રહસ્યના આટાપાટા - ભાગ 11 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યના આટાપાટા - ભાગ 11

ઇમારતની ઉપર આવેલી કૅબિનમાં ડૉ. જેકિલના બદલે બીજું કોઈ છુપાઈ રહ્યું છે એવી શંકા કરનાર પોલે તેને જોયો હોવાનો દાવો કર્યો એટલે અટરસન વિચારમાં પડી ગયો. થોડી વારે તે બોલ્યો, “તું કહે છે તે વિશે વિચાર કરતાં મામલો પેચીદો લાગે છે, પણ તેનાથી જેકિલ મરી ગયો છે તેવું સાબિત થતું નથી. ઊલટું, મને તો આશાનું કિરણ દેખાય છે. કદાચ એવું પણ બને કે તેં જેને જોયો તે જ જેકિલ હોય, પણ કોઈ વિકૃત બીમારીનો ભોગ બન્યો હોવાથી મહોરું પહેરીને બહાર નીકળ્યો હોય. બદલાયેલો અવાજ, ચહેરા પરનું મહોરું, મિત્રોને મળ્યા વગર રૂમમાં પૂરાઈ રહેવું, કોઈ દવા માટે અજબ બેતાબી, વગેરે બાબતો મારા આ અનુમાનને પુષ્ટિ આપે છે. કૅબિનમાં રહેલો માણસ એટલે કે જેકિલ, જે દવા માટે તરફડી રહ્યો છે તે તેની બીમારી કે વિકૃતિનો ઇલાજ હોય તેવું પણ બને ! જોકે ગમે તે હોય, જેકિલે અત્યાર સુધી બહુ વેઠ્યું છે, માટે હવે આપણે વિચારીને પગલું ભરીશું.”

“સાહેબ, તમને ભલે આશાનું કિરણ દેખાતું હોય, પણ ન પચે તેવી કડવી હકીકત એ જ છે કે તે માણસ મારો સાહેબ ન્હોતો.” પોલે મક્કમતાથી કહ્યું અને આસપાસ જોઈ પોતાનું મોં અટરસનના કાન પાસે લઈ ગયો. તે એકદમ ધીમા અવાજે બોલ્યો, “મારા સાહેબ ઊંચા છે, જયારે મેં જોયો તે માણસ બટકો હતો.”

કાનમાં ગયું તે શબ્દો નહીં, પણ બંદૂકની ગોળી હોય તેવી પીડા અટરસને અનુભવી. ઘડીભર તો તે થીજી ગયો. હવે વિરોધ કરવાનો કોઈ અર્થ ન હતો.

“હું જેમને વર્ષોથી જોતો આવ્યો છું, દરરોજ ઊઠીને મારે જેમનો ચહેરો જોવાનો હોય છે તેવા ડૉ. જેકિલ દરવાજામાંથી પ્રવેશે ત્યારે તેમનું માથું કેટલી ઊંચાઈ સુધી પહોંચે તેની મને ખબર ન હોય ? હું શરત મારીને કહી શકું છું કે મહોરું પહેરેલો માણસ અમારા સાહેબ ન્હોતા. એટલે તો મને ધાસ્તી લાગી કે મારા સાહેબની ક્યાંક હત્યા તો નથી થઈ ગઈ ને ?” પોલે ઉદાસ અવાજે કહ્યું.

“હવે આ વાતની ખાતરી કર્યે જ છૂટકો છે. હું દિલથી ઇચ્છું છું કે તારા સાહેબની તેમને ન મળવાની વાત માનું, પણ તેઓ જીવતા છે કે નહીં તેની ખાતરી કરવા કૅબિનનો દરવાજો તોડવો જ પડશે.”

“હું પણ એવું જ ઇચ્છું છું.”

“તો તોડી નાખીએ દરવાજો, પણ તે તોડશે કોણ ?”

“તમે ને હું, બીજું કોણ ?” નોકરે નીડરતાથી કહ્યું.

“શાબાશ. મારે જોવું હતું કે તું ખાલી વાતોનો સિંહ નથી ને !”

“સ્ટોરમાં એક કુહાડી પડી છે, હું તે લઈ આવું છું. તમે તમારી સલામતી માટે ઘોંચણું રાખી લો.”

વકીલે રસોડામાંથી એક અણીદાર ઘોંચણું શોધી લીધું. “આપણે બંને પોતાની જાતને જોખમમાં મૂકવા જઈ રહ્યા છીએ તેની તને ખબર છે ને ?” અટરસને પૂછ્યું.

“હા.” નોકરે ઠંડકથી જવાબ આપ્યો.

“તો થઈ જાય આર યા પાર. પણ, તે પહેલા કોઈ વાત મનમાં રાખવી નથી. સાચું બોલ, તું પેલા મહોરું પહેરેલા બટકા માણસને ઓળખી ગયો હતો ને ?”

“તે કોણ હતો તે વિશે અત્યારથી કહેવું ઉતાવળ ગણાશે. પણ, જો તમે પૂછવા માંગો છો કે તે હાઇડ હતો કે કેમ, તો હા, મને તે હાઇડ જેવો લાગ્યો હતો. તેની ઊંચાઈ, ઝડપ બધું હાઇડ જેવું જ હતું. આમેય, લેબોરેટરીના પાછળના દરવાજેથી બીજું કોણ આવી શકે ? ડેન્વર્સ કેર્યુંની હત્યા કરીને ભાગ્યો ત્યારે ય હાઇડ પાસે લેબોરેટરીની ચાવી હતી. એ સિવાય હજુ એક કારણ છે જેના લીધે મને લાગેલું કે મહોરું પહેરેલો માણસ હાઇડ હતો. પણ, તે વિશે હું આપને જણાવું ત્યાર પહેલા તમે મને એક પ્રશ્નનો જવાબ આપો, “શું તમે ક્યારેય હાઇડને જોયો છે ?””

“હા, એક વાર. મેં તેની સાથે વાત પણ કરી હતી.”

“તો કહેવામાં વાંધો નથી. જયારે તે માણસ હનુમાન કૂદકો લગાવી કૅબિનમાં ઘૂસી ગયો હતો ત્યારે, હું ગળા નીચે થૂંક ય ન્હોતો ઉતારી શક્યો. હું જે કહેવા જઈ રહ્યો છું તે માન્યામાં ન આવે તેવું છે, પરંતુ જયારે પણ મેં તેને જોયો છે ત્યારે ન સમજાય તેવી ઘૃણાની લાગણી અનુભવી છે. તે દિવસે ય મેં તેવી જ નફરતની લાગણી અનુભવી હતી.”

“તું કહે છે તેવો અનુભવ મેં પણ કર્યો છે એટલે મને તારી વાતમાં અતિશયોક્તિ લાગતી નથી. તે ચોક્કસ માણસના રૂપમાં શેતાન છે, નહિતર કોઈને જોતાં વેંત તેના પ્રત્યે આટલી નફરત કેવી રીતે જન્મે ! તારી વાત સાંભળીને હવે મને ય લાગવા લાગ્યું છે કે હેન્રી જેકિલ જીવતો નહીં હોય. પણ હત્યારો એ જ કૅબિનમાં પડી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. ખેર, હવે બદલો લેવાનો સમય પાકી ગયો છે, બ્રેડશોને બોલાવ.”

પોલે જમાદારને બોલાવ્યો. ગભરામણના કારણે તેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો.

“કૅબિનમાં શું રંધાઈ રહ્યું છે તે જાણવા તમે અધીરા બન્યા છો તો હવે તેનો અંત આણીએ. હું અને પોલ કૅબિનના દરવાજેથી, મતલબ બગીચા તરફથી હલ્લો કરીશું. જો અંદર છુપાયેલો માણસ સામે પડશે તો ભગવાન કસમ, તેના હાડકાં ખોખરાં કરી નાખીશું. પણ કદાચ તે ડરીને પાછલા દરવાજેથી ભાગી જાય તો ? એટલે તું અને પેલો છોકરો (પરચૂરણ કામકાજ માટે રાખેલો છોકરો) શેરી વટાવીને પાછળની બાજુએ પહોંચી જાઓ, સાથે મજબૂત દંડો કે લોખંડનો સળિયો રાખજો. અમે અત્યારથી બરાબર દસ મિનિટ પછી હલ્લો બોલાવીશું, એટલે તે પાછળથી ભાગવાની કોશિશ કરે તો તમે તેની ‘આગતા-સ્વાગતા’ કરજો.”

જેવો બ્રેડશો અને છોકરો ઘરેથી નીકળ્યા કે જેકિલે ઘડિયાળના કાંટા સામે જોયું. “પોલ, હવે આપણે ય પાછળની તરફ જઈએ” એમ કહી, ઘોંચણાને મજબૂત રીતે પકડી અટરસન બગીચા તરફ ચાલ્યો.

અટરસન પોતાના ઘરેથી નીકળ્યો ત્યારથી જ વાતાવરણ તોફાની બન્યું હતું, તેમાંય અત્યારે તો કાળા વાદળોએ ચંદ્રને સાવ ઢાંકી દીધો હતો. પવનનું જોર પણ વધ્યું હતું. બારી-દરવાજાની તિરાડોમાંથી ઘૂસી આવતો પવન, વિચિત્ર અવાજ કરતો, મીણબત્તીની જ્યોત બુઝાવવા મથામણ કરતો હતો.

બગીચો વટાવી તેઓ ઇમારતના પગથિયાં પાસે પહોંચ્યા અને ચુપચાપ ઊભા રહ્યા. બ્રેડશો અને છોકરો પાછલા દરવાજા સુધી પહોંચી જાય ત્યાં સુધી, દસ મિનિટ સુધી રાહ જોવી જરૂરી હતી. લંડનનો ગણગણાટ શમી ગયો હતો, પણ ઉપર કૅબિનમાંથી, ઉદ્વિગ્ન માણસ આમથી તેમ ચક્કર મારતો હોય તેવો ચાલવાનો અવાજ આવી રહ્યો હતો.”

“તે આખો દિવસ આમ ચાલ્યા કરે છે.” પોલ કાનમાં ફૂંક મારતો હોય તેમ ધીમા અવાજે બોલ્યો. “અને રાત્રે તો ખાસ... હા, હું દવા ખરીદી આવું ત્યારે થોડા સમય માટે તે અટકી જાય છે, પણ આ શેતાનને શાંતિ ગમતી જ ન હોય તેમ ફરી અવાજ સંભળાવા લાગે છે. મને તો મારા માલિકના પગલાંનો અવાજ ય ખબર છે. તમે જ કહો, ડૉ. જેકિલ ચાલે ત્યારે આવો અવાજ થાય છે ?”

અટરસને ધ્યાનથી સાંભળ્યું. હેન્રી જેકિલ જેવો ઊંચો મજબૂત માણસ ચાલે ત્યારે ભોંય ખખડે તેવો નક્કર અવાજ થાય, જયારે અહીં તો લથડતા પગે ડગ મંડાતા હોય તેવો બોદો અવાજ આવતો હતો. “ક્યારેય પગલાં સિવાય બીજો કોઈ અવાજ આવે છે ?” અટરસને પૂછ્યું.

“હા, એકવાર તે હીબકે ચડ્યો હતો. તે દિવસે કોઈ સ્ત્રી કે બાળક રડતું હોય તેવો તીણો અવાજ આવતો હતો.”

દસ મિનિટ પૂરી થવા આવી હોવાથી તેમણે વાતચીત બંધ કરી અને પગથિયાં ચડી ઉપર ગયા. ત્યાં તેમણે દરવાજા પાસે મીણબત્તી ગોઠવી, જેથી હુમલો કરીને કૅબિનમાં પ્રવેશતી વખતે અંદર રહેલા માણસનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાય. પગલાંનો અવાજ હજુ આવી રહ્યો હતો, પરંતુ પગલાં કોના છે તે રહસ્ય હવે રહસ્ય રહેવાનું ન્હોતું.

ક્રમશ :