Priy bhet books and stories free download online pdf in Gujarati

પ્રિય ભેટ

અમદાવાદનાં દરિયાપુર વિસ્તારની વાત છે. શાહનવાઝ અને મુસ્કાન. એક સુંદર હમણાં જ પરણેલ નવદંપતિ. એક બીજાને ખુબજ ચાહતા હતાં. તેમનું શેરડીનાં રસથી પણ મધુર એવું દાંપત્યજીવન ફૂલોથી પાથરેલા રસ્તા પરથી ગુજરી રહ્યું હતું. અલ્લાહની મહેરબાનીથી તેમને સુંદર બાળકી થઈ. તેનું નામ સારા રાખ્યું. શાહનવાઝને પોતાનું ગેરેજ હતું. સારા ત્રણ વર્ષની થઈ. સારાનું એકલાપણું દૂર કરવા માટે મુસ્કાને સમીરને જન્મ આપ્યો.

બસ. અમે બે અને અમારા બે. બંને સારા ભણેલાં - ગણેલાં હતાં તેથી કુટુંબ નિયોજનનું પણ ધ્યાન રાખ્યું. ચારેય જણાંનું જીવન ખુબજ સુખ શાંતિથી વીતી રહ્યું હતું. શાહનવાઝે એક વખત સમીરના જમણા હાથ પર કોણીના નીચેના ભાગે ઉર્દુ ભાષામાં સમીર શબ્દ કોતરાવ્યો. આ શબ્દ ઉર્દૂ જાણનાર જ વાંચી શકે બાકીનાંને તે ફક્ત ડિજાઇન જેવો જ લાગે. મુસ્કાન પણ તે ટેટૂ જોઈ ખુશ થઈ. શાહનવાઝ અને મુસ્કાન બંને ઉર્દુ જાણતાં હતાં. બસ, હાસ્યરસમાં રંગબોળ ચારેયનાં જીવનમાં સુખજ સુખ હતું.

એક દિવસ ચારેય જણાં સાંજે જમ્યા બાદ રાત્રે ૭ વાગ્યાની આસપાસ બહાર આંટો મારવા નીકળ્યાં. દરિયાપુરનો ભરચક વિસ્તાર હતો. લોકો મોજથી હરતાં-ફરતાં અને ખરીદી કરી રહ્યાં હતાં. મોટી આફત આવવાની હતી. કમનસીબે આ દિવસ ૨૬ જુલાઈ, ૨૦૦૮ નો હતો. અમદાવાદમાં ધડાધડ ૭૦ મિનિટના સમયગાળામાં દરિયાપુર સહિત વિભિન્ન વિસ્તારમાં ૨૧ સિરિયલ બ્લાસ્ટ થયાં. બસ, પાંચજ મિનિટ અને બધું જ વેરાન થઈ ગયું.

ઘણીવાર પછી લોકો ભાનમાં આવ્યાં. શાહનવાઝે આસપાસ જોયું અને તેને પણ ગંભીર ઈજા થઇ હતી. બૉમ્બ દૂર ફાટ્યો તેથી તેઓ બચી ગયા. ચારેય તરફ અફરાતફરી મચી ગઈ. લોકો આમ તેમ ભાગતાં હતાં. મુસ્કાનને ખૂબ વાગ્યું હતું અને તે વધારે ગંભીર હતી. છતાંય આ દંપતીને તો પોતાના બાળકોની ચિંતા હતી. સારા અને સમીર બંને આસપાસ દેખાતા ન હતાં. બંનેએ આખું બજાર ફેંદી કાઢ્યું. સારા ૭ વર્ષની હતી. બોલી શકતી હતી. તે અમ્મી... અમ્મી... બૂમ પાડી રહી હતી. મુસ્કાનને તેનો અવાજ ઓળખાઈ ગયો. તે ટામેટાંનાં ભારે કોથળા નીચે દબાયેલી હતી અને તેને બાજુની લારીનો ખૂણો વાગ્યો હતો. તે લોહી લુહાણ હતી. મુસ્કાને તેને તરત જ બહાર કાઢી ગળે વળગાડી. મુસ્કાન અને સારા બંનેને ગંભીર ઈજા થઈ હતી. ત્યાંજ શાહનવાઝ આવ્યો. ત્રણેય રડી રહ્યાં હતાં. સમીર હજી નથી મળ્યો. સમીર માત્ર ૩ વર્ષનો હતો પણ હજી તે બોલતાં નહતો શીખ્યો. શાહનવાઝે મુસ્કાનને ખૂબ મનાવીને હમણાંજ સારાને હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું. મુસ્કાન સમીર ન મળે ત્યાં સુધી જવા તૈયાર ન હતી. હજી તે રડી જ રહી હતી. સારાને માથામાં વાગવાથી તીવ્ર વેદના થતી હતી. ઘા ઊંડો હતો. તેને તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી તેથી અંતે મુસ્કાન શાહનવાઝના કહેવાથી સારાને લઈને ગઈ અને એમ્બ્યુલન્સમાં બેસાડી. અત્યાર સુધીમાં ઘટના સ્થળે ૧૦ થી વધુ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. પોલીસ પણ ખુબજ હતી. મુસ્કાન અને સારા બંનેને દાખલ કર્યા.

હવે શાહનવાઝની હાલત પણ સારી ન હતી. તેના પગમાં વાગ્યું હતું. તે ચાલી નહતો શકતો. સમીરની શોધખોળ ચાલુ હતી. ૮ વાગ્યાં, ૯ વાગ્યાં, ૧૧ વાગ્યાં, ૨ વાગ્યાં પણ સમીરનો કોઈ જ પતો નહીં. પોલીસે આખો વિસ્તાર ખાલી કરાવી દીધો. શાહનવાઝે ભારે હૈયે મુરદાઘરમાં પણ તપાસ કરી. ત્યાં પણ નહીં. સિવિલ હોસ્પિટલ આખી ફેંદી કાઢી. ત્યાં પણ નહીં. પોલીસ સ્ટેશનમાં પણ અઠવાડિયા સુધી તપાસ કરી પણ કોઈજ પતો ન પડ્યો. શાહનવાઝ થાકી ગયો.

બીજીતરફ મુસ્કાન તો એક અઠવાડિયાથી રડતી જ હતી. સારા પણ ભાઈ સમીરને ખુબજ યાદ કરતી હતી અને તે શાહનવાઝને પૂછતી ;

"પાપા સમીર ભૈયા કહાં હૈ ? "

સમીર પાસે કોઈ જવાબ નહતો. તે કહેતો ;

" બેટા સમીર ભૈયા બહોત જલ્દ આયેંગે. વો અભી ખાલા કે ઘર ગયે હૈ. "

મુસ્કાન અને સારાને હવે સારું થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. છતાંય મુસ્કાનની તબિયત નાજુક હતી. તે અઠવાડિયાથી સમીરને યાદ કરતાં જમી પણ ન હતી. પરિવારે બંનેને ખૂબ સમજાવ્યું. મહિનો થયો. વર્ષ પૂર્ણ થયું. બંને હજી પણ સમીરને યાદ તો કરતાં જ હતાં પણ તેઓએ હવે સારાનો ખ્યાલ પણ રાખવાનો હતો તેથી ક્યારેક બંને એકાંતમાં રડીને ચૂપ થઈ જતાં. સારા મોટી થઈ રહી હતી.

વર્ષો વીત્યાં. સારાએ સ્નાતક ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી તે જ કોલેજમાં અનુસ્નાતકમાં એડમિશન લીધું. અહીં ઘણાં નવા મિત્રો બન્યાં. કોલેજમાં આમતો રક્ષાબંધન તહેવાર ઉજવવો શક્ય નથી પણ પ્રિન્સિપાલ મેડમનાં આદેશથી રક્ષાબંધનના અઠવાડિયા અગાઉ કૉલેજમાં " રક્ષાબંધન " વિષય પર નિબંધ સ્પર્ધા રાખવામાં આવી. બીજે દિવસે પરિણામ ઘોષિત થયું. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો અંકુશ પ્રથમ નંબરે હતો. તેના નિબંધની કોપી કોલેજના નોટીસ બોર્ડ પર લગાવાઈ. અંકુશને બહેન ન હતી. સારાએ પણ આ નિબંધ વાંચ્યો. સારાને પણ તેના ભાઈ સમીરની યાદ આવી ગઈ. તે હજી સમીરને ભૂલી ન હતી. સારા આ નિબંધ વાંચી રડી પડી. તે થોડો સમય વિચાર્યા બાદ અંકુશની પાસે જઈ બોલી ;

" અંકુશ, તું મારો ભાઈ બનીશ ? "

અંકુશને પણ બહેન જોઈતી હતી. તેણે હા પાડી. અંકુશ ભણવામાં હોંશિયાર હતો. સારાને પણ તે ખબર હતી. સારા બોલી ;

" આ રક્ષાબંધને તારા ઘરે આવીને રાખડી બાંધીશ, તૈયાર રહેજે. "

અંકુશ બોલ્યો ;

" ચોક્કસ દીદી. હું ઇંતેજાર કરીશ."

સારા અંકુશથી સિનિયર હતી તેથી અંકુશ સારાને દીદી કહેતો.

સારાએ ઘરે જઈ આ વાત કરી. શાહનવાઝ અને મુસ્કાન બંને ખુબજ ખુશ થયા. સારાને ભાઈ મળ્યાની ખુશી હતી તો અંકુશને બહેન મળ્યાની ખુશી હતી. રક્ષાબંધન આવી. સારા શાહનવાઝ અને મુસ્કાન સાથે અંકુશનાં ઘરે પહોંચી. બંને પરિવાર મળ્યા. ખુબજ વાત કરી. બંને પરિવાર ભણેલાં-ગણેલાં અને આધુનિક વિચારધારા ધરાવતાં હોવાથી જલ્દીથી હળી-મળી ગયાં.

સારાએ પૂજાની થાળી લઈ અંકુશને વધાવી હાથે રાખડી બાંધી. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી. અંકુશ બોલ્યો ;

" સારા, મને તારી પસંદ ખબર નથી માટે ભેટ નથી લાવ્યો પણ હું આવતી વખતે તને ચોક્કસ તારી સૌથી પ્રિય ભેટ આપીશ. "

બંને ખુશ હતાં. બંનેના માતાપિતા સામે બેઠા હતાં. અંકુશ શર્ટની બાય ચડાવતા-ચડાવતા સારાનાં માતા-પિતાને પગે લાગવા આવ્યો. અંકુશ નીચો નમ્યો કે તરત જ શાહનવાઝ અને મુસ્કાન બંનેની નજર તેના જમણાં હાથ પર ઉર્દૂમાં સમીર લખેલ ટેટુ પર ગઈ. બંને એકબીજાને જોઈ અવાક રહી ગયા. મુસ્કાન તો રીતસરની રડી પડી. શાહનવાઝે અંકુશને બાથમાં ભીડી લીધો. શાહનવાઝ પણ આ ખુશીના પ્રસંગે રડી પડ્યો. મુસ્કાન તો અંકુશને ભેટીને વહાલ કરવા લાગી. શાહનવાઝ અને મુસ્કાન પાસે બોલવા માટે શબ્દો ન હતાં. તેઓ બસ નિશબ્દ વહાલ જ કરી રહ્યા હતાં. અંકુશને અને તેના માતા-પિતાને કંઈ જ ખબર નહતી પડતી.

સારા એ વખતે ૭ વર્ષની હતી. તેને સમીર પણ યાદ હતો અને ટેટુ પણ. તે પણ ટેટુ જોઈને દંગ રહી ગઈ. સારા પણ ઉર્દુ જાણતી હતી પણ અત્યાર સુધીમાં તેને સમીરના હાથ પરનો ટેટુ નજરમાં નહતો આવ્યો. તેના હર્ષોલ્લાસનો પાર નહતો. તે અંકુશને ભેટી પડી. હજી પણ અંકુશ અને તેના માતાપિતા વિચારતા જ હતાં કે શું થઈ રહ્યું છે ?

થોડીજ વારમાં તમામ મતભેદ દૂર થઈ ગયા. અંકુશને તેના માતા-પિતાએ દત્તક લીધો હતો. બૉમ્બ બ્લાસ્ટમાં તેને કોઈ સજ્જન માણસે લઈ જઈ સારવાર કરાવીને તેના પરિવારની ખબર ન પડતા અનાથાલયમાં આપી દિધો હતો. શાહનવાઝ અને મુસ્કાન જ તેના માતા-પિતા છે તે પણ સાબિત થઈ ગયું.

અંકુશના હર્ષનો પાર ન હતો. બંને પરિવારમાં સૌથી વધુ ખુશ અંકુશ અને સારા હતાં. અંતે સારા બોલી ;

" અંકુશ તું જ મારી સૌથી પ્રિય ભેટ છે ! "

લેખક - મહેન્દ્રકુમાર પરમાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED