રસોઇમાં જાણવા જેવું ૨ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રસોઇમાં જાણવા જેવું ૨

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૨

સં- મિતલ ઠક્કર

* રાજગરો પ્રોટીન, પુષ્કળ ફોસ્ફરસ તેમજ આયર્ન તથા અન્ય ક્ષારોનું પ્રાપ્તિસ્થાન છે. તેના ઢોકળા, ઈડલી, દહીં નાંખીને બનાવેલા થેપલા વગેરેનો ફરાળમાં જરૂર સમાવેશ કરવો.

* જામફળ ખાવા માટેનો સારામાં સારો સમય તો બપોરના ભોજન પછીનો છે. બપોરનું ભોજન લીધા બાદ એકથી બે કલાકે એકાદ જામફળ ખાવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે.

* મોટાભાગે લોકો ગાજરને કાચા ખાવાનુ પસંદ કરે છે, પરંતુ ગાજરને રાંધીને ખાવાથી તેની અંદર રહેલું બીટા કેરોટીન સારી રીતે બહાર આવે છે, જે આપણા શરીરમાં જઇ વિટામીન એમાં બદલાઇ જાય છે. તેથી ગાજરને રાંધીને ખાવી વધારે યોગ્ય રહેશે.

* ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પૂરી, પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.

* લીલા સિમલા મરચાં કરતા લાલ સિમલા મરચાંમાં ૬૦ ટકા વધુ રોગ પ્રતિકારક વિટામિન સી મળે છે. વિટામિન સી સફેદ રક્ત કણોને વધારે છે જે હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે જરૂરી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશયનના જણાવ્યા મુજબ જે લોકોના ખોરાકમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે તેમને કરચલીઓ જલદી પડતી નથી.

* પંજાબી પરાઠા બનાવવા ૨૦૦ ગ્રામ બાફેલા વટાણા, ૩૦ ગ્રામ પનીર, ૧ મોટો ખમણેલો કાંદો, ૨ નંગ ઝીણા સમારેલાં લીલા મરચાં , ૧ મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ કપ ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે જીરુ, માખણ, દેશી ઘી લઇ લો. હવે ઘઉંનો લોટ પરોઠા બને તેવો બાંધી લેવો. પનીરને છીણી લો. તેમાં બાફેલા વટાણા, છીણેલો કાંદો, લીલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું ભેળવી પૂરણ તૈયાર કરો. ઘઉંના લોટનું મોટું પરોઠું વણી લો. વચ્ચે પૂરણ ભરવું. ધીમી આંચ ઉપર ઘી લગાવીને સાંતળી લેવું. તૈયાર પરાઠા ઉપર માખણ લગાવીને સર્વ કરવું.

* ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય, તો સૌ પ્રથમ એનો રસ કરી એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.

* આહાર નિષ્ણાતોનું માનવું છે કે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિવિધ કઠોળનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ. કઠોળનો ઉપયોગ કરવાથી ત્વચા કોમળતા જળવાઈ રહે છે. આંખોની આસપાસ જોવા વધતી કાળાશ ઘટવા લાગે છે. શિયાળામાં ત્વચા બરછટ બની જતી હોય તો વિવિધ પ્રકારના કઠોળનો નિયમિત ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

* પુલાવ બનાવતી વખતે ચોખા અડધાપડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો. પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.

* એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.

* પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે ૧:૫ ના પ્રમાણમાં એમાં સોયાબીનના દાણા ઉમેરો.

* શિયાળામાં જેમ બદામ, અખરોટ, અન્ય સૂકો મેવો ધ્યાન રાખીને ખાઈએ છીએ તે જ પ્રમાણે બ્રોકોલીનો ઉપયોગ પણ વિવિધ વાનગીઓ બનાવીને કરવો જોઈએ.

* ખટાશ માટે રસોઈમાં આમલીનો ઉપયોગ હિતાવહ છે. તેની હાજરીમાં ખાદ્યના પોષકો જળવાય છે.

* સ્પ્રાઉટ્સ ડિલાઈટ બનાવવા સામગ્રીમાં ૫૦ ગ્રામ ફણગાવેલા મગ, ૫૦ ગ્રામ ફણગાવેલા કાળા ચણા, ૫૦ ગ્રામ ફણગાવેલા મસૂર, ૨૦૦ ગ્રામ ડુંગળી, ૨૦૦ ગ્રામ ટામેટાં, ૧/૨ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી આદુંની પેસ્ટ, ૧૫ મિલી લિટર તેલ, ૧/૨ ચમચી ગરમ મસાલો, મીઠું અને મરચું સ્વાદાનુસાર લઇ લો. હવે તમામ ફણગાવેલા કઠોળને કુકરમાં બાફી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની પેસ્ટ બનાવી સાંતળો. ડુંગળી સોનેરી થઈ જાય પછી આદુંની પેસ્ટ બનાવી સાંતળો. ટામેટાની પ્યૂરી નાખો. મીઠુંમરચું મિક્સ કરો. બધા ફણગાવેલ કઠોળને કઢાઈમાં ડુંગળી અને ટામેટાંની સાથે થોડું પાણી નાખી ચઢવા દો. લીંબુનો રસ નાખી ગરમાગરમ પીરસો. રાઈસ સાથે આ ડિશ વધુ ટેસ્ટી લાગે છે.

* તુલસી, મીઠો લીમડો, ફૂદીનો, નાગરવેલ તથા અળવીનાં પાન, કોથમીર અગત્યનાં લીલા પાન છે. તે કેરોટીન, વિટામિન સી, આયર્નથી ભરપૂર છે. રસોઇમાં શક્ય હોય તેટલો તેનો ઉપયોગ કરવો.

* બજારમાં બે પ્રકારના લીંબુ મળતા હોય છે. લીલા અને પીળા. પાતળી છાલવાળા લીંબુ પસંદ કરવા. લીંબુ મધ્યમ આકારના લેવા. વધુ પડતાં નાના લીંબુમાં રસનું પ્રમાણ ઓછું હોય છે.

* હવે લોકો કોબીને પણ સલાડ તરીકે ખાવાનુ વધારે પસંદ કરે છે. પરંતુ કોબીને રાંધીને ખાવાથી વધારે લાભકારી બની રહેશે. કારણ કે કાચી કોબી પચવામા ભારે હોય છે, વળી ઘણાં લોકોને કાચી કોબી ખાવાથી ગેસની સમસ્યા પણ થતી હોય છે તેથી કોબી કાચી ખાવાને બદલે રાંધીને ખાવી વધારે યોગ્ય રહેશે.

* બટાકા કાયમ મધ્યમ આકારના ખરીદવા જોઈએ. બટાટામાં અંકુર આવી ગયા હોય તેવા કે ભીના કે નરમ પડી ગયા હોય તેવા ન ખરીદો. નવા બટાટા ઉપર માટી જોવા મળે છે. નવા બટાટા વધુ દિવસ રાખવા નહીં. તેનો ઉપયોગ ઝડપથી કરી લેવો.

* વિનામૂલ્યે ખાદ્યોમાં પોષણ વધારવા અઠવાડિયામાં બે વાર ફણગાવેલી ચીજ તેમજ બે વાર આથાવાળી વાનગી ખાવાનું રાખો.

* આખા મસુરને પલાળીને રાંધી શકાય અથવા ફણગાવી પણ શકાય. ફણગાવવાથી તેમાંનું પ્રોટીન સુપાચ્ય બને છે તથા ‘બી’ જૂથનાં વિટામિનોમાં વધારો થાય છે તેમજ વિટામિન”સી” ઉત્પન્ન થાય છે. મસુરના ફણગાને લાંબા થવા દેતાં મસુર ચીકણા બની જાય છે, તેથી જેટલો ફણગો હોય તેનાથી સંતોષ માની તરત જ તેમને વાપરવા, એટલામાંય પોષકોમાં તો વધારો થશે જ. ગુજરાતી જમણમાં એકલા મસુરની દાળ ઓછી બને પરંતુ તેમને ત્રેવડીદાળ કે પંચકૂટી દાળમાં જરૂર સ્થાન આપવું. જાણીતી સ્વાદિષ્ટ વાનગી “ધાન-શાક”માં તેનું સ્થાન છે જ. દાળમૂઠનો સ્વાદિષ્ટ નાસ્તો પણ મસુરનો જ બને. તમારા સ્ટોર રૂમ એટલે કે કોઠારમાં અન્ય અનાજ, કઠોળ સાથે મસુરને પણ સ્થાન આપવું.

* ફટાફટ લસણ ફોલવા સૌપ્રથમ લસણના દળાને હાથથી જ દબાવીને બધી જ કળીઓ છૂટી પાડી દો. આ જ રીતે બધા જ લસણની કળીઓ છૂટી પાડી દો. ત્યારબાદ જે પણ ફોતરાં નીકળ્યાં હોય એમાંથી માત્ર લસણની કળીઓ અલગ લઈ લો. ત્યારબાદ એક કઢાઇમાં પાણી લઈ થોડું ગરમ કરી લો. ત્યારબાદ આ પાણીમાં લસણની બધી જ કળીઓ નાખો અને એક મિનિટ માટે આમ જ પલળવા દો. ત્યારબાદ હાથથી જેમ-જેમ મસળશો તેમ-તેમ કળીઓ પરથી ફોતરાં ફટાફટ છૂટાં પડવા લાગશે. ત્યારબાદ પાણીમાંથી કળીઓ બહાર કાઢી લો અને એક કૉટનના કપડા પર પાથરીને કોરી કરી દો અને ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

* વેફરને બાફ્યા વગર પણ બનાવી શકાય અને તેને આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય. આખા વર્ષની વેફર બનાવવા સૌપ્રથમ બટાકાંને ચોખ્ખા પાણીથી ધોઇને તેની છાલ ઉતારી પાણીમાં મૂકી દો. ત્યારબાદ વારાફરથી બધાં જ બટાકાંની ચિપ્સ બનાવી લેવી. મશીન એડજસ્ટેબલ હોય તો ચિપ્સ મિડિયમ બનાવવી. બટાકાંમાં સ્ટાર્ચ બહુ વધુ હોય છે એટલે ચિપ્સ 5-6 વાર વ્યવસ્થિત ધોઇ લેવી. ધોવાઇ ગયા બાદ તેને કોટનના ચોખ્ખા કપડાથી બરાબર લૂછી લેવી. ત્યારબાદ વેફરમાંથી પાણીનો ભાગ બરાબર સૂકાઇ જાય ત્યાં સુધી તેને સૂકાવા દેવી. ઉનાળામાં વેફરને બરાબર સૂકાતાં ત્રણેક દિવસ લાગે છે. સૂકાઇ ગયેલ વેફરને આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. વેફર એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરવી. જ્યારે પણ વેફર તળવી હોય ત્યારે એક મોટા વાસણમાં પાણી લઈ તેમાં મીઠું ઉમેરો અને મીઠાવાળા પાણીમાં વેફર ૧૫ મિનિટ પલાળી રાખો. જેથી વેફર સોલ્ટી બનશે અને ઉપર ધૂળના કણ ચોંટેલા હશે તો સાફ થઈ જશે. ત્યારબાદ તેલ બરાબર ગરમ થઈ જાય એટલે હાઇ ફ્લેમ પર વેફરને પાણીમાંથી કાઢતા જાઓ અને તળતા જાઓ. મીઠાવાળા પાણીમાં પલાળવાથી વેફર રબર જેવી થઈ જાય છે, એટલે હાથમાં લાડવો વાળીને શક્ય એટલું પાણી નીચોવી દેવું અને ભીની વેફર જ તળી લેવી. વેફર તળાતાં થોડી વાર લાગશે, ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. બટાકાં હંમેશાં મધ્યમ સાઇઝનાં ખરીદવાં. વધારે નાનાં કે મોટાં હશે તો વેફર પાડતાં નહીં ફાવે. સહેજ પીળાશ પડતાં બટાકાં ખરીદવાં. લીલાશ પડતાં બટાકાં અવોઇડ કરવાં.

* મસાલેદાર બટાકા બનાવવા સામગ્રીમાં ૫૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ શીંગદાણાનો ભૂક્કો, વઘાર માટે તેલ, જીરુ તથા મરચાંના ટુકડા તથા તલ. સ્વાદાનુસાર સાકર, લીંબુનો રસ, કોથમીર લઇ લો. હવે બટાકાને છોલી તેના કટકા કરવા પછી પેણીમાં તેલ મૂકી તેમાં જીરું અને આખા મરચાંનો વઘાર કરી બટાકા વઘારવા, તાપ ધીમો રાખવો. પછી બફાય એટલે શીંગદાણાનો ભૂકો નાખવા. એક ચમચો પાણી છાંટવું પછી તેમાં મીઠું, લીલા મરચાંના કટકા, તલ અને એક ચમચી ખાંડ નાખી હલાવી, થોેડીવાર તાપ ઉપર રાખી ઉતારી લેવી. પછી તેમાં લીંબુનો રસ નાંખવો. કોથમીર ભભરાવો, સ્વાદિષ્ટ મસાલેદાર બટાકા તૈયાર થઈ જશે.

* ઓલિવ-ઓઈલ અને નટ-ઓઈલ્સ પ્રકાશ અને ગરમીની અસરથી ખોરાં થઈ જાય છે. તેમની પોષણ ક્ષમતા પણ તેનાથી ઘટી જાય છે. આ તેલોને રેફ્રિજરેટ કરવાથી તે ડહોળા (ક્લાઉડી) થઈ જાય છે. પરંતુ તેમને ફ્રીઝમાંથી કાઢીને બહારના વાતાવરણમાં રાખવાથી તે પાછા યથાવત્ બની જાય છે.

* ચીઝ અને અન્ય પ્રાણીજન્ય ખાદ્યોની જેમ તેને પણ ફ્રીઝમાં રાખવું યોગ્ય છે. વાપરવું હોય ત્યારે તેને બહાર કાઢીને થોડી વાર રાખો. બગડી જાય તેવા ચીઝ જેવા ખાદ્યો જો બે કલાકથી વધારે સમય બહાર રહે તો તેનો નિકાલ કરી દો. ગરમીના દિવસોમાં તે બે કલાક માટે પણ બહાર રાખવા યોગ્ય નથી હોતી.

પૌંઆની ખીર બનાવવા સામગ્રીમાં ૧, ૧/૨ લીટર દૂધ, ૫૦ ગ્રામ મોટા પૌંઆ, ૧૦૦ ગ્રામ ખાંડ, થોડીક દ્રાક્ષ, ૨૫ ગ્રામ કાજૂ અને બદામના ટુકડા, ચાર એલચી, આઠથી દસ કેસરના તાંતણા લઇ રાખો. સૌપ્રથમ પૌંઆને ધોઈને પાણી નિતારી લો, મોટા પહોળા તળિયાવાળા તપેલામાં દૂધ ઊકળવા મૂકો. જ્યારે દૂધ ઊકળવા માંડે ત્યારે ધોયેલા પૌંઆ અને દ્રાક્ષ નાખો. ધીમે ધીમે હલાવો. જ્યારે ખીર ઘટ્ટ થવા માંડે એટલે સુકા મેવાના ટુકડા એમાં નાંખો. છેલ્લે ખાંડ નાંખીને ઉતારી લો, કેસરના તાંતણા ઘસીને અને એલચીનો ભૂકો નાંખો. સ્વાદિષ્ટ ખીર તૈયાર થઈ ગઈ. તમને ગમે તો હૂંફાળી ગરમ ખાઓ અથવા તો ફ્રીજમાં ઠંડી કરીને ખાઓ. બંને રીતે આ ખીર મજેદાર લાગે છે.

* મેથી-વટાણા-મરચાંનું શાક બનાવવા સામગ્રીમાં બે ઝૂડી મેથી, પોણો કિલો વટાણા, ૨૫૦ ગ્રામ ભાવનગરી મરચાં, ૧ વાટકી ચણાનો લોટ, ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણાજીરું, તળવા માટે તેલ, વઘાર માટે તેલ. રીત : મેથીની ભાજીને ઝીણી સમારવી. તેમાં ચણાનો લોટ, ગરમ મસાલો તથા સાદો મસાલો નાખવો. જરૂરિયાત પ્રમાણે મીઠું ને થોડું મોણ નાખી ભેળવવું. હાથેથી તેની લાંબી પાતળી સેવ બનાવી ગરમ તેલમાં તળવી. બાકીનો લોટ જે વધે તે મેથીવાળા પૂરણને ભાવનગરી મરચામાં એક કાપો પાડીને ભરી દેવો. સરખું તેલ મૂકીને વટાણા વઘારવા. પાણી નાખી બધો મસાલો, ગરમ મસાલો ને મીઠું નાખીને ચડવા દેવું. ઊકળે એટલે તેમાં મરચાં ને મેથીની સેવ નાખી ઉકાળવું. પાણી બધું શોષાઇ જાય અને તેલ ઉપર આવી જાય એટલે ઉપર લીંબુ નીચોવી કોથમીર ભભરાવીને પીરસવું.

* રાગી સૌથી સમૃદ્ધ અનાજ છે. રાગીના વિવિધ પ્રોટીનમાં એક ઈલ્યુસિનિન શરીરમાં ખૂબ સરળતાથી શોષાઈને એકરૂપ થઈ શકે છે. તેમાં ટ્રિપ્ટોફેન, સિસ્ટિન અને મેથિયોનાઈન જેવાં સોડમ ધરાવતા ખનિજ તત્ત્વો છે. આપણા આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વના આ ખનિજ ઘણા અનાજમાં જોવાય મળતા નથી. પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોવાથી શાકાહારી લોકો માટે તે આદર્શ છે. રાગી ખાનાર કુપોષણનો ભોગ બનશે નહીં.

* બ્રોકોલીમાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે છે જે તેનો મહત્ત્વનો પોઝિટિવ પોઈન્ટ છે. તેમાં થોડું આયર્ન પણ ખરું. ખૂબ સારા પ્રમાણમાં કેલ્શ્યિમ અને વિટામિન-સી એક જ શાકમાં હોવાથી કેલ્શ્યિમનું શોષણ પણ સરસ રીતે થાય છે. હાડકા માટે આ શાક ખૂબ ઉપયોગી છે. મેનોપોઝ પિરિયડ માટે આદર્શ. તેમાં દ્રાવ્ય પ્રકારના રેસા છે જે કોલેસ્ટેરોલને નાથવામાં સફળ રહ્યા છે. વારંવાર બ્રોકોલી ખાવાથી “કોલોન કેન્સર” (મોટા આંતરડાના છેડાના ભાગનું કેન્સર) થવાની શક્યતા ઓછી રહે છે. ન્યુટ્રિશનિસ્ટ મેથીની ભાજીને શ્રેષ્ઠ ભાજી ગણાવે છે. વારંવાર વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરો.

*મિક્સ પાપડ ચાટ બનાવવા માટે સામગ્રીમાં ૨ નંગ અડદના પાપડ, ૨ નંગ ચોખાના પાપડ, ૨ નંગ બાફેલાં બટાકાં, તળેલી બટાકાની ચીપ્સ, તળેલી મગની દાળ, ૧ નંગ ઝીણો સમારેલો કાંદો, ૧ નંગ મોટું ટમેટું, ૨ મોટી ચમચી કેરીનું છીણ, ૨ નંગ લીલા મરચાં ઝીણા સમારેલાં, સજાવટ માટે કોથમીર લઇ લો. સૌપ્રથમ પાપડને શેકી કે તળી લેવા. તેનો ચૂરો કરવો. તેમાં કોથમીર, લીલા મરચાં, બાફેલા બટાકા, બટેકાની ચીપ્સ, મગની દાળ, ઝીણો સમારેલો કાંદો, ઝીણું સમારેલું ટમેંટું, કેરીનું છીણ, ઝીણા સમારેલાં લીલા મરચાં અને કોથમીરથી સજાવીને હળવે હાથે હલાવીને તરત જ ખાવાના ઉપયોગમાં લો.

* સ્લાઈઝ ચીઝ બનાવવા એક પ્લેટમાં સૌપ્રથમ મારી બિસ્કીટ ગોઠવો. સાઈડમાં લેટ્યૂસ ગોઠવીને તેની પાંખો બનાવો. કાકડીથી આઉલની આંખો બનાવો તેની ઉપર કાળી દ્રાક્ષને કાપીને આંખોના ડોળા બનાવો. ગાજરથી નાકનો આકાર આપો. ચીઝને કટરથી કાપીને નીચલા ભાગમાં ગોઠવો. બિસ્કિટને બદલે બ્રેડ કે જીરા રાઈસથી આઉલનું પેટ બનાવી શકાય છે. સાઈડમાં લેટ્યૂસને એવી રીતે સજાવો કે જેથી તે આબેહૂબ પાંખો લાગે.

* પનીર ક્રોકેટસ બનાવવા ૧૫૦ ગ્રામ છીણેલું પનીર, ૧ નંગ બ્રેડની સ્લાઈસ, ૧ કપ પ્રોસેસ્ડ ચીઝ, ૨ નંગ લીલા મરચાં ઝીણા સમારેલાં, અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી જેલોપીનો, ૧ કપ તાજા બ્રેડ ક્રમ્સ, સ્વાદાનુસાર મીઠું, તળવા માટે તેલ લઇ લેવું. પહેલાં એક બાઉલમાં બ્રેડનો ભૂકો, છીણેલું પનીર, છીણેલું ચીઝ, મરી પાઉડર, જેલોપીનો વગેરે લઈને બરાબર ભેળવી લો. જેથી ગાંઠા ન રહે. મિશ્રણમાંથી નાના ગોળા બનાવી લો. બ્રેડ ક્રમ્સમાં રગદોળીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.