નો રીટર્ન-૨ ભાગ-૪૮ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૪૮

નો-રીટર્ન-૨

ભાગ-૪૮

મંત્રમુગ્ધ બનીને હું અનેરીને નિહાળી રહયો. હજુ હમણાં જ અમે રાતનું ભોજન પતાવ્યું હતું. કાર્લોસને એક વાતની તો દાદ દેવી ઘટે તેમ હતી... કે તેની મહેમાનગતી અદ્દભૂત હતી. ભલે તેણે અમને રીતસરનાં તાબામાં રાખ્યાં હોય છતાં, અમારા રહેવા, જમવાં કે અન્ય બાબતોમાં કોઇ બંદીશ ફરમાવી નહોતી. એવું લાગતું હતું કે જાણે અમે બધા ભેગા મળીને કોઇ લાંબી રજા માણવા અથવા તો પીકનીક મનાવવા જઇ રહયા છીએ. કાર્લોસ અને તેની ટીમ તરફથી હજું સુધી અમારી કોઇ ખોટી કનડગત થઇ નહોતી એની તાજ્જુબી મને થતી હતી.

અમે સાથે જ ડીનર લીધું હતું અને પછી બધા પોતપોતાના કમરામાં ચાલ્યા ગયાં હતાં. અહીં પહોંચ્યા પછી મારો મુડ થોડો સુધર્યો હતો. અહીંનાં વાતાવરણમાં જ એવો જાદુ હતો કે વધું વખત ઉદાસી ટકી શકે નહી. જમીને હું સ્વમિંગ પુલ તરફ એક લટાર મારવા નીકળ્યો હતો. હોટલની આગળનાં ભાગમાં એકદમ ખુલ્લાં આકાશ નીચે નીલા પાણીથી ભરેલો સ્વમિંગ પુલ મને આકર્ષતો હતો. ઘડીભર તો થયું કે કપડાં ઉતારીને પાણીમાં કુદી પડું....! પરંતુ પછી એ વિચાર માંડી વાળ્યો કેમકે અહીં થોડી ઠંડી હતી. વળી રાતનો સમય હતો એટલે પાણી પણ ઠંડુ જ હોવાનું. ઉપરાંત હજું હમણાં જમીને જ આવ્યો હતો એટલે સ્વિમિંગ પુલમાં તરવાનો કાર્યક્રમ મોકુફ રાખીને હું ત્યાં પથરાયેલી સ્લિપિંગ ચેર તરફ વળ્યો.

અત્યારે લગભગ તમામ ખુરશીઓ ખાલી હતી. હું વચ્ચેની ખુરશીમાં જઇને લાંબો થયો અને આંખો બંધ કરીને અહીંની ખુશનુમા, તરોતાજા હવાને શ્વાસમાં ભરતો રહયો. ખબર નહીં કેટલો સમય હું એ જ અવસ્થામાં સુતો રહયો હોઇશ પરંતુ એકાએક મારી બાજુમાં કંઇક સળવળાટ થયો અને ઝબકીને મેં આંખો ઉઘાડી હતી. મારા પગ પાસે, સ્લિપિંગ ચેરનાં છેવાડે અનેરી ઉભી હતી. મને ખબર નહોતી રહી કે ક્યારે તે અહીં આવીને ઉભી રહી હશે..! તેણે અત્યારે નાઇટ ગાઉન પહેર્યું હતું. ઠંડકભર્યા વાતાવરણને કારણે તેણે બંને હાથની અદબ આપસમાં ભીડી હતી. તેનાં ટૂંકાવાળની લટો હવામાં ફરફરતી હતી. મારી ખુરશીની પાછળ એક થાંભલે પીળા પ્રકાશનો બલ્બ સળગતો હતો. એની આછેરી રોશનીની છાંયા અનેરીનાં બેહદ દિલકશ ચહેરાં ઉપર છવાઇ રહી હતી. હું મંત્રમુગ્ધ બનીને તેને નિહાળતો રહયો. તેની પાછળ... દુર, નૈપથ્યમાં દેખાતાં આકાશમાં વાદળોનાં ફોરા છુટાં પડીને અદ્દભૂત દ્રશ્ય રચતાં હતાં. અનેરી મને એ વાદળોમાં વસતી કોઇ દૈવી કન્યા જેવી ભાસતી હતી. એવું લાગતું હતું જાણે પુરાણોમાંથી કોઇ અપ્સરા એકાએક વર્તમાનમાં પ્રગટ થઇને મારી સામે આવીને ઉભી છે. ખરેખર તે બેનમૂન હતી. ખબર નહિં તે કયારે અહીં આવીને ઉભી રહી હશે. હું થોડા ક્ષોભ સાથે અધૂકડો બેઠો થયો.

“ સોરી...! મેં તમારી ઉંઘમાં ખલેલ પહોંચાડી...! ” તેણે થોડું ચાલીને મારી બાજુની ખુરશી ઉપર બેસતાં કહયું.

“ અરે નહી...! અહીંનું વાતાવરણ જ એટલું શાંત છે કે ન ચાહવા છતાં આંખો મીંચાઇ ગઇ હતી. તું કયારની આવી લાગે છે...! ” મેં તેને ”તું” કારે બોલાવી.

“ નાં, બસ, હમણાં જ આવી છું. તમારા ચહેરા ઉપર પથરાયેલી શાંતી જોઇને બે ઘડી ઉભું રહેવાનું મન થયું હતું....! ” નાઇટ ગાઉન સંકોરતાં તે બોલી. હું હજુંપણ અભીભૂત અવસ્થામાં તેને જોઇ રહયો હતો. આછા પર્પલ કલરનાં સિલ્કી ગાઉન હેઠળ તેનો ભર્યો-ભર્યો માંસલ દેહ ગજબ રીતે કામણ પાથરતો હતો. તેનાં ગળાની સ્નિગ્ધ લીસી ત્વચા અને ગાઉન પાછળ સંતાયેલા તેનાં વક્ષસ્થળની દર્રા મારું ધ્યાન ભટકાવી રહયા હતાં. મારું ચાલ્યું હોત તો અત્યારે જ મેં તેને બાંહોમાં ઝકડી લીધી હોત અને બેતહાશા ચૂમી લીધી હોત. પરંતુ મારી રગોમાં દોડતાં લોહીમાં એવા સંસ્કારો નહોતાં. છતાં જ્યારે પણ તે સામે આવતી ત્યારે મારું સંતુલન અવશ્ય ખોરવાઇ જતું એ હકીકતથી હું ભાગી શકું તેમ નહોતો.

“ તમે કોઇ ગહેરા વિચારોમાં ખોવાયેલા લાગો છો...! ” લાંબી ખામોશી છતાં હું કંઇ બોલ્યો નહીં એટલે વાત આગળ વધારવાનાં ઉદ્દેશ્યથી તે બોલી.

“ હું આપણી સફર વીશે જ વિચારતો હતો..! ” હું જે વિચારતો હતો એનાથી તદ્દન ભિન્ન શબ્દો જ મારા મોં માંથી નીકળ્યાં.

“ અચ્છા, શું વિચારતાં હતાં....? ” કંઇક વિશિષ્ટ સાંભળવા તે મારી તરફ થોડી નમી. તેની એ ચેષ્ટાથી તેણે પહેરેલા ગાઉનનું પડખું આગળ તરફ થોડું વધારે પહોળું થયું હતું. જેના લીધે છેક ઉંડે સુધી હું તેનાં વક્ષસ્થળોનો ઉભાર જોઇ શકતો હતો. મારા જીગરમાં ઉલ્કાપાત સર્જાયો. હું મારો સંયમ ખોઇ નાંખુ એ પહેલાં મેં ત્યાંથી નજર ખસેડી લીધી હતી.

“ શું ખરેખર ત્યાં કોઇ ખજાનો હશે...? મને તો આ સાવ હંબગ કહાની જેવી લાગે છે. જો કોઇ ખજાનો ત્યાં દટાયેલો હોય.... અને તેને હાંસલ કરવા આટલા બધા પ્રયત્નો થયા હોય, તો કોઇકનાં હાથમાં એ ખજાનો આવવો જોઇએ ને....! પરંતુ નહિં...! ભૂતકાળનાં વાકયાત પ્રમાણે તો ત્યાં જવા વાળા બધા જ કોઇક અકળ કારણોસર મૃત્યુ પામ્યાં છે. શું એ વિચિત્ર નથી...? અરે... ખુદ બ્રાઝિલ સરકારને પણ એ ખજાના વિશે જાણ છે તો પછી સરકાર તરફથી કેમ કંઇ પગલાં લેવાયા નથી...?”

“ કદાચ લેવાયા હોય.... અને આપણને તેની જાણ ન હોય એવું પણ બને...! ” અનેરી બોલી.

“ હંમમ્... છતાં તને આ અજુગતું નથી લાગતું...? તું જ વિચાર, ખજાનાની ખોજમાં ગયેલા કેટલા લોકો જીવીત પાછાં ફર્યા છે...? ” મેં અનેરીને પુછયું. પરંતું.... એકાએક મારો જ પ્રશ્ન મને ખટકયો. જાણે અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ હું ચોંકી ઉઠયો.

“ પેલા ફોટાઓની કોપી તો છે ને તારી પાસે...? મારે એ જોઇએ છે...” અનેરી કોઇ જવાબ આપે એ પહેલાં જ મેં કહયું. તે અચરજથી મારી સામે જોઇ રહી. તેને સમજાયું નહીં કે આખરે હું શું કહી રહયો છું

“ હાં... એ ફોટાઓની કોપી તો છે મારી પાસે. પણ એકાએક તારે એનું શું કામ પડયું....? ” તેણે અચંભીત અવાજે સવાલ કર્યો.

“ એ હું તને પછી સમજાવીશ, પહેલાં એ ફોટાઓ મને આપ. કયાં છે એ...? ” ખરેખર મને જબરી ઉત્સુકતા જન્મી હતી. સાવ અનાયાસે જ એક ખ્યાલ મારા મનમાં જનમ્યો હતો. જો એવું થયું હશે તો જરૂર ખજાના વિશે કંઇક જાણવા મળશે એવું મને લાગી રહયું હતું.

“ ફોટા તો મારા કમરામાં જ છે...! ”

“ મારે એ અત્યારે જ જોઇએ છે. ચાલ... ” એકદમ જ ઉભા થઇને હું આગળ વધ્યો એટલે અનેરી અનિર્ણાત્મક સ્થિતીમાં મારી પાછળ આવી.

મારા દાદા...! યસ...! મારા દાદા જીવીત પાછા ફર્યા હતાં. તેમણે અને અનેરીનાં દાદાએ ખજાનાની ખોજમાં ઘણાબધા ફોટાઓ પણ પાડયાં હતાં. મને અચાનક એ ધ્યાનમાં આવ્યું હતું કે જરૂર એ ફોટાઓમાં જ કંઇક અનોખું હોવું જોઇએ. એવું કંઇક જે હજુ સુધી કોઇને સમજાયું નથી. અનેરી સાથેનાં વાર્તાલાપમાં અચાનક જ મને એ તથ્ય સમજાયું હતું. એ શું હોઇ શકે એ વિશે અત્યારે કોઇ જ અટકળ હું લગાવી શકતો નહોતો. છતાં... મારા દાદા જીવીત પાછા ફર્યા હતાં. અને તેમણે કેમેરામાં જંગલનાં ફોટાઓ પાડયા હતાં એ હકીકત મને હૈરત પમાડતી હતી. એ વિષ્મયને શમાવવા મારે એ ફોટાઓનું વિશ્લેષણ કરવું જરૂરી જણાતું હતું.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.