rasoima janva jevu - 4 books and stories free download online pdf in Gujarati

રસોઇમાં જાણવા જેવું ૪

રસોઇમાં જાણવા જેવું

ભાગ-૪

સં- મિતલ ઠક્કર

* પાણીપૂરી મસાલો બનાવવા ૨૫ ગ્રામ જીરુ, ૨૫ ગ્રામ ધાણા, ૨૫ ગ્રામ લાલ મરચું પાવડર, ૫૦ ગ્રામ આમચૂર પાવડર, ૧૦ ગ્રામ મરી પાવડર, ૧ ટે સ્પૂન સંચળ, ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર લઇ લો. જીરુ અને ધાણાને સુગંધ આવે ત્યાં સુધી શેકીને ઠંડા પાડો. મિક્સર જારમાં તેને બારીક પીસી લો. પછી તેને બાકીની બધી સામગ્રી સાથે મિક્સ કરીને ચાળી લો. આ મસાલાને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો. આખા વર્ષ દરમિયાન જ્યારે પણ પાણીપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે આ મસાલો આપશે અદ્દલ માર્કેટ જેવો ટેસ્ટ.

* પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ ગયા છે તો વાંધો નહિ. તમે જ્યારે કાંદાની ગ્રેવી સાંતળો છો, ત્યાર પછી મસાલો સાંતળીને ટમેટાંની જગ્યાએ દહીં વલોવીને નાંખી દો. શાક સ્વાદિષ્ટ બનશે.

* પાઉંભાજીની ભાજીમાં આખા કાશ્મીરી મરચાં થોડાંક કલાક માટે હુંફાળા પાણીમાં પલાળ્યા બાદ મિક્સીમાં પીસીને થોડું તેલ ગરમ કરીને એમાં સાંતડ્યા બાદ, સાંતડેલા કાંદા-ટમેટાંમાં ઉમેરવાથી ભાજીમાં અનેરો સ્વાદ અને રંગ આવી જશે.

* ગુલાબજાંબુમાં સ્વાદ વધારવા માવાના ગોળા વાળતી વખતે તેમાં એક એલચીનો દાણો ઉમેરવો તથા ગુલાબજાંબુ ધીમી આંચે તળવા. ચાસણીમાં એલચીનો પાવડર તથા ગુલાબની પાંખડીઓ ઉમેરો.

* જૈન પંજાબી શાક (કાંદા-લસણ વગરનું) બનાવવા કાજુ તથા ખસખસ તેમજ લીલું કોપરૂં સુધારીને સાંતળીને મિક્સીમાં પીસીને ગ્રેવી બનાવી લો. (કાજુના વિકલ્પ તરીકે મગજતરીના બીજ (સક્કરટેટીનાં બીયા) લઈ શકો છો) શાકમાં કસૂરી મેથી નાખશો તો શાક વધુ સ્વાદિષ્ટ બનશે.

* ડુંગળીના ભજીયાં બનાવવા ડુંગળીને સ્લાઈસમાં સુધારી લો. જેથી તેની ગોળ રિંગ બને. એક બાઉલમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરો. તેમાં પાણી ઉમેરીને ખીરું બનાવો. લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરો અને સાથે બેકિંગ પાઉડર પણ મિક્સ કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ખીરામાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ ડુંગળીના ભજીયાંને ટોમેટો સોસ કે ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

* ચટપટી ભેલને વધુ સ્વાદિષ્ટ બનાવવા તીખી-મીઠી ચટણીવાળી ચટપટી ભેલ બનાવો ત્યારે તેમાં કાચી કેરીના નાનાં ટુકડા સમારીને નાંખો સાથે દાડમનાં દાણાં પણ ઉમેરો તો સ્વાદ વધી જશે. ભેલને વધુ હેલ્ધી બનાવવા એમાં બાફેલી અમેરિકન કોર્ન તેમજ ફણગાવેલા મગ તથા ફણગાવેલા ચણા બાફીને નાંખી શકો છો. શિયાળામાં લીલાં પોંક પણ ઉમેરી શકો છો.

* નાસ્તો હેલ્ધી રહે એ માટે, બટેટા પૌંઆ બનાવતી વખતે વઘારમાં લીલાં વટાણાં તેમજ ઉપમા બનાવો ત્યારે વઘારમાં લીલાં વટાણાં તેમજ ગાજરનાં ટુકડાં સમારીને નાંખો તો નાસ્તામાં રંગત આવી જશે.

* સબ્જીનો કોરમા મિક્સ વેજીટેબલ વડે બનતી એક સૂકી વાનગી છે, જે ઝીરો કોલેસ્ટેરોલ છે અને ખૂબ સૌમ્ય સ્વાદ ધરાવે છે. આ ભાજી બનાવવા તમે કોઇ પણ શાકનો ઉપયોગ કરી શકો છો. અહીં તેમાં રોજ વપરાતા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેથી તમે આ કોરમા કોઇ પણ રોટી અથવા પૂરીસાથે પીરસી શકો. બનાવવા માટે સામગ્રીમાં ૧,૧/૪ કપ સમારીને બાફેલા મિક્સ શાક (ફણસી, ગાજર, લીલા વટાણા અને ફૂલકોબી), ૧ ટેબલસ્પૂન તેલ, ૧/૨ કપ સમારેલા કાંદા, ૧/૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટીસ્પૂન લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, પીસીને સુંવાળી પેસ્ટ માટે (થોડું પાણી મેળવીને), ૧/૨ કપ મોટા સમારેલા કાંદા, ૪ લીલા મરચાં, મોટા સમારેલા, ૨૫ મિલીમીટર (૧”)નો આદુનો ટુકડો લઇ લો. સૌપ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો. છેલ્લે તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો. અને તરત જ પીરસો.

* લેમન પાવડરનો ઉપયોગ કેક, પેસ્ટ્રી, કૂકિઝ કે સેલડ સર્વિંગની સાથે ફેસપેકમાં પણ થાય છે. આ સિવાય લેમન પાવડરનો ઉપયોગ કેટલીક નોનવેજ ડિશમાં થાય છે. સામાન્ય રીતે લેમન પાવડર માર્કેટમાં તૈયાર મળે છે, પરંતુ બહુ મોંઘો હોય છે. આ રેસિપીથી બહાર જેવો જ લેમન પાવડર ખૂબ જ ઓછા ખર્ચે ઘરે બનાવી શકાશે. લેમન પાવડર બનાવવા સૌપ્રથમ 500 ગ્રામ લીંબુને ધોઇને લૂછી લેવાં. લીંબુ અધકચરાં કાચાં જ લેવાં. ત્યારબાદ તેનો ઉપરનો ભાગ કાપી લો. લીંબુની ગોળ-ગોળ સ્લાઇસ કાપી લો. લીંબુના બીજ બધાં જ કાઢી લેવાં. કાપતી વખતે વધારે રસ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ કોઇ એક મોટી પ્લેટ પર કોટનનું કપડું પાથરી તેના પર ફેલાવી દો અને તડકામાં સૂકવો. ઉનાળાના તડકામાં ૩-૪ દિવસમાં જ સુકાઇ જશે. જ્યારે શિયાળાના તડકામાં ૮-૧૦ દિવસ સૂકાતાં થશે. લીંબુ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સૂકવવાં. ત્યારબાદ મિક્સર જારમાં તેને એકવાર ક્રશ કરી લો અને તેમાં બે ટેબલસ્પૂન કોર્ન ફ્લોર નાખી ફરી એકવાર ક્રશ કરી લો. આ પાવડરને ગરણીથી ચાળી લો, જેથી રેસા છૂટા પડી જશે. ત્યારબાદ રહી ગયેલા ભાગને ફરી એકવાર ક્રશ કરી ફરીથી ચાળી લો.

* તુવેર દાળ બાફતી વખતે એમાં થોડાં શિંગદાણા અને સુરણના થોડાં કટકા ઉમેરો અને જો સ્વાદ પસંદ હોય તો ૧-૨ સરગવાની શિંગ છોલીને કટકા કરીને ઉમેરશો તો દાળના સબડકા કંઈક જુદા જ લાગશે.

* પાલખ-પુલાવનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પુલાવ બનાવતા પહેલાં, પાલખને ઊકળતા પાણીમાં નાખીને તુરંત કાઢી લીધા બાદ બરફવાળા ઠંડા પાણીમાં થોડીવાર રાખી મૂકવી અથવા ફ્રીજમાં પણ મૂકી શકો છો. ત્યારબાદ પાલખની ગ્રેવી બનાવવી.

* છોલે બાફતી વખતે થોડીક (૧ ચમચા જેટલી) ચાની ભૂકી બારીક મલમલના કાપડમાં બાંધીને એની પોટલી છોલેની સાથે પાણીમાં મૂકવી. છોલેનો રંગ અને સ્વાદ વધી જશે. છોલે (કાબૂલી ચણાં) બાફતાં પહેલાં ૮-૧૦ કલાક પાણીમાં પલાળેલા હોવા જોઈએ. ચણા બફાઈ ગયા બાદ કાંદા અને કોપરાંની ગ્રેવી કરો. એમાં થોડો ફુદીનો પણ ઉમેરો. છોલે વધુ સ્વાદિષ્ટ થશે.

* મકાઈના વડાં ગરમાગરમ તો સારાં લાગે જ છે. અને પ્રવાસમાં સાથે લેવા હોય તો ઠંડાં પણ સારાં લાગે છે. આ વડાં ૨ થી ૩ દિવસ સુધી સારાં રહે છે. તે બનાવવા સામગ્રીમાં ૨ વાટકી મકાઈનો લોટ, ૨ ટે.સ્પૂન ચણાનો લોટ, ૨ કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, ૧ ટે.સ્પૂન આદુ-મરચાં-લસણની પેસ્ટ, ૧ ટે.સ્પૂન તલ, ૨ ટે.સ્પૂન દહીં, ૧ ટે.સ્પૂન છીણેલો ગોળ, ½ ટી.સ્પૂન હળદર, ૧ ટી.સ્પૂન મરચાં પાવડર, મોણ આપવા માટે ૨-૩ ટે.સ્પૂન તેલ તેમજ તળવા માટે તેલ લઇ ઉપર આપેલી બધી સામગ્રી મિક્સ કરી દો. અને લોટ બાંધી દો. મેથીની ભાજી તેમજ દહીંને લીધે લોટ બાંધતી વખતે પાણી થોડું જ નાખવું. અને લોટ બહુ કડક કે નરમ નહીં પણ મધ્યમ બાંધી દો. લોટને અડધો કલાક માટે રહેવા દો. અડધા કલાક બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. લોટમાંથી લૂવો લઈ એને હાથમાં થેપીને જાડાં વડાં બનાવી લો. અને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ વડાં ચા સાથે પીરસો. અથવા દહીં કે લીલી ચટણી સાથે પીરસો.
* દૂધી આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે. આજે જાણો હેલ્ધી અને ટેસ્ટી દૂધીની ખીચડીની રેસિપી. બનાવવા માટે સામગ્રીમાં ૨૫૦-૩૦૦ ગ્રામ દૂધી ૨-૩ ટેબલસ્પૂન ઘી, ૭-૮ લીલાં મરચાં, ૮-૧૦ લીમડાનાં પાન, ૧/૨ થી ૧ ટેબલસ્પૂન આખું જીરું, ૨-૩ ચમચી ખાંડ,
શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું. હવે સૌપ્રથમ એક ડિશમાં દૂધી ખમણી લો. હવે એક કડાઇમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરું નાખો. જીરું લાલ થાય એટલે તેમાં સમારેલાં લીલાં મરચાં અને મીઠો લીમડો નાખો. હવે દૂધીમાંથી પાણી કાઢી દૂધી કડાઇમાં નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી દો અને ચડવા દો. ત્યારબાદ થોડું આદુ નાખી હલાવી લો. દૂધી ચડી જાય એટલે તેમાં ખાંડ અને સીંગદાણાનો ભૂકો અને જરૂર પ્રમાણે લીંબુ નાખી બરાબર હલાવી લો. ત્યારબાદ બરાબર ચડી જાય એટલે કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.

* મેથીના થેપલાનો લોટ બાંધતી વખતે એમાં સમારેલી મેથીની ભાજી તેમજ દહીં, થોડો ચણાનો લોટ અને થોડો અજમો. થોડા સફેદ તલ તેમજ ધાણાજીરૂં, હળદર તેમજ મરચું, મીઠું સ્વાદાનુસાર લઈ, પાણી લીધા વગર લોટ બાંધવો (કેમ કે, ભાજી તેમજ દહીંને લીધે લોટ પાણી વગર બંધાઈ જાય છે. પણ જરૂર લાગે તે પ્રમાણે પાણી લેવું), દહીં ને બદલે છાશથી પણ લોટ બાંઘી શકો છો. થેપલા સૉફ્ટ અને ટેસ્ટી બનશે. સ્વાદમાં ફેરફાર કરવા થોડો બાજરીનો લોટ ઉમેરી શકાય છે.

* શિયાળા અને ચોમાસામાં તો કોથમીર ભરપૂર મળી રહે છે, પરંતુ ઉનાળામાં કોથમીર મળવી મુશ્કેલ હોય છે, અથવા તો ખૂબજ મોંઘી હોય છે. એવી ઘણી વાનગીઓ હોય છે, જે કોથમીર વગર અધૂરી રહે. કોથમીર જ્યારે સરળતાથી સસ્તી મળતી હોય ત્યારે કોથમીરનો પાવડર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય. કોથમીરની ઝૂડીને પાણીથી ધોઇને ચારણીમાં નીતારી કોરી કરી દો. ત્યારબાદ પાન સાથે પાતળી-પાતળી દાંડલીઓ લઈ લો. જાડી દાંડલીઓ દૂર કરી દો. ત્યારબાદ એક પેપર બેગ લો અને બેગમાં વચ્ચે-વચ્ચે નાનાં-નાનાં કાણાં પાડી દો. ત્યારબાદ કોથમીરને બેગમાં ભરી નીચેથી પેક કરી કોઇ ગરમ જગ્યાએ લટકાવી દો. સીધા તડકામાં ન સુકવવી. કોથમીર એકદમ સુકાઇ જાય ત્યાં સુધી સુકવવું. કોથમીરને ઉપર-નીચે બંને જગ્યાએથી હવા મળે તેવી ખુરશી હોય તો તેના પર પાથરીને સુકવી દો. કોઇ કપડા પર પાથરીને ઘરમાં જ સૂકવી રાખો. સીધા તડકામાં ન સુકવવી. કોથમીર સુકાઇ જાય ત્યારબાદ હાથથી મસળીને પાવડર બનાવી લો. તમે ઇચ્છો તો તેને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. ઈન્સ્ટન્ટ પાવડર બનાવવો હોય તો કોથમીરને સાફ કરી માઇક્રોવેવપ્રૂફ પ્લેટમાં લો. ત્યારબાદ બે મિનિટ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. ત્યારબાદ બહાર કાઢી તેને એકવાર ઉથલ-પાથલ કરી ફરી ત્રણ મિનિટ માટે હાઇપાવર પર માઇક્રોવેવમાં ગરમ કરો. કોથમીર એકદમ ડ્રાય થઈ જશે . ત્યારબાદ તેનો પાવડર બનાવી લો.

* સ્ટફ્ડ ખાંડવી ખાવી હોય તો બટેટાને બાફીને ખમણીને એમાં આદુ-મરચાંની પેસ્ટ તથા લીંબુ અથવા આમચૂર પાઉડર, મીઠું સપ્રમાણ લઈ બધું મિક્સ કરી લો. હવે ખાંડવી માટે કડાઈમાં ચણાનો લોટ, હળદર, મીઠું તેમજ આદુ-મરચાંની પેસ્ટ છાશમાં મિક્સ કરો અને ગેસ પર મૂકો. ખાંડવી તૈયાર થાય એટલે ખાંડવીનું મિશ્રણ તેલ લગાડેલી થાળી ઉપર પાતળું પાથરો. આ મિશ્રણ ઠંડું થવા દો. ખાંડવીનો રોલ વાળતાં પહેલાં કોથમીરની ચટણી તેના ઉપર ચોપડીને તેની ઉપર હળવા હાથે બટેટાંનું પુરણ પાથરી દો અને ત્યારબાદ ખાંડવીનો રોલ વાળો. અને કટકા કરો. બટેટાને બદલે લીલા વટાણા બાફીને કે ગાજર ખમણીને સાંતડીને લઈ શકો છો. અથવા ચટણી ચોપડીને ઉપર કોપરૂં, પનીર/ચીઝ ખમણીને એમાં પાથરી શકો છો. ખાંડવીનો વઘાર તેલમાં તલ અને રાઈથી કરવો

* લીલા મરચાનું અથાણું બનાવવા ૧ કપ પાતળી સ્લાઈસમાં સમારેલા ભાવનગરી મરચા, ૨ ચમચા જીરૂ, ૧/૨ ચમચી આખા મરી, ૧/૪ ચમચી સુંઠ, ૧/૨ ચમચી અજમો,૧,૧/૨ ચમચો ગોળનો ભુક્કો, ૧ ચમચો લીંબુનો રસ, ૧ ચમચી તેલ, ૧/૮ ચમચી મીઠું લઇ લો. હવે એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાને 2-3 મિનીટ સાંતળો પછી તેને ગેસ પરથી ઉતારી લો. નોનસ્ટીક પેનમાં જીરૂ, મરી અને અજમાને મિક્સ કરીને શેકી લો. શેકાઈ જાય એટલે તેને ઠંડા કરીને તેનો પાઉડર બનાવી લો. આ પાઉડરમાં સુંઠ, ગોળ, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરો. તેમાં સાંતળેલા મરચા મિક્સ કરી દો અને ૩-૪ કલાક મેરિનેટ થવા દો. પછી તેને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો. આ અથાણું તમે ૨-૩ દિવસ સુધી ખાઈ શકો છો.

* તવા મસાલાને ભરવા મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મસાલો ફ્રાય શાક માટે કે ભરવા શાક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના ઉપયોગથી શાક બનશે સ્વાદ અને સુગંધથી ભરપૂર. આ મસાલો બનાવવો ખૂબજ સરળ છે. સામગ્રીમાં ૬ ચમચી વરિયાળી, ૪ ચમચી આખા ધાણા, ૨ ચમચી મેથી દાણા, ૨ ચમચી જીરું, ૨ ચમચી આમચૂર પાવડર, ૧ ચમચી હળદર, ૧ ચમચી કાળામરી, ૩-૪ આખાં લાલ મરચાં, ૮-૧૦ લવિંગ, ૨ ઈંચ લવિંગનો ટુકડો, પા ચમચી હિંગ, ૧૦ મોટી ઈલાયચી લઇ લો. સૌપ્રથમ મોટી ઇલાયચીને છોલી લો. ત્યારબાદ વરિયાળી, ધાણા, જીરું અને મેથી દાણાને બે મિનિટ ધીમી આંચે શેકી લો. ત્યારબાદ અંદર લવિંગ, કાળામરી, લાલ મરચું અને તજ નાખી ફરી એક મિનિટ શેકી લો. ગેસ બંધ કરી મસાલા ઠંડા પડવા દો. ત્યારબાદ મસાલાને મિક્સર જારમાં નાખો. ત્યારબાદ અંદર ઇલાયચી, હિંગ, આમચૂર પાવડર અને હળદર એડ કરી કકરો પીસી લો. તૈયાર છે તવા મસાલો.

* કોથમીર વડી મહારાષ્ટ્રની જાણીતી પરંપરાગત વાનગી છે. કોથમીર વડી ખૂબ જ હેલ્ધી વાનગી છે. ગરમા-ગરમ કોથમીર વડી બ્રેકફાસ્ટ અને ડીનર બંને માટે બેસ્ટ ચોઇસ છે. શિયાળામાં ગરમા-ગરમ ચા-કૉફી સાથે ખાવાની મજા જ અલગ છે. કોથમીર વડી બનાવવા ૧ કપ ચણાનો લોટ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચો આમલીનો પલ્પ, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૨ ચમચા ઝીણી સમારેલી કોથમીર, ૪ ચમચા તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, શેકવા માટે તેલ લેવું. સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, કાજુ, હળદર, મરચું, આમલીનો પલ્પ, લીલાં મરચાં, કોથમીર અને મીઠું લઈ બરાબર મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એક પૅનમાં ચાર ચમચા તેલ ગરમ કરો. એમાં તૈયાર કરેલું ખીરું ઉમેરી હલાવો. ૧૫થી ૨૦ મિનિટ માટે ધીમા તાપે સતત હલાવતા રહો. મિશ્રણ જાડું થાય એટલે ગૅસ પરથી નીચે ઉતારી લો. આ મિશ્રણને એક થાળીમાં તેલ લગાવી પાથરી દો. ઠંડું થાય એટલે ચોરસ ટુકડામાં કાપી લો. હવે એક પૅન ગરમ કરી એમાં બનાવેલી વડીઓને તેલ લગાવી બન્ને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

* પાણીપૂરી મસાલો બનાવવા ૨૫ ગ્રામ જીરુ, ૨૫ ગ્રામ ધાણા, ૨૫ ગ્રામ લાલ મરચું પાવડર, ૫૦ ગ્રામ આમચૂર પાવડર, ૧૦ ગ્રામ મરી પાવડર, ૧ ટે સ્પૂન સંચળ, ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર લઇ લો. જીરુ અને ધાણાને સુગંધ આવે ત્યાં સુધી શેકીને ઠંડા પાડો. મિક્સર જારમાં તેને બારીક પીસી લો. પછી તેને બાકીની બધી સામગ્રી સાથે મિક્સ કરીને ચાળી લો. આ મસાલાને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો. આખા વર્ષ દરમિયાન જ્યારે પણ પાણીપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે આ મસાલો આપશે અદ્દલ માર્કેટ જેવો ટેસ્ટ. (તમામ સોર્સ વેબ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED