આમ તો આ એક લવ સ્ટોરી છે. લવ સ્ટોરી છે એટલે તમે સમજી જ ગયા હશો કે, આમાં બે પાત્રો છે. એક છોકરી ને એક છોકરો. જેમાં છોકરાનું નામ પ્રથમ અને છોકરીનું નામ પ્રગતિ છે. આ લવ સ્ટોરી છે એટલે એટલું તો તમે સમજી જ ગયા હશો કે, આ બંને એકબીજાને પ્રેમ કરતા હશે. વાર્તા આટલી જ છે. હવે આ લવ સ્ટોરી છે ને વિઘ્નો ના આવે એવું તો કેમ બને?
આ વાર્તા લગભગ 90 ના જમાનાની છે. હવે 90ના જમાનાની વાર્તા હોય અને મા-બાપ વિલન નો રોલ ના ભજવે એવું તો કેમ બને? આ બંને ની લવ સ્ટોરી માં પણ બંને ના માતા પિતા જ વિલન હતા. વાર્તા તો આટલી જ છે. આ વાર્તા માં નવું કંઈ જ નથી છતાં પણ વાર્તા રોમાંચક કેવી રીતે બને છે એ આપણે જોઈએ હવે.
બંને ના ઘરમાં જ્યારે આ બંને ની લવ સ્ટોરી ની જાણ થાય છે ત્યારે બંનેના ઘરમાં ખૂબ ધમાલ મચે છે. થોડાં નાટક પ્રથમ કરે છે ને થોડો મેલોડ્રામા પ્રગતિ પણ કરે છે. આ મેલોડ્રામા માં બંને આત્મહત્યા સુધી પહોંચી જાય છે. અને બંને ના માતા પિતા સંતાનની જીદ આગળ નમતું મૂકે છે અને અંતે બંને ના લગ્ન કરાવી આપે છે. આમ ખૂબ ધૂમધામથી બંને ના લગ્ન થાય છે. થોડો સમય તો હરવા ફરવામાં ચાલ્યો જાય છે પણ પછી બંને ને પોતાની જવાબદારી નું ભાન થાય છે.
સમય પસાર થાય છે તેમ બંને ને સમજાય છે કે, માત્ર પ્રેમથી પેટ નથી ભરાતું. એના માટે મહેનત પણ કરવી પડે છે ને જીવન સુખરૂપ ચાલે માટે પૈસા પણ કમાવા પડે છે. અને બંને નક્કી કરે છે કે, આપણે આપણું પોતાનું કહેવાય એવું કંઈક કરીશું. પણ શું કરીશું એ અંગે હજુ બંને દ્વિધામાં છે.
પ્રગતિ નવરાશની પળો માં ઘણી વખત વાર્તા ને કવિતા લખતી. આ એનો શોખ હતો અને પ્રથમ પણ એના આ શોખમાં એને પ્રોત્સાહન આપતો. એક દિવસ પ્રથમ ને વિચાર આવ્યો ને એણે પ્રગતિ ને કહ્યું, "પ્રગતિ, મને એક વિચાર આવે છે કે, તું વાર્તા લખે અને હું એના પર ફિલ્મ બનાવું તો કેવું?" પ્રગતિ ને પ્રથમ નો આ વિચાર તો ગમ્યો પણ એ એ પણ જાણતી હતી કે, વિચારમાં આ જેટલું સહેલું લાગે છે એટલું સહેલું નથી. ખૂબ સંઘર્ષ માંગી લે એવું આ કામ છે. એણે પ્રથમ ને આ હકીકત થી વાકેફ કર્યો. ત્યારે પ્રથમ એ એને માત્ર એક જ વાત કહી કે, "કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી." અને એ પછી બંને રાતદિવસ ખૂબ જ મહેનત કરવા લાગ્યા. પણ મંઝિલ સુધી પહોંચવું એટલું સહેલું પણ નહોતું. પણ બંને એ હાર ન માની.
બંને એ એક કેમેરો લીધો અને મુંબઈ પહોંચી ગયા પોતાની કિસ્મત અજમાવવા. અનેક જગ્યા એ, અનેક ડિરેક્ટર ને મળ્યા, અનેક પ્રોડ્યૂસર ને મળ્યા પણ ક્યાંય વાત બનતી નહોતી. પણ અંતે એક દિવસ એમની કિસ્મત ના સિતારા ચમક્યા. અને એમની વાર્તા ને ફિલ્મ માં પરિવર્તિત કરનાર ડિરેક્ટર તેમને મળી જ ગયો. અને ખૂબ સંઘર્ષ ના અંતે તેમની ફિલ્મ બની.
તમને ખબર છે , એ ફિલ્મ ને એણે શું નામ આપ્યું? એ ફિલ્મને એમણે નામ આપ્યું, "લવ સ્ટોરી." અને આ ફિલ્મની વાર્તા શું હતી જાણો છો? એમની પોતાની ખુદની જ લવ સ્ટોરી.
અને આ ફિલ્મ ખૂબ જ સુપર હીટ સાબિત થઈ.