Kana-vela books and stories free download online pdf in Gujarati

કાના-વેલા


         રાજસ્થાનનાં મારવાડ પ્રદેશની સત્ય ઘટનાં


રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ ભુ-ભાગમાં આવેલો સૂકો અને રણ વિસ્તાર ધરાવતો પ્રદેશ એટલે મારવાડ. નાના-મોટા સંખ્યાબંધ રેતીનાં ટીંબા અને ધોરાઓના કારણે આ પ્રદેશને


" ધરતી ધોરા રી " પણ કહેવાય, તો સ્થાનિક પ્રજા તેને


" મરુધરા " તરીકે પણ ઓળખાવે. વેપારી કૌશલ્ય તો તેમનાં રગ-રગમાં વહે. અહીંના મારવાડી લોકોને અન્ય પ્રજા ભલે કંજૂસ કહે પણ મારવાડમાં તેમનો ઘરનો દરવાજો અજાણ્યા માટે અડધી રાત્રે પણ ખુલે. મહેમાનનવાજી તો કોઈ તેમનાથી શીખે ! એક બુંદ પાણીની કિંમત તેમનાથી વધારે કોઈ ન સમજી શકે.


ગુજરાતને અડીને આવેલા જાલોર જિલ્લાનું પ્રાચીન ભિનમાલ શહેર. તે ગુજરાતનાં ગુર્જરોની રાજધાની પણ રહ્યું છે. વીર વિરમદેવ સોનગરાની ધરતી જાલોર એટલે અહીંયા શૂરવીરતાની ખપત ન હોય ! આજ ધરતી પર ભિનમાલ શહેરમાં રાવણા સરદાર કુળમાં જન્મે છે કાનો અને વેલો.


નાના હતાં ત્યારે બંને ભાઈ અને પિતા ત્રણેય હળ ખેડતાં અને ખેતી કરતાં. માં અંધ હતી. આ રીતે મજૂરી કરતાં-કરતાં તેઓ મોટા થાય છે. મજૂરીથી ચાલતાં પૈસાથી ઘર ચાલતું નહીં, આથી કાનો ધીમે-ધીમે ચોરી કરવાં પ્રેરાય છે. તે શરૂમાં નાની-મોટી ચોરી કરે છે. તેના શેઠને ખબર પડતાં તે કાના-વેલાને મજૂરી કામેથી કાઢી મૂકે છે.


પિતા ઘરડાં હોવાથી અને માતા અંધ હોવાથી કાનો-વેલો તેમને ઘરે જ રાખે છે અને ઘર ચાલવા પૂરતા થોડા પૈસા આપી બંને બહારગામ મજુરી કરવા નીકળી પડે છે. તેઓ ફરતાં-ફરતાં ખાંડા દેવળ ગામે આવે છે. અહીંયા બંનેની ખરાબ હાલત જોઈ ખાંડા દેવળનો ઠાકુર લાલસિંગ તેમને મજૂરી કામે રાખે છે. બંને ત્યાં હવે સારી રીતે મજૂરી કરવાં લાગે છે.


કાના-વેલાનો જન્મ રાવણા સરદાર કુળ થયો છે. આ જ કુળનાં પાબુજી રાઠોડ મારવાડ પ્રદેશનાં ખુબજ પ્રખ્યાત રાજા હતાં. તેમના મોટા ભાઈ જોધાજી રાઠોડે ઈ.સ ૧૪૧૫ માં જોધપુર રાજ્યની સ્થાપના કરી હતી. તેમની લોકકથાઓ આજે પણ મારવાડમાં ખુબજ પ્રખ્યાત છે. કાનો-વેલો બંને તેમનાથી ખુબજ પ્રભાવિત હોય છે. ઠાકુર લાલસિંગની દાસી રૂપા સાથે વેલાનું અફેર ચાલતું હોય છે. એક વખત ઠાકુર બંનેને સાથે જોઈ જાય છે. વેલો અને રૂપા બંને આખી જિંદગી ઠાકુર સાથે રહી અહીંયા જ મજૂરીકામ કરશે એ શરતે ઠાકુર બાદમાં બંનેને પરણાવી દે છે ને હવે બંને ત્યાં ઠાકુર લાલસિંગની હવેલીમાં જ રહેવા લાગે છે. વેલો અને રૂપા ઈમાનદારીથી ઠાકુરને ત્યાં ખેતી કરે છે. અહીં પણ કાના-વેલાને મજૂરી કરવા છતાંય યોગ્ય વળતર મળતું નથી. ઘરે ખાવાનાં ફાંફા પડે છે આથી કાનો દિવસે ખેતી અને રાતે ચોરી કરવા લાગે છે.


એક વખત ઠાકુર લાલસિંગ કોઈક કારણોસર કાના-વેલાના પિતાનું અપમાન કરે છે. કાનો-વેલો જ્યાં પિતાનું અપમાન થયું હોય ત્યાં કેમ રહેવું ? એમ વિચારી ઠાકુર લાલસિંહથી અતિશય ગુસ્સે થઈ તેમની પ્રિય ઘોડી ચોરી, રૂપાને એકલી મૂકી બાડમેર તરફ જતાં રહે છે. પણ ઠાકુર લાલસિંગની વગ આગળ કાના-વેલાનું કંઈજ ચાલતું નથી. બાડમેરના ઠાકુરો લાલસિંગની ઘોડી ઓળખી જાય છે ને ઘોડી ને પકડી પાછી ખાંડા દેવળ લાલસિંગને મોકલાવે છે. કાનો-વેલો બંને તક મળતાં ભાગી જાય છે. બંને ભિનમાલ શહેરની વાટે નીકળી પડે છે. આખી રાત બંને ખુબજ વિચાર્યા બાદ પોતાનાં જેવા અસંખ્ય મજૂરો અને ગરીબોની સ્થિતિ સુધારવા ખાતર મારવાડનાં જ એક કુખ્યાત ડાકુ પાબુદાન સિંહના માર્ગે નીકળી પડી શુરાનો મારગ પસંદ કરે છે. અત્યાર સુધી તેઓ નાની-મોટી ચોરી કરતાં પણ હવે મોટી ધાડો પાડવાનું વિચારે છે.


બંને ધનવાડા ગામે આવી ત્યાંના ઠાકુર પાસેથી પૈસા આપી બે લાંબા નાળચા વાળી બંદૂક અને એક ઊંટ ખરીદે છે. બંને ઊંટ પર બેસી ભિનમાલથી સુંધા પર્વતની તળેટીઓમાં આવે છે અને અહીં લાંબો સમય મુકામ કરે છે, લૂંટની વિવિધ યોજનાઓ ઘડે છે. હવે કાનો-વેલો રોજ રાત્રે ગામનાં એક-બે અમીરને લૂંટી, તેનું તમામ ધન લઈને સુંધા તળેટીમાં આવેલી પોતાની છાવણીમાં એકઠું કરે છે.


અહીંથી કાના-વેલાની અમીરો સાથેની જંગની ધમાકેદાર શરુઆત થાય છે. ત્યાંજ એક દિવસ વેલાને ખબર પડે છે કે ઠાકુર લાલસિંગને ત્યાં વજીર પુનમાજીને કામ કરવા રાખ્યા છે અને તે રૂપા સાથે રહે છે. કાનો-વેલો ખુબજ ગુસ્સે થઈ ખાંડા દેવળ જાય છે અને પુનમાજીને મારી નાખે છે. બંને ત્યાંથી ચિત્રોડી ગામે આવી વાણિયાની હાટડી લૂંટે છે, ત્યાં બીજો એક ચાલાક હિમતોજી વાણિયો શેઠ રહે છે. તે ઠાકુરો સાથે શતરંજ રમી તમામને છેતરીને, હરાવી દઈ ખુબજ ધન એકઠું કરે છે. કાનો-વેલો હિમતોજી વાણિયાને મારી તમામ ધન આસપાસ ગામડાઓનાં ગરીબોમાં વહેંચી દે છે.


હવે કાના-વેલાની છાપ અમીર ઠાકુરો અને વાણીયાઓના દુશ્મન તરીકેની પડી ગઈ હોવાથી ઠાકુરો બંનેને મારવા ફોજ મોકલે છે. પુનમાજી વજીર અને હિમતોજી વાણીયા એમ બે ખૂન કર્યા હોવાથી તેમની પાછળ રજવાડાંની ફોજ પડી હોય છે. ફોજ અને કાના-વેલા વચ્ચે અહીં નાનું યુદ્ધ થાય છે. કુદરતી સુંદરતાથી મઢેલી સુંધા તળેટીઓમાં આખી રાત લાંબા નળચાવાળી બંદૂકોમાંથી છૂટતી ગોળીઓ એકબીજાને અથડાય છે ને આખી રાત આ પહાડી વિસ્તાર ભયંકર ધડાકાઓના અવાજથી ગુંજી ઉઠે છે પણ અંતે ફોજ હાર માની જાય છે કેમકે સુંધા તળેટીઓમાં કાના-વેલાને હરાવવા અશક્ય છે. કાનો-વેલો હવે પોતાને વધુ તાકાતવર અને શક્તિશાળી સમજી વધુ મોટી ઘાડો પાડવાનું વિચારે છે પણ સુંધા વિસ્તારમાં ફોજનો ડર હોવાથી બને ગઢ આબુ તરફ પ્રયાણ કરે છે. આ પ્રકારે બંનેનો આંતક વધતો જ જાય છે.


આબુમાં એકમાત્ર ધાડવી ચંપા ડાકુનો આતંક હોય છે. અહીં તેની મુલાકાત કાના-વેલાથી થાય છે. ચંપા બંને ને પ્રશ્ન કરે છે, કે તેઓ કોણ છે ત્યારે કાનો-વેલો બંને પોતાની શૂરવીરતાને કારણે પોતાને " સુંધા ધાડવી " નામે ઓળખાવે છે. ચંપા બંનેને ધર્મના ભાઈ બનાવી રાખડી બાંધે છે. હવે તેમની તાકાતમાં વધારો થાય છે. ભલ-ભલા મર્દ એક નારી એવી ચંપા ડાકુથી થરથરે છે. ચંપા ઊંધા ઉભા રહી સ્પષ્ટ નિશાન ટાંકવામાં માહેર છે. ત્રણેય પાછા સુંધા પર્વત આવે છે. અહીં ત્રણેય શાંતિથી તળેટીઓમાં ઢોર-ઢાંખર ચારતાં અને રહેતાં. આ સમયે


કાનો-વેલો બંને ખુબજ શાંત હતાં તેથી આજુબાજુના પ્રદેશમાં કાનો-વેલો ડરપોક છે અને રાત્રે જ નાની-મોટી ચોરી કરે છે એવી વાતો વહેતી થાય છે.


આ વાત કાના-વેલાને કાને ટકોરો દેતાં તેઓ ખુબજ ગુસ્સે થઈ જાય છે ને આડેધડ સુંધા પર્વતની તળેટીઓમાં બંદૂકથી ધડાકા કરવા લાગે છે. ચંપા શાંત અને હોંશિયાર હોય છે, તેથી તે બંનેને શાંત કરી આ વાતને ખોટી પાડવા ધોળે દહાડે મોટી ધાડ પાડવાની યોજના બનાવે છે. યોજના મુજબ કાનો,વેલો અને ચંપા ઉગતી પ્રભાતે આ ગઢનાં ખુબજ મોટા અને સમૃદ્ધ એવા ગામ ભરુડી લૂંટવા નીકળી પડે છે. પ્રદેશમાં કાના-વેલા નામ માત્રની ધાક જ એટલી હતી કે તેમનું નામ સાંભળી કોઈ ઘરની બહાર જ ન નીકળે. ધોળે દિવસે ભરુડી લૂંટીને પોતાની શૂરતાંનો પુરાવો આપી ત્રણેય એની પાસે જ આવેલું બીજું ગામ માંડોલી લૂંટે છે. ત્યારબાદ ઘાસેડી, મડિયા, જાવાલ


લૂંટતાં-લૂંટતાં પાછા સુંધા પર્વત આવે છે. કાના-વેલો રાજદૂત મારફતે પોતે લૂંટલો તમામ ખજાનો બકાશરના ઠાકુરને વેચી તેની પાસેથી પુષ્કળ માત્રામાં અનાજ ખરીદી ગરીબોમાં વહેંચી દે છે. આ રીતે કાનો-વેલો ધોળે દહાડે મોટાં-મોટાં ગામો લૂંટી પોતે ડરપોક હોવાની વાતનું ખંડન કરી પોતે ગરીબોના હિતેષી અને ઉદાર હોવાનું દ્રષ્ટાંત આપે છે. હવે આ પ્રદેશનાં ગરીબોમાં કાના-વેલા પ્રત્યે માન-સમ્માન વધે છે.


આ રીતે સિરોહી, રેવદર, ભિનમાલ, જાલોર, ઉદયપુર અને છેક પાલી અને બાડમેર સુધી કાના-વેલાની ધાક વર્તાય છે. કાના-વેલા અને ચંપા પાસે હવે ઘણું ધન હોવાથી થોડો સમય લૂંટ અને ધાડથી વિરામ લે છે. પ્રદેશમાં થોડોક સમય શાંતિ રહે છે. કાનો-વેલો અને ચંપા સુંધા તળેટીઓમાં દિવસે ઢોર-ઢાંખર ચારે છે અને રાત્રે આજુ-બાજુનાં ગામોમાં જઈ ગરીબ પ્રજાનાં પ્રશ્નો ઉકેલવાનું કામ કરે છે તથા તેમને યોગ્ય માત્રામાં ખાવા માટે અનાજ પણ આપે છે. આ રીતે કાનો-વેલો મારવાડનાં સાચા રોબિનહુડ સાબિત થાય છે પણ આ જ પ્રદેશનાં અમીર ઠાકુરો અને વાણિયાઓમાં કાના-વેલા પ્રત્યે તીવ્ર દ્વેષ પેદા થાય છે.


એક દિવસ બકાશરનો ઠાકુર કાના-વેલાને પત્ર લખી મળવા બોલાવે છે. કાનો-વેલો તૈયાર થઈ જાય છે પણ ચંપાને દાળમાં કંઈક કાળું લાગતાં તે ના પાડે છે છતાંય અંતે કાનો-વેલો ન માનતા ચંપા ને પણ તેમની સાથે જવું પડે છે. ત્યાં પહોંચી ચંપા બકાશરની હવેલીનાં મહેમાન કક્ષમાં આરામ ફરમાવે છે અને કાનો-વેલો ઠાકુર સાથે અમલ-કસુંબાની મોજ માણે છે. ઠાકુર સાથે અનેક ગામો લૂંટયાની વાતો કરે છે. આખી રાત નાચ-ગાન અને મહેફિલનો રંગ જામે છે. બીજા દિવસે કાનો-વેલો મદિરાના બે પ્યાલા સાથે રાખી બકાશરનાં ઠાકુરની વિદાય લઈ ચંપા સાથે ભિનમાલ નગરની વાટે નીકળી પડે છે. રાત પડતાં રસ્તામાં કોઈક ગામ આવતા રાતવાસો કરે છે. ચંપા થાકી ગઈ હોવાથી વહેલી સુઈ જાય છે. કાનો-વેલો મદિરાના પ્યાલા કાઢી એકબીજાને પીવડાવતાં લિજ્જત ઉડાવે છે. મદિરાના પ્યાલા ખાલી થતાં બને સુવા માટે આડા પડે છે ને ત્યાંજ બંનેને લોહીની ઊલટીઓ થવા લાગે છે. હકીકતમાં બકાશરનાં ઠાકુરે આ મદિરાના પ્યાલાઓમાં ઝેર મેળવ્યું હોય છે. કાના-વેલાને આ પ્રદેશમાં એકમાત્ર બકાશરનાં ઠાકુર જોડે જ સારા સબંધ હોય છે તેથી બીજા ઠાકુરોનો સંઘ બકાશરનાં ઠાકુરને મળી કાના-વેલાને મારવાની યોજના બનાવે છે અને આ યોજનાનું આ પરિણામ હોય છે. કાનો-વેલો બહેન ચંપાને બૂમ પાડે છે. ચંપા તરત જ બંને ભાઈ કાના-વેલાનો મરણિયો અવાજ સાંભળી તેમની પાસે આવી પહોંચે છે. બંનેએ ત્યાર સુધી અંતિમ શ્વાસ લઈ લીધા હોય છે. ચંપા બંને ધરમનાં વિરાના માથાં ખોળામાં લઈ ચીસ પાડે છે અને પોતાને કોસે છે, કે પોતે બંનેને બકાશર કેમ જવા દીધા ?


મધરાતે ૧૨ વાગ્યે શાંત શામિયાનામાં ચંપાની ત્રાડ પાડતી ચીસો આકાશ ગજવી દે છે. આજુબાજુ પ્રગટાવેલી મશાલો પણ તેજ હવાની લહેરમાં બુજાઈ જાય છે. ચંપા આ માટે પોતાને જવાબદાર ગણે છે. હવે ચંપાનું આ જિંદગીમાં કોઈ નથી. ચંપા ભગવાનને પ્રાર્થના કરે છે કે આવતાં જન્મમાં કાનો-વેલો તેના સગા ભાઈ હોય. અંતે ચંપા કાના-વેલા વગરનાં જીવનને નિરર્થક ગણી પોતાની પ્રિય એવી લાંબા નાળચા વાળી બંદૂક લઈ પોતાના ગળે ભડાવી ઠાર મારે છે. ત્રણેયની લાશો ભિનમાલ શહેરની વાટે પડી હોય છે. કાના-વેલાની એટલી તે ધાક હતી કે ફોજ અંદાજે સવાર સુધી દૂરથી તેમનાં પર નજર રાખી ઉભી હોય છે. તેમની લાશ પાસે જવાનું જોખમ લેવા કોઈ સૈનિક તૈયાર નથી. અંતે લાંબો સમય નજર રાખ્યા બાદ ત્રણેય મૃત્યુ પામ્યાં છે તેવું સાબિત થતાં, ત્રણેયની લાશ ભિનમાલ શહેરમાં લાવવામાં આવે છે. ગામે-ગામનાં લોકો કાના-વેલાના મૃતદેહને નિહાળવા આવે છે, રીતસરનો મેળો લાગ્યો હોય તેવું વાતાવરણ સર્જાય છે.


આજુબાજુ ગામોની ગરીબ-રંક પ્રજા આ સમાચાર સાંભળી ખાવા પણ ખાતી નથી, તેમના રોબિનહુડનાં અવસાનનાં વાવડ તેમને રડાવી મૂકે છે, તો બીજી તરફ આ જ ગામોનાં અમીર ઠાકુરો અને વાણીયાઓ ભેગા મળી કાના-વેલાનાં મોત નિમિત્તે શાનદાર મહેફિલનું આયોજન કરે છે. આમ, અંતે મારવાડમાં કાના-વેલા અને ચંપાની દહેશતનો કરુણ અંત આવે છે. હવે પછીની પ્રત્યેક રાત બંદૂકોનાં ધડાકા વિનાની શાંત અને મીઠી વીતે છે. હવે કોઈ મધરાતે બહાર નીકળતાં ડરતું નથી. હવે આ પ્રદેશનાં અમીરો રાહતનો શ્વાસ લે છે. કાના-વેલાનાં વિરહમાં એકમાત્ર જો યાદોનો મહાસાગર વહેતો હોય તો, તે આ પ્રદેશની એક ટંક ભૂખે મરતી પ્રજાની ઝૂંપડીમાં. કાના-વેલાનું નામ તેમની શૂરતાં સહારે અમર થઈ ગયું... અમર થઈ ગયું...


        


                 લેખક - મહેન્દ્રકુમાર પરમાર


                   ****************


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED