Baalpanni yado books and stories free download online pdf in Gujarati

બાળપણની યાદો

ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડન. આ નામનું મૂલ્ય એટલું જ કે, તે સરકારી ચોપડે નોંધાયેલું હતું, બાકી પ્રેમી-પંખીડાંઓનું બસ ચાલે તો, આ નામ બદલીને " લવર પોઇન્ટ " જ કરી નાંખે ! આજે અહીં બાળપણનાં અમુક મિત્રોની " ઐતિહાસિક મુલાકાત " થવાની હતી, ઐતિહાસિક એટલા માટે કે આ મિત્રો ૨૫ વર્ષ બાદ મળી રહ્યાં હતાં. રાઘવ, ગિરીશ અને જગદીશ, ત્રણેય બાળપણનાં લંગોટિયા યાર હતાં. એક પછી એક ત્રણેય ભેરુ ઢળતી સાંજના છના ટકોરે નિયત કરેલ સ્થળે પહોંચી જાય છે, એકબીજાને હર્ષભેર ભેટી પડે છે ને, ત્યારબાદ ત્રણેય જોગીડા રીવરફ્રન્ટના પગથિયાં ઉતરી નદીની બાજુવાળી લોનમાં ચાલતા-ચાલતા બાળપણની યાદો વાગોળે છે.

ઊંઝાથી ડાબી બાજુ થોડાક અંતરે આવેલું ગામ. છેક ઘર સુધી પહોંચીએ ત્યાં સુધી જીરાની સુગંધ પીછો ન છોડે, પેટનું પાણી પણ ન હલે તેવા લિસ્સા રસ્તા. ઊંઝા સર્કલ પર હળ ખેડતા ખેડૂતનું શિલ્પ ઊંઝાને કૃષિ નગરીની હરોળમાં બેસાડે. APMC માં તો માણસોનું કીડીયારું ઉભરાતું. મોટા ગંજ બજાર અને વિશાળ વખારો ઊંઝાની સમૃદ્ધિનો જીવતો જાગતો પુરાવો હતો. આ બધી તો અત્યારની વાત છે, મૌજૂદ સ્થળનું જીવંત વર્ણન છે પણ આ જોગીડા તો ૨૫ વર્ષ પહેલાંની અવિસ્મરણીય યાદોમાં જીવવા માંગતા હતાં.

ગામનું વિશાળ પાદર. ઘટાદાર વડનો શીતળ છાંયડો માંના ખોળામાં બેસ્યા હોઈએ એવો વહાલ પરોસતો. નિશાળેથી છૂટતાની સાથે જ આ વડના ટેટાની મેજબાની માણ્યા વગર પેટ કેમ ભરાય ! રઘુડાને તો ટેટા જાંબુથીયે વધારે સ્વાદિષ્ટ લાગતાં. પાટી, પેન અને થેલો તો જગો પેલા વડની પાછળનાં ગોખલામાં મૂકી આવે. વડનાં ઘટાદાર વેલાઓ ઉપર લટકીને હીંચવાની એ મજા ગીરાને અતુલ્ય આનંદ આપતી.

રઘો કહે, " ગામની ભાગોળે ખોદકામ દરમિયાન મળી આવેલી ૧૧મી સદીની વાવ પણ કેમ ભુલાય ! " વાવના ૧૦૮ પગથિયાં ઉતરવાની ભેરુડાઓ વચ્ચેની જામતી હોડ, આજે પણ રઘાને યાદ છે. ચાર માળની વાવના દશેક જેટલા ખંડોમાં રમાતી સંતાકૂકડી (થપ્પોદમ)ની રમત તેના ભૂલભુલૈયા જેવા માર્ગોના કારણે રોમાંચક બની રહેતી, ગીરો અને જગો તો કેટલીક વાર તેમાં ખોવાઈ પણ જતાં. વાવનું જળાશયનું ચોખ્ખું પાણી ગામ આખાની પ્યાસ બુજાવતું. રઘો દોરડાની છેડે ડોલ બાંધી પાણી ખેંચતો અને ગીરો સમસ્ત મિત્રજનોને પાણી પીવરાવતો. વાવ એવા તે કૌશલ્યથી બનાવાઈ હતી કે છેક નીચે તાપમાન પાંચ ડીગ્રી ઓછું રહેતું, આથી નીચે હંમેશા ઠંડક રહેતી. ભેરુમંડળ વિવિધ કક્ષોમાં મહારાજાની માફક થોડીક ક્ષણ આરામ ફરમાવી પાછા ઉપર આવતું.

ભાથું તો હર-હંમેશ ભેગું જ કરવાનું ! એક જ આઈટમ. મરચું, ડુંગળી અને રોટલો. આ જગાની ફેવરીટ વાનગી. બસ, જાણે જગત આખાની વાનગી પણ આ મહેફિલ આગળ ફીકી પડી જતી. પલાંઠી વાળીને એકબીજાને કોળિયો ખવડાવતાં અને મજાક-મશકરી કરતાં એ અદભૂત દિવસો કેમ કરીને વિસરાય !

ગામની સીમમાં પ્રવેશી ખેતરોના વાડા, શેઢા ઓળંગતા-ભમતાં કરેલી રખડપટ્ટી, હરજીકાકાના અંબાવાડિયામાં છાનાં-માનાં ઘૂસીને રઘો ગિલોડની મદદથી એક જ નિશાને બે-ત્રણ કેરી ટાંકીને પાડી દેતો, ચોકીદારને ખીજવતા-ખીજવતા કોટ કૂદીને દોટ મુકવી, કાચી કેરીને કાપી, ઉપર મીઠું-મરચું ભભરાવી, દોસ્તો સાથે ખાટાં-મીઠાં સ્વાદની લિજ્જત માણતાં.

લીમડાનાં વૃક્ષની છાયામાં બેસીને ભણવાની એ મજા, માસ્તરજીની કડક અનુશાશનમાં રહેવાની ટેવ, વિદ્યાર્થીઓને અદબવાળીને બેસવાની અપાતી સલાહ, ભણવાની સાથે લીંબડાની પાકી લીંબોળી ખાવાની મજ્જા, ગીરાની સિલેટ પેન ખાવાની આદત, હેડપમ્પથી પાણી ખેંચવાની મજા અને જગા દ્વારા એકબીજા પર પાણી ઉછાળી કરાતી એ મસ્તીની યાદો આજેય અકબંધ છે.

ગામની ભાગોળે યોજાતા ભવાઈના નાટકો તો ઉગતી
પ્રભાતના ચાર-ચાર વાગ્યાં સુધી ભજવાતાં, તેમાં રંગલાનું પાત્ર બનતો ગીરો એવી તે મશ્કરી કરતો કે સૌ કોઈને આનંદિત કરી દેતો. ઝવેરચંદ મેઘાણીના પ્રખ્યાત ૧૫ શોર્ય ગીતોનો સંગ્રહ "સિંધુડો"ના દેશભક્તિ ગીતો અને કસુંબલ ડાયરો પણ નમતી ન જોખે, એ પણ ખમીર દર્શાવતા મોડે સુધી ચાલે.

ગામની ભાગોળે આવેલા પાળા ગામનાં શોર્યનું વર્ણન કરતાં, ઐતિહાસિક ગાથા ગાતાં ઉભા હતાં. તેની ચિત્રલીપી તો હજી સુધી નથી ઉકેલાઈ પણ ગામનાં પંચની ઘડી કાઢેલી દંતકથા અને લોકવાયકા સાંભળવાની ખૂબ મજા પડતી. દૂધ, દહીં, છાસ અને ઘી તો રઘાને બહુ ભાવતાં. ખાવાની, પીવાની અને રખડવાની એ મોજ બાળપણનાં ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે કંડારાયેલી છે. વલોણું વલોવવાની એ અદમ્ય ઈચ્છા અને મજા,  જર...જર....આવતો તરુણ અવાજ આજે પણ કાનમાં ગુંજાય છે.

નરસીકાકાની ઘંટીએ ઘઉં અને બાજરી દળાવવા જતાં ઉઘાડા પગે ભાઈબંધો હારે માથે પાંચેક કિલોનું પોટલું ઉપાડી
રમતા-રમતા વાડીના બોર ખાતા થતી રખડપટ્ટી, ૨૫ પૈસા માટે નરસીકાકા જોડે જગાની થતી રકઝક, છુટા પૈસાના બદલામાં પાકી હાફૂસ કેરી આપી થતું સમાધાન એ ગામડાંના ભોળપણનો આદર્શ નમૂનો હતો.

ગામની દેરીએ મંદિરની સવારના પહોરની વાગતી ઝાલર આધ્યાત્મિક શાંતિ અર્પણ કરતી. સાંજની ચૂરમાંની પ્રસાદ લેવા તો બાળમિત્રોમાં ધક્કામુક્કી થતી. વાંદરા તો મંદિર પરિસરનું મુખ્ય આકર્ષણ હતાં, આ મસ્તીખોર વાંદરાઓને ચિડવવાની મજા કેમ વિસરાય ?

રેતીનાં સમંદરથી ઉભરાતી ગામની સૂકી નદી વરસાદમાં અફાટ પાણીનાં મોજાથી હિલોળા ખાતી તે જોવાની કેટલી મજા પડતી ! ગામડાંની ભીની માટીની મીઠી મધુર સુગંધ અને વગડામાં નાચતાં મોરનાં ટહુકા અવિસ્મરણીય છે. ગાય, ભેંશ અને ટોગડાઓને ચરાવવા ખેતરની સીમમાં લઈ જવા અને મિત્રો સાથે આંબાનાં ઝાડ પર ચડી હાંકલો કરવી અને રમતો રમવી પણ કેમ ભુલાય ?

બાળપણની ઢગલાબંધ અવિસ્મરણીય વાતો તાજી કરીને ત્રણેય મિત્રો થોડીક ક્ષણ યાદોના અગાધ મહાસાગરમાં ડૂબી જાય છે. ત્રણેયના મોઢા તો જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે ! વાતવાતમાં રાતનાં ૮ વાગી જાય છે, ત્રિમૂર્તિ ફરીથી આજ જગ્યાએ ફરીવાર બાળપણની યાદો વાગોળવા મળીશું એવાં વચન આપી છૂટા પડે છે ને બાળપણની સોનેરી યાદો પર આધુનિકતાનો પરદો પડે છે.

લેખક - મહેન્દ્રકુમાર પરમાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED