – બંનેને છત્રીસનો આંકડો છે!’

‘અચ્છા? કેવી રીતે?’ નવ્યાએ પોતાની એક તોફાની લટને આંગળીએ લપેટતાં કહ્યું.

‘ફરી વાર કોઈ ઇડિયટ નકાબપોશને ‘કામ’ સોંપવાની જરૂર નહિ રહે...’ અરમાને બિયરની બોટલ મોઢે માંડતા કહ્યું. એની આંખોમાં એક અજીબ ચમક ઉભરી આવી. પણ બીજી જ ક્ષણે એ ચમક તેજ અગનજવાળાઓમાં ફેરવાઈ ગઈ. ચહેરો સખતાઈ પકડી રહ્યો. ધ્રૂજી ઊઠેલી બિયરબોટલમાંથી છલકાઈ રહેલું સફેદ ફીણ પોતાનું ક્ષણિક અસ્તિત્વ ટકાવી રાખવા માટે વલખાં મારી રહ્યું. ‘બેવફાઈથી મને નફરત છે... સખ્ખત નફરત!’ અરમાનની આંગળીઓ ઉપર ફીણ ફરી વળ્યું.

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ - ૯ વાંચવાનું ચૂકશો નહિ.)